You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં બાળ મજૂરીનું દૂષણ કેમ વકરી રહ્યું છે?
શ્રમિકોની અછત અને એકલા સરહદ પાર કરીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા બાળ મજૂરોના શોષણના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સગીરોને રક્ષણ આપતા કાયદા પાછા ખેંચવાનું વિવિધ રાજ્યો વિચારી રહ્યાં છે.
14 વર્ષની બી માટે વર્ગમાં સતત જાગૃત રહેવું તે વાસ્તવિક સંઘર્ષ જેવું હતું. અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાંના નાનકડા શહેર ગ્રાન્ડ આઇલૅન્ડની વોલનટ મિડલ સ્કૂલમાં અભ્યાસ કરતી બી ઘણીવાર અનેક દિવસો સુધી હાજર રહી શકતી નહોતી, પરંતુ તેની ગેરહાજરીનું કારણ કિશોર વયમાં થતી બળવો કરવાની ભાવના કે ગેરવર્તણૂક ન હતી. મૂળ ગ્વાટેમાલાના પરિવારની દીકરી બી સપ્તાહમાં પાંચ કે છ દિવસ સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી કામ કર્યા પછી ખૂબ થાકી જતી હતી. તે મીટ પેકિંગ પ્લાન્ટમાં પશુઓના મૃતદેહને કાપવા માટે વપરાતા મશીનોની સફાઈનું કામ કરતી હતી. એ માટે તેણે ઇન્ડસ્ટ્રીયલ બ્લીચ જેવી સામગ્રીનો ઉપયોગ કરવો પડતો હતો અને તેનાથી બીના હાથમાં ફોડલા ઉપસી આવતા હતા.
કોર્ટના રેકોર્ડ મુજબ, ગ્રાન્ડ આઇલૅન્ડ ખાતેની ફેકટરીમાં ઓવરનાઇટ ક્લિનર્સ તરીકે ગેરકાયદે કામ કરતા 31 સગીરોને ફેડરલ ઇન્સ્પેક્ટરોએ ગયા વર્ષે શોધી કાઢ્યા હતા અને બી તે 31 પૈકીની એક છે. આ સગીરોને પેકર્સ સેનિટેશન સર્વિસીસ ઇન્કૉર્પોરેટે (પીએસએસઆઈ) દ્વારા નોકરીએ રાખવામાં આવ્યા હતા.
બી સહિતના સગીરોને શોધી કાઢનાર અમેરિકાના શ્રમ વિભાગના અધિકારી શેનોન રેબોલેડોએ કોર્ટ સમક્ષની જુબાનીમાં કહ્યું હતું, “અમે જે કામદારો સાથે વાત કરી તેઓ ચિંતિત જણાતા હતા અને અમે તેમની સાથે વાત કરતા હતા ત્યારે તેઓ વારંવાર તેમના સુપરવાઇઝર તરફ જોતા હતા. કામદારો પૈકીના મોટા ભાગના સગીર હોવાનું અને તેમણે પીએસએસઆઈ માટે સગીર તરીકે કામ કર્યું હોવાનું બાદમાં પ્રમાણિત થયું હતું.”
આઠ રાજ્યોમાં કમસેકમ 102 બાળકોને મજૂર તરીકે નોકરી પર રાખવાનો આરોપ શ્રમ વિભાગે પીએસએસઆઈ મૂક્યો હતો. “બાળકો જોખમી રસાયણો સાથે કામ કરતાં હતાં અને બ્રેક સો, બ્રિસ્કેટ સો અને હેડ સ્પ્લિટર્સ સહિતનાં માંસ પ્રોસેસિંગનાં સાધનો સાફ કરતાં હતાં,” એવું સરકારે શોધી કાઢ્યું પછી ફેબ્રુઆરીમાં પીએસએસઆઈએ 15 લાખ ડૉલર દંડ પેટે ચૂકવ્યા હતા.
તપાસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે પીએસએસઆઈ માટે કામ કરતી વખતે કમસેકમ ત્રણ સગીરને ઈજા થઈ હતી. જોકે, બીનો કિસ્સો અસામાન્ય નથી.
વિશ્વના સૌથી ધનાઢ્ય દેશો પૈકીના એક અમેરિકામાં ગેરકાયદે બાળ મજૂરીનું, જાણે કે પૂર આવ્યું છે. ગેરકાયદે કામ કરતા લગભગ 4,000 બાળકોને ફેડરલ ઇન્સપેક્ટરોએ 2022માં શોધી કાઢ્યાં હતાં. અમેરિકાના શ્રમ વિભાગે 2013થી બાળ મજૂરોના આંકડા નોંધવાનું શરૂ કર્યું છે અને 2022નો આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો છે. 2013માં 1,400 બાળ મજૂરોને શોધી કાઢવામાં આવ્યાં હતાં.
બાળ મજૂરી વિશે સંશોધન કરી રહેલા કેટલાક લોકો માટે પણ આ ટ્રેન્ડ આશ્ચર્યજનક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પુખ્ત વયના લોકો કરતાં અડધું લઘુતમ વેતન'
ડાર્ટમાઉથ કૉલેજ ખાતે પ્રોફેસર તરીકે કાર્યરત અર્થશાસ્ત્રી એરિક ઍડમન્ડ્સે બીબીસીને કહ્યું હતું, “બહુ ગરીબ દેશોમાં બાળ મજૂરો સંદર્ભે 30થી વધુ વર્ષ કામ કર્યા પછી મારી કારકિર્દીના આ તબક્કે મારે અમેરિકામાં બાળ મજૂરી પર અચાનક ધ્યાન કેન્દ્રીત કરવું પડશે તેવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. તે થોડું આશ્ચર્યજનક છે.”
નોકરીદાતાઓ બાળ મજૂરોને દેખીતી રીતે વધારે પસંદ કરે છે. પુખ્ત વયના લોકો કરતાં અડધું લઘુતમ વેતન ચૂકવવાની મંજૂરી આપતો કાયદો કેટલાંક રાજ્યોમાં છે. આ કાયદાનો અમલ પોતાને ત્યાં કરવો કે નહીં તે વિશે, વૉશિંગ્ટનમાંના વ્યવસાયી લોકોના જૂથથી પ્રોત્સાહિત બીજાં રાજ્યો પણ વિચારી રહ્યાં છે.
આયોવા રાજ્યમાં બાળ મજૂરી કાયદામાં કરવામાં આવેલા ફેરફાર પહેલી જુલાઈથી અમલમાં આવ્યા છે. તે મુજબ, કિશોર વયના લોકો માટે રોજગાર તથા કામના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે.
બાળ મજૂરી વિશેના દેશના આદેશોનું ઉલ્લંઘન કરતા કાયદાઓ પસાર કર્યા હોય એવાં રાજ્યોમાં આયોવાનો સમાવેશ થાય છે. જોકે, વૉશિંગ્ટન ડીસી-સ્થિત ઇકૉનોમિક પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મે માસમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે અમેરિકાના 50 પૈકીનાં કમસેકમ 14 રાજ્યો બાળ મજૂરી પરની મર્યાદા હળવી કરવા માટે કાયદો ઘડવા વિચારી રહ્યાં છે. આઠ રાજ્યો આવા કાયદાને મંજૂરી આપી ચૂક્યાં છે.
દાખલા તરીકે, 14 વર્ષનાં બાળકોને છથી આઠ કલાકની નાઇટ શિફ્ટની તથા ઇન્ડસ્ટ્રીયલ લૉન્ડ્રી જેવું મહેનતવાળું કામ કરવાની છૂટ આવા કાયદામાં આપવામાં આવી છે.
કેટલાંક રાજ્યોમાં બાળકો 16 વર્ષની વયથી જ તોડકામ કે મીટપેકિંગ જેવાં જોખમી અને સખત મહેનત માગી લેતાં કામ કરી શકે છે. બાળકો 21 વર્ષના ન થાય ત્યાં સુધી તેઓ કાયદેસર દારૂ ખરીદી શકતા નથી, પરંતુ બારમાં દારૂ પીરસવાનું કામ કરી શકે છે.
સંઘીય કાયદા મુજબ, 14 તથા 15 વર્ષની વયનાં બાળકો શાળાના સમય દરમિયાન દિવસમાં વધુમાં વધુ ત્રણ જ કલાક કામ કરી શકે છે અને સાંજના સાત પછી તેમને કામ કરવાની છૂટ નથી, પરંતુ ઉપરોક્ત કાયદો સંઘીય કાયદાથી તદ્દન વિપરીત છે. સંઘીય કાયદા મુજબ, સિવિલ કન્ટ્રક્શન અને ફૂડ પેકિંગ જેવાં ક્ષેત્રોમાં બાળકોના કામ કરવા પર પ્રતિબંધ છે. અમેરિકાનો કાયદો તેને ‘બાળકો માટે દમનકારી’ માને છે. 16 કે 17 વર્ષની વયનાં બાળકો ખાણમાં વિસ્ફોટનું કે માર્ગ નિર્માણનું કામ કરી શકતા નથી.
‘આ 19મી સદીની સમસ્યા નથી’
આ સમસ્યાનું વાસ્તવિક કદ કેવડું છે તે કોઈ જાણતું નથી, કારણ કે દેશમાં કામ કરતાં બાળકો વિશેના કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.
પ્રોફેસર ઍડમન્ડ્સના કહેવા મુજબ, “દેશમાં 16 વર્ષથી ઓછી વયનાં બાળકો નોકરી કરતાં નથી એમ ધારીને અમેરિકાએ આવાં બાળકો વિશેની માહિતી એકત્ર કરવાનું 1970ના દાયકાની શરૂઆતમાં બંધ કરી દીધું હતું.”
જોકે, કંપનીઓમાં સંઘ સરકાર દ્વારા કરવામાં આવતી તપાસનાં તારણો આ સમસ્યાના કદનો ખ્યાલ આપી શકે. આ સમસ્યા વકરી રહી હોવાનું જણાવતા આંકડા બાબતે નિષ્ણાતો સહમત થાય છે.
બાળ મજૂરોના પ્રમાણમાં 2018ની સરખામણીએ ગત વર્ષે 69 ટકા વધારો થયો હોવાનું ફેબ્રુઆરીના અંતે જણાવતાં અમેરિકાના શ્રમ વિભાગે જાહેર કર્યું હતું કે માત્ર 2023માં જ કમસેકમ 600 કેસની તપાસ ચાલી રહી છે.
ફેબ્રુઆરીમાં એક કેસમાં જાણવા મળ્યું હતું કે બીજા દેશમાંથી આવેલાં 100થી વધુ બાળકો પાસે અનેક રાજ્યોમાં કતલખાના સાફ કરવાનું કામ ગેરકાયદે કરાવવામાં આવતું હતું.
તત્કાલીન શ્રમ સચિવ માર્ટી વૉલ્શે 27 ફેબ્રુઆરીએ પ્રકાશિત એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ 19મી સદીની નહીં, પરંતુ આજની સમસ્યા છે. આ એક એવી સમસ્યા છે, જેના પર આપણે બધાએ પૂર્ણવિરામ મૂકવું પડશે.”
શ્રમિકોની અછત
અમેરિકામાં બાળ મજૂરીના પ્રમાણમાં અનેક કારણોસર વૃદ્ધિ થઈ છે. નોકરીદાતાઓ માટે યોગ્ય કર્મચારી શોધવાનું મુશ્કેલ હોય એવા કામ કરવાની આર્થિક તથા સામાજિક રીતે નબળાં બાળકોને ફરજ પડે છે.
અમેરિકામાં બેરોજગારીનું પ્રમાણ હાલ નહિવત્ છે. એપ્રિલમાં બેરોજગારી દર 3.4 ટકા નોંધાયો હતો, જે છેલ્લા પાંચ દાયકાનો સૌથી ઓછો છે અને માત્ર જૂનમાં જ નવા લગભગ 3,40,000 રોજગારનું સર્જન થયું હતું.
યોગ્ય ઉમેદવારોના અભાવે અમેરિકાના નોકરીદાતાઓ માટે જગ્યાઓ ભરવાનું મુશ્કેલ બની રહ્યું છે અને અમેરિકામાં ગત વર્ષના ફૂગાવાના દરથી વધારે વેતનવૃદ્ધિ થઈ રહી છે.
આ બધું કામદારોની અછત દર્શાવે છે, ઇમિગ્રેશનને નિરુત્સાહ કરવાનાં પગલાંથી લાભ ન થયો હોય તેવી સ્થિતિ છે. તેમાં મૅક્સિકોમાંથી અમેરિકમાં ગેરકાયદે આવેલા લોકોને આપમેળ હાંકી કાઢવાનો સમાવેશ થાય છે.
જોકે, ગેરકાયદે સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસેલા એકલાં બાળકો કે કિશોરોને દેશમાંથી કાઢી મૂકવાનું શક્ય નથી. તેના પરિણામે સ્થળાંતર કરીને અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા અન્ડરએજ લોકોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. અમેરિકામાં માત્ર 2021માં જ ગેરકાયદે ઘૂસી આવેલા લગભગ 1,39,000 એકલાં બાળકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યાં હતાં. 2022માં આવાં બાળકોનું પ્રમાણ 1,28,000 હતું.
માઇગ્રેશન એજન્ટને કબજો સોંપવામાં આવે એ પછી આવાં બાળકો માઇગ્રેટરી ડિટેન્શન સેન્ટરમાં વધુમાં વધુ 72 કલાક રહી શકે છે. એ પછી તેમને આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, જ્યાં અમેરિકન સરકારે તેમને ભોજન ઉપરાંત આરોગ્ય અને શિક્ષણની સુવિધા આપવાની હોય છે. 30 દિવસમાં આવાં બાળકોને સામાન્ય રીતે તેમનાં માતા-પિતા કે પરિવારજનો અથવા એવું શક્ય ન બને તો પારિવારિક દોસ્તો અથવા પરિચિતોને હવાલે કરવામાં આવે છે.
અમેરિકાના આરોગ્ય તથા માનવસેવા વિભાગ સાથે સંકળાયેલી ઑફિસ ઑફ રૅફ્યુજી સેટલમૅન્ટ દ્વારા કરાયેલા જૂન સુધીના ઓડિટ મુજબ, 2021 અને 2022માં મુક્ત કરાયેલાં 12થી 14 ટકા બાળકોને તેમની સાથે કૌટુંબિક સંબંધ ન ધરાવતા સ્પોન્સર્સ અથવા દૂરના સંબંધીને સોંપવામાં આવ્યાં હતાં.
ચાઇલ્ડ માઇગ્રેશન વકીલોએ બીબીસીને જણાવ્યું હતું કે આવાં બાળકોને મુક્ત કરવામાં આવે એ પછી તેમનું શું થાય છે તે વાસ્તવમાં અમેરિકન સરકારને ખબર હોતી નથી.
ચાઇલ્ડ કસ્ટડીની પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલા એક વકીલે આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું, “આવાં બાળકોને જરૂરી દસ્તાવેજો વિના સામાન્ય રીતે અનેક બાળકો ધરાવતા ગરીબ પરિવારોને હવાલે કરવામાં આવે છે તે અમે જાણીએ છીએ.”
અમેરિકાના આરોગ્ય તથા માનવસેવા વિભાગે ટિપ્પણી માટે બીબીસીની વિનંતીનો પ્રત્યુત્તર આપ્યો નથી.
બાળકો બને છે નિશાન
બીબીસી સાથે વાત કરતાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આવાં બાળકો, ખાસ કરીને કામદારોની અછત ધરાવતા ઉદ્યોગોનું નિશાન બને છે.
“શ્રમિકોની માગ વધી રહી છે એ વાત સાચી, પરંતુ બાળ મજૂરી સંબંધી કાયદાના ઉલ્લંઘન માટે આ એક જ પરિબળ જવાબદાર નથી. રાજકારણીઓ તથા ટેકેદારોનું પીઠબળ ધરાવતી કંપનીઓનો વધતો લોભ તેમજ સૌથી ઓછા ખર્ચે શ્રમિકો મેળવવા દયનીય લોકોના શોષણની વધતી ઇચ્છા પણ આ માટે જવાબદાર છે,” એવું યુનિવર્સિટી ઑફ મિશિગન લૉ સ્કૂલના પ્રોફેસર ચેવી કીને નાનાએ કહ્યું હતું. તેઓ સિવિલ અને ક્રિમિનલ ઍડ્વોકેટ છે તથા માનવતસ્કરીનો ભોગ બનેલા લોકો માટે કામ કરે છે.
તેમણે એવી દલીલ કરી હતી કે સરહદ પારથી આવતાં સગીર વયનાં એકલાં બાળકોની સંખ્યામાં તથા બાળમજૂરી સંબંધી કાયદાના ઉલ્લંઘનમાં તાજેતરનાં વર્ષોમાં થયેલો વધારો યોગાનુયોગ નથી.
તેઓ માને છે કે સસ્તા દરે શ્રમિકો કેવી રીતે મેળવી શકાય અને તેનો લાભ કઈ રીતે લઈ શકાય એ કંપનીઓ જાણી ગઈ છે.
તેમણે કહ્યું હતું, “આ બાળકો વાલીઓ કે નિર્વાહનાં સાધનો વિનાનાં પરદેશી બાળકો છે. કંપનીઓને તેમાં શ્રમિક ખર્ચ ઘટાડવાની તક દેખાય છે. તેથી તેઓ તેમને કામ પર રાખે છે.”
પ્રોફેસર નાનાના મતાનુસાર, પોતે સ્થળાંતરિત બાળકોને ગેરકાયદે નોકરીએ રાખશે તો દંડ ભરવો પડશે, એ વાત કંપનીઓ બરાબર સમજે છે, પરંતુ તેઓ દંડના ખર્ચને તેમના બિઝનેસ મૉડેલનો એક હિસ્સો ગણે છે.
તેમણે કહ્યું હતું, “કોઈ પણ અધિકારની માગણી ન કરે તેવા નિસહાય લોકોને કામ પર રાખવાથી થતી બચતનું પ્રમાણ દંડની રકમ કરતાં વધારે હોય છે. બાળ મજૂરીમાં વૃદ્ધિને વધુને વધુ પુરાવા મળી રહ્યો હોવા છતાં કેટલાક રાજ્યોએ બાળકોના રક્ષણના નહીં, પરંતુ તેમને નોકરીએ રાખવાની છૂટ આપતા કાયદા બનાવ્યા છે.”
બીબીસીએ નેબ્રાસ્કાના ગ્રેટ આઇલૅન્ડમાંની વૉલનટ મિડલ સ્કૂલના આચાર્યનો સંપર્ક કરવાના સંખ્યાબંધ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો અભિપ્રાય મેળવી શકાયો ન હતો.