You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે દિલ્હી પહોંચ્યા, જંતરમંતર ખાતે રેલીનું આયોજન
કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે શનિવારે સવારે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા છે. CJPએ જંતર-મંતર પર પ્રદર્શન કરવાની યોજના બનાવી છે. તેમણે સમર્થકોને કહ્યું છે કે, "આંદોલનને પ્રેમ અને શાંતિ સાથે આગળ વધારવું છે."
'કૉક્રોચ ઇઝ બૅક' નામના એક્સ હેન્ડલે પર જણાવાયું છે કે, "દિલ્હી પોલીસે જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી આપી દીધી છે. હવે આપણે સીધા જ જંતર-મંતર પર ભેગા થઈ શકીએ છીએ અને પહેલાની યોજના મુજબ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી."
આગળ લખવામાં આવ્યું છે કે, "કોક્રોચ આવી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે."
આ પહેલાં અભિજિત દીપકે એક્સ પર લખ્યું હતું કે, "હું લેન્ડ થઈ ગયો છું. જલ્દી જ જંતર-મંતર પર તમને બધાને મળવાની રાહ જોઈ રહ્યો છું. કૃપા કરીને પુસ્તક અને આપણો તિરંગો સાથે લાવવાનું ભૂલશો નહીં."
થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે યુવાનો અને કૉક્રોચ(વંદા) અંગે આપેલાં નિવેદન પછી શરૂ થયેલું સોશિયલ મીડિયા કૅમ્પેન 'કૉક્રોચ જનતા પાર્ટી'ના સંસ્થાપક અભિજિત દીપકેએ છ જૂનના રોજ ધરણાં પ્રદર્શન માટે આહ્વાન આપ્યું છે.
અભિજિત દીપકેએ કહ્યું હતું કે તેઓ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં પ્રદર્શન કરશે.
આ અંગે તેમની પાર્ટીના એક્સ હૅન્ડલ કૉક્રોચ ઇઝ બૅકથી પોસ્ટ કરાયું, "6 જૂન, સવારે નવ વાગ્યે- કાલે મળીએ, સાથી કૉક્રોચો. આપણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને જ રહીશું."
"હવે સમય પાકી ગયો છે કે આ નાનકડી મજાકને એક આંદોલનનું સ્વરૂપ આપી દેવાય. દિલ્હીના રસ્તા પર શાંતિપૂર્ણ અને પ્રેમપૂર્ણ અસંમતિ સાથે મોટી સંખ્યામાં ભેગા થવા માટે તૈયાર થઈ જાઓ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતના નિવેદન બાદથી કૉક્રોચ જનતા પાર્ટીનાં સોશિયલ મીડિયા પરનાં નિવેદનો, પ્રતિક્રિયા, ફૉલોઅર્સની સંખ્યા તેમજ પ્રવક્તા વગેરે ખૂબ ચર્ચામાં રહી રહ્યાં છે.
ધરણાં પ્રદર્શનની જાહેરાત કરાયા બાદ પણ દિલ્હી પોલીસની પરવાનગી વિના આ ધરણાં કઈ રીતે થશે એ મુદ્દે હજુ સ્પષ્ટતા નથી.
દીપકેએ શુક્રવારે સવારે ઍક્સ પર જાણકારી આપતાં લખ્યું હતું કે તેઓ દિલ્હી પહોંચીને સીધા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જઈને જંતર મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન માટે પરવાનગી માગશે.
કૉક્રોચ જનતા પાર્ટી શું છે અને કેવી રીતે તેની શરૂઆત થઈ?
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અને સંયોજક અભિજિત દીપકે છે.
બીબીસી ન્યૂઝ મરાઠીએ થોડા દિવસ પહેલાં અભિજિત દીપકે સાથે વિગતવાર વાત કરી હતી. તેમણે આ પ્રકારનું સોશિયલ મીડિયા અભિયાન કેમ શરૂ કર્યું તે સમજાવ્યું હતું.
આવા સોશિયલ મીડિયા અભિયાનનો વિચાર ક્યાંથી આવ્યો?
આ સવાલના જવાબમાં અભિજિત દીપકે કહે છે, "હું ઍક્સ પર ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનું એક નિવેદન જોઈ રહ્યો હતો જ્યાં તેમણે દેશના યુવાનોની તુલના સિસ્ટમની ટીકા કરવા અને પોતાના મંતવ્યો વ્યક્ત કરવા બદલ વંદા (કૉક્રોચ) અને પરજીવીઓ સાથે કરી હતી."
"મને આ ખૂબ જ હાસ્યાસ્પદ લાગ્યું કારણ કે મુખ્ય ન્યાયાધીશ દેશના બંધારણના રક્ષક માનવામાં આવે છે. એ બંધારણ કે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, તેના તેઓ સંરક્ષક છે. હવે, આવી વ્યક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે કેવી રીતે યુવાનોની તુલના વંદા અને પરોપજીવી સાથે કરી શકે?"
"આનાથી મને ગુસ્સો અને હતાશાનો અનુભવ થયો અને મેં ઍક્સ પર મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. મેં પૂછ્યું કે જો બધા કૉક્રોચ એકીસાથે આવી જાય તો શું થશે. મને જેન ઝી અને 25 વર્ષ સુધીના યુવાનો તરફથી અદ્ભુત પ્રતિભાવો મળ્યા. તેમણે કહ્યું કે આપણે સાથે આવીને એક પ્લૅટફૉર્મ બનાવવું જોઈએ."
"આનાથી મને વિચાર આવ્યો કે આપણે કૉક્રોચ જનતા પાર્ટી નામની ઑનલાઇન પૅરોડી પાર્ટી બનાવવી જોઈએ. જો તમે અમને કૉક્રોચ કહી રહ્યા છો, તો ઠીક છે, અમે કૉક્રોચ જનતા પાર્ટી બનાવીશું."
"મેં આ પાર્ટીમાં જોડાવા માટેની લાયકાત માટે માપદંડ નક્કી કર્યા છે. જેમ કે, સીજેઆઈએ કહ્યું તેમ તમારે આળસુ હોવું જોઈશે. બેરોજગાર હોવા જોઈએ અને મુખ્ય ન્યાયાધીશે કહ્યું તેમ તમારે સતત ઑનલાઇન રહેવું પડશે."
"જે શબ્દોને તેમણે યુવાનોનું અપમાન કરવા માટે વાપર્યા હતા, તેને જ અમે પાર્ટીના સદસ્ય બનવા માટેની લાયકાત તરીકે રાખ્યા છે."
તેઓ કહે છે કે, "થોડા કલાકોમાં જ તેણે ચમત્કાર કર્યો અને દરેક લોકો આના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. લોકો તેમાં નોંધણી કરાવવા લાગ્યા."
"આ પછી, અમને લાગવા લાગ્યું કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે અને આ વાત કોઈ મજાક બનીને નહીં રહી જાય. કારણ કે લોકોમાં નિરાશા દેખાઈ રહી હતી. આથી, અમે એક વેબસાઇટ બનાવી અને પાર્ટીનો મૅનિફેસ્ટો બનાવ્યો. ઇન્સ્ટાગ્રામ પર અમારા બે મિલિયન ફૉલોઅર્સ છે (હવે પાંચ મિલિયનથી વધુ) અને બે લાખથી વધુ લોકોએ કૉક્રરોચ જનતા પાર્ટીના સભ્ય તરીકે પોતાને નોંધાવ્યા છે. લાંબા સમય પછી ભારતીય રાજકારણમાં આ અભૂતપૂર્વ ઘટના છે."
ઇન્ટરનેટ પર તેના નામની વેબસાઇટ પણ બની ગઈ છે અને તેના ઇન્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ થઈ ગયા છે. એવું જણાવાઈ રહ્યું છે કે આ પાર્ટીમાં સામેલ થવા માટે બે લાખથી વધારે લોકોએ તેની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અભિજિત દીપકે કોણ છે?
આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "હું મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છું. હું ગ્રૅજ્યુએશન માટે પુણે ગયો હતો. આ પછી, મને થોડાં વર્ષો માટે આમ આદમી પાર્ટી સાથે કામ કરવાની તક મળી જ્યાં હું તેમની કૉમ્યુનિકેશન ટીમમાં હતો."
"આરોગ્ય અને શિક્ષણ પરના તેમના કાર્યને કારણે હું તેમના તરફ આકર્ષાયો હતો. ભારતીય રાજકારણમાં પહેલીવાર આ કંઈક નવું થઈ રહ્યું હતું. જેમ આજે કૉક્રોચ જનતા પાર્ટી નવી છે, તેમ મને લાગ્યું હતું કે એ પાર્ટી કંઈક નવું પરિવર્તન લાવશે. મેં તેમની સાથે થોડો સમય કામ કર્યું, પછી મને લાગ્યું કે મારે વધુ અભ્યાસ કરવાની જરૂર છે અને મેં માસ્ટર્સની તૈયારી શરૂ કરી. મારી પસંદગી બૉસ્ટન યુનિવર્સિટીમાં થઈ. હું બે વર્ષથી ત્યાં છું અને મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે."
કૉક્રોચ જનતા પાર્ટીનો ઢંઢેરો ખૂબ જ ધ્યાન ખેંચે તેવો છે. અભિજિત કહે છે, "મને લાગે છે કે આ ઢંઢેરો ભારતીય લોકશાહીની વર્તમાન સ્થિતિ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. આપણે સતત એવા ન્યાયાધીશો જોઈ રહ્યા છીએ જેમને નિષ્પક્ષ રહેવાનું હોય છે પરંતુ તેઓ નિવૃત્તિ પછી સરકાર પાસેથી લાભ લેતા હોય છે. આ ખૂબ જ ખતરનાક છે કારણ કે ન્યાયતંત્ર સ્વતંત્ર હોય છે એવું માનવામાં આવે છે. જો ન્યાયતંત્ર પણ સરકારને રસ્તે ચાલશે તો શું બચશે? તો પછી લોકશાહી કોણ બચાવશે?"
"બીજી વાત મહિલાઓના પ્રતિનિધિત્વની છે. બાળપણથી હું સાંભળતો આવ્યો છું કે મહિલાઓને 33 ટકા અનામત મળશે, પરંતુ આજ સુધી આવું થયું નથી. જો તમે મહિલાઓને અનામત આપવા માંગતા હો, તો તેમને 50 ટકા અનામત આપો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન