You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘અમને વીજળીના ઝાટકા આપી ટૉર્ચર કરાયા,’ સંસદનો સુરક્ષા ઘેરો તોડવાના આરોપીઓએ શું કહ્યું?
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
સંસદની સુરક્ષાનો સુરક્ષા ઘેરો તોડવાના છમાંથી પાંચ આરોપીઓએ બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે તેમને વીજળીના ઝાટકા આપીને ટૉર્ચર કરાઈ રહ્યા છે અને 70 કોરા કાગળ પર બળજબરીપૂર્વક તેમની સહી કરાવાઈ છે.
આરોપીઓએ આ અરજીમાં કહ્યું છે કે "તેમની પાસેથી આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ અંતર્ગતનો ગુનો આચરવા અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો સાથે સંબંધ હોવાનાં કબૂલાતનામાં પર સહી કરાવાઈ છે."
આરોપીઓએ કહ્યું કે બે આરોપીઓ પાસેથી ‘બળજબરીપૂર્વક લખાવાયું છે કે તેમનો એક રાજકીય પક્ષ/ વિપક્ષના નેતા સાથે સંબંધ છે.’
આ અરજી મનોરંજન ડી, સાગર શર્મા, લલીત ઝા, અમોલ શિંદે અને મહેશ કુમાવાત દ્વારા દાખલ કરાઈ છે.
આ પાંચ આરોપીઓના પક્ષે કોર્ટમાં દલીલ કરનાર વકીલ અમિત શુક્લાએ કહ્યું, “અમે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. અમે આ તથ્યો કોર્ટના ધ્યાને લાવવા માગીએ છીએ, કારણ કે ચાર્જશીટ દાખલ કરતી વખતે પોલીસ તેની સાથે છેડછાડ કરી શકે છે.”
તેમણે કહ્યું કે, “બાદમાં જામીન અરજી દાખલ કરવા માટે અમે આ તથ્યો પર આધાર રાખશું.’
વકીલ અમિત શુક્લાએ જણાવ્યું, “ સરકાર પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય મગાયો છે. તેઓ 17 ફેબ્રુઆરી સુધી જવાબ સબમિટ કરશે.”
આરોપીઓએ એવો પણ આરોપ કર્યો છે કે તેમને તેમના જૂના અને નવા સિમ નંબર મેળવવા માટે એરટેલ, વોડાફોન અને બીએસએનએલની ઑફિસે પણ લઈ જવાયા. આનું કારણ ‘પ્રૉસિક્યૂશનને બરાબર ખબર હશે.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વકીલે કહ્યું કે પાંચેય આરોપીઓને બીક છે કે તેમના સિમ નંબર સાથે છેડછાડ કરીને એવો દાવો કરાઈ શકે છે કે તેમનો સંબંધ ખરાબ લોકો કે કોઈ રાજકીય પક્ષ સાથે છે.
કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપીએ જણાવ્યું કે તેમની પાસેથી બળજબરીપૂર્વક ઇમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ લેવામાં આવ્યા. વકીલ અમિત શુક્લાએ જણાવ્યું કે, “દિલ્હી હાઈકોર્ટના આદેશ પ્રમાણે આ બાબત ગેરકાયદેસર છે.”
દિલ્હી પોલીસ શું કહી રહી છે?
દિલ્હી પોલીસ વતી કોર્ટમાં હાજર રહેલા વિશેષ સરકારી વકીલ અખંડ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, “અમે અમારો યોગ્ય જવાબ દાખલ કરીશું.”
જોકે, તેમણે એવું પણ જણાવ્યું કે આ બાબત અગાઉ પણ કોર્ટના ધ્યાને લવાયો હતો, પરંતુ જ્યારે જજે આરોપીઓને આ વિશે પૂછ્યું તો તેમણે ઇનકાર કરી દીધો હતો.
વિશેષ સરકારી વકીલ અખંડ પ્રતાપસિંહે કહ્યું, “13 જાન્યુઆરીએ જ્યારે બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ આ જ આરોપ લગાડવામાં આવ્યા હતા અને કોર્ટે દરેક આરોપીને એક પછી એક સવાલ કર્યા હતા. જોકે, આરોપીઓએ ત્યારે દિલ્હી પોલીસ તરફથી કોઈ પણ જાતનું દબાણ કરાયાના આરોપોને નકારી દીધા હતા. 13 જાન્યુઆરીના આદેશમાં પણ આ નોંધાયેલુ છે.”
જોકે, આરોપીઓના વકીલે કહ્યું કે તેઓ પોલીસના ડરથી કંઈ ન બોલ્યા. તેમણે કહ્યું કે, “નીલમ આઝાદે (છઠ્ઠાં આરોપી) જ્યારે એક મહિલા ઑફિસરે તેમના પર 50 કોરા કાગળ સહી કરવા દબાણ કર્યું ત્યારે આ મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. જ્યારે તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે મારા અસીલોએ જણાવ્યું કે તેમની સાથે પણ આવું થયું છે.”
વકીલે કહ્યું, “જ્યારે મેં આ મામલો ઉઠાવ્યો અને કહ્યું કે આની નોંધ લેવી જોઈએ, ત્યારે કોર્ટે કહ્યું કે તેઓ આ વિશે દરેક આરોપીને પૂછશે. જ્યારે કોર્ટમાં આરોપીઓને આ વાત પુછાઈ તેમણે કહ્યું કે આવું કંઈ જ નથી બન્યું.”
“એ સમયે તેઓ (આરોપીઓ) પોલીસ ઑફિસરોની સાથે ઊભા હતા. તેથી કંઈક તો બન્યું (પોલીસની તરફથી) છે, જે બાદ તેમણે (આરોપીઓ) કહ્યું કે પોલીસ તેમના પર દબાણ નથી કરી રહી.”
“બાદમાં જ્યારે હું તેમને જેલમાં મળ્યો, તેમણે મને કહ્યું કે તેમના પર કોર્ટમાં કંઈ ન બોલવાનું દબાણ હતું.”
આરોપીના વકીલે કહ્યું કે, “તે દિવસે (13 જાન્યુઆરી) તેઓ પોલીસ કસ્ટડીમાં હતા. આ કસ્ટડી તે જ દિવસે પૂરી થઈ હતી. પોલીસ કસ્ટડી પૂરી થયા પછી હું તેમને ન્યાયિક કસ્ટડીમાં મળ્યો હતો. તેમણે મને ત્યારે બધું કહ્યું હતું. જ્યારે તેમને ખાતરી થઈ હતી કે હવે ન્યાયિક કસ્ટડીમાં પોલીસ તેમને હેરાન નહીં કરે તે બાદ તેમણે મને બધું જણાવ્યું.”
આરોપીઓની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરાયો
બુધવારે થયેલી સુનવણીમાં દિલ્હી પોલીસે દરેક આરોપીની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી હતી. અદાલતે કસ્ટડી એક માર્ચ સુધી વધારી દીધી છે.
સરકારી વકીલ અખંડ પ્રતાપસિંહે કહ્યું કે, “તપાસ હજુ પણ ચાલુ છે. જો આ લોકોને કસ્ટડીમાં ન રાખવામાં આવે તો સાક્ષીઓ પર દબાણ કરવાની અને પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતા રહેશે.”
આ છ આરોપીઓને 13 ડિસેમ્બરે સંસદ પર હુમલાની વરસીના દિવસે જ તેનો સુરક્ષા ઘેરો તોડવાના મામલામાં કસ્ટડીમાં છે.
એ દિવસે મનોરંજન ડી અને સાગર શર્માએ એમપી ચૅમ્બરમાં નારા પોકારી એક સ્મોક કૅન ફેંક્યું હતું. અન્ય બે આરોપી નીલમ અને અમોલ શિંદેની સંસદની બહાર નારાબાજી અને રંગીન ગૅસ છોડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આ મામલામાં મહેશ કુમાવત અને લલિત ઝાની પણ ધરપકડ કરાઈ છે. પોલીસ અનુસાર વ્યવસાયે શિક્ષક લલિત ઝા હુમલાના 'માસ્ટર માઇન્ડ' હતા અને કુમાવત સુરક્ષા ઘેરો તોડવાના આયોજનમાં મદદ કરી રહ્યા હતા.
બાદમાં આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ બેરોજગાર છે અને તેઓ સંસદમાં રોજગાર ન મળવાનો મુદ્દો ઉઠાવવા માગતા હતા. આ તમામ આરોપીઓ સામે આતંકવાદવિરોધી કાયદા યુએપીએ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આરોપીઓના વકીલે દાવો કર્યો છે કે તેમને અત્યાર સુધી એફઆઇઆરની નકલ પણ નથી મળી.