You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રેન્ચ ઓપનનો ખિતાબ રશિયાનાં 19 વર્ષનાં મીરા ઍન્ડ્રીવાએ જીત્યો – ન્યૂઝ અપડેટ
રશિયાનાં મીરા ઍન્ડ્રીવાએ શનિવારે ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ફાઇનલમાં તેમણે માયા ચ્વાલિન્સ્કાને 6-3, 6-2થી હરાવ્યાં.
19 વર્ષ અને 39 દિવસની ઉંમરમાં ઍન્ડ્રીવા, વર્ષ 2020 બાદ ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલનો ખિતાબ જીતનારાં બીજાં મહિલા બની ગયાં છે. આ પહેલાં વર્ષ 2020માં ઇગા સ્યાંતેકે 19 વર્ષની ઉંમરમાં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
કૉક્રોચ જનતા પાર્ટીએ સરકારને આપ્યું સાત દિવસનું અલ્ટિમેટમ, પાર્ટીએ કઈ ચેતવણી આપી?
કૉક્રોચ જનતા પાર્ટી(સીજેપી)એ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું.
પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ આ પ્રદર્શન સાથે જોડાવા માટે લોકોનો આભાર માન્યો છે.
કૉક્રોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ એક વીડિયોમાં સૌરભ દાસે કહ્યું, "તમે સૌએ જોયું કે આજે જંતર-મંતર પર હજારો લોકો જોડાયા અને શાંતિપૂર્ણ પ્રદર્શનો કર્યાં. તેથી આ તમામ 'કૉક્રોચો'નો હ્રદયપૂર્વક આભાર."
સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું, "આજે જંતર-મંતર પર હજારો લોકો ભેગા થવયા હોવા છતાં સરકાર તરફથી કે પછી ધર્મેન્દ્ર પ્રધાન તરફથી રાજીનામાની કોઈ ખબર નથી. વડા પ્રધાને હજુ ધર્મેન્દ્ર પ્રધાનને હઠાવ્યા નથી."
તેમણે ચેતવણી આપતા કહ્યું, "જે લોકોને લાગતું હોય તે આ માત્ર પ્રદર્શન હતું, તો તેમને અમે જણાવી દેવા માગીએ છીએ કે આ માત્ર ટ્રેલર હતું. અમે આ સરકારને સાત દિવસનો સમય આપીએ છીએ. ધર્મેન્દ્ર પ્રધાનમાં દેશના લોકતંત્ર પ્રત્યે જરા પણ જવાબદારી હોય તો તેઓ સાત દિવસમાં રાજીનામું આપી દે. અથવા તો વડા પ્રધાન તેમને સસ્પેન્ડ કરે. નહીંતર અમે ફરીથી પ્રદર્શન કરીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટમૅચ : પહેલા દિવસે રાહુલ અને શુભમન ગિલે ફટકારી સદી, ટીમે બનાવ્યા આટલા રન
ભારત અને અફધાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એક માત્ર ટેસ્ટમૅચના પહેલા દિવસે ભારતે ત્રણ વિકેટના ભોગે 368 રન બનાવ્યા હતા.
ભારત તરફથી કેએલ રાહુલે 100 રનની ઇનિંગ રમી જ્યાર કે શુભમન ગિલ 103 રન અને ઋષભ પંત 50 રન બનાવીને રમી રહ્યા છે.
સાઈ સુદર્શને પણ 81 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સૈફીએ બે વિકેટ લીધી જ્યારે કે ઝિયાઉર રહેમાને એક વિકેટ લીધી.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ટેસ્ટમૅચ ન્યૂ ચંડીગઢના મહારાજા યાદવિંદ્રસિંહ આંતરરાષ્ટ્રિય સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
અફઘાનિસ્તાનની સામે વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલનો સમાવેશ કેમ થયો?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી રમાનારી વન-ડે સિરીઝમાંથી વિરાટ કોહલી બહાર થઈ ગયા છે. કારણકે તેમને ઈજા થઈ હોવાની જાણકારી મળી છે.
બીબીસીઆઈએ શનિવારે ઍક્સ પર એક પોસ્ટ કરીને તેની જાણકારી આપી.
બીસીસીઆઈએ લખ્યું, "બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું છે કે ઈજાગ્રસ્ત વિરાટ કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે."
ત્રણ મૅચોની આ સિરીઝ 13, 17 અને 20 જૂનના રોજ રમાશે. આ સિરીઝમાં શુભમન ગિલ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે.
નૉર્વે ચેસ ટાઇટલ જીતનારા પહેલા ભારતીય બન્યા પ્રજ્ઞાનાનંદ
ભારતના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનાનંદે નૉર્વે ચેસનો ખિતાબ જીતી લીધો છે. તેઓ આમ કરનારા પહેલા ભારતીય ખેલાડી બન્યા છે.
તેમની આ ઉપલબ્ધિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર તેમને અભિનંદન પાઠવ્યાં છે.
વડા પ્રધાને ઍક્સ પર લખ્યું, "પ્રજ્ઞાનાનંદે આ શાનદાર ઉપલબ્ધિ માટે અભિનંદન, આ ખરેખર એક શાનદાર ઉપલબ્ધિ છે. જે તેમના સતત બહેતરીન પ્રદર્શનને દર્શાવે છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામના."
પ્રજ્ઞાનાનંદે ફાઇનલ રાઉન્ડમાં જર્મનીના વિન્સેંટ કીમરને હરાવ્યા. તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજયે પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીનો સમાવેશ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ 2026 માટે ટી-20 ટીમની જાહેરાત કરી.
તાજેતરના ટી20 વર્લ્ડકપ ભારતને જીત અપાવનાર કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરાયા છે. શ્રેયસ અય્યર હવે ટી-20 ટીમનું નેતૃત્વ કરશે.
આઇપીએલની 19મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલી વાર ભારતીય ટી-20 ટીમમાં સામેલ કરાયા છે.
તિલક વર્માને ટીમના ઉપ-કપ્તાન બનાવાયા છે. હાર્દિક પંડ્યા ત્રણેય ટુર્નામેન્ટમાં ટીમમાં નહીં હોય.
સિલેક્શન સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને બીસીસીઆઇ સચિવ દેવજિત સૈકિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય ટીમની જાહેરાત કરી હતી.
એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશકુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપસિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી
ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
શ્રેયસ ઐયર, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશકુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપસિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી
સહરાના રણમાં ગાડી બગડી જતાં લોકો ફસાયા, તરસથી 50 લોકોનાં મોત
ઉત્તર નાઇઝરના સહરાના રણમાં એક દૂરના વિસ્તારમાં પાણી ન મળવાથી 50 લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને લઈ જતી ટ્રક રસ્તામાં બગડી હતી.
બીબીસી ઉર્દૂ અનુસાર, આ જૂથ માલીથી પાછું ફરતું હતું, તેઓ ઈદ-અલ-અધાની ઉજવણીમાં સામેલ થવા ગયા હતા, પરંતુ રસ્તામાં તેમની પાસે પાણી ખૂટી ગયું અને તેઓ નાઇઝર અને અલ્જિરિયા વચ્ચે ફસાઈ ગયા.
આ વિસ્તારમાં મોજૂદ અગાડેઝના ગવર્નરે કહ્યું, "મુસાફરો એક ખતરનાક વિસ્તારમાં ફસાઈ ગયા હતા, જ્યાં બહુ ગરમી અને સુવિધાના અભાવે જીવિત રહેવું ખૂબ મુશ્કેલ હતું."
અધિકારીઓએ જણાવ્યું કે ફસાયેલા મુસાફરોમાં માત્ર બે જીવિત બચી શક્યા છે.
ડ્રાઇવર અને મુસાફરોએ અનેક દિવસો સુધી વાહન ઠીક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ નિષ્ફળ રહ્યા.
બધા મૃતકો નાઇઝરના નાગરિક હતા. સ્થાનિક અધિકારીઓએ તરફથી મોકલેલી ટીમે તેમને સામૂહિક કબરોમાં દફનાવ્યા છે.
અમેરિકન સેનાએ કહ્યું કે ઈરાનનાં ચાર ડ્રોન તોડી પાડ્યાં, રડાર ઠેકાણાં પર હુમલા કર્યા
અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ઈરાનનાં ચાર ડ્રોનને તોડી પાડ્યાં છે, જે હોર્મુઝ સામુદ્રધુની તરફ મોકલાયાં હતાં. યુએસ સૅન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ આ માહિતી શનિવારે સવારે આપી હતી.
સેન્ટકૉમે ઍક્સ પર લખ્યું, "થોડા સમય પહેલાં અમેરિકન દળોએ ઈરાનનાં ચાર રન-વે ઍટેક ડ્રોન તોડી પાડ્યાં છે, જે હોર્મુઝ સામુદ્રધુની તરફ મોકલાયાં હતાં. આ ડ્રોન વિસ્તારમાં દરિયાઈ અવરજવર માટે જોખમી હતાં."
વધુમાં જણાવાયું કે "અમેરિકન દળોએ આગામી હુમલાથી બચવા માટે ગોરુક અને કેશમ દ્વીપ પર બનેલા ઈરાનનાં રડાર ઠેકાણાં પર હુમલો કર્યો છે."
ઈરાન આ ઘટના પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ અગાઉ કુવૈતના ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જોકે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ આ હુમલાની જવાબદારીથી ઇનકાર કર્યો અને કહ્યું કે નુકસાન અમેરિકન મિસાઇલ ઇન્ટરસેપ્ટરની ભૂલને કારણે થયું.
ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ.
ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ દિલ્હી પહોંચીને સમર્થકોને શું કહ્યું?
ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ દિલ્હી ઊતરી ગયા છે. તેમણે સીજેપીના સમર્થકોને કહ્યું કે 'આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે.'
અભિજિત દીપકેએ ઍક્સ પર લખ્યું, "લૅન્ડ કરી ચૂક્યો છું. જલદી તમને બધાને જંતરમંતર મળવાનો ઇંતેજાર છે. પુસ્તક અને આપણો તિરંગો સાથે લાવવાનું ન ભૂલતા."
તેમણે વધુમાં લખ્યું, "પોલીસકર્મીઓને ફૂલ આપો, આ કરુણા અને આભારનું પ્રતીક હશે. આપણે આ આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ વધારવાનું છે."
ઉલ્લેખનીય છે કે અભિજિત દીપકેના આગમન પહેલાં દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર સુરક્ષા વધારી દેવાઈ છે.
સીજેપીએ જાહેરાત કરી હતી કે 6 જૂને દિલ્હીના જંતરમંતર પર પ્રદર્શન કરવાની યોજના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન