You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'લોકોને ભારત સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, વિરોધ કરો તો કેસ કરાય છે...' - બૉમ્બે હાઈકોર્ટે કેમ આવું કહ્યું?
'સરકારના નિર્ણયો સામે વિરોધ નોંધાવવો કે તેની વિરુદ્ધ સૂત્રો પોકારવાં એ કોઈ નાગરિકને કોઈપણ વિસ્તારમાંથી તડીપાર કરવા માટેનો માન્ય આધાર હોઈ શકે નહીં.'
બૉમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જ સઈદ અહમદ અબ્દુલ વહીદ ચૌધરી સામે જારી કરવામાં આવેલા ઍક્સ્ટર્નમેન્ટ ઑર્ડર (વ્યક્તિને કોઈ વિસ્તાર કે જિલ્લામાંથી તડીપાર કરવાના આદેશ)ને રદ કરતી વખતે ઉપરોક્ત અવલોકન કર્યું હતું.
જસ્ટિસ માધવ જામદારે મુંબઈ પોલીસની કાર્યવાહીને સખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી. મુંબઈ પોલીસે સોશ્યાલિસ્ટ ડેમૉક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા (એસડીપીઆઇ)ના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી તથા ભૂતપૂર્વ લોકસભા ઉમેદવાર સઈદ ચૌધરીને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાંથી એક વર્ષ માટે તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો.
જજે સવાલ કર્યો હતો કે, 'ભાજપ સરકાર મુર્દાબાદ' અને 'અમિત શાહ મુર્દાબાદ' જેવા નારા કાર્યવાહી કરવા માટેનો આધાર કેવી રીતે બની શકે?
સાથે જ તેમણે પરીક્ષાનાં પેપરો લીક થવાના વિરોધમાં દેશભરમાં થયેલાં વિરોધપ્રદર્શનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુનાવણી દરમિયાન, જજે મૌખિક રીતે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ જાહેર જનતાને જવાબ આપવા બંધાયેલા છે, મંત્રીના હાથ નીચે કામ કરનારા રાજકીય કાર્યકરોને નહીં.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, નાગરિકોને સરકારના નિર્ણયો વિરુદ્ધ દેખાવો કરવાનો તથા આંદોલન કરવાનો અધિકાર છે.
પોલીસ માત્ર વિરોધ નોંધાવવાના કે પછી સૂત્રો પોકારવાના આધાર પર કોઈ વ્યક્તિને તેનું પોતાનું શહેર છોડી દેવા માટે આદેશ આપી શકે નહીં.
'વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર છે'
કાનૂની સમાચારની વેબસાઇટ લાઇવ લોના જણાવ્યા પ્રમાણે, જસ્ટિસ જામદારે કહ્યું હતું, "આ શું છે? તમામ નાગરિકોને ભારતીય સરકાર દ્વારા ગુલામ બનાવાઈ રહ્યા છે. લોકો વિરોધ નોંધાવી શકતા નથી, તેઓ આંદોલન કરી શકતા નથી, આ બધું શું ચાલી રહ્યું છે? અત્યારે ઘણાં પેપર્સ લીક થયાં છે. જો લોકો વિરોધ નોંધાવે, તો તમે તેમની સામે કેસ કરી દો છો... આ બધું શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર છે. પિટીશનરે માત્ર 'ભાજપ સરકાર મુર્દાબાદ' અને 'અમિત શાહ મુર્દાબાદ' જેવા સૂત્રોચ્ચાર જ કર્યા હતા. નાગરિકો આવા સૂત્રોચ્ચાર શા માટે ન કરી શકે? આ પ્રકારના નારા લગાવવા બદલ તડીપારનો આદેશ કેવી રીતે જારી કરી શકાય?"
જસ્ટિસ માધવ જામદારે તડીપારનો આદેશ રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે આદેશ માત્ર એટલા માટે પસાર કરવામાં આવ્યો હતો, કારણ કે, ચૌધરીએ વિરોધપ્રદર્શનોનું આયોજન કર્યું હતું અને તેમાં ભાગ લીધો હતો.
આદેશમાં જણાવવામાં આવ્યું હતું, "ચૌધરીએ ભારત સરકારના કેટલાક ચોક્કસ આદેશો સામે વિરોધ નોંધાવ્યો, માત્ર તેના આધાર પર તેમને તડીપાર કરવાની કાર્યવાહી અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર તથા ગૌરવભેર જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે."
મુંબઈના ઉપનગરમાં રહેતા સઈદ અહમદ અબ્દુલ વહીદ ચૌધરી સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ), નૅશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી), બાબરી મસ્જિદ, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, વક્ફ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર તથા ઈંધણના વધતા ભાવો જેવા મુદ્દાઓ પર વિરોધપ્રદર્શનોનું આયોજન કરવામાં સક્રિય છે.
તેમની યાચિકામાં જણાવવામાં આવ્યું હતું કે, ઑક્ટોબર, 2025માં મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ (એમપીએ) હેઠળ તેમની સામે તડીપારની કાર્યવાહી આદરવામાં આવી હતી.
આ કાર્યવાહી 2019 અને 2024ની વચ્ચે તેમની સામે નોંધવામાં આવેલી ઘણી એફઆઇઆરના આધારે હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ જામદારના નિર્ણયને બિરદાવતાં સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે એક્સ પર પોસ્ટ કરી હતી, "આ દર્શાવે છે કે, હજુ પણ એવા જજો મોજૂદ છે, જેઓ સરકારને સવાલ કરવાની અને નાગરિકોના અધિકારો માટે ઊભા રહેવાની હિંમત ધરાવે છે. પ્રશંસનીય."
એસડીપીઆઈએ શું કહ્યું?
બૉમ્બે હાઈકોર્ટના નિર્ણય પર એસડીપીઆઈએ કહ્યું છે, "મહારાષ્ટ્ર સરકારનો તડીપારનો આદેશ રદ કરવાનો બૉમ્બે હાઈકોર્ટનો ફેંસલો બંધારણ તથા લોકશાહી અધિકારોની ઐતિહાસિક જીત છે."
અરજદાર ચૌધરીનો કથિત "અપરાધ" એ હતો કે, તેમણે સીએએ વિરોધી આંદોલન અને જ્ઞાનવાપી મસ્જિદ જેવા મહત્ત્વના સામાજિક મુદ્દાઓ પર લોકશાહી વિરોધપ્રદર્શનો કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને તેથી આ મનસ્વી આદેશ તેમને એક વર્ષ સુધી મુંબઈમાં પ્રવેશતાં અટકાવવા માટે જારી કરવામાં આવ્યો હતો.
એસડીપીઆઇએ કહ્યું હતું, "અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકારી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરવા અને સૂત્રોચ્ચાર કરવા એ બંધારણની કલમ 19 તથા 21 હેઠળ સુરક્ષિત અધિકારો છે.
નાગરિકો એ "ભારત સરકારના ગુલામો નથી" અને "પોલીસ અધિકારીઓ જનતાના સેવકો છે, વડા પ્રધાન કે મુખ્ય મંત્રીના નહીં" - જસ્ટિસ માધવની આ ટિપ્પણી સત્તાનો દુરુપયોગ કરનારા લોકોને મજબૂત સંદેશ પાઠવે છે. અમે આ ઐતિહાસિક નિર્ણયને આવકીરીએ છીએ અને માગણી કરીએ છીએ કે, અસંમતિ દર્શાવવાના પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરનારા રાજકીય કાર્યકરોની પજવણી તાકીદના ધોરણે બંધ કરવામાં આવે. "
શું હતો આખો મામલો?
તેમણે કહ્યું હતું કે, તડીપારના આદેશનો ઉપયોગ લોકશાહી અસંમતિને સજા આપવા માટે કરવામાં આવ્યો હતો.
સાથે જ તેમણે કહ્યું હતું કે, "તેમની પ્રવૃત્તિઓએ આતંકનું સામ્રાજ્ય ખડું કર્યું છે" વગેરે જેવા અસ્પષ્ટ આરોપો સ્થાનિક રહીશો અને દુકાનદારોનાં નિવેદનો સાથે મેળ ખાતાં નથી.
ચૌધરી વતી ઉપસ્થિત ઍડ્વોકેટ પાયોશી રોય અને ઈબ્રાહિમ હરબતે એવી દલીલ કરી હતી કે, એમપીએ હેઠળ તડીપારની સત્તાનો ઉપયોગ ખોટા આધાર પર કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આઇપીસીની કલમ 188 હેઠળ રજિસ્ટર્ડ વિરોધપ્રદર્શનો અંગેના ગુનાઓને એમપીએની કલમ 56ના ક્ષેત્ર હેઠળ લાવી શકાય નહીં.
તેમણે એવી દલીલ કરી હતી કે, કલમ 56નો આશય જીવન કે મિલકત સામેનાં ગંભીર જોખમોને લગતા મામલાઓ નિવારવાનો છે અને તેમાં કલમ 188નો સમાવેશ થતો નથી.
જસ્ટિસ જામદારે તારવ્યું હતું કે, પોલીસની સત્તાઓનો દ્વેષપૂર્ણ ઉપયોગ કરીને તડીપારનો આદેશ અપાયો હતો.
તેમણે કહ્યું હતું કે, ચૌધરીની પ્રવૃત્તિઓ એમપીએ હેઠળ તેમને તડીપાર કરવાનો આધાર બની શકે નહીં.
તે આધાર પર, બેન્ચે બંને આદેશો રદ કરી દીધા હતા.
તેમણે કહ્યું હતું કે, તડીપારના આદેશનો ઉપયોગ લોકશાહી અસંમતિને સજા આપવા માટે કરવામાં આવ્યો હતો.
સાથે જ તેમણે કહ્યું હતું કે, "તેમની પ્રવૃત્તિઓએ આતંકનું સામ્રાજ્ય ખડું કર્યું છે" વગેરે જેવા અસ્પષ્ટ આરોપો સ્થાનિક રહીશો અને દુકાનદારોનાં નિવેદનો સાથે મેળ ખાતાં નથી.
ચૌધરી વતી ઉપસ્થિત ઍડ્વોકેટ પાયોશી રોય અને ઈબ્રાહિમ હરબતે એવી દલીલ કરી હતી કે, એમપીએ હેઠળ તડીપારની સત્તાનો ઉપયોગ ખોટા આધાર પર કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આઇપીસીની કલમ 188 હેઠળ રજિસ્ટર્ડ વિરોધપ્રદર્શનો અંગેના ગુનાઓને એમપીએની કલમ 56ના ક્ષેત્ર હેઠળ લાવી શકાય નહીં.
તેમણે એવી દલીલ કરી હતી કે, કલમ 56નો આશય જીવન કે મિલકત સામેનાં ગંભીર જોખમોને લગતા મામલાઓ નિવારવાનો છે અને તેમાં કલમ 188નો સમાવેશ થતો નથી.
જસ્ટિસ જામદારે તારવ્યું હતું કે, પોલીસની સત્તાઓનો દ્વેષપૂર્ણ ઉપયોગ કરીને તડીપારનો આદેશ અપાયો હતો.
તેમણે કહ્યું હતું કે, ચૌધરીની પ્રવૃત્તિઓ એમપીએ હેઠળ તેમને તડીપાર કરવાનો આધાર બની શકે નહીં.
તે આધાર પર, બેન્ચે બંને આદેશો રદ કરી દીધા હતા.
જસ્ટિસ માધવ જામદાર કોણ છે?
જસ્ટિસ માધવ જામદારનો જન્મ 13મી જાન્યુઆરી, 1967ના રોજ થયો હતો. તેઓ મહારાષ્ટ્રના પૂણેના વતની છે.
તેમણે મહારાષ્ટ્રની વિવિધ શાળાઓમાં અભ્યાસ કર્યો હતો, જેમાં નાશિકની પેટે હાઈસ્કૂલ તથા મુંબઈના દાદરસ્થિત બાલમોહન વિદ્યામંદિરનો પણ સમાવેશ થાય છે.
ત્યાર બાદ તેમણે મુંબઈના દાદરસ્થિત કીર્તિ કૉલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કૉમર્સ ખાતેથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી.
તે પછી તેઓ માટુંગાની રામનારાયણ રૂઈયા કૉલેજમાં જોડાયા હતા અને 1988માં તેમણે ઇન્ડસ્ટ્રિયલ-ઍનાલિટિકલ કૅમિસ્ટ્રીમાં ડિપ્લોમા કર્યું હતું.
આ ગાળા દરમિયાન તેમણે 1989 સુધી એક ફાર્માસ્યૂટિકલ કંપનીમાં પણ કામ કર્યું હતું. તે પછી તેમણે મુંબઈના દાદરમાં આવેલી ન્યૂ લો કૉલેજથી કાયદાનો અભ્યાસ કર્યો હતો અને 1991માં એલએલબીની ડિગ્રી મેળવી હતી.
તેમના પિતા જે. ડી. જામદાર 1960થી 1994 સુધી જ્યુડિશ્યલ સર્વિસમાં હતા. 1989માં તેઓ બૉમ્બે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા હતા.
આ પછી તેમણે 1994 સુધી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોર્ટના સભ્ય તરીકે કામ કર્યું હતું. 26મી એપ્રિલ, 2011ના રોજ તેમનું અવસાન થયું હતું.
કાયદાના અભ્યાસ દરમિયાન, જસ્ટિસ જામદારે ઍડ્વોકેટ એમ. એ. રાણે સાથે ઇન્ટર્નશિપ કરી હતી. 1991માં એલએલબીની ડિગ્રી મેળવ્યા પછી તેઓ તેમની ચૅમ્બરમાં જોડાયા હતા.
તેમણે બૉમ્બે હાઈકોર્ટની એપેલટ અને ઓરિજિનલ, બંને કોર્ટોમાં પ્રેક્ટિસ કરી હતી. મોટી સંખ્યાના દીવાની, ફોજદારી અને બંધારણીય કેસોમાં તેમણે દલીલો કરી હતી.
આ ઉપરાંત તેઓ ઘણી જાહેર હિતની અરજીઓ (પીઆઇએલ)માં પણ હાજર રહ્યા હતા, જેમાં ગટર કામદારોનાં મોત, પર્યાવરણ, નદીઓનું પ્રદૂષણ, વૃક્ષોનું છેદન, મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટે સીઇટીમાં ખોટી રીતે માર્ક આપવા અને કૉલેજો દ્વારા વધુ ફી વસૂલવા સહિતના મહત્વના મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
હાઈકોર્ટે તેમને કેટલાક કેસોમાં એમિકસ ક્યૂરી (અદાલતના મિત્ર) તરીકે પણ નીમ્યા હતા.
તેમાં મહિલાઓ સામેના અપરાધોમાં વધારો, રેલવે અકસ્માતો અને થાણે સેન્ટ્રલ જેલમાં કસ્ટોડિયલ ડેથને લગતી જાહેર હિતની અરજીઓ (પીઆઇએલ)નો સમાવેશ થતો હતો.
તેમણે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સટાઇલ કોર્પોરેશન તેમજ અન્ય સંગઠનોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ સિવાય, તેમણે મુંબઈમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી ઘણી ટેનન્ટ્સ કમિટિ અને સોસાયટીઓના કાનૂની સલાહકાર તરીકે પણ સેવા પૂરી પાડી હતી.
વળી, તેઓ અમુક વર્ષો માટે ભારત સરકાર વતી સિનિયર કાઉન્સેલ (ગ્રૂપ-2) તરીકે પણ ઉપસ્થિત રહ્યા હતા. સાતમી જાન્યુઆરી, 2020ના રોજ બૉમ્બે હાઈકોર્ટના ઍડિશનલ જજ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન