You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લુધિયાણામાં ગૅસ લીક થવાને કારણે ઓછામાં ઓછા 11 લોકોનાં મોત
પંજાબના લુધિયાણાના ગિયાસપુરા વિસ્તારમાં ગૅસ લીક થવાને કારણે ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં છે અને અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે.
સમાચાર સંસ્થા એએનઆઈના ટ્વીટ અનુસાર આ માહિતી લુધિયાણાનાં ડેપ્યુટી કમિશનર સુરભિ મલિકે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં આપી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, "અત્યાર સુધીમાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે... તેની પાછળનું કારણ ગેસમાં થયેલી ભેળસેળ હોઈ શકે છે. ગટરમાં ગેસ સાથે બીજું કોઈ કેમિકલ ભળી જવાને કારણે આમ થયું તેવી તમામ સંભાવનાઓ છે. આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળેથી સેમ્પલ પણ લીધાં છે."
ઘટનાસ્થળે હાજર રહેલા લુધિયાણાના એડિશનલ ડીસીપી સમીર વર્માનું કહેવું છે કે, "તાત્કાલિક વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને બોલાવવામાં આવી છે."
ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં જવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ જે વિસ્તારમાં ગૅસ લીકેજની આ ઘટના બની છે, તે શહેરની અંદર જ છે.
બચાવકર્તાઓ શું કહે છે?
મીડિયા સાથે વાત કરતા ઘટનાસ્થળે પહોંચેલા એક બચાવકર્તાએ કહ્યું હતું કે, 'બચાવ ઑપરેશન શરૂ થઈ ગયું છે, પહેલા અમે તપાસીશું કે કયો ગૅસ લીક થયો છે અને કેટલા લોકો ત્યાં ફસાયેલા છે'.
ઘટનાસ્થળે AAPના ધારાસભ્ય રાજીન્દર કૌર છીના પણ હાજર છે.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ ગૅસ વેરકા બૂથની અંદર લીક થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિકોનું શું કહેવું છે?
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું હતું કે, "મારો પરિવાર અંદર છે અને મારો દીકરો મૃતદેહોને બહાર લઈ જઈને વાહનમાં મૂકી રહ્યો છે, હું શું કહું?"
દુર્ઘટના વિસ્તારમાં રહેતા ડૉક્ટર શંભુ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, તેમના પરિવારના 5 સભ્યો બેભાન છે.
અન્ય એક વ્યક્તિ અંજન કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેમના કાકાનો આખો પરિવાર બેભાન છે.
તેમણે કહ્યું કે, 'મારો આખો પરિવાર બેભાન અવસ્થામાં પડ્યો છે. ત્રણ સભ્યોના શરીર સંપૂર્ણપણે વાદળી થઈ ગયા છે.'
મુખ્યમંત્રી ભગવંત માને દુઃખ વ્યક્ત કર્યું
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને ગૅસ લીકની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, "લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફૅક્ટરીમાંથી ગૅસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે."