You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તિરુમાલામાં ચઢાવાતા વાળથી મંદિરને વર્ષે કેટલા કરોડની કમાણી થાય છે?
- લેેખક, શ્રીનિવાસ નિમ્માકાટા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
સાત મુખવાળા દેવતા તિરુમાલાનાં દર્શને તિરુપતિ જતાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ મુંડન કરાવે છે અને પોતાના માથાના વાળ ભગવાનને અર્પણ કરે છે. તિરુપતિમાં મુંડન કરાવવાની પ્રથા છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે તાજેતરમાં જ જણાવ્યું હતું કે અહીં પોતાના વાળ અર્પણ કરતા ભક્તોની સંખ્યામાં દરરોજ સતત વધારો થઈ રહ્યો છે.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, વર્તમાન વર્ષ 2026માં 27 મે સુધીમાં 12,43,063 ભક્તોએ પોતાના વાળ દાનમાં આપ્યા હતા. મે, 2023માં આવા ભક્તોની સંખ્યા 10,18,370 હતી, જ્યારે મે, 2024માં તે 10,65,729 હતી.
તાજેતરની ઉનાળાની રજાઓ અને વીકેન્ડમાં તિરુમાલા જતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. 18થી 23 મે દરમિયાનના છ દિવસ સુધી રોજ 50,000થી વધુ શ્રદ્ધાળુઓએ તેમને વાળ ભગવાનને અર્પણ કર્યા હતા. 23 મેના રોજ તો 57,580 ભક્તોએ તેમના વાળ અર્પણ કર્યા હતા.
સવાલ એ થાય કે આટલા બધા વાળ ક્યાં જાય છે? તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ તેનું શું કરે છે?
તિરુમાલામાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પિત કરવામાં આવતા વાળની મોટી માગ છે. વાળનો વેપાર કરતી કંપનીઓ ઇલેક્ટ્રોનિક હરાજીના માધ્યમથી આ વાળની ખરીદી કરે છે.
આ વાળમાંથી બનાવવામાં આવેલી વિગ અને હેર એક્સટેન્શન આખી દુનિયામાં બહુ પસંદ કરવામાં આવે છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 'તિરુપતિ મુડી' બ્રાન્ડ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. સારી લંબાઈ તથા ચમકવાળા આ ઘટ્ટ કાળા વાળ પેરિસ તથા લંડન જેવાં શહેરોની ફૅશન માર્કેટમાં બહુ લોકપ્રિય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાનમાં અપાયેલા વાળનું શું થાય છે?
તિરુમાલામાં ભક્તો દ્વારા અર્પિત વાળ એકઠા કરવામાં આવે છે અને શરૂઆતમાં ત્યાં જ સંગ્રહિત કરવામાં આવે છે. પછી તેને નીચે આવેલા તિરુપતિમાં લઈ જવામાં આવે છે. તિરુપતિમાં એક મોટું કેન્દ્ર બનાવાયું છે. એ કેન્દ્રમાં ગુણવત્તાના આધારે વાળને અલગ કરીને સાફ કરવામાં આવે છે.
તિરુપતિના અલીપીરી પાસે આવેલા એ કેન્દ્રમાં આવા વાળને ગુણવત્તાના આધારે છ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે.
એ છ શ્રેણીમાં 31 ઇંચથી લાંબા, 16થી 30 ઇંચ લાંબા, 10થી 15 ઇંચ લાંબા, પાંચથી નવ ઇંચ લાંબા, પાંચ ઇંચથી નાના અને શ્વેત કે ભૂરા વાળને વિભાજિત કરવામાં આવે છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે પ્રથમ શ્રેણી એટલે કે 31 ઇંચથી લાંબા વાળની માગ વધારે છે, જ્યારે પાંચમી એટલે કે પાંચ ઇંચથી નાના વાળની માગ ઓછી છે.
ઑક્શન્શ ઇન્ડિયા વેબસાઇટ પરની માહિતી અનુસાર, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા હાથ ધરવામાં આવેલી લૅટેસ્ટ હરાજીમાં પ્રથમ શ્રેણીના વાળની લઘુતમ કિંમત પ્રતિ કિલો રૂ. 72,082 અને પાંચમી શ્રેણીના વાળની લઘુતમ કિંમત પ્રતિ કિલો 135 નક્કી કરવામાં આવી હતી. પ્રથમ શ્રેણીના 500 કિલો અને પાંચમી શ્રેણીના 2,83,000 કિલો વાળની હરાજી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય બજારોમાં વાળની માગ
લાંબા વાળની કિંમત દેખીતી રીતે સૌથી વધારે હોય છે, પરંતુ અન્ય પ્રકારના વાળની કિંમતનો આધાર આંતરરાષ્ટ્રીય માગ અને બજારની સ્થિતિ પર હોય છે. થિરુમલાઈ પ્રકારના વાળની હાલ યુરોપ, એશિયા અને અમેરિકાના ફૅશન બજારમાં સારી એવી માગ છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની વેબસાઇટ પરની માહિતી મુજબ, તિરુમાલામાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા વાળની લંબાઈ, કાળી ચમક, પ્રાકૃતિક વાંકડિયાપણું અને 'રેમી' ક્વૉલિટીને કારણે યુરોપ તથા એશિયન દેશોમાં વિગ તેમજ હેર એક્સ્ટેન્શન બનાવવા માટે તેની બહુ માગ છે.
આ વાળના સંગ્રહ અને વેચાણનું કામ ખાનગી કંપનીઓ 1938થી સંભાળતી હતી. 1985થી વાળ દાન કેન્દ્રો દ્વારા કામકાજ કરવામાં આવી રહ્યું છે અને વાળનું વેચાણ કરવામાં આવે છે.
શરૂઆતમાં એજન્ટોના માધ્યમથી હરાજી કરવામાં આવતી હતી, પરંતુ 2011માં ઇલેક્ટ્રોનિક હરાજી વ્યવસ્થા અમલી બનવાથી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને મોટી આવક થઈ રહી છે.
તિરુમાલામાં જૉઇન્ટ ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂકેલા સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી કે. શ્રીનિવાસ રાજુએ બીબીસીને કહ્યું હતું કે "વાળની હરાજી દરમિયાન કૃત્રિમ રીતે કિંમત ઘટાડતા વેપારી સમૂહો પર લગામ તાણવા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે મેટલ સ્ક્રેપ ટ્રેડ કૉર્પોરેશનના સહયોગથી 2011માં ઇલેક્ટ્રોનિક હરાજી સિસ્ટમ શરૂ કરી હતી."
ઇ-ઑક્શન્શ ઇન્ડિયાની ધારણા છે કે આ વર્ષની ઇ-ઑક્શન ખૂબ જ સ્પર્ધાત્મક રહેવાની અપેક્ષા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની હરાજી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે અને ભક્તો દ્વારા દાન કરવામાં આવેલા વાળની આંતરરાષ્ટ્રીય સૌંદર્ય તથા વિગ ઉદ્યોગમાં મોટી માગ છે.
ભક્તો દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને દાન કરવામાં આવેલા વાળમાંથી થતી આવકમાં તાજેતરમાં વાર્ષિક ધોરણે વધારો જોવા મળ્યો છે. આવી આવક 2020-21ના રૂ. 67 કરોડથી વધીને 2021-22માં રૂ. 75 કરોડ થઈ હતી. 2022-23માં તે રૂ. 135 કરોડ અને 2023-24માં તે રૂ. 167 કરોડ થઈ હતી.
એનડીટીવીની વેબસાઇટ પરની માહિતી મુજબ, 2024-25ના નાણાકીય વર્ષમાં વાળની હરાજીમાંથી રૂ. 190 કરોડની આવક થવાનો અને તે ભવિષ્યમાં રૂ. 200 કરોડથી વધુની થવાનો અધિકારીઓનો અંદાજ છે.
રોજ કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે?
તિરુમાલાની સાત ટેકરીઓ પર રોજ 70,000થી 80,000 શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ઉનાળાની રજાઓ અને ખાસ તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થાય છે.
વાળ દાન કરતા લોકોની સંખ્યાનો આધાર આ ભક્તોની સંખ્યા પર હોય છે.
નવીન માહિતી અનુસાર, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે તાજેતરમાં જણાવ્યું હતું કે 29 જૂનના રોજ 95,498 ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી અને એ પૈકીના 30,231 લોકોએ પ્રસાદ અર્પણ કર્યો હતો.
દરરોજ આટલી મોટી સંખ્યામાં ભક્તો તેમના વાળ અર્પણ કરતા હોવાથી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે તેના માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.
તિરુમાલામાં મુખ્ય વિવાહ સમારંભ સ્થળ ઉપરાંત ભક્તોની સુવિધા માટે અન્ય 11 સ્થળોએ 'મિની કલ્યાણ કથા' નામનાં સ્થળોની વ્યવસ્થા નાના પાયા પરનાં લગ્નો માટે કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓની સેવા માટે કુલ 1,152 વાળંદોની નિમણૂક કરવામાં આવી છે અને તેમાં 269 મહિલા છે.
સ્વચ્છતા અને સુવિધાઓ
દરેક વાળંદ તેમના કામના કલાકો મુજબ છ કલાકમાં 40 લોકોના વાળ ઉતારે છે. ભક્તોનો ધસારો વધારે હોય તેવા દિવસોમાં વધારાના 250 વાળંદોને કામે લગાડવામાં આવે છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના જણાવ્યા મુજબ, આ સ્થળો પર હજારો શ્રદ્ધાળુઓ એકઠા થાય છે અને આ સ્થળોની આસપાસનું વાતાવરણ કાયમ સ્વચ્છ રહે એ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે.
શ્રદ્ધાળુઓએ અર્પણ કરેલા વાળ તરત જ એકત્ર કરીને સંગ્રહિત કરવામાં આવે છે.
મુંડન બાદ શ્રદ્ધાળુઓ તરત સ્નાન કરી શકે એટલા માટે દરેક શેવિંગ સેન્ટરમાં પૂરતા બાથરૂમ તથા ગરમ પાણીની સુવિધા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન