સાત વર્ષની વયે પ્રેમ થયો, પછી છૂટાં પડ્યાં, 45 વર્ષ બાદ કેવી રીતે લગ્ન કર્યાં?

    • લેેખક, બીબીસી
    • પદ, રેડિયો-4
  • પ્રકાશિત

"હું નાની હતી ત્યારે જ મારી માતાનું અવસાન થયું હતું એટલે મને હૉસ્ટેલમાં મોકલી દેવાઈ હતી," આ વાત ઈરિન જણાવે છે.

તે વખતે એલનની ઉંમર સાત વર્ષની હતી અને પોતાના ઘરની બારીમાંથી ઈરિનને હૉસ્ટેલમાં આવતા જોઈ હતી. ઈરિન કારમાંથી ઊતરી, એલને તેને જોઈ અને તેના દિલમાં કંઈક કોતરાઈ ગયું.

"હું દોડીને દરવાજે પહોંચી ગયો અને તે વખતે જે પરિચારિકા ચાર્જમાં હતી, તેની સાથે વાત કરવા હું સ્વંયસેવક બની ગયો, જેથી તેને હૉસ્ટેલ બતાવી શકું."

ઈરિનને પણ એ વાત યાદ છે: "દરવાજે જ એક છોકરો ઊભો હતો. મને તે ઘડી કાયમ માટે યાદ રહી ગઈ છે. મેં તેને જોયો અને અમારી દોસ્તી શરૂ થઈ ગઈ હતી. તે પછી અમે સાથે ને સાથે જ રહેતાં હતાં.

એલને પણ પોતાનાં માતાને ગુમાવ્યાં અને તેને પણ ભાઈબહેનોથી અલગ કરીને હૉસ્ટેલમાં મૂકી દેવાયો હતો.

ઈરિન કહે છે, "અમારી વચ્ચે એક તંતુ જોડાઈ ગયો હતો, બસ." તે વખતે બંને માટે એ જ સઘળું હતું.

તે વખતે હૉસ્ટેલમાં રહેતા છોકરા અને છોકરીઓને એકબીજા સાથે વાતચીત કરવાની કે સાથે રમવાની છૂટ નહોતી પણ ઈરિન અને એલન ક્યારેય જુદાં પડતાં જ નહોતાં.

ઈરિન કહે છે, "અમે વાતો કરતા કે જો મા જીવતી હોત આપણને કેવો પ્રેમ કરતી હોત. અમે બસ કલ્પના જ કરતાં કે અમારા પરિવારના લોકો ક્યાં હશે."

"અમે નજીકમાં એક ટેકરી હતી (બન્ની હિલ) તેના પર પહોંચી જતાં અને ત્યાં અમને બહુ મજા આવતી હતી."

"અમે છુપાઈને ત્યાં મળતાં અને બાદમાં અલગ-અલગ હૉસ્ટેલમાં પાછાં ફરતાં અને એકબીજાની સામે પણ ન જોતાં," એમ એલન યાદ કરતાં કહે છે.

"એ બહુ કપરો સમય હતો પણ એવું કરવા સિવાય કોઈ છૂટકો નહોતો."

એલન કહે છે કે એ બાળકો માટેનું આશ્રયસ્થાન હતું, એટલે એક રીતે બાળકો માટે જેલ જેવું જ હતું.

એવી સ્થિતિમાં ઈરિનને મળવાનું થતું હોવાથી બહુ રાહત રહેતી હતી. કપડા ધોવાની ચોકડી હતી ત્યાં છોકરા-છોકરી ભેગાં થઈ શકતાં. એલન કહે છે કે અમે એકબીજા સાથે બસ વાતો જ કરતાં રહેતાં.

એક દિવસ બન્ની હિલ પર ગયાં ત્યારે એલને પ્રેમનો એકરાર કર્યો.

એલન કહે છે કે મને યાદ છે કે મેં ઝાડીમાંથી એક ફૂલ લીધું હતું અને તેને આપ્યું અને કહ્યું, 'હું મોટો થઈને તારી સાથે લગ્ન કરવા માગું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ?' તેણે મારી સામે જોયું અને કહ્યું કે, 'હા, પણ તારે થોડી રાહ જોવી પડશે.'

તેમને ખ્યાલ હતો કે આવનારા દિવસો કપરા હશે

દર ઉનાળે બાળકોને ઉત્તર યોર્કશાયરમાં આવેલા દરિયાકિનારાના વ્હાટબાય પ્રવાસનસ્થળે ફરવા લઈ જવાતાં.

એ પ્રવાસ વખતે એલન અને ઈરિને ભાગી જવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે હૉસ્ટેલમાં કોઈની સાથે તેમનો ઝઘડો થઈ ગયો, કેમ કે તેમના મિલનની કોઈ જાણ થઈ ગઈ હતી. હૉસ્ટેલના મૅનેજરો બહુ જ રોષમાં હતા.

એલેન કહે છે, "મને ખ્યાલ આવી ગયો કે અમે ફસાઈ ગયાં. અમને સમજાતું નહોતું કે હવે અમારું શું થશે." તેમના માટે આંચકાજનક સ્થિતિ ઊભી થઈ હતી.

બીજા દિવસે ઈરિન શાળાએ ગઈ ત્યારે ખબર પડી કે એલનને દૂર મોકલી દેવાયો છે. પૂછ્યું કે તેને ક્યાં મોકલાયો છે ત્યારે જણાવાયું કે તેને દત્તક લઈ લેવાયો છે.

જોકે એ જુઠ્ઠાણું હતું.

એલન કહે છે કે તે લોકોએ મને એક કારમાં બેસાડીને ફૂલસ્પીડે શહેરના બીજા છેડે આવેલા બાળકો માટેના આશ્રમમાં મોકલી લીધો. "એ બહુ જ આઘાતજનક અનુભવ હતો... અચાનક હું અજાણી જગ્યાએ આવી ગયો, જ્યાં નવા લોકો હતા અને હું કોઈને જાણતો નહોતો."

એલનને બહુ ખરાબ લાગી રહ્યું હતું કે પોતાને કારણે ઈરિનને ભોગવવું પડશે. ઈરિનનું શું થયું હશું? તેની સાથે કંઈ ખોટું તો નહીં થાય ને?

આ રીતે તે ચિંતામાં પડી ગયો હતો અને નવા આશ્રયસ્થાનથી તે એક દિવસ ભાગી છૂટ્યો અને પોતાની મિત્ર જ્યાં હતી તે જૂના આશ્રયસ્થાને પહોંચી ગયો.

એલન કહે છે કે મને ખબર નહોતી કે ત્યાં કેમ પહોંચવું પણ ગમે તેમ કરીને ત્યાં પહોંચી ગયો.

શિયાળાની કડકડતી મધરાતે એક જગ્યાએ એન્ટી-ઍરક્રાફ્ટ શેલ્ટર હતું ત્યાં આશરો લીધો હતો. જોકે બીજા દિવસે તે ઈરિનને મળવા માટે બસસ્ટૉપ પાસે પહોંચ્યો ત્યારે પોલીસ ત્યાં આવી અને ફરી પકડીને લઈ ગઈ.

એલન વારંવાર ઈરિનને મળવા માટે કોશિશ કરતો રહ્યો અને તક મળે ત્યારે આશ્રયસ્થાનથી નાસી જતો હતો, પણ દર વખતે તેને પકડીને ફરી પાછો લવાતો.

"એ બહુ જ મુશ્કેલ સમય હતો"

વર્ષો પછી એલનની ગર્લફ્રેન્ડે એક દિવસ કહ્યું કે એક જિમમાં ઈરિન નામની યુવતી છે જે એક જમાનામાં બાળાશ્રમમાં રહેતી હતી.

એલન કહે છે, "એ સાંભળીને હું હચમચી ગયો હતો શું ખરેખર એ ઈરિન હશે?"

પોતાની પ્રેમિકા સાથે તે જિમમાં પહોંચી ગયો અને જોયું તો આંખો પહોળી થઈ ગઈ - ઈરિન જ ત્યાં હતી.

"એક તરફ અપાર ખુશી હતી, પણ બીજી બાજુ બહુ આઘાતજનક સ્થિતિ હતી."

એલન અને ઈરિન બંને પોતપોતાની રીતે અન્ય સંબંધોમાં જોડાઈ ગયાં હતાં અને તેમને સમજાતું નહોતું કે કેવી રીતે એકબીજા સાથે વાત કરવી.

જોકે બંનેના દિલમાં એક તમન્ના પણ જાગી કે ફરી બંને એક થઈ શકે તો.

ઈરિન કહે છે, "મને થયું કે મારી જોબ છોડી દઉં અને તેની સાથે ચાલી જાઉં. બધું જ છોડી દઉં અને તેની પાસે પહોંચી જાઉં."

એલન કહે છે, "પણ એ બહુ મુશ્કેલ હતું. અમે સમજતાં હતાં કે સ્થિતિ બહુ મુશ્કેલ છે અને અત્યારે તે માટેનો સમય નથી. અમે બંને ફરી કાયમ માટે સાથે થઈ જવા માગતાં હતાં પણ પહેલાં અમે ખાતરી કરી લેવા માગતાં હતાં કે હવે કશો અવરોધ ન આવે."

એટલે ફરી એક વાર બંનેએ થોડો સમય માટે જુદા પડી જવાનો નિર્ણય કર્યો.

એલન પોતાના કામ માટે સ્કૉટલૅન્ડ જતા રહ્યા અને ઈરિનને લાગ્યું કે કદાચ હવે ક્યારેય એલનને મળી શકશે નહીં.

જોકે જિમમાં બંનેની મુલાકાત થઈ તેના બેએક વર્ષ પછી ફરી એક વાર બંનેનો ભેટો થઈ ગયો.

ઈરિન કહે છે, "હું શહેરમાં કાર લઈને ફરી રહી હતી અને મેં એલનને જોયો." એક તરફ ઉત્સાહ જાગ્યો અને ઈરિનને થયું કે એલન પાછો આવ્યો છે અને હવે તેને ફરીથી શોધવાનો છે.

મહિનાઓ સુધી બંને એકબીજાને શોધતાં રહ્યાં

એલન જુદા જુદા સ્ટોરમાં પહોંચી જતો હતો અને કલાકો સુધી ત્યાં બેઠો રહેતો કે કદાચ ઈરિન ત્યાં ખરીદી કરવા આવશે. જોકે વર્ષો વીતવાં લાગ્યાં પણ એકબીજાની ભાળ મળતી નહોતી.

આખરે 20 મે, 2004ના રોજ તેઓ વિખૂટાં પડ્યાં હતાં તેના લગભગ 45 વર્ષ પછી ફરી એક વાર બંને સામસામે આવ્યાં. એક શેરીમાં એલન તેમને મળી ગયો.

ઈરિન કહે છે કે તેમણે જોરથી એલનના નામની બૂમ મારી અને તે મને જોઈને દોડીને આવ્યો. મને તેડી લીધી અને જોરશોરથી બોલવા લાગ્યો કે, "આખી જિંદગી હું આ નારીને ચાહતો રહ્યો છું અને હું હવે તેને ક્યારેય મારાથી અળગી નહીં થવા દઉં."

એલન કહે છે, "એ ક્ષણ લાગણીઓના ઊભરાની હતી."

વર્ષો સુધી બંને વિખૂટાં રહ્યાં હતાં તે બધું ઓગળી ગયું અને લાગ્યું કે જાણે બે કિશોરો જ છે, જે ટેકરી પર મળતાં હતાં.

એલન ઉત્સાહથી તેમને કહેવા લાગ્યો કે, "હું હવે મુક્ત છું. હું હવે એકલો છું અને આપણે હવે સાથે રહી શકીએ તેમ છીએ."

તે લોકો એકબીજાને ભેટીને, ખુશીમાં ગોળ ગોળ ફરવા લાગ્યાં, ઝૂમી રહ્યાં હતાં અને આસપાસના લોકો તેમને જોઈને ચકિત થઈ ગયા હતા. તેમને લાગ્યું હતું કે એક ઘડીમાં જ તેમને દુનિયા બદલાઈ ગઈ હતી.

એલન કહે છે, "બધું જ ઓગળી ગયું અને કશું જ સૂઝતું નહોતું કે કશું સમજાતું નહોતું. બસ અમે ફરી એક વાર ભેગા થઈ ગયાં."

ઈરિન વચ્ચે જ એલન સાથે સૂર મિલાવતાં કહે છે, "આ વખતે અમે કાયમ માટે સાથે થઈ ગયાં છીએ."

બંને સાંજે સાથે ભોજન કરવા ગયાં અને "અને આખી રાત વાતો કરતાં રહ્યાં કે કેવી રીતે આ સમયમાં અમારું જીવન વીત્યું. છુટ્ટાં પડ્યાં પછી શું શું થયું તેની વાતો કરતાં રહ્યાં," એમ ઈરિન કહે છે.

એલન સૂર પૂરાવતા કહે છે, "તે ઘડીથી આજ સુધી અમારી વાતો ખૂટી જ નથી." આખરે બચપણની મિત્ર તેની પ્રેમિકા બની શકી હતી.

"અમે પરિવારમાંથી છુટ્ટાં પડ્યાં હતાં અને મિત્રતા હતી તે છૂટી હતી. પણ હવે અમે મળ્યાં ત્યારે માત્ર પ્રેમ હતો."

"મેં તેને જોઈ હતી ત્યારે જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો."

આખરે 2007માં બન્ની હિલ પર પ્રથમ વાર એલને પ્રેમનો એકરાર કર્યો હતો તેના પાંચ દાયકા પછી બંને આખરે જીવનસાથી બન્યાં. તેઓ હનીમૂન માટે વ્હાઇટબાય જ ગયાં કે જ્યાંથી બંનેને છૂટાં પાડી દેવાયાં હતાં.

ઈરિન કહે છે, "હું સિસ્ટમ સામે બદલો લેવા માગતી હતી. હું દર્શાવવા માગતી હતી કે તમે ગમે તેમ કરી લો અમે આખરે મળ્યાં છીએ અને સાથે જ છીએ."

ઈરિન કહે છે, "હવે મારું જીવન ખૂબ સુંદર છે. મારો પરિવાર પણ એલનને પસંદ કરે છે." તેનો પડઘો પાડતા એલન કહે છે કે પોતાને પણ એવી જ લાગણી થાય છે કે તેમને એક નવો પરિવાર મળ્યો છે.

આજેય બંને એકબીજામાં ઓતપ્રોત રહે છે. એકબીજાને ખુશ રાખે છે અને બંને કહે છે કે હવે જ તેમનું જીવન ખીલ્યું છે.