You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદે વિરામ લીધો, હવે કેટલા દિવસ સુધી રાહત રહેશે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
હવામાન વિભાગની અમદાવાદસ્થિત કચેરીના બુલેટિન અનુસાર 9 સપ્ટેમ્બરે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદમાં પણ થોડો વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણા તાલુકામાં ચોવીસ કલાકમાં 1.20 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અબડાસામાં પોણો ઇંચ અને લખપતમાં 0.40 ઇંચ વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારથી રવિવાર દરમિયાન ભારે વરસાદ થયો છે. સુઈગામમાં એક સાથે 16 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે ઠેરઠેર પાણી ભરાયેલાં છે, રસ્તા અને ખેતરો પાણીમાં ડૂબી ગયાં છે તથા કેટલાંય ગામોમાં વીજળીનો પૂરવઠો બંધ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 108 ટકાથી વધારે વરસાદ પડી ગયો છે.તેમાં કચ્છમાં સૌથી વધારે 135 ટકા વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 94 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પમ 110 ટકાથી 118 ટકા સુધી વરસાદ નોંધાયો છે.
રાજ્યનાં જળાશયોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 15માંથી ત્રણ જળાશય છલકાઈ ગયાં છે જ્યારે મધ્ય ગુજરાતમાં 17માંથી 9 ડૅમ છલકાયા છે, સાઉથ ગુજરાતમાં 13માંથી નવ ડૅમ છલકાઈ ગયા છે. કચ્છમાં 20માંથી 12 અને સૌરાષ્ટ્રમાં 141માંથી 71 ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 206માંથી 104 ડૅમ છલકાઈ ગયા છે જેના કારણે રાજ્યના ડૅમોમાં કુલ ક્ષમતા સામે 88 ટકા પાણી ભરાયેલું છે. ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડૅમ 91 ટકા ભરાયેલો છે.
સોમવાર સુધી પડેલા વરસાદના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ રસ્તા ધોવાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
જેમ કે સાબરકાંઠામાં હાથમતી નદીમાં પાણી વધવાથી આસપાસના વિસ્તારમાં ગામડાંના લોકોની મુશ્કેલી વધી છે. અમુક રોડ બંધ કરવા પડ્યા છે.
સતત ચાર દિવસ સુધી વરસાદ પડવાથી પંચમહાલમાં મોરવા હડફમાં જિલ્લા હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાયાં હતાં. તેના કારણે અહીં દર્દીઓને ભારે તકલીફ પડી છે.
આણંદમાં ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં ધસમસતા પૂર આવ્ય હતા જેથી તારાપુરના નભોઈ અને રિંઝા ગામે સાબરમતી નદીનાં પાણી પ્રવેશ્યાં છે. અહીં ડાંગર, દિવેલા, કપાસ, શાકભાજી, તેમજ ગુલાબનો પાક નિષ્ફળ જવાનો ભય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોમાસાની કઈ સિસ્ટમ કામ કરે છે?
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન ઉપર એક ડિપ્રેશન રચાયું છે જે 15 કિમી પ્રતિ કલાકની ઝડપથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. આજે આ ડિપ્રેશન નબળું પડી જવાની શક્યતા છે.
આ દરમિયાન સાઉથ ઈસ્ટ પાકિસ્તાનથી લઈને રાજસ્થાનના જયપુર, બારાબંકી, છપરા, પુરુલિયા, ડીઘાથી થઈને બંગાળની ખાડી સુધી એક ચોમાસાના ટ્રફની રચના થઈ છે, જેના કારણે આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવે ક્યાં વરસાદ પડશે?
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ જગ્યાએ ભારે કે અતિ ભારે વરસાદ પડવાની આગાહી નથી. પરંતુ અમુક જગ્યાએ હળવા ઝાપટા પડે તેવી શક્યતા છે.
આજે 10 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અમુક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત સુરત, તાપી, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તથા કચ્છમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
ત્યાર પછીના દિવસોમાં પણ આ તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળે ઝાપટા પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન