ભારત – શ્રીલંકા ટી20 : માંડ 200 રન થાય છે એવા રાજકોટના મેદાન પર કોણ બાજી મારશે?

પ્રકાશિત
  • ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં ટી20 સિરીઝ રમાઈ રહી છે જેમાં પહેલી મૅચ મુંબઈમાં રમાઈ અને મૅચના છેલ્લા બોલે ભારે રોમાંચ વચ્ચે ભારતે બે રનથી મૅચ જીતી લીધી હતી
  • પ્રવાસી શ્રીલંકાએ વળતો પ્રહાર કર્યો અને પૂણે ખાતેની બીજી મૅચમાં તેણે પણ એવી જ શાનદાર ઢબે મૅચ જીતીને સિરીઝ સરભર કરી દીધી
  • શનિવારની મૅચ અગાઉ બંને ટીમ 1-1ના સ્કોરથી બરાબરી પર છે
  • શ્રીલંકન ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખાસ પ્રભાવ દાખવી શકી નથી ત્યારે તેમની પાસે પણ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાની અમૂલ્ય તક છે
  • બંને ટીમ જીતવાના ભરચક પ્રયત્ન કરશે તેમાં શંકા નથી

ભારતીય ક્રિકેટ બોર્ડમાં રાજકોટનું સ્થાન સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના હેડક્વાર્ટર તરીકે છે પરંતુ ગુજરાત રાજ્યમાં તેને રંગીલા રાજકોટ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં આમ તો ત્રણ ક્રિકેટ ઍસોસિયેશન છે – ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન, બરોડા ક્રિકેટ ઍસોસિયેશન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઐતિહાસિક છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકેનો રેકૉર્ડ તેના નામે છે.

આમ છતાં રાજકોટમાં ક્રિકેટ મૅચ રમાતી હોય ત્યારે તેનું આકર્ષણ કાંઇક અલગ જ હોય છે. અહીંના ખંઢેરી સ્ટેડિયમમાં મૅચ રમાવાની હોય અથવા તો રમાતી હોય ત્યારે પ્રેક્ષકોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે.

ખાસ કરીને સ્ટેડિયમથી લગભગ દસેક કિલોમિટર દૂર આવેલા મુખ્ય શહેરમાં મૅચ પહેલાંના થોડા દિવસ આંટો મારો તો ખ્યાલ આવે કે મૅચનો રોમાંચ કેટલો છે? કેમ કે જાણે કોઈ ઉત્સવ હોય તેમ ક્રિકેટપ્રેમીઓ આ મૅચ અંગે જ ચર્ચા કરતા સાંભળવા મળતા હોય છે.

પછી તે મૅચમાં બાંગ્લાદેશી ટીમ રમતી હોય કે ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા હોય કે મજબૂત સાઉથ આફ્રિકા. રાજકોટના રમતપ્રેમીઓના ઉત્સાહમાં જરાય ઓટ આવતી નથી. તેમાંય મૅચ જો સિરીઝની નિર્ણાયક મૅચ હોય તો તો વાત જ શું કરવી.

બસ, આવી જ મૅચ શનિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી છે જેમાં જીતનારી ટીમ સિરીઝ જીતી જશે.

રોમાંચથી ભરપૂર સિરીઝ

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં ટી20 સિરીઝ રમાઈ રહી છે જેમાં પહેલી મૅચ મુંબઈમાં રમાઈ અને મૅચના છેલ્લા બોલે ભારે રોમાંચ વચ્ચે ભારતે બે રનથી મૅચ જીતી લીધી હતી પરંતુ પ્રવાસી શ્રીલંકાએ વળતો પ્રહાર કર્યો અને પૂણે ખાતેની બીજી મૅચમાં તેણે પણ એવી જ શાનદાર ઢબે મૅચ જીતીને સિરીઝ સરભર કરી દીધી. આમ શનિવારની મૅચ અગાઉ બંને ટીમ 1-1ના સ્કોરથી બરાબરી પર છે.

આ સંજોગોમાં ફાઇટર હાર્દિક પંડ્યા રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન (એસસીએ) સ્ટેડિયમ ખાતે જરાય મચક આપવાના મૂડમાં નહીં હોય તો બીજી તરફ હરીફ ટીમ પણ પૂણેના વિજય બાદ આ મૅચમાં જોરદાર ફાઇટ આપીને સિરીઝ જીતવા પ્રયાસ કરશે.

તાજેતરના ગાળામાં શ્રીલંકન ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખાસ પ્રભાવ દાખવી શકી નથી ત્યારે તેમની પાસે પણ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાની અમૂલ્ય તક આવેલી છે. આ સંજોગોમાં બંને ટીમ જીતવાના ભરચક પ્રયત્ન કરશે તેમાં શંકા નથી.

જોકે શનિવારે મૅચનું પરિણામ ગમે તે આવે પણ એટલું તો નક્કી જ છે કે રાજકોટવાસીઓને ભરપૂર ક્રિકેટ અને મનોરંજન માણવા મળશે. ટી20 મૅચમાં પરિણામ ગમે તે આવે પણ બેટિંગની કમાલ તો જોવા મળતી જ હોય છે.

ભારતની વર્તમાન ટીમમાં ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને દીપક હુડા જેવા બૅટ્સમૅન છે જે આક્રમક બેટિંગ માટે જાણીતા છે તેમાં હવે અક્ષર પટેલનું નામ ઉમેરી શકાય. અક્ષર પટેલે હજી બે દિવસ અગાઉ પૂણે ખાતે તેની બેટિંગની કમાલ દાખવી હતી.

અક્ષર એક ઉમદા ઑલરાઉન્ડર છે પરંતુ  ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેની બેટિંગ ખાસ યાદગાર રહી નથી જ્યારે પૂણેમાં તો તેણે માત્ર 31 બૉલમાં જ 65 રન ફટકારી દીધા હતા. તેણે  છ-છ સિકસર ફટકારી હતી.

આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ અડધી સદી વિના પરત ફરે તો તેને ફોર્મવિહોણો કહેવાય તેવી પ્રતિષ્ઠા મુંબઈના આ ક્રિકેટરે જમાવી દીધી છે.

પૂણેમાં તેણે 51 રન ફટકાર્યા હતા. એ વાત અલગ છે કે ભારતને મૅચ જીતાડવામાં આ બંનેની બેટિંગ કામમાં આવી ન હતી પરંતુ અગાઉ કહ્યું તેમ ટી20માં મૅચના પરિણામ કરતાં મૅચમાં કેટલું મનોરંજન મળે છે તે અગત્યનું હોય છે કેમ કે અહીં એકાદ ઓવરમાં નહીં પરંતુ એકાદ બૉલમાં બાજી પલટાઈ જતી હોય છે અને ચેમ્પિયન ટીમ એકાદ બૉલના ફરકને કારણે હારી જતી હોય છે તો સાવ અંડરડોગ્સ મનાતી ટીમ વિજય સાથે પરત ફરતી હોય છે.

રાજકોટનાં મેદાનનો રેકર્ડ

આ તો થઈ વર્તમાન સિરીઝની વાત પણ રાજકોટના ભૂતકાળ પર નજર કરીએ તો છેલ્લા સાડા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી અહીં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાય છે. હવે તો આ મેદાન પર ટેસ્ટ મૅચ પણ યોજાવા માંડી છે.

રાજકોટમાં એક સમયે મહાન વિવિયન રિચાર્ડ્સે તોફાની બેટિંગ કરેલી છે. 1988ની પાંચમી જાન્યુઆરીએ રિચાર્ડ્સે સાત સાત સિક્સર ફટકારીને એ વન-ડેમાં ભારતના 221 રનના સ્કોરને સાવ વામણો બનાવી દીધો હતો અને વેસ્ટ ઇન્ડિઝે દસ ઓવર બાકી રાખીને મૅચ જીતી લીધી ત્યારે રિચાર્ડ્સે અણનમ 110 રન ફટકાર્યા હતા.

શ્રીલંકા માટે રાજકોટ હંમેશાં યાદગાર રહ્યું છે. 1989માં નહેરુ કપની વનડે મૅચ રમાઈ ત્યારે એ જ વિવિયન રિચાર્ડ્સની ટીમને શ્રીલંકાએ ચાર વિકેટે હરાવીને એ સમયનો મોટો અપસેટ સર્જ્યો હતો. ત્યાર બાદ આ જ શ્રીલંકન ટીમે ભારતને પણ એક મૅચ જીતવા માટે લોઢાના ચણા ચાવવા મજબૂર કરી દીધું હતું.

ડિસેમ્બર 2009માં રેસકોર્સ મેદાન પરની એ અંતિમ ઇન્ટરનેશનલ મૅચમાં ભારતે 414 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો જેની સામે શ્રીલંકાએ પણ એવી જ જોરદાર લડત આપીને 411 રન નોંધાવી દીધા હતા જેને કારણે એક સમયે તો ધોની પણ ટેન્શનમાં આવી ગયા હતા.

હવે ટી20ની વાત કરીએ તો ભારતે ખંઢેરીના એસસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચારમાંથી ત્રણ મૅચ જીતી છે. છેલ્લે 2022ના જૂનમાં ભારતે આ મેદાન પર સાઉથ આફ્રિકાને 82 રનના સજ્જડ માર્જીનથી હરાવ્યું હતું. જોકે 2017માં ન્યૂઝીલૅન્ડ સામે તેનો પરાજય થયો હતો.

આ મેદાન પર અત્યાર સુધીમાં માત્ર એક જ મૅચમાં 200 રનનો સ્કોર નોંધાયો છે. 2013ના ઑક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાએ 201 રન કર્યા તેના જવાબમાં યુવરાજસિંઘે અત્યંત આક્રમક બેટિંગ કરીને ભારતને 202 રનનો ટારગેટ વટાવીને છ વિકેટથી મૅચ જીતવામાં મદદ કરી હતી.

ટી20માં તો ન્યૂઝીલૅન્ડને આ મેદાન સારું એવું ફળ્યું હતું કેમકે 2017ના નવેમ્બરમાં કોલીન મુનરોના ઝંઝાવાતી 109 રન (58 બૉલ, સાત સિક્સર)ની મદદથી કિવિ ટીમે બે વિકેટે 196 રન કર્યા બાદ ભારતને 156 રનમાં અટકાવી દીધું હતું જેમાં તેના વિશ્વવિખ્યાત ઝડપી બૉલર અને આઇપીએલના સુપર સ્ટાર ટ્રેન્ટ બોલ્ટે ભારતના રોહિત શર્મા, શિખર ધવન, અક્ષર પટેલ અને ધોની એમ ચાર મહત્ત્વના બૅટ્સમૅનને આઉટ કર્યા હતા.

આ એ જ રોહિત શર્મા અને શિખર ધવનની જોડી છે જેમણે ટી20માં બાંગ્લાદેશ સામે 118 રનની વિશાળ ભાગીદારી નોંધાવીને ભારતને મજબૂત શરૂઆત કરાવી આપી હતી.

જોકે હાલમાં રોહિત શર્મા કે શિખર ધવન કે યુવરાજસિંઘ ભારતીય ટીમમાં નથી પરંતુ વર્તમાન ટીમ યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓની બનેલી છે અને તેમની પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે.