ગુજરાતમાં આગની દુર્ઘટના સામે ફાયર વિભાગ કેટલો સજ્જ?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

રાજકોટના ટીઆરપી મોલમાં આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન કે પછી નગરપાલિકા હેઠળ આવતા વિવિધ ફાયર ઍન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હરકતમાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

રાજ્યનાં અનેક શહેરોમાં ફાયર વિભાગે ઇમારતોનું માર્કિંગ કરીને કડક પગલાં ભર્યાં હોવાના અહેવાલો છે. અનેક જગ્યાએ ઇમારતો સીલ પણ કરી દેવાઈ છે.

પરંતુ વધતી વસ્તી, નવી બનતી હાઈ-રાઇઝ ઇમારતો, અને ફાયર ડિપાર્ટમેન્ટના ઓછા સ્ટાફ જેવા અનેક પ્રશ્નો પણ વહીવટીતંત્ર સામે છે.

સવાલ એ છે કે શું રાજ્યમાં બનતી આવી દુર્ઘટનાઓ પછી શું તંત્ર ખરેખર આવી ઘટનાઓને પહોંચી વળવા માટે તૈયાર છે? અમદાવાદ, સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં મોટી હાઈ-રાઇઝ બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ શું તેમાં જો આગ લાગે તો તેને પહોંચી વળવા પૂરતી સુવિધાઓ છે ખરી?

આ પ્રશ્નોના જવાબ માટે અમે વિવિધ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયર ઑફિસર્સ તેમજ ફાયર સેફ્ટી સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી હતી અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો.

નિયમોનું કેટલું પાલન થાય છે?

મોટા ભાગના વિશેષજ્ઞોનું માનવું છે કે, "કામગીરી ગમે તેટલી કરી લો, સાધનો ગમે તેટલાં વસાવી લો, પરંતુ જ્યાં સુધી લોકોમાં આગ જેવી ઘટના ન બને કે આવી ઘટનાઓ પ્રત્યે જાગૃતિ ન આવે તો કોઈ પણ સરકારી યોજના નુકસાન નહીં ઘટાડી શકે."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વર્ષો સુધી કામગીરી કરીને આગ અને ભૂકંપ જેવી ઘટનાઓના સાક્ષી એમ.એમ. દસ્તૂર સાથે બીબીસી ગુજરાતીએ આ સંદર્ભે વાત કરી.

તેઓ કહે છે કે, “જે પ્રમાણે નવા-નવા વિસ્તારો વિકસી રહ્યા છે તે જ પ્રમાણે નવા વિસ્તારોમાં નવી ઇમારતો બની રહી છે. જે પ્રમાણે વસ્તીનો વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે ફાયર ઍન્ડ સેફ્ટી પર કામ નથી થઈ રહ્યું. સામાન્ય રીતે નિયમ પ્રમાણે દર 20 કિલોમીટરની ત્રિજ્યામાં એક ફાયર સ્ટેશન હોવું જોઈએ. જોકે, આ નિયમનું પાલન થતું નથી."

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર જયેશ ખડિયા કહે છે કે, “એએફઈએસમાં હાલમાં એક 80 મીટર સુધીની હાઇડ્રોલિક સીડી અને બે 55 મીટર સુધી ઉપર જઈ શકે તેવી હાઇડ્રોલિક સીડી છે. 100 અથવા 125 મીટર સુધી જઈ શકે તેવી હાઇડ્રોલિક સીડીની માગણી સરકારમાં થયેલી છે અને તે થોડા સમયમાં આવી જવાની શક્યતા છે.”

જોકે, તેમને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો કે જે પ્રકારનાં સંસાધનો હાલમાં એએફઈએસ પાસે ઉપલબ્ધ છે, તે પ્રમાણે શું ખરેખર કોઈ હાઈરાઇઝ ઇમારતમાં આગની ઘટનાથી લોકોને બચાવી શકાય? તો તેમણે કહ્યું હતું કે, "હાલમાં જે સાધનો છે તે પૂરતાં નથી અને તેમાં હજુ વધારો કરવાની જરૂર છે."

પરંતુ એમ.એમ. દસ્તૂર કહે છે કે, "સંસાધનોની ખૂબ જરૂર છે. પણ કોઈ પણ રહેણાક કે કૉમર્શિયલ ઇમારતની અંદર રહેતાં લોકોને આગ સમયે શું કરવું તેની જાગૃતિ ન હોય ત્યાં સુધી, કોઈ સંસાધન રાજકોટ કે સુરતની તક્ષશીલા જેવી ઘટનાથી થતાં નુકસાનને રોકી ન શકે."

તેઓ કહે છે કે, “આપણી સૌથી મોટી સમસ્યા છે એ છે કે આપણી પાસે ઓછા માણસો અને ઓછાં સંસાધનો છે. અધૂરામાં પૂરું ઓછી ટ્રેનિંગ અને ઓછી જાગૃતિને કારણે આ પ્રકારની ઘટના મોટું સ્વરૂપ લઈ લે છે. જેમ કે, કોઈ આગને જો પહેલી એક મિનિટમાં જ ઓલવી દેવામાં આવે તો તે મોટી ઘટનામાં તબદીલ ન થાય. જોકે એવું થતું નથી, કારણ કે લોકોને તેના વિશેની ટ્રેનિંગ જ મળતી નથી.”

ગુજરાતમાં કેટલા લોકોને આગ ઓલવવા માટેની તાલીમ મળી છે?

રાજ્ય સરકારે 2012માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ (ડીઆઈડીએમ)ની રચના કરી હતી. તેના વડા મુખ્ય મંત્રી હોય છે અને તેમાં પોલીસ તેમજ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીના અધિકારીઓ સભ્ય હોય છે.

જીઆઈડીએમના છેલ્લાં બે વર્ષના વાર્ષિક અહેવાલો અનુસાર વર્ષ 2023-24માં આવી 142 ટ્રેનિંગ યોજાઈ હતી, જ્ચારે 2022-23માં 100 જેટલી ટ્રેનિંગ યોજાઈ હતી. આ ટ્રેનિંગ મૉડ્યુલમાં રેસિડેન્શિયલ સોસાયટીમાં લોકોને આગ કે બીજી કોઈ પણ દુર્ઘટના વખતે કઈ રીતે પ્રતિકાર કરવો તેની તાલીમ આપવામાં આવે છે. આ પ્રકારની ટ્રેનિંગમાં આશરે 42 હજાર લોકોને આપવામાં આવી છે.

જોકે, નિષ્ણાતો માને છે કે આખા ગુજરાતમાં જો છેલ્લાં બે વર્ષમાં માત્ર 42 હજાર લોકોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો તેનો અર્થ એ છે કે ટ્રેનિંગ ખૂબ જ ઓછા લોકોને અપાઈ રહી છે.

ફાયરના એક ઉચ્ચ અધિકારી પોતાનું નામ ન આપવાની શરતે કહે છે કે, “જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી રાજકોટ અને સુરત જેવી ઘટનાઓમાં લોકોના જીવ ગુમાવતા રહીશું. ફાયરની ઘટનામાં ઝડપી પ્રતિકાર ખૂબ મહત્ત્વનો હોય છે. તે સંદર્ભનું ટ્રેનિંગ મૉડ્યુલ પણ છે, પરંતુ તેનું અમલીકરણ થતું નથી.”

આ વિશે બીબીસી ગુજરાતીએ જીઆઈડીએમના ચૅરમૅન રાજીવકુમાર ગુપ્તા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ વિદેશપ્રવાસે હોવાથી તેમની સાથે વાત થઈ શકી ન હતી.

રાજકોટના રીજનલ ફાયર ઑફિસર અનિલ મારુ પ્રમાણે, "લાઇસન્સ પછી પણ અકસ્માત તો બની જ શકે છે. એટલે જ્યાં સુધી લોકોમાં મુખ્યત્વે ઉપયોગકર્તા અને જે-તે ઇમારત કે સંસ્થાના માલિકમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આગની ઘટનાઓમાં ઘટાડો નહીં થાય."

તેમની પાસે રાજકોટ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, મોરબી જેવા જિલ્લાની પણ જવાબદારી છે.

તેઓ કહે છે કે, “ફાયરની કામગીરી એકલા હાથે નથી થઈ શકતી, તેને કૉર્પોરેશનની પણ જરૂર હોય છે, પોલીસની પણ જરૂર હોય છે. હું માનું છું કે એક સૅન્ટ્રલ સર્વિસ હોય તો ફાયર કન્ટ્રોલ અને ફાયર સેફ્ટીની કામગીરી અસરકારક રીતે થઈ શકે છે.”

કેવી છે પરિસ્થિતિ રાજ્યમાં ફાયર સેફ્ટીનાં સાધનોની?

અમદાવાદની જેમ કે રાજકોટની ઘટના બન્યા બાદ સુરતમાં એક 90 મીટરની હાઇડ્રૉલિક સીડી પહોંચી છે. આ પ્રકારની સીડી તક્ષશીલાની ફાયરની ઘટના સમયે જો સુરત મહાનગરપાલિકા પાસે હોત તો આગ પર વહેલો કાબૂ મેળવી શકાયો હોત એવું માનવામાં આવે છે.

આ વિશે વાત કરતા સુરતના ચીફ ફાયર ઑફિસર બસંત પરીખ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, “સુરતમાં હવે પૂરતાં સાધનો આવી ચૂક્યાં છે અને કોઈ પણ ફાયરની ઘટનાને કાબૂ કરવા માટેનાં લેટેસ્ટ સાધનો છે.”

જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હાલમાં સુરત ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસિસનો મંજૂર અને હાજર સ્ટાફ કેટલો છે, તો તેમણે કહ્યું કે, “આ દિશામાં સરકાર સતત કામ કરી રહી છે અને નવા લોકોની ભરતી ચાલી રહી છે. અમારી મંજૂર મહેકમમાં 200 લોકોના વધારાની માગણી પણ અમે હાલમાં જ કરી છે.”

સુરતમાં હાલમાં 1600નું મંજૂર મહેકમ છે, જેની સામે હાલમાં 550 હાજર મહેકમ છે. એટલે કે લગભગ 40% જેટલી ખાલી જગ્યાઓ છે.

ઇમરજન્સી સર્વિસિસની જગ્યા ખાલી હોય તો તે કેટલી મોટી સમસ્યા બની શકે તે વિશે દસ્તૂર કહે છે કે, “જગ્યા ખાલી હોય તો તમારી પાસે ગમે તેટલાં સારાં સંસાધનો હોય તો તેનો યોગ્ય ઉપયોગ ન થઈ શકે. જગ્યા ખાલી હોય તો તાલીમ પામેલા સ્ટાફની કમી રહે. સ્ટાફની પૂર્તિ એ ઇમરજન્સી સર્વિસિસ માટે ખૂબ જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે અલગ-અલગ પ્રકારની આગની ઘટનામાં અલગ-અલગ જગ્યાએ કઈ રીતે પાણી નાખવું તેની પણ તાલીમ હોય છે. આથી, વ્યક્તિ તાલીમ પામેલી હોય તો જ તે આગ ઓલવી શકે છે.”

રાજકોટ ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસિસ માટે આશરે 250નું મંજૂર મહેકમ છે, જેની સામે લગભગ 64 જ હાજર મહેકમ છે અને લગભગ 24 જેટલા લોકોની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજકોટ પાસે હાલમાં એક જ 81 મીટરની હાઇડ્રૉલિક સીડી છે.

રાજકોટ ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર વીઆર ખેરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “અમે હજુ બીજાં સાધનોની માગણી કરી છે, જે અમને થોડા સમયમાં મળી જશે.”

જો ભાવનગરની વાત કરવામાં આવે તો તેમાં 240ના મંજૂર મહેકમ સામે 55 હાજર મહેકમ છે. ભાવનગરમાં તો ચીફ ફાયર ઑફિસરની જગ્યા જ ખાલી છે અને તે ઉપરાંત બીજા સ્ટાફની પણ અછત છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ડિવિઝનલ ઑફિસર અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર પીઆર જાડેજાએ જણાવ્યું હતું કે હજુ થોડા સમય પહેલાં જ ભાવનગરને બે નવા ફાયર ફાઇટર મળ્યા છે.