You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણામાં ભાજપમાંથી વધુ એક રાજીનામું, મંત્રી રણજીતસિંહ ચૌટાલાનું રાજીનામું – ન્યૂઝ અપડેટ
હરિયાણા ભાજપમાં બળવો કરનાર નેતાઓની યાદીમાં નવું નામ હરિયાણા સરકારના કૅબિનેટ મંત્રી રણજીતસિંહ ચૌટાલાનું છે.
તેઓ રનિયા વિધાનસભાથી ચૂંટણી ટિકિટ ન મળવાથી નારાજ હતા. ભાજપે ત્યાંથી શીશપાલ કંબોજને ટિકિટ આપી છે.
વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 77 ઉમેદવારોને પ્રથમ યાદી જાહેર કર્યા પછી તાબડતોબ રાજીનામાં થયાં છે.
ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ પણ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
આવાનારી વિધાનસભા ચૂંટણીમાં સિરસાનાં પૂર્વ સંસદસભ્ય સુનીતા દુગ્ગલને રતિયા વિધાનસભા વિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે.
રાજીનામું આપનાર લોકોમાં હરિયાણા ભાજપ ખેડૂત મોર્ચાના અધ્યક્ષ સુખવીર શ્યોરાણ, શમશેર ગિલ, સોનીપતથી ભાજપના યુવા કાર્યકારિણીના સભ્ય અને વિધાનસભા ચૂંટણી પ્રભારી અમિત જૈનનું નામ સામેલ છે.
ભાજપનાં બધાં જ પદો પરથી રાજીનામું આપનાર હરિયાણા ભાજપ ઓબીસી મોર્ચાના પૂર્વ પ્રમુખ કરણદેવ કંબોજે કહ્યું, "હું અને મારો પરિવાર જનસંઘના સમયથી ભાજપમાં છીએ. કૉંગ્રેસની સંસ્કૃતિ હવે અહીં વધી રહી છે. ગઇકાલે કેટલાક એવા લોકોને (પાર્ટીમાં) સામેલ કરવામાં આવ્યા જેમણે આખા પ્રદેશમાં અવ્યવસ્થા ફેલાવી."
"મેં પાંચ વર્ષો સુધી ઓબીસી સમુદાયને ભાજપ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. જોકે, મારે બદલે બીજાને ટિકિટ આપવામાં આવી. આ બીજા પાર્ટી વર્કરો સાથે ગદ્દારી છે. અમે તેનો વિરોધ કરીશું. કૉંગ્રેસ અહીં સરકાર બનાવશે અને ભાજપનું સપનું સપનું જ રહી જશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જર્મની : ઇઝરાયલના દૂતાવાસ પાસે સંદિગ્ધ વ્યક્તિનું પોલીસ ફાયરિંગમાં મોત
જર્મનીના મ્યૂનિક શહેરમાં નાઝી ડૉક્યૂમેન્ટેશન સેન્ટર અને ઇઝરાયલી દૂતાવાસની નજીક પોલીસ ફાયરિંગમાં એક સંદિગ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ વ્યક્તિને ગોળી લાગ્યા પછી કેરોલાઇનપ્લાટ્ઝ વિસ્તારને ઘેરી લીધો છે. આ વિસ્તાર ઇઝરાયલના દૂતાવાસથી થોડોક જ દૂર છે.
બાવેરિયન પોલીસે કહ્યું કે બીજા સંદિગ્ધ વિશે કોઈ સંકેત નથી. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર આ ઘટનાની કોઈ તસવીર પોસ્ટ ન કરે.
પોલીસે લોકોેને આ સ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે. આ વિસ્તારમાં ઑફિસ અને ઘરે રહેતા લોકોને અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટના પછી તરત જ હૅલિકૉપ્ટર આ વિસ્તાર પર ફરતા જોવા મળ્યા.
પોલીસે કહ્યું કે અમે સ્થિતિને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. પોલીસે કહ્યું કે લોકો આ ઘટના અંગે કોઈ અટકળો ન લગાવે.
અમેરિકાના જ્યૉર્જિયાની હાઈસ્કૂલમાં ગોળીબારમાં ચાર લોકોનાં મૃત્યુ, નવ ઈજાગ્રસ્ત
અમેરિકાના જ્યૉર્જિયામાં એક હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ઘાયલ થયા છે.
પોલીસે હત્યાના આરોપમાં 14 વર્ષના છોકરાની ધરપકડ કરી છે જે આ જ શાળાનો વિદ્યાર્થી છે.
તપાસ એજન્સીએ જણાવ્યું કે બુધવારે બનેલી આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનું મૃત્યુ થયું છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ હુમલાખોર વિદ્યાર્થીએ આત્મસમર્પણ કર્યું હતું અને જમીન પર સૂઈ ગયો હતો.
ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીની ઓળખ કૉલ્ટ ગ્રે તરીકે કરવામાં આવી છે. કૉલ્ટ ગ્રે સામે પુખ્ત વયની વ્યક્તિની જેમ કેસ ચલાવાશે.
અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈને પહેલાથી જ કૉલ્ટ ગ્રેની ગતિવિધિઓ પર શંકા હતી. સાલ 2023ના મે મહિનામાં એફબીઆઈએ તેના પરિવારની પૂછપરછ કરી હતી.
તે વખતે કૉલ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શાળામાં ગોળીબાર કરવાની ધમકી આપી હતી. પરંતુ પૂછપરછ બાદ એફબીઆઈએ તેની ધરપકડ કરી નહોતી.
પિતાએ અધિકારીઓને કહ્યું હતું કે તેની પાસે શિકાર કરવા માટેની બંદૂકો છે અને તેઓ બંદૂકો પર કાયમ કડક નજર રાખતા હોય છે.
જે શાળામાં આ ઘટના બની છે ત્યાં એક હજાર 900 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
પેરિસ પૅરાલિમ્પિક ગૅમ્સમાં ધરમવીર અને હરવિંદરસિંહે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
તીરંદાજ હરવિંદરસિંહે મેન્સ સિંગલ્સ રિકર્વ ઓપન તીરંદાજીમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે.
પૅરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય તીરંદાજ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં છે.
બુધવારે જ ભારતીય ખેલાડી ધરમવીરે પણ ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
વર્લ્ડ ચૅમ્પિયન શૉટ પુટર સચીન સર્જેરાવ ખેલાડી અને બીજા ક્લબ થ્રોઅર પ્રણવ સુરમા સિલ્વર મેડલ જીત્યા છે.
ધરમવીરે એફ51 ઇવેન્ટમાં 34.92ના થ્રો સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ રમતમાં ગોલ્ડ જીતનાર તેઓ પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.
ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને પાંચ ગોલ્ડ સાથે ભારતે અત્યાર સુધીમાં કુલ 24 મેડલ જીત્યા છે. જેમાં નવ સિલ્વર અને 10 બ્રૉન્ઝ મેડલ સામેલ છે.
આ સાથે પેરિસ પૅરાલિમ્પિક ગેમ્સની મેડલ ટેબલમાં ભારત 13મા ક્રમાંકે પહોંચી ગયો છે.
પૅરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે અને રમતમાં હજુ ત્રણ દિવસ બાકી છે ત્યારે એવી અપેક્ષા છે કે મેડલની સંખ્યામાં હજુ વધારો થશે.
શિવાજીની મૂર્તિ બનાવનાર કલાકારની ધરપકડ
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ બનાવનાર જયદીપ આપટેની મહારાષ્ટ્ર પોલીસે થાણેમાંથી ધરપકડ કરી છે. વરસાદ અને પવનના કારણે આ મૂતિ તૂટી પડી હતી, જેના કારણે વિવાદ સર્જાયો છે.
મહારાષ્ટ્રની પોલીસ ઘણા દિવસોથી આપટેની શોધખોળ કરી રહી હતી. તેઓ પોતાના પરિવારને મળવા માટે કલ્યાણ આવી રહ્યા હતા જ્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.
35 ફૂટ ઊંચી શિવાજીની મૂર્તિનું 4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ના અવસરે નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. નેવી ડે નિમિત્તે 'બહાદુરીને સલામ'ના પ્રતીક તરીકે આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
લોકાર્પણ થવાના આઠ મહિનાની અંદર મૂર્તિ તૂટી જતાં સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ભારતીય નેવીએ આ પ્રતિમા બનાવી હતી. પવનના કારણે તે પડી ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે શક્ય તેટલી વહેલી તકે નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
30 ઑગસ્ટે પાલઘર જિલ્લામાં પ્રધાન પૉર્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવા મુદ્દે માફી માગી હતી.
તેમણે કહ્યું હતું, "મારા માટે અને મારા સાથીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી. અમારા માટે છત્રપતિ શિવાજી રાજા, મહારાજા, રાજપુરુષ માત્ર નથી. અમારા માટે તે આરાધ્ય દેવ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન