You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંજુ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સામેલ, કેમ થયો વિવાદ?
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
"સંજુ સેમસન અંગે લેવાઈ રહેલા નિર્ણયોને મામલે હું ઘણો ચિંતિત છું."
"મને દુઃખ છે કે, તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે, તેને આરામ આપવામાં આવ્યો છે. હું ઘણા સમયથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું અને 'આરામ આપવા'નો અર્થ સારી રીતે સમજુ છું."
ઝિમ્બાબ્વેની ટૂર માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં સંજુનું નામ જોવા ન મળ્યા બાદ પ્રસિદ્ધ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ એક વીડિયો પોસ્ટ કરીને કંઈક આવી રીતે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
"ભારતીય ક્રિકેટ ટીમ ફરી પાછી એ જ ભૂલ કરવા જઈ રહી છે, જે તેણે ટી20 વર્ડ કપમાં કરી હતી. તે સમયે, અભિષેક શર્મા અને ઈશાન કિશન ઈનિંગની શરૂઆત કરી રહ્યા હતા અને હરીફ ટીમો ઑફ-સ્પિનરોને ઉતારીને તેમને ઘણા સસ્તામાં આઉટ કરી રહી હતી. દક્ષિણ આફ્રિકા સામે હાર્યા પછી ફેરફાર કરવામાં આવ્યો અને સંજુ સેમસનને તક મળી."
"અભિષેક અને વૈભવ સૂર્યવંશી લાંબા ગાળા સુધી ભારતના ઓપનર રહી શકે નહીં. ઇનિંગ શરૂ કરવા માટે તમારી પાસે એક જમોડી બૅટ્સમૅન હોવો જ જોઈએ અને સંજુ સેમસન તે માટે એકદમ પરફેક્ટ ખેલાડી છે. ઓપનિંગ માટે ડાબા-જમણાનું કૉમ્બિનેશન હોવું જરૂરી છે. અભિષેક અને વૈભવ, બંનેમાંથી કોઈ એકે ત્રીજા નંબરે બેટિંગ માટે ઊતરવું પડશે."
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બૅટ્સમૅન મોહમ્મદ કૈફે તાજેતરમાં જ સંજુ સેમસનના સમર્થનમાં ઉપરોક્ત નિવેદન આપ્યું છે.
કારણ કે, પહેલાં તો વૈભવ સૂર્યવંશીને તક આપવા માટે સંજુ સેમસનને પડતા મૂકવામાં આવ્યા અને એ બાદ હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ થયેલી ટીમમાંથી પણ તેમને બહાર રાખવામાં આવ્યા છે.
સંજુ સેમસનને અંગે આટલી બધી ચર્ચા શા માટે થઈ રહી છે?
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં સંજુ સેમસનના શાનદાર દેખાવને જોતાં આ નિર્ણય સામે સવાલો ઊઠવા સ્વાભાવિક છે. વર્લ્ડકપની છેલ્લી ત્રણ મૅચોમાં સંજુએ 97 (અણનમ), 89 અને 89 રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. જેના કારણે તેમણે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ ઍવૉર્ડ પણ જીત્યો હતો. એ પછી આઇપીએલમાં તેમણે બે સદી ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની મૅચોમાં 5, 0 અને એકનો સ્કોર કર્યા પછી વૈભવને સમાવવા માટે તેમને પ્લેઇંગ 11માંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત, ચાલુ માસમાં ઝિમ્બાબ્વે સામે રમાનારી ટી20 સિરીઝ માટેની ટીમમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા નથી.
ભારતીય ટીમ મંગળવારે ઇંગ્લૅન્ડ સામેની ટી20 મૅચ હારી ગઈ હતી. અને હવે પાંચ મૅચોની સિરીઝમાં તે 2-0થી આગળ છે. સિરીઝની પ્રથમ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી.
સતત ચોથી હાર પછી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને સંજુ સેમસન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું, "સંજુ સેમસન સમક્ષ સ્થિતિની સ્પષ્ટતા કરી દેવી જોઈતી હતી, જે હું કરી ચૂક્યો છું અને આ વાતચીત હેડ કોચ અને ખેલાડી વચ્ચેની છે. સ્વાભાવિક છે કે, અમારી વચ્ચે શું વાતચીત થઈ, તે અમે તમને નહીં જણાવીએ."
ગંભીરે કહ્યું હતું કે, વર્લ્ડકપ દરમિયાન સંજુએ જે પ્રદર્શન કર્યું, તે અદ્ભુત હતું, પણ કેટલીક વખત અમારે ખેલાડીના ફૉર્મ પર પણ ધ્યાન આપવું પડે છે. સંજુ આ સિરીઝમાં પુનરાગમન કરશે કે નહીં, તે અંગે કોઈ 'હાર્ડ ઍૅન્ડ ફાસ્ટ રૂલ' નથી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરિણામો ઘણાં મહત્ત્વનાં હોય છે. પરિણામ માટે યોગ્ય લાગે, એવા કૉમ્બિનેશન પ્રમાણે અમે ખેલાડીઓને રમાડીશું. હું શરૂઆતથી જ માનતો આવ્યો છું કે, દરેક ખેલાડીએ પોતાનું સ્થાન જાતે ઊભું કરવું પડે છે."
'દર વખતે સંજુનો જ ભોગ કેમ લેવાય છે?'
પસંદગીકારો અને ટીમ મૅનેજમેન્ટ સામે પણ સવાલો થઈ રહ્યા છે, કારણ કે, તેમણે વર્લ્ડકપ જીતનારી ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટને બહાર રાખ્યા છે અને ધાર્યાં પરિણામો મળી રહ્યાં નથી.
વર્લ્ડકપ પછી ભારતીય ટીમ તેણે રમેલી ચારેય મૅચો હારી ગઈ છે, જેમાં આયર્લૅન્ડ સામે 2-0થી થયેલી હારનો પણ સમાવેશ થાય છે. ભારત અગાઉ ક્યારેય આયર્લૅન્ડ સામે હાર્યું નહોતું.
શ્રેયસ અય્યરને સૂર્યકુમાર યાદવના સ્થાને કૅપ્ટન તરીકે લાવમાં આવ્યા છે અને તેમણે કપ્તાનપદ સંભાળ્યું, ત્યારથી જ ટીમને ફટકા પડી રહ્યા છે. ટીમના દેખાવથી તેઓ પણ નાખુશ દેખાયા હતા.
અય્યરે મૅચ પછી કહ્યું હતું, "મને લાગે છે કે, અમારું પર્ફૉર્મન્સ ઘણું જ નબળું હતું. સાચું કહું તો, મારી પાસે આનાથી બહેતર બીજા શબ્દો નથી. આટલા વધુ માર્જિનથી હારી જવું બિલકુલ અસ્વીકાર્ય છે. સૌથી પહેલાં તો, અમારે આ હાર સ્વીકારવી પડશે અને એ પછી શરૂઆતથી વિચારીને સમજવું પડશે કે, ભૂલ ક્યાં થઈ."
ઇંગ્લૅન્ડ સામેની બીજી અને ત્રીજી ટી20 મૅચમાં સંજુ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશીને લેવામાં આવ્યા હતા. બંને મૅચોમાં વૈભવે અનુક્રમે 14 અને 13 રન નોંધાવ્યા હતા.
નિષ્ણાતો જણાવે છે કે, હવે જ્યારે વૈભવને ટીમમાં સ્થાન મળી ચૂક્યું છે, ત્યારે તેમને આગળ પણ રમાડવા જોઈએ, પણ તેમને રમાડવા માટે સંજુ સેમસનને બાકાત નહોતા રાખવા જોઈતા.
વરિષ્ઠ સ્પૉર્ટ્સ પત્રકાર મીનાક્ષી રાવે બીબીસીને જણાવ્યું હતું કે, સંજુ સેમસનને ઇંગ્લૅન્ડ સામે રમાડવા જોઈતા હતા અને ઝિમ્બાબ્વે સામેની ટીમમાં પણ તેમને સામેલ કરવા જોઈતા હતા.
મીનાક્ષીએ કહ્યું હતું, "કદાચ ટીમ મૅનેજમેન્ટ ઝિમ્બાબ્વે ટૂરમાં પોતાના વધારાના ખેલાડીઓની ક્ષમતા ચકાસવા માગે છે. આ ટીમ હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે, તૈયાર થઈ રહી છે. પણ સંજુને ઝિમ્બાબ્વે સામે રમાડવા જોઈતા હતા અને તેમની સાથે બે કે ત્રણ યુવા ખેલાડીઓનો સામેલ કરવા જોઈતા હતા."
તેમણે આગળ કહ્યું હતું, "સંજુ વિશેની સારી બાબત એ છે કે, તેઓ એકથી પાંચ નંબર સુધીના કોઈ પણ ક્રમે બેટિંગ કરી શકે છે. મિડલ ઑર્ડરમાં પણ તેઓ સારું રમી શકે છે. તેઓ શ્રેષ્ઠ મનોબળ અને અનુભવ ધરાવે છે. જ્યારે ટૉપ ઑર્ડર નિષ્ફળ જાય, ત્યારે મિડલ ઑર્ડરમાં કોણ? તો તે યાદીમાં સંજુ મોખરે છે. મને લાગે છે કે, આ ટૂર મૅચ જીતનારી ટીમ ઊભી કરવાને બદલે ખેલાડીઓની ચકાસણી કરવા માટે છે."
મીનાક્ષી કહે છે કે, જ્યારે પણ વધારાના ખેલાડીઓની ક્ષમતા ચકાસવાની હોય કે પછી કોઈ નવા ખેલાડીને ટીમમાં સ્થાન આપવાનું હોય, ત્યારે હંમેશાં સંજુ સેમસનની બાદબાકી કરવામાં આવે છે, જે યોગ્ય નથી. ઈશાન કિશનને ટીમની બહાર રાખી શકાયા હોત.
વૈભવ સૂર્યવંશી વિશે તેમણે કહ્યું હતું કે, વૈભવ એક અત્યંત આશાસ્પદ ખેલાડી છે અને ટી20ના ફૉર્મેટ માટે એકદમ યોગ્ય જણાય છે, પણ તેમને આયર્લૅન્ડ સામે રમાડવા જોઈતા હતા, જે તેમના માટે એક સૉફ્ટ લૉન્ચ (સરળ શરૂઆત) રહ્યું હોત. વૈભવને સીધા જ ઇંગ્લૅન્ડની સામે અને તે પણ ઇંગ્લિશ કંડશનમા ઉતારવા, આ વાતથી મુશ્કેલી તો પડવાની જ હતી.
'સેમસન ક્યારેક ટીમની અંદર, તો ક્યારેક ટીમની બહાર'
હવે જ્યારે વૈભવ સૂર્યવંશી ટીમમાં સામેલ છે, ત્યારે શું તેમને ટીમમાંથી બહાર બેસાડીને સંજુને સ્થાન આપવું જોઈએ કે પછી બંનેને તક મળવી જોઈએ? તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "જો વૈભવને ટીમમાં સામેલ કરી દેવાયા હોય, તો પછી હવે તેમને બહાર ન બેસાડવા જોઈએ. પણ સંજુ સેમસનને ક્યારેક ટીમમાં સામેલ કરવા અને ક્યારેક ટીમમાંથી બહાર રાખવાને બદલે ટીમમાં જાળવી રાખવા જોઈએ. વૈભવને ચકાસવા માટે અન્ય કોઈ પણ ખેલાડીને પણ પડતા મૂકી શકાયા હોત."
આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ, બંને સામેની મૅચોમાં પાવરપ્લેમાં વિકેટો ગુમાવવી, એ પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે નુકસાનકારક નીવડ્યું છે.
અનુભવી સ્પૉર્ટ્સ પત્રકાર અને લેખક અયાઝ મેમણ જણાવે છે કે ટીમના ટૉપ ઑર્ડરનું પર્ફૉર્મન્સ બરાબર નથી. અભિષેક શર્માએ કેટલીક મૅચોમાં સારો દેખાવ કર્યો છે, પણ તેમની રમતમાં સાતત્ય જોવા મળતું નથી.
મેમણે બીબીસીને કહ્યું હતું, "ઇંગ્લૅન્ડમાં સ્થિતિ સાવ જુદી છે. બૉલરોને મદદ મળી રહી છે. ભારતીય ટીમ હજુ સેટ થઈ નથી અને આયર્લૅન્ડ સામેનો પરાજય એ સ્પષ્ટપણે દર્શાવે છે. સમસ્યા ત્યાંથી જ શરૂ થઈ હતી. ટીમનો આત્મવિશ્વાસ પણ ડગી ગયો છે."
તેમણે આગળ જણાવ્યું હતું, "સમસ્યા એ છે કે, દેશ પાસે અઢળક પ્રતિભાશાળી ખેલાડીઓ છે, આથી કોઈને કોઈએ તો બહાર બેસવું જ પડશે. જ્યારે વૈભવ સૂર્યવંશીને આયર્લૅન્ડ સામેની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા, ત્યારે ભારે હોબાળો થયો હતો કે, તેમને શા માટે રમવા નથી દેવાતા? ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કપ્તાન માઇકલ વોને તો એવો સવાલ પણ કર્યો હતો, 'જો તેઓ તેને અત્યારે નહીં રમાડે, તો ક્યારે રમાડશે?'"
મેમણ પણ એ વાત સાથે સંમત છે કે, જ્યારે પણ ટીમમાં કોઈ ફેરફાર થાય, ત્યારે પહેલો ભોગ સંજુ સેમસનનો જ લેવાય છે. તેમણે કહ્યું હતું, "વર્લ્ડકપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનનારા ખેલાડીને ઝિમ્બાબ્વેની ટૂરમાં પડતો મૂકવામાં આવ્યો છે. કોઈ પણ ખેલાડી વિચારશે કે, જ્યારે તેઓ તેમના શ્રેષ્ઠ ફૉર્મમાં હોય છે, ત્યારે તેમણે શક્ય તેટલું વધારે રમવું જોઈએ, પણ સંજુ ટીમની બહાર છે."
અયાઝ મેમણ કહે છે કે, ઇંગ્લૅન્ડની ટીમે ભારતના ટોચના ચાર બૅટ્સમૅન માટે સારી તૈયારી કરી છે, જે તેમની બૉલિંગ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. ભારતીય બૅટ્સમૅનો આઇપીએલમાં રમવા ટેવાયેલા છે, જેમાં પીચ અને પરિસ્થિતિ જુદી હોય છે. તે ફૉર્મેટ ઇંગ્લૅન્ડમાં લાગુ પાડી શકાય નહીં.
તેમણે કહ્યું હતું, "ભારતની ટીમ તેના ઘરઆંગણે વર્લ્ડકપ જીતી હતી. પણ જ્યારે પરિસ્થિતિ જુદી હોય, તેવા સમયે ટીમનું પર્ફૉર્મન્સ દર્શાવે છે કે ટીમ કેટલી મજબૂત છે. ચૅમ્પિયન ટીમની ઓળખ એ છે કે, તે જ્યાં પણ રમે ત્યાં તેનું પર્ફૉર્મન્સ એકધારું રહે છે. વધુમાં, આપણે માત્ર બૅટ્સમૅનોના માથે જ માછલાં ધોઈ રહ્યા છીએ, પણ બૉલરોનો દેખાવ પણ ઘણો નબળો રહ્યો છે, જેમ કે, રવિ બિશ્નોઈ."
ત્રીજી ટી20 મૅચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું હતું, જે ભારતની સૌથી મોટી હાર હતી. ઇંગ્લૅન્ડના 201ના જવાબમાં ભારતની ટીમ માત્ર 76 રનમાં જ સમેટાઈ ગઈ હતી. 52 રને જ્યારે પાંચમી વિકેટ પડી, એ સમયે હર્ષિત રાણા બેટિંગ કરવા આવ્યા હતા. તે સમયે દિનેશ કાર્તિક કૉમેન્ટ્રી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું, "શું તમે ખરેખર ગંભીર છો? શિવમ દુબેની પહેલાં હર્ષિત રાણા? શું ટીમને દુબે પર એટલો વિશ્વાસ નથી કે આ તબક્કે તમને રમવા મોકલે? તેને બદલે હર્ષિતને પહેલાં મોકલ્યા છે. મને આ નિર્ણય સાચો નથી લાગતો." જોકે, થોડી વાર પછી બેટિંગ કરવા આવેલા દુબે પણ નિષ્ફળ રહ્યા હતા.
હર્ષિત રાણા વિશે પૂછવામાં આવતાં અયાઝ મેમણે કહ્યું હતું કે, ટીમ તેમને એક ઑલ-રાઉન્ડર તરીકે જુએ છે. હર્ષિત સારી બૉલિંગ કરે છે અને નીચેના ક્રમે આવીને સારા શોટ્સ પણ મારી શકે છે. તેઓ હજુ તેમના પ્રારંભિક તબક્કામાં છે, આથી તેમની કઠોર ટીકા કરવી યોગ્ય નથી.
કેવળ ત્રણ મૅચોના આધારે સંજુ અંગે આ નિર્ણય લેવો કેટલો યોગ્ય?
હર્ષા ભોગલેએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે ટીમમાંથી સંજુ સેમસનની બાદબાકી સામે સવાલ ઉઠાવ્યો હતો અને તેનો જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, "શું સંજુ સેમસનને બાકાત રાખવા જોઈતા હતા? જવાબ છે, બિલકુલ નહીં."
તેમણે કહ્યું હતું, "આપણે સૌ ટી20 વર્લ્ડકપની વાર્તા જાણીએ છીએ. મૅચ જિતાડવામાં સંજુએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક તેજસ્વી ટીમ પ્લેયર છે અને તેમણે કદી પણ વ્યક્તિગત રેકૉર્ડ બનાવવા તરફ ધ્યાન આપ્યું નથી. તેમને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ તરીકે નવાજવામાં આવ્યા હતા. અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનનારા ખેલાડીને ફક્ત ત્રણ મૅચોના પ્રદર્શનના આધારે ટીમમાંથી બહાર બેસાડી શકાય નહીં."
સેમસનનું પર્ફૉર્મન્સ સાતત્યપૂર્ણ ન હોવાની દલીલ સ્વીકારવા હર્ષા ભોગલે તૈયાર નથી.
તેઓ કહે છે, "શું કેવળ ત્રણ મૅચોના આધારે આ નિર્ણય લેવો યોગ્ય છે? તમે જાણો છો કે, જ્યારે સંજુ સેમસન ફૉર્મમાં હોય ત્યારે તેઓ શું કરી શકે છે, આથી તેમને સમર્થન મળવું જોઈતું હતું."
ભોગલેએ કહ્યું હતું, "માત્ર ત્રણ મૅચોના આધારે સંજુને પડતો મૂકી દેવાથી ટીમના અન્ય ખેલાડીઓ ઉપર કેવી અસર પડશે? શું તેનાથી ટીમના ખેલાડીઓમાં એવો મૅસેજ નહીં જાય કે, જો તેઓ બે મૅચમાં નિષ્ફળ જશે, તો તેમને પણ પડતા મૂકી દેવાશે?"
કૈફની માફક હર્ષા ભોગલે પણ જમણા-ડાબાના કૉમ્બિનેશન અંગે સંજુ સેમસનની હિમાયત કરતા જોવા મળ્યા હતા.
તેમણે કહ્યું હતું, "જ્યારે ટોચના ત્રણ બૅટ્સમૅન ડાબોડી હોય, ત્યારે સ્પર્ધક ટીમ તે અનુસારની વ્યૂહરચના ગોઠવીને તેમને ફસાવવાનો પ્રયત્ન કરશે. આથી જ, સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને ઉપરના ક્રમે રમાડવામાં આવ્યો હતો. આ તર્ક આજે પણ એટલો જ સાચો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.