ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?

પ્રકાશિત

રાજ્યના લોકો માટે ચોમાસાને લઈને સારા સંકેત મળી રહ્યા છે. 27 જૂનથી 1 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા છે.

તાજેતરમાં ગુજરાતની બાજુ અરબી સમુદ્રમાં એક અને બંગાળની ખાડીમાં એક એમ બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે એક કે બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું જામી જશે. ગુજરાતમાં આજથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે.

હવે ચોમાસું કેવી રીતે આગળ વધશે?

હવામાન વિભાગની જાહેરાત મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત્ રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના કારણે અમરેલી અને ભાવનગરનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.

મુંબઈ, રાજસ્થાનના પૂર્વ વિસ્તારથી લઈને દિલ્હી સુધી ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસું સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગળ વધશે.

કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે?

આગામી દિવસોમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં વધુ વરસાદ પડી શકે છે. અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાના તાલુકાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રનાં મોટા ભાગના વિસ્તારોમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પણ હવે વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લા છે. એક બે દિવસ બાદ વરસાદનું જોર વધશે. જોકે, કચ્છ જિલ્લાના તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અહીં ભારે વરસાદની શક્યતા નથી.

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર

બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે, તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધશે. એટલે તે મધ્યપ્રદેશ સુધી એની અસર વર્તાશે અને આ પવનો જો ઉત્તર તરફ આવે તો દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. 27થી 28 જૂન દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર જેમજેમ ગુજરાત પાસે આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.

ગુજરાતની બાજુ અરબી સમુદ્રમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમ દરિયામાંથી ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. એ સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે.

વધુ એક સિસ્ટમ છે સક્રિય

અરબી સમુદ્રમાં ગુજરાતની નજીક એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમ દરિયામાંથી ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. એ સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે.

અત્યારે ક્યાં પહોંચ્યું ચોમાસું?

ગુજરાત માટે ચોમાસા વિશેના સારા સમાચાર છે. હવામાન ખાતાની હાલની માહિતી મુજબ ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મધ્ય અને ઉત્તરના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે.

તેમાં મહારાષ્ટ્રના બાકી બચેલા ભાગો જેમાં મુંબઈનો સમાવેશ થાય છે, ત્યારબાદ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાતના અમુક ભાગો, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડના બાકીના ભાગો અને હિમાચલ પ્રદેશના મોટાભાગો તથા જમ્મુ-કાશ્મીરના અમુક ભાગો અને લદ્દાખમાં 25 જૂને ચોમાસું આગળ વધ્યું છે.

હવામાન વિભાગના મતે મુંબઈમાં ચોમાસું પહોંચે ત્યાર બાદ એક કે બે દિવસના ગાળામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં પહોંચી જતું હોય છે.

હવામાન વિભાગની જાહેરાત અનુસાર આવનારા 48 કલાકમાં ગુજરાતના વધારે ભાગોમાં ચોમાસું પહોંચે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાયેલી જોવા મળે છે.

સૌથી પહેલાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ચોમાસું પહોંચે છે.

ત્યારબાદ બેથી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી જતું હોય છે.