'પાણીમાં અનાજ, ફ્રીઝ, ટીવી બધું બગડી ગયું, ગંદકીને કારણે રોગચાળાની બીક છે,' સુરતમાં ખાડી પૂરે લોકોની કેવી હાલત કરી?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા, સુરત
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સુરતમાં બે દિવસ સુધી ભારે વરસાદ પડ્યા પછી બુધવારથી વરસાદ અટકી ગયો હતો અને મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયાં છે. જોકે, હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે, જેના કારણે સ્થાનિકો પોતાની હાલત અત્યંત ખરાબ હોવાની ફરિયાદ કરી રહ્યા છે.

સુરતમાં લિંબાયત વિસ્તાર નજીક મીઠી ખાડી પણ આવો જ એક વિસ્તાર છે, જ્યાં ગુરુવારે બપોરે પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલાં હતાં અને દુર્ગંધ ફેલાયેલી હતી. નજીકમાંથી પસાર થતી ખાડીમાંથી ધસમસતું પાણી પસાર થઈ રહ્યું છે અને તેની સપાટી ઊંચી હોવાના કારણે ગટરના પાણી બૅક મારી રહ્યાં છે.

બીબીસીની ટીમે ગુરુવારે મીઠી ખાડી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ત્યાંના લોકોએ કહ્યું કે ત્રણ દિવસ સુધી તેમનાં મકાનો પાણીમાં ડૂબેલાં હતાં. આજે સવારે પાણી ઘટ્યા પછી તેમણે જાતે સાફસફાઈ શરૂ કરી છે. જોકે, શેરીઓમાં હજુ પણ ગંદાં પાણી ભરાયેલાં છે. સ્થાનિકોનો દાવો છે કે મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી કોઈ સાફસફાઈ માટે આવ્યું ન હોવાથી તેઓ જાતે જ રસ્તા સાફ કરી રહ્યા હતા.

અહીં વસતાં મરિયમ નામનાં એક મહિલાએ જણાવ્યું કે, "ત્રણ દિવસથી આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે. તમામ મકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે ફ્રીઝ, ટીવી, અનાજ સહિતનો સામાન ખરાબ થઈ ગયો છે. લોકો પોતાના ઘરનો ખરાબ થઈ ગયેલો સામાન રસ્તા પર ફેંકી રહ્યા છે."

લિંબાયત અને બીજા વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી જે હાલત હતી, તેમાં હજારો વાહનોમાં પાણી ભરાઈ જવાના કારણે ખરાબ થઈ ગયાં હોવાની ફરિયાદ ઊઠી રહી છે. આજે અહીં મોટી સંખ્યામાં લોકો પોતાના મોટરસાઇકલો અને ઓટો રિક્ષા રિપૅર કરાવવા માટે ગૅરેજવાળા પાસે પહોંચતા જોવા મળ્યા હતા.

મીઠી ખાડી વિસ્તારમાં ભોંયરામાં તો પાણી ભરાયાં જ હતાં, સાથે જ લોકોની ફરિયાદ છે કે રસ્તાથી પાંચ ફૂટ ઊંચે હોય તેવી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં અને મોટા ભાગનો માલસામાન ખરાબ થઈ ગયો છે.

સ્થાનિકોની ફરિયાદ છે કે આ વિસ્તારમાં રહેતા લોકોને હાલમાં પીવાના પાણીનો કોઈ પુરવઠો મળતો નથી, જેના કારણે તેમણે બૉટલો ખરીદીને કામ ચલાવવું પડી રહ્યું છે.

સફીનાબહેન નામનાં એક મહિલાએ જણાવ્યું કે "તંત્ર તરફથી કોઈ મદદ ન મળવાના કારણે લોકોએ જાતે જ સફાઈ શરૂ કરી દીધી છે. જોકે, ગંદકી એટલી બધી છે કે તેનો નિકાલ ક્યાં કરવો તે એક સમસ્યા છે."

તેમનું કહેવું છે કે સામાન્ય રીતે તેમના વિસ્તારમાં આટલી પાણી ભરાતું નથી, પરંતુ નજીકમાં જ ખાડી પસાર થાય છે, જેમાં પાણીની સપાટી વધી જવાને કારણે અહીંના પાણીનો નિકાલ થઈ શક્યો નથી.

અહીં વસતા લોકોએ એમ પણ કહ્યું કે ત્રણ દિવસથી જે સ્થિતિ છે તેનો ઉકેલ નહીં આવે તો અહીં રોગચાળો પણ ફેલાવાની શક્યતા છે. કારણ કે ઘરમાંથી ગંદકી સાફ કરવા માટે પણ તેમની પાસે ચોખ્ખું પાણી નથી અને શેરીઓમાં ગંદા પાણી વહી રહ્યા છે, જેમાં ગટરનું પાણી પણ ભળી ગયું છે.

અહીં શેરીઓમાં જે કાટમાળ અને બીજો કચરો એકઠો થયો છે, તેનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. મોટા ભાગના લોકો બધો કચરો મુખ્ય રસ્તા પર ઠાલવતા જોવા મળ્યા હતા જેના કારણે આરોગ્યને લગતી પણ સમસ્યા પેદા થવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.

સુરતમાં ભારે વરસાદને પગલે પાંડેસરા, ઉધના, સચીન જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં અને કરોડો રૂપિયાનો માલસામાન બરબાદ થઈ ગયો હોવાની ફરિયાદો છે.

સુરતના રેલવે સ્ટેશન નજીક આવેલા એક શૉપિંગ કૉમ્પ્લેક્સમાં પણ પાણી ભરાયાં હતાં, જેના કારણે મોબાઇલ ફોનનું વેચાણ કરતા વેપારીઓએ ભારે નુકસાન સહન કરવું પડ્યું હોવાની ફરિયાદ છે. બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેમને 100 ટકા નુકસાન થયું છે અને બેથી ત્રણ મહિના સુધી વેપાર સામાન્ય નહીં થાય તેમ લાગે છે.

દરમિયાન સુરતમાં ભારે વરસાદ બંધ થયાના બીજા દિવસે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ શહેરની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં."

તેમણે કહ્યું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે રિવ્યૂ બેઠક કરવામાં આવી છે. મુખ્ય મંત્રીએ મહાનગરપાલિકાને તાત્કાલિક અસરથી આ બાબતે પ્લાન કરીને આ કામગીરી પૂરી કરવા કહ્યું છે.

ભવિષ્યમાં આ બાબતે પ્રશ્ન આવશે તો અધિકારી પર પગલાં ભરવામાં આવશે."

સુરતમાં વરસાદ દરમિયાન ઘણી જગ્યાએ રોડ તૂટી ગયાના બનાવો બન્યા હતા. આ વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે, "નવી કામગીરીમાં કોઈ બેદરકારી હોય, નવા રોડ તૂટ્યા હોય તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવાની સૂચના અધિકારીઓને આપી છે."

પાણી ભરાવાને કારણે શહેરમાં માલસામાનને પણ ભારે નુકસાન થયું છે અને લોકો સરકાર પાસે વળતરની અપેક્ષા રાખ રહ્યા છે. આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "જિલ્લા વહીવટી તંત્ર આ મામલે એકલું કામ કરશે તો કેશડોલ પહોંચાડવામાં વાર લાગી શકે છે, તેથી તમામ વિભાગોને સાથે રહીને કામ કરવાની સૂચના અપાઈ છે."

તેમણે કહ્યું કે, "દુકાનોમાં અને ઘરોમાં જે નુકસાન થયું છે તેનો સર્વે પૂર્ણ કરવાના આદેશ અપાયા છે. નુકસાન મામલે રાજ્ય લેવલની એક બેઠક બોલાવવામાં આવશે અને તેમાં નિર્ણય કરવામાં આવશે."

તેમણે કહ્યું કે, "ભવિષ્યમાં ખાડીને કારણે સુરતમાં પૂર ન આવે તે માટે ફુલ પ્લાન બનાવવાની સૂચના અપાઈ છે. ખાડી માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનાં હોય તો કામગીરી ઝડપથી કરવાની સૂચના અપાઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.