આઈવીએફથી બાળક થયા બાદ સામાન્ય ગર્ભધારણ શક્ય છે?

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, બીબીસી હિંદી માટે
  • પ્રકાશિત

ભારતીય ટેલિવિઝનનાં જાણીતાં અભિનેત્રી દેબિના બેનરજી પોતાની બીજી દીકરીને દિવિશાને ‘મિરેકલ બેબી’ કહે છે.

દેબિના બેનરજીએ પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેમના બીજી વખતના ગર્ભધારણ પર વિશ્વાસ નહોતો થઈ શકી રહ્યો. દિવિશાનો જન્મ તેમના માટે ચમત્કાર સમાન છે.

એપ્રિલ 2022માં તેમની પ્રથમ દીકરી લિયાનાનો જન્મ આઇવીએફ (ઇન વીટ્રો ફર્ટિલાઇઝેશન) તકનીક વડે થયો હતો.

થોડા દિવસો બાદ તેઓ ફરી વાર ગર્ભવતી થયાં. એ ગર્ભધારણ બિલકુલ સામાન્યપણે થયું હતું.

તેમણે પોતાની પ્રથમ દકીરના જન્મના માત્ર સાત મહિના બાદ જ પોતાની બીજી દીકરીને જન્મ આપ્યો હતો. આ એક પ્રીમૅચ્યોર ડિલિવરી હતી.

હવે તેઓ પોતાના પતિ ગુરમીત ચૌધરી અને બંને દીકરીઓ સાથે એક ખુશાલ જીવન જીવી રહ્યાં છે. હાલમાં જ તેમણે તેમની બીજી દીકરી દિવિશાનું વારાણસી ખાતે મુંડન કરાવ્યું હતું.

સામાન્ય ગર્ભધારણ સંભવ

નોઇડામાં રહેતાે એક સોફ્ટવૅર કંપનીમાં કામ કરનારાં દંપતીએ વૈવાહિક જીવનનાં દસ વર્ષ બાદ આઇવીએક તકનીકની મદદ લીધી. પ્રથમ બાળકના જન્મ બાદ તેઓ બીજી વખત કુદરતી ગર્ભધારણ વડે માતાપિતા બન્યાં.

બીજી વખત માતા બનવાનો રાજીપો વ્યક્ત કરતાં મિતાલી (બદલેલ નામ)એ જણાવ્યું, “અમને તો લાગ્યું હતું કે આઇવીએફ બાદ ફરીથી આઇવીએફ જ કરાવવું પડશે પરંતુ ડૉક્ટરોએ અમને એ વાતનો વિશ્વાસ અપાવ્યો હતો કે સામાન્ય ગર્ભધારણ સંભવ છે અને અમારી સાથે થયું પણ એવું જ.”

સરોગસી અને આઇવીએફ તકનીકથી ઇલાજ કરનારા ડૉક્ટરોનું પણ માનવું છે કે આઇવીએફ વડે ગર્ભધારણ બાદ નૉર્મલ ગર્ભધારણના કિસ્સા બનવાની સંખ્યા સતત વધી રહી છે.

રાંચીનાં ડૉક્ટર રૂપાશ્રી પુરુષોત્તમે બીબીસીને કહ્યું, “અમારી જાણમાં આઇવીએફ વડે ગર્ભધારણ બાદ નૉર્મેલ પ્રેગનન્સીના મામલા આવે છે અને એ એક સામાન્ય બાબત છે. ખરેખર તો વધુ ઉંમરે લગ્ન કે કેટલાક મામલામાં મેડિકલ કારણોને ળઈને મહિલાઓમાં વંધ્યત્વ આવી જાય છે.”

“એ સમયે તેઓ આઇવીએફ વડે ગર્ભધારણ માટે અમારી પાસે આવે છે. પરંતુ પ્રથમ બાળકના જન્મ બાદ તેમનું તાણ ખતમ થઈ ચૂક્યું હોય છે. તેઓ ખુશ રહેતાં હોય છે. પતિ-પત્નીના સંબંધ વધુ મધુર બની જાય ત્યારે નૉર્મેલ પ્રેગનન્સીની સંભાવના વધી જાય છે.”

તેમણે કહ્યું, “વધુ ઉંમરનાં અનફર્ટાઇલ મહિલાઓને સામાન્યપણે થાયરૉઇડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, સ્ટ્રેસ જેવી ફરિયાદો હોય છે. આના કારણે આઇવીએફથી પ્રથમ ગર્ભધારણ બાદ તેમને ઘણી વાર બીજા બાળક માટે પણ આઇવીએફનો આશરો લેવો પડે છે.”

“તેથી આઇવીએફ બાદ નૉર્મલ ડિલિવરીનો દર થોડો ઓછો હોય છે. પરંતુ જો તેઓ સ્વસ્થ હોય તો બીજી વખત સામાન્યપણે ગર્ભધારણ કરવાની આશા વધી જાય છે.”

આવું કેમ થાય છે?

ભારતમા સરોગસીનાં જાણીતા ડૉક્ટર નયના પટેલ પણ ડૉક્ટર રૂપાશ્રી સાથે સંમત થાય છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે આઇવીએફ બાદ સામાન્ય ગર્ભધારણ થયાનાં ઘણાં ઉદાહરણ છે.

પરંતુ આવું થાય એ માટે દંપતી તાણમુક્ત અને ખુશ રહે એ જરૂરી છે.

ડૉક્ટર નયના પટેલે કહ્યું, “જો કોઈ મહિલામાં આઇવીએફ બાદ પણ ઈંડાંની ગુણવત્તા ઠીક છે, તેમનું અંડાશય (ઓવરી) સામાન્ય છે અને તેમના પતિનું સ્પર્મ કાઉન્ટ પણ નૉર્મલ છે. તો આવી મહિલાઓ બીજી વખત સામાન્ય રીતે ગર્ભવતી બની જાય છે.”

“કારણ કે, પ્રથમ બાળકના જન્મ બાદ તેમનો તાણ (સ્ટ્રેસ લેવલ) ખતમ કે ઓછું થઈ ગયું હોય છે. તેમની સેક્સુઅલ લાઇફ સારી હોય છે. આ પરિસ્થિતિઓમાં તેમને નૉર્મલ પ્રેગનન્સી થવી એ બિલકુલ નૉર્મલ બાબત છે.”

સંશોધનમાં શું સામે આવ્યું?

આઇવીએફ બાદ નૉર્મલ પ્રેગનન્સીના મામલા પર કરાયેલ એક સંશોધનમાં દાવો કરાયો છે કે દરેક પાંચમાંથી એક એટલે કે 20 ટકા મહિલાઓ આઇવીએફ વડે ગર્ભધારણ બાદ બીજી વખત સામાન્ય રીતે ગર્ભવતી થાય છે.

તે પૈકી મોટા ભાગની મહિલાઓ પ્રથમ ગર્ભધારણનાં ત્રણ વર્ષની અંદર જ બીજી વખત ગર્ભવતી થયા બાદ બાળકને જન્મ આપે છે.

આ સંશોધનપત્ર ગત 21 જૂનના રોજ ‘હ્યુમન રિપ્રોડક્શન’ નામની એક સંશોધનપત્રિકા (જર્નલ)માં પ્રકાશિત થયો છે.

તેમાં ઇંગ્લૅન્ડની 22 મહિલાઓના ઇન્ટરવ્યૂ પણ સામેલ કરાયા છે, જેમણે આઇવીએફ વડે પ્રથમ ગર્ભધારણ બાદ બીજી વખત સામાન્ય રીતે ગર્ભવતી થવામાં સફળતા હાંસલ કરી.

હવે સમગ્ર વિશ્વમાં આ આંકડા ચર્ચાનો વિષય બન્યા છે.

યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડનની એજીએ ઇન્સ્ટિટ્યૂટ ફૉર વિમૅન હેલ્થનાં ડૉક્ટર એનેટ થ્વાઇટ્સના નેતૃત્વમાં ચાર ડૉક્ટરોની ટીમે વર્ષ 1980થી 2021 દરમિયાન સમગ્ર વિશ્વની પાંચ હજાર કરતાં વધુ મહિલાઓ પર કરાયેલાં 11 સંશોધનના આંકડાના અધ્યયન બાદ આ દાવો કર્યો છે.

આ ટીમમાં ડૉક્ટર એનેટ થ્વાઇટ્સ સાથે જેનિફર હાલ, ડૉક્ટર જ્યૂડિફ સ્ટેપહેંસન અને ડૉક્ટર ગેરેલડાઇન બૅરેટ પણ સામેલ હતાં.

આ રિપોર્ટનાં તારણો સાથે સંમતિ વ્યક્ત કરતાં દિલ્હીમાં ‘ફેમિનિસ્ટ’ નામે આઇવીએફ ક્લિનિક ચલાવનારાં ડૉક્ટર સૌજન્યા અગ્રવાલ જણાવે છે કે સામાન્યપણે 20 ટકા મહિલાઓ આઇવીએફ બાદ સામાન્ય રીતે ગર્ભવતી થઈ શકે છે.

તેમણે જણાવ્યું, “ખરેખર આઇવીએફની સ્થિતિ ત્યારે જ આવે છે જ્યારે કાં તો મહિલાની ટ્યૂબ બ્લૉક હોય કે પછી પતિના સ્પર્મ કાઉન્ટ બરાબર ન હોય. કાં તો બંનેમાં થોડી-થોડી સમસ્યા હોય. ત્યારે તેઓ આઇવીએફ કરાવે છે. આ ગર્ભાવસ્થા દરમિયાન નાની-મોટી સમસ્યાઓ દૂર થઈ જાય છે.”

જોકે સૌજન્યા અગ્રવાલ એવું પણ માને છે કે આઇવીએફ કરાવનારી મોટા ભાગની મહિલાઓ એ વાત જાણવા માગે છે કે શું તેમને બીજી વખત પણ આ પ્રક્રિયા અનુસરવી પડશે કે કેમ?

તેમણે કહ્યું, “લોકો ઘણી વાર આ પ્રશ્ન પૂછે છે. પરંતુ તેનો જવાબ દરેક કેસમાં અલગ-અલગ હોય છે અને એ અંગે યોગ્ય જવાબ મેળવવા માટે અમારે ઘણાં પરીક્ષણો કરવા પડે છે. તમામ ટેસ્ટ સામાન્ય હોય તો બીજી વખત નૉર્મલ ગર્ભધારણ થવાની સંભાવના હોય છે.”

તમામ ટેસ્ટ સામાન્ય હોય છતાં આઇવીએફનો આશરો કેમ લેવો પડે છે, આના જવાબમાં તેઓ કહે છે કે, “સત્ય વાત તો એ છે કે બધું નૉર્મલ હોય તો પણ અમુક મહિલાઓ કન્સીવ નથી કરી શક્તિ, તેને મેડિકલ શબ્દાવલીમાં અમે અનએક્સપ્લેન્ડ ઇનફર્ટિલિટીની સ્થિતિ કહીએ છીએ. આવા મામલા પણ હોય છે અને આ મામલામાં પણ બીજી વખત નૉર્મલ પ્રેગનન્સીની શક્યતા હોય છે.”