જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર થયેલા ચરમપંથી હુમલામાં નવનાં મોત, રાષ્ટ્રપતિએ શું કહ્યું?

પ્રકાશિત

જમ્મુ કાશ્મીરનાં રિયાસીમાં ચરમપંથીઓએ શ્રદ્ધાળુઓની બસ પર કરેલા હુમલોમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે અને 33 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર શિવખોરીથી કટરા જઈ રહેલી યાત્રાળુઓની બસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બસ પર થયેલા હુમલાથી ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું અને બસ ઊંડી ખીણમાં પડી ગઈ. હાલમાં બચાવકામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 9 જૂનની સાંજે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએની સરકારના મંત્રીઓની શપથવિધિ ચાલી રહી હતી એ સમયગાળા દરમિયાન જ આ ઘટના ઘટી હતી.

જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે રિયાસીમાં થયેલા ચરમપંથી હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 10 લાખ રૂપિયા વળતર પેટે આપવામા આવશે. સોશિયલ મીડિયા પર મનોજ સિન્હાએ જણાવ્યું કે આ દુર્ધટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવામા આવશે. ઇજાગ્રસ્તોની સારવાર જમ્મુની અલગ-અલગ હૉસ્પિટલોમાં ચાલી રહી છે.

સિન્હાએ વધુમાં જણાવ્યું, “જિલ્લા વહીવટી તંત્રએ એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય. જમ્મુ કાશ્મીર પોલીસ, સૈન્ય અને સીઆરપીએફે જોઇન્ટ સિક્યૉરિટી માટે ઘટના સ્થળે જ એક અસ્થાયી હેડકવાર્ટર બનાવ્યું છે. રિયાસી હુમલા પાછળ જે આતંકવાદીઓ છે તેને ખતમ કરવા માટે ઑપરેશન ચાલુ છે.”

આ હુમલા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ દુખના સમયમાં દેશ પીડિત પરિવારો સાથે મજબૂતીથી ઊભો છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “હું જમ્મુ કાશ્મીરનાં રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જનારી બસ ઉપર થયેલા આતંકવાદી હુમલાને કારણે દુખી છું. આ કાયરતાપૂર્વકનો હુમલો માનવતા વિરુદ્ધ ગુનો છે અને તેની સખત નિંદા થવી જોઈએ. દેશ પીડિત પરિવારોની સાથે છે. હું ઇજાગ્રસ્ત લોકો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂં છું.”

ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રિય મંત્રી અમિત શાહે કહ્યું કે દોષીઓને છોડીશું નહીં.

તેમણે આ દુર્ઘટના વિશે દુખ વ્યક્ત કર્યુ અને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “જમ્મુ કાશ્મીરના રિયાસીમાં થયેલી ઘટના વિશે જાણીને દુખ થયું. મેં આ મામલે જમ્મુ કાશ્મીરના ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી હતી.”

“આ કાયરતાપૂર્ણ હુમલો કરનાર લોકોને બક્ષવામાં આવશે નહીં, તેમને કાયદાનો સામનો કરવો પડશે. ઇજાગ્રસ્ત લોકોની મદદ માટે સ્થાનિક વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.”

પોલીસે શું જણાવ્યું?

રિયાસીનાં એસએસપી મોહિતા શર્માએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, “પ્રારંભિક અહેવાલ છે કે ચરમપંથીઓ ઘાત લગાવીને બેઠા હતા અને તેમણે શિવખોરીથી કટરા જઈ રહેલી બસ પર ફાયરિંગ કર્યું હતું.”

“હુમલાના કારણે ડ્રાઇવરનું સંતુલન ખરાબ થયું અને બસ ખાઈમાં પડી હતી. રૅસ્ક્યૂ ઑપરેશન પુરૂ થઈ ગયું છે. નવ લોકો મૃત્યુ પામ્યા છે અને 33 લોકો ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

તેમણે જણાવ્યું કે પ્રારંભિક જાણકારીમાં સામે આવ્યું છે કે આ બસમાં પ્રવાસ કરનાર લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર આ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “જમ્મુ કાશ્મીરના રિયાસીથી ભયાનક ખબર આવી છે. એક બસ પર થયેલા ચરમપંથી હુમલામાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે.”

“હું આ હુમલાની સખત નિંદા કરૂ છું. આ વાત દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યાંથી ચરમપંથીઓનો સફાયો થઈ ગયો હતો ત્યાં તેમની વાપસી થઈ છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”

કૉંગ્રેસની પ્રતિક્રિયા

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને એક કાયરતાપૂર્ણ ચરમપંથી હુમલો ગણાવ્યો હતો.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી મંદિરથી તિર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસ પર કાયરતાપૂર્વક થયેલો આતંકી હુમલો અત્યંત દુખદ છે.”

“આ શરમજનક ઘટના જમ્મુ કાશ્મીરની ચિંતાજનક સુરક્ષા હાલાતોની સાચી તસવીર છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. આતંકવાદની વિરુદ્ધ આખો દેશ એકસાથે ઊભો છે.”

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “જ્યારે નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકાર શપથ લઈ રહી હતી, કેટલાક દેશોના નેતા અહીં હતા ત્યારે તીર્થયાત્રીઓને લઈ જનારી બસ પર આતંકી હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા 10 ભારતીયોએ જીવ ગુમાવ્યો છે.”

“અમે આપણા લોકો પર થયેલા આતંકી હુમલાની નિંદા કરીએ છીએ. આ આપણી રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ સુનિયોજિત ષડયંત્ર છે.”

ખડગેએ કહ્યું, “પહલગામમાં પ્રવાસીઓ પર ત્રણ અઠવાડીયાં પહેલા ફાયરિંગ થઈ હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અવિરતપણે ચાલુ છે. મોદી સરકાર જે હવે એનડીએ સરકાર છે. આ સરકાર દ્વારા કરવામા આવેલા શાંતિ અને સામાન્ય સ્થિતિનો આખો પ્રચાર એકદમ પોકળ લાગી રહ્યો છે.”

તેમણે લખ્યું, “ભારત આતંકવાદ સામે એક બનીને ઊભો છે.”