You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પત્નીને બદલે ભૂલથી આયાની હત્યા કરીને અદૃશ્ય થઈ ગયેલા લૉર્ડ લ્યુકનનું રહસ્ય જે આજે પણ ઉકેલાયું નથી
- લેેખક, ફિયોના મૅકડોનાલ્ડ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
લૉર્ડ લ્યુકનને 19મી જૂન, 1975ના રોજ સૅન્ડ્રા રિવટની હત્યાના દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધીમાં તેઓ ગાયબ થઈ ચૂક્યા હતા. 1980માં બીબીસીએ તેમનાં પત્નીનો ઇન્ટરવ્યૂ લીધો હતો.
લૉર્ડ લ્યુકનનો કિસ્સો વિચિત્ર અને ભયાનક છે, પણ પહેલી નજરે જોતાં તેના ઘટનાક્રમ વિશે કોઈ શંકા રહેતી નથી.
એવું માનવામાં આવે છે કે, સાતમી નવેમ્બર, 1974ની રાતે બ્રિટનના ઉમરાવ લૉર્ડ લ્યુકન લંડનના બેલગ્રેવિયા સ્થિત તેમના ઘરના અંધારિયા ભોંયરાના રસોડામાં છૂપાઈ ગયા હતા.
તેમણે તેમનાં અલગ રહેતાં પત્નીની હત્યાની યોજના ઘડી હતી, પણ ઓળખવામાં થાપ ખાઈ જતાં તેમણે પત્નીને બદલે તેમની 29 વર્ષની આયા સૅન્ડ્રા રિવેટને ડંડાના પ્રહારથી મોતને ઘાટ ઉતારી હતી અને તે પછી લેડી લ્યુકન પર પણ હુમલો કર્યો હતો.
લેડી લ્યુકન જેમ-તેમ કરીને ત્યાંથી નાસી છૂટ્યાં અને ઍલાર્મ વગાડ્યું.
આ દરમિયાન, લૉર્ડ લ્યુકન ભાગી ગયા. ઘણા લોકોએ અનુમાન લગાવ્યું કે, તેમણે ન્યૂહેવન નજીક સમુદ્રમાં છલાંગ લગાવી દીધી અને તેઓ ડૂબી ગયા.
એ પછી લૉર્ડ લ્યુકનનો કદી પતો લાગ્યો નહીં. જોકે, તે પછી એક ઍન્ટાર્કટિકા બાદ કરતાં દુનિયાના દરેક ખંડમાં તેઓ જોવા મળ્યા હોવાના દાવા થતા રહ્યા છે.
પુરાવા પ્રમાણે, અને અર્લ ભાગી છૂટ્યાની હકીકતને જોતાં આ કેસ ગંભીર જણાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
19મી જૂન, 1975ના રોજ રિવેટના મૃત્યુની તપાસ દરમિયાન કોરોનર કોર્ટને લૉર્ડ લ્યુકનને હત્યાના દોષિત ઠેરવવામાં ફક્ત 13 મિનિટ લાગી હતી.
તેમ છતાં, આ મામલામાં થોડા ઊંડા ઊતરીએ, તો જવાબો ઓછા અને સવાલો ઝાઝા છે.
જે વ્યક્તિ લોહી જોઈને એકદમ ગભરાઈ જતી હતી, તે હત્યા કરવા માટે આટલી ક્રૂર અને હિંસક રીત શા માટે અપનાવશે?
ઘણી વાર સુધી ચાલેલા હુમલા દરમિયાન તેઓ રિવેટને પોતાની પત્ની સમજવાની થાપ કેવી રીતે ખાઈ ગયા?
અને લેડી લ્યુકનને નજીકની પબ સુધી પહોંચીને "તેમણે મારી આયાને મારી નાખી, મારી મદદ કરો" એવી બૂમો પાડવામાં આટલી બધી વાર કેમ લાગી? આ તમામ બાબતો આ ઘટનાને બ્રિટિશ ઇતિહાસનાં વણઉકલાયેલાં ગુનાહિત રહસ્યોની હરોળમાં લાવી મૂકે છે.
એક થિયરી એવી છે કે, લૉર્ડ લ્યુકનને એક ખાનગી ઝૂમાં સિંહોને હવાલે કરી દેવામાં આવ્યા હતા.
ધ લ્યુકન ઑબ્સેશન પૉડકાસ્ટના રજૂઆતકર્તા, ઇતિહાસકાર ઍલેક્સ વૉન ટુન્ઝેલમૅનના મતાનુસાર, "તે રાતે જે કંઈપણ બન્યું, તે વિશે લૉર્ડ લ્યુકન અને લેડી લ્યુકન, બંનેની વાર્તા "સંદિગ્ધ" છે."
"એવું લાગે છે કે, ઘટનાના કેન્દ્રમાં એવો કોઈ નક્કર આધાર જ નથી, જેના ઉપર વિશ્વાસ કરી શકાય. અને તેથી જ તેને લઈને લોકો જાતભાતની થિયરી રજૂ કરે છે... આ વણઉકલ્યાં રહસ્યોમાંનું એક છે અને મને લાગે છે કે, તે કદી ઉકેલાશે પણ નહીં."
સાથે જ તે વર્ગ વિશેની બ્રિટિશ માનસિકતા અંગે પણ ઘણું બધું કહી જાય છે.
લ્યુકનના સાતમા અર્લ રિચાર્ડ જ્હોન બિંગહામે 1963માં એક ભૂતપૂર્વ મૉડલ અને સેક્રેટરી વેરોનિકા સાથે લગ્ન કર્યાં હતાં. અર્લ રિચાર્ડ જ્હોન બિંગહામ ઇટનમાં ભણેલા પ્રોફેશનલ જુગારી હતા.
તેમનું હુલામણું નામ "લકી" હોવા છતાં તેઓ દેવામાં ડૂબેલા હતા અને હત્યા થઈ, એ વખતે તેઓ નાદારીનો સામનો કરી રહ્યા હતા.
જ્યારે તેઓ ગુમ થઈ ગયા, ત્યારે એક માન્યતા એવી હતી કે, તેમના સંપત્તિવાન મિત્રોએ તેમને મદદ કરી હતી, જેઓ બર્કલી સ્ક્વેર ખાતે આવેલા કેસિનોમાં અવાર-નવાર જતા હોવાથી "ક્લેરમૉન્ટ સેટ" તરીકે ઓળખાતા હતા.
લ્યુકનના ભાગ્ય વિશેની સૌથી વિચિત્ર થિયરીઓમાંથી એક થિયરી એવો દાવો કરે છે કે, તેમણે ખુદને ગોળી મારી હતી અને જણાવ્યું હતું કે, તેમનો મૃતદેહ તેમના મિત્ર (ક્લેરમૉન્ટ ક્લબના માલિક જ્હોન એસ્પિનોલ)ના ખાનગી ઝૂના સિંહોને ખવડાવી દેવામાં આવે.
લૉર્ડ લ્યુકનનું દામ્પત્ય જીવન કેમ ખરાબે ચઢેલું હતું
આ કેસમાં રહેલી અસ્પષ્ટતાઓને કારણે તેના પ્રત્યે લોકોનો રસ અકબંધ રહ્યો છે. "ઘટનાનાં તથ્યો એક વાર્તા બનાવવા માટે પૂરતાં છે, પણ શંકાનાં ઘણાં ક્ષેત્રો વણઉકલ્યાં રહી જાય છે," એમ ઇતિહાસકાર રોઝમેરી હિલ સૂચવે છે.
વોન ટુન્ઝેલમૅન દલીલ કરે છે કે, આ હત્યાનો મુકદ્દમો જો વર્તમાન સમયમાં ચાલ્યો હોત, તો ચુકાદો આટલો સરળ ન આવ્યો હોત.
આ કેસમાં લોકોને આટલો બધો રસ પડ્યો, એ પાછળનું એક કારણ એ હતું કે, લગ્નજીવન કેટલી ભયાનક હદે ખરાબે ચઢ્યું હતું, તેની વિગતો સપાટી પર આવી હતી.
વોન ટુન્ઝેલમૅન કહે છે, "તેમના સંબંધો બિલકુલ કથળી ગયા હતા અને જે પણ ચાલી રહ્યું હતું, તે બધું ખૂબ ગૂંચવાયેલું હતું."
દંપતી જાન્યુઆરી, 1973 સુધીમાં છૂટું પડી ગયું હતું.
લૉર્ડ લ્યુકન પારિવારિક ઘર છોડીને નજીકના એક ફ્લૅટમાં રહેવા જતા રહ્યા હતા.
તેમણે તેમનાં ત્રણ બાળકોની કસ્ટડી મેળવવા માટે એક કડવાશભરી પણ નિષ્ફળ કાનૂની લડાઈ લડી હતી.
આ લડાઈ અને તોળાઈ રહેલી નાદારી હત્યા પાછળનો મુખ્ય આશય હોવાનો સંકેત મળે છે.
આ કહાણીનું વધુ એક પાસું પણ છે.
વેરોનિકા સમગ્ર જીવન દરમિયાન માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતાંં હતાં અને પતિ ગાયબ થયાનાં થોડાં વર્ષો પછી તેમનાં ત્રણ બાળકોની સંભાળની જવાબદારી તેમની પાસેથી લઈ લેવામાં આવી હતી.
"મારા પતિ હજુ જીવિત છે અને તેમના વિશે આડું-અવળું વિચારવાનું કોઈ કારણ નથી, કારણ કે, હજી સુધી તેમનો મૃતદેહ મળ્યો નથી," એમ લેડી લ્યુકને 1980માં બીબીસીના "ન્યૂઝનાઇટ"ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
1974ની ઘટના વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, "મારા માટે, તે કેવળ એક નાની ઘટના હતી, જે હું ભૂલી ગઈ છું."
"હું તેમાંથી બહાર આવી ચૂકી છું. તે દામ્પત્ય જીવનની બસ એક ઘટના હતી."
2017માં તેમનું અવસાન થયું, ત્યાં સુધી તેમનાં સંતાનોથી અલગ જ રહ્યાં હતાં.
વોન ટુન્ઝેલમૅન દલીલ કરે છે, "આજે વેરોનિકાની વાર્તા સામે થોડા વધુ પડકારો ઊભા થઈ શકે છે. હું એમ નથી કહેતો કે, વેરોનિકાએ કંઈ કર્યું હતું - બસ એટલું જ કે, કદાચ તેઓ સંપૂર્ણ સત્ય બોલી રહ્યાં નહોતાં."
પરંતુ, પત્રકાર અને લેખક જેમ્સ ફોક્સે લંડન રિવ્યૂ ઑફ બુક્સને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, 'લેડી લ્યુકને તેઓ તેમના પતિના ઘાતક હુમલામાંથી કેવી રીતે બચી નીકળ્યાં, તેનું મારી સમક્ષ વિગતવાર વર્ણન કર્યું હતું...'
'તેઓ વર્ષો સુધી તેમની વાત પર મક્કમ રહ્યાં હતાં. એક વિગત એટલી અસાધારણ હતી કે, તે ઉપજાવી કાઢેલી હોઈ શકે નહીં. જ્યારે લૉર્ડ લ્યુકને તેમનું ગળું પકડવાની કોશિશ કરી, ત્યારે લેડી લ્યુકને લથડતા અવાજે કહ્યું હતું: 'મારા મોતીના હારને અડવાની હિંમત પણ ન કરતા.'"
રિવેટની હત્યાની રાતે બનેલી ઘટનાઓને લઈને જેટલી અટકળો છે, એટલી જ અટકળો તે પછીના દિવસોમાં લ્યુકન સાથે શું બન્યું, તે વિશે પણ પ્રચલિત છે.
લ્યુકન છેલ્લે બીજા દિવસે મળસ્કે સસેક્સમાં તેમના મિત્રો - મૅક્સવેલ-સ્કૉટ્સના ઘરે જોવા મળ્યા હતા.
ત્યાં રોકાવા દરમિયાન તેમણે પત્રો લખ્યા હતા, જેમાં તેમણે પોતે નિર્દોષ હોવાનું ભારપૂર્વક જણાવતાં દાવો કર્યો હતો કે, તે "અકલ્પનીય સંયોગોથી ભરેલી આઘાતજનક રાત હતી."
પત્રોમાં તેમણે તેમના મિત્રોને કહ્યું હતું કે, તેઓ યોગાનુયોગે તેમના જૂના ઘર તરફથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં તેમણે એક ઘૂસણખોર જોયો હતો, આથી તેઓ પત્નીને મદદ કરવા માટે અંદર ધસી ગયા હતા.
લેડી લ્યુકન તેમના પર જ હુમલાનો આરોપ લગાવશે, એવી દલીલ કરતાં તેમણે કહ્યું કે, તેમણે "થોડા સમય માટે સંતાઈ જવાનું" નક્કી કર્યું છે.
બસ, તેના ત્રણ દિવસ પછી દક્ષિણ કાંઠે ન્યૂહેવન ખાતેથી તેમણે ઉધાર લીધેલી ફોર્ડ કોર્સેલ કાર ત્યજાયેલી હાલતમાં મળી આવી હતી.
કારની સીટ પરથી મળી આવેલું લોહી રિવેટ અને લેડી લ્યુકનનાં લોહી સાથે મૅચ થતું હતું અને હત્યામાં વપરાયેલા હથિયાર જેવી જ એક લોખંડની પાઇપ કારની ડિકીની અંદર સંતાડવામાં આવી હતી.
ધનિક મિત્રોએ રક્ષણ પૂરું પાડ્યું?
કેટલાક લોકોનું માનવું હતું કે, લ્યુકનનું ધનાઢ્ય મિત્ર વર્તુળ તેમને બચાવી લેવા માટે આગળ આવ્યું હતું.
સસેક્સ પોલીસ ડિટેક્ટિવ ડેરેક વિલ્કિન્સને બીબીસીને જણાવ્યું હતું: "મને લાગે છે કે, કોઈ કાર ત્યાં લઈ જઈને છોડી આવ્યું હતું. મને લાગે છે કે, તે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન હતો."
ક્લેરમૉન્ટ સેટે લૉર્ડ લ્યુકનને રક્ષણ પૂરું પાડ્યું હોઈ શકે છે, એવી અટકળો પ્રવર્તતી હોવાને કારણે માધ્યમોમાં એવી છબિ ઉપસી કે જેને, "ડેઇલી ઍક્સપ્રેસે" "મેસોનિક શૈલીનું બંધન ધરાવતા" "ઘનિષ્ઠ સમૂહ" તરીકે વર્ણવ્યો હતો.
એસ્પિનોલે 1994માં આ ધારણા દૃઢ કરતાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "લ્યુકને જે કહ્યું હોત, તે બધું મેં તેના માટે કર્યું હોત." અને જો લ્યુકને શરણું માગ્યું હોત, "તો મેં તે આપ્યું હોત."
2012માં એસ્પિનોલના ભૂતપૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ હોવાનો દાવો કરનારી એક વ્યક્તિએ બીબીસી ન્યૂઝને કહ્યું હતું કે, તેમણે 1979 અને 1981ની વચ્ચેના ગાળામાં લ્યુકનનાં બે મોટાં બાળકો માટે આફ્રિકાની ફ્લાઇટ બુક કરી હતી, જેથી તેમની જાણ બહાર તેમના પિતા તેમને જોઈ શકે. "લ્યુકન તેમનાં બાળકોને જોવા, નિહાળવા માગતા હતા.
"તેઓ બસ જોવા માગતા હતા કે, તેઓ કેવી રીતે મોટાં થઈ રહ્યાં છે. તેઓ દૂરથી જ તેમને જોવા માગતા હતા."
"એ સ્પષ્ટ હતું કે, લ્યુકન તેમને મળશે નહીં કે તેમની સાથે વાત નહીં કરે કે પોતાનો પરિચય પણ નહીં આપે."
ટેટલરના જણાવ્યા પ્રમાણે, "પ્રતિષ્ઠિત લૉર્ડ લ્યુકનને ક્લેરમૉન્ટ સેટની એક વગદાર હસ્તી દ્વારા કુશળતાપૂર્વક દેશની બહાર રવાના કરી દેવાયા હતા... અને આજ દિન સુધી તેઓ 'બ્રિટિશ (વસાહતી) આનંદ-પ્રમોદનાં સ્થળોએ' મોજથી ફરી રહ્યા છે."
આ વિચાર લૉર્ડ લ્યુકનની લગભગ વ્યંગચિત્ર જેવી છબિનું સમર્થન કરે છે. વિશેષાધિકાર ધરાવતા એક એવા ભાગેડૂ અર્લ, જેમના પરદાદાએ ચાર્જ ઑફ ધ લાઇટ બ્રિગેડને આદેશ આપ્યો હતો અને જેમણે તેમનો સમય પાવરબોટ્સ હંકારવામાં, બોબસ્લીગની રેસમાં અને રેસના ઘોડા ખરીદવામાં પસાર કર્યો હતો.
આ સમગ્ર રહસ્યના કેન્દ્રમાં હોવા છતાં જેની અવગણના કરવામાં આવી છે, તે પીડિતા સૅન્ડ્રા રિવેટ છે.
વોન ટુન્ઝેલમૅન જણાવે છે કે, "આખા કેસમાં સૅન્ડ્રા રિવેટની ઘોર અવગણના કરવામાં આવી છે."
તેેઓ વધુમાં જણાવે છે કે, "ઘણું-ખરું તેમને બસ એક આયા જ કહેવામાં આવે છે, લોકો તેમની વાત કરતી વખતે તેમનું નામ સુદ્ધાં નથી લેતા."
"બધાંનું ધ્યાન લૉર્ડ લ્યુકનના ડામાડોળ લગ્નજીવન પર જ કેન્દ્રિત છે. પરંતુ, એક ઇતિહાસકાર કે પત્રકાર માટે તેનું ખંડન કરવું અત્યંત મુશ્કેલ છે, કારણ કે, આપણી પાસે સૅન્ડ્રા રિવેટના ખુદના અવાજમાં કશું જ ઉપલબ્ધ નથી."
" સૅન્ડ્રાની વાત સાંભળી શકતા નથી કે આ વિશે તેમણે શું કહ્યું હોત કે આ વિશે શું વિચાર્યું હોત."
"આપણી પાસે સેન્ડ્રાના પક્ષની કોઈ વાર્તા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન