You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું ઑપરેશન સિંદૂર LIVE : પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ત્રણ ભારતીય નાગરિકોનાં મોત- રિપોર્ટ
ન્યૂઝ એજન્સી રૉઇટર્સ અને એએફપીએ ભારતીય સેનાને ટાંકીને જણાવ્યું છે કે કાશ્મીરમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ત્રણ ભારતીય નાગરિકોનાં મોત નીપજ્યાં છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે ભારતના હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં છે.
શરીફ ચૌધરીએ કહ્યું કે હુમલામાં એક મસ્જિદ સહિત કેટલાંક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
ભારતના હુમલા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને આનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.
ભારત સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય સેનાએ 'ઑપરેશન સિંદૂર' શરૂ કર્યું છે.
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે, "આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાંને નિશાન બનાવાયાં છે, જ્યાંથી ભારત પર આતંકી હુમલાની યોજના બનાવાઈ હતી અને તેને પાર પડાઈ હતી."
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે "કુલ નવ સ્થળોને નિશાન બનાવાયાં છે."
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતીય હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ પાકિસ્તાનની સરકારી ટીવીએ પાકિસ્તાનની સેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રણ સ્થળો પર મિસાઇલોથી હુમલો કર્યો છે.
સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ભીષણ ગોળીબાર અને મોટા ધડાકાના અહેવાલો પણ મળી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા બાદ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગયા છે. એ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.
પાકિસ્તાનના રક્ષામંત્રીએ શું કહ્યું?
ભારતના હુમલા બાદ પાકિસ્તાનના રક્ષામંત્રીનું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચૅનલ જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું છે કે ભારતે પોતાની જ ઍરસ્પેસમાંથી પાકિસ્તાન પર મિસાઇલો છોડી છે.
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે ભારતે સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે.
બીબીસી ઉર્દૂ સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે, "જુઓ, તેઓ (ભારત) દાવો કરે છે કે તેમણે આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. હું આંતરરાષ્ટ્રીય મીડિયાને કહીશ કે તેઓ અહીં આવીને જુઓ કે આ આતંકી ઠેકાણાં હતાં કે નાગરિકોની વસ્તી, જેમાં અમારી બે મસ્જિદો પણ હતી."
"એક બાળકનું મોત થયું છે, એક મહિલાનું મોત થયું છે. મારી પાસે મૃત્યુના તાજા આંકડા નથી. પરંતુ જે સાત ટાર્ગેટની પુષ્ટિ થઈ છે તેમાંથી બે કાશ્મીરમાં અને પાંચ પાકિસ્તાનમાં છે. આ તમામ ટાર્ગેટ સિવિલ વસતી પર હતા."
પાકિસ્તાની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે ભારતીય હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં છે.
ખ્વાજા આસિફે જિયો ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે જે સ્થળોને નિશાન બનાવાયાં છે, તે રહેણાક વિસ્તારો છે.
બીબીસી હાલ હુમલાનાં સ્થળોની સ્વતંત્રરૂપે પુષ્ટિ નથી કરી શક્યું.
ભારતીય સેનાનું કહેવું છે કે, "પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ-વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે."
ઍક્સ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના "પૂંછ-રાજૌરી ક્ષેત્રના ભીમ્બર ગલી વિસ્તારમાં ગોળીબાર કર્યો છે."
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "ભારતીય સેના યોગ્ય રીતે તેનો જવાબ આપી રહી છે."
પાકિસ્તાનના વડા પ્રધાને પ્રતિક્રિયા આપી
ભારતના હુમલા મામલે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની પ્રતિક્રિયા આવી છે. તેમણે ભારતના મિસાઇલ હુમલા વિશે નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાનને વળતી કાર્યવાહી કરવાનો પૂરો હક છે.
શહબાઝ શરીફે સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર લખ્યું, "દુશ્મને પાકિસ્તાનનાં પાંચ સ્થળો પર કાયરતાપૂર્ણ હુમલા કર્યા છે."
તેમણે ભારતના આ હુમલાને "ઍક્ટ ઑફ વૉર" ગણાવ્યો છે.
શહબાઝ શરીફે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે, "પાકિસ્તાનને ભારતના આ ઍક્ટ ઑફ વૉરનો જડબાતોડ જવાબ આપવાનો પૂરો અધિકાર છે અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. "
તેમણે જણાવ્યું કે પાકિસ્તાનની તમામ જનતા પાકિસ્તાની સેના સાથે ઊભી છે અને દેશનું મનોબળ મજબૂત છે.
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, "પાકિસ્તાન અને પાકિસ્તાની સેના સારી રીતે જાણે છે કે દુશ્મનોને કેવી રીતે પહોંચી વળવું. અમે દુશ્મનને ક્યારેય એના નાપાક ઈરાદામાં સફળ નહીં થવા દઈએ."
નજરે જોનારાઓએ શું કહ્યું?
બીબીસી સાથેની વાતચીતમાં હુમલાને નજરે જોનારા કેટલાક લોકોએ સ્થળ પરની હાલની સ્થિતિ વિશે જણાવ્યું.
મુઝફ્ફરાબાદમાં રહેતા શાહનવાઝે કહ્યું, "અમે અમારા ઘરમાં ગાઢ ઊંઘમાં હતા, ત્યારે જ ધડાકાના અવાજોએ અમને હચમચાવી દીધા. હવે અમે અમારા પરિવારો, મહિલાઓ અને બાળકો સાથે સુરક્ષિત સ્થળની શોધમાં ભટકી રહ્યા છીએ."
શહેરમાં ભયનો માહોલ છે, ઘણા લોકોને આશંકા છે કે હુમલા થઈ શકે છે.
મુઝફ્ફરાબાદમાં બિલાલ મસ્જિદ પાસે જ્યાં હુમલો થયો છે, ત્યાં રહેતા મોહમ્મદ વાહીદ કહે છે, "હું ગાઢ ઊંઘમાં હતો, જ્યારે પહેલા ધડાકાએ મારા ઘરને હલાવી નાખ્યું."
એમણે વધુમાં જણાવ્યું, "હું તરત જ બહારની તરફ ભાગ્યો અને જોયું કે બાકીના લોકો પણ એમ જ કહી રહ્યા હતા. અમે હજી સુધી સ્થિતિને સમજી શકીએ એટલામાં જ વધુ ત્રણ મિસાઇલો આવીને પડી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને અફરાતફરી મચી ગઈ."
વાહીદનો દાવો છે, "ડઝનબંધ મહિલાઓ અને પુરુષો ઘાયલ થઈ ગયાં છે. લોકો તેમને અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર સીએમએચ હૉસ્પિટલ લઈ જઈ રહ્યાં છીએ. અમે મુઝફ્ફરાબાદ શહેરની ખૂબ નજીક છીએ. પોલીસ અને સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયાં છે."
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા પણ આવી છે. આ ઑપરેશન વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, "આ ખોટું થયું છે".
વ્હાઇટ હાઉસમાં તેમણે કહ્યું, "મેં આ વિશે હાલ જ સાંભળ્યું, જ્યારે હું ઑવલ ઑફિસમાં પ્રવેશ કરી રહ્યો હતો."
ટ્રમ્પે વધુમાં કહ્યું, "હું માત્ર એટલું જ ઇચ્છું છું કે આ ખૂબ ઝડપથી સમાપ્ત થઈ જાય."
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું છે કે તેઓ "નિયંત્રણરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદે ભારતીય સૈન્યની કાર્યવાહી મામલે ખૂબ જ ચિંતિત છે."
તેમણે વધુમાં જણાવ્યું, "મહાસચિવ બન્ને દેશોને વધુમાં વધુ સંયમ રાખવા અનુરોધ કરે છે. વિશ્વ ભારત-પાકિસ્તાન વચ્ચે વધુ એક સૈન્ય સંઘર્ષનું જોખમ નહીં ઉઠાવી શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન