You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનંતનાગ ઘર્ષણ: કર્નલ મનપ્રીતનાં માતા બોલ્યાં– દીકરાને મિસ્ડ કૉલ કરતી, એ સામેથી ફોન કરતો
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં બુધવારે સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ ઘર્ષણમાં કર્નલ મનપ્રીતસિંહ, મેજર આશિષ ધોંચક અને ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ્ટનાં મૃત્યુ થયાં છે.
આ અધિકારીઓ સિવાય અન્ય એક જવાનનું મૃત્યુ થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, આ જવાન વિશે હાલ વધુ માહિતી નથી મળી શકી.
હુમલાની જવાબદારી પ્રતિબંધિત રેઝિસ્ટેન્સ ફ્રન્ટે લીધી છે.
એવું મનાય છે કે એ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાનું આ પ્રૉક્સી સંગઠન છે.
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, “અધિકારીઓનું માનવું છે કે આ એ જ આતંકવાદી સંગઠન છે, જેણે ચાર ઑગસ્ટના રોજ કુલગામમાં સૈન્યના જવાનો પર હુમલો કર્યો હતો અને ત્રણ જવાનોની હત્યા કરી હતી.”
હુમલા બાદથી સેનાનું સર્ચ અભિયાન ચાલી રહ્યું છે અને હુમલો કરનાર ઉગ્રવાદીઓને પકડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
કાશ્મીર પોલીસે ગુરુવારે સોશિયલ મીડિયા પર જાણકારી આપતાં લખ્યું, “સુરક્ષા દળોના ઑપરેશનમાં લશ્કર-એ- તૈયબાના આતંકવાદીઓને ઘેરી લેવાયા છે. જેમાં ઉઝૈર ખાને પણ સામેલ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પાછલાં અમુક વર્ષોમાં થયેલો આ મોટો ઉગ્રવાદી હુમલો ગણાવાઈ રહ્યો છે.
આ અહેવાલમાં અમે આપને ઘર્ષણમાં મૃત્યુ પામેલા મેજર આશિષ ધોંચક, કર્નલ મનપ્રીતસિંહ અને ડીએસપી હુમાયુ બટ્ટ વિશે માહિતગાર કરીશું.
કર્નલ મનપ્રીતસિંહ : પિતાના યુનિટમાં દીકરો બન્યો અધિકારી
પંજાબના મોહાલી પાસે મુલ્લાપુર નામક જગ્યા આવેલી છે. તેની નજીક ભરોજિયાં ગામમાં કર્નલ મનપ્રીતસિંહનું ઘર છે.
કર્નલ મનપ્રીત 19 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર હતા. મનપ્રીતને અમુક સમય પહેલાં સેનાનો મેડલ મળ્યો હતો.
સેનાના જે યુનિટમાં મનપ્રીત અધિકારી હતા, તે યુનિટમાં જ તેમના પિતા નાયક પદે હતા.
અમુક સમય પહેલાં તેમના પિતાનું મૃત્યુ થયું છે.
કર્નલ મનપ્રીત સામાન્ય પરિવારમાંથી આવતા હતા. ગામના ચંડી મંદિર પાસે તેમનાં પત્ની અને બાળકો રહે છે.
કર્નલ મનપ્રીતનાં માતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “મારો દીકરો નાનપણથી જ સૈન્યમાં જોડાવા માગતો હતો. તે નાનો હતો ત્યારે પોતાના પિતાની વરદી પહેરી લેતો. દર શનિવાર, રવિવારે ફોન મારફતે વાત થતી. અમે એને મિસ્ડ કૉલ કરી દેતા, પછી એ ફોન કરતો.”
રડતાં રડતાં કર્નલ મનપ્રીતનાં માતા જણાવે છે કે, “હું દરરોજ સમાચાર જોતી. ગઈ કાલે મને સમાચાર ન જોવા દીધા, મારો દીકરો ખૂબ મહેનતુ હતો.”
બીબીસી સંવાદદાતા સરબજિતસિંહ પ્રમાણે, મનપ્રીતનાં માતા મનજિતકોરે કહ્યું કે જો દીકરાનો રૅન્ક મોટો ન હોત તો એ બચી ગયો હોત.
કર્નલ મનપ્રીતના સંબંધી વીરેન્દ્ર ગિલે સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું, “મારી ગઈ કાલ સવારે સાત વાગ્યે મનપ્રીત સાથે વાત થઈ હતી. તેણે કહેલું કે એ પછી વાત કરશે. એ ખૂબ સારો માણસ હતો. ગયા વર્ષે જ એને મેડલ મળ્યો હતો. અમને બુધવારે બપોરે અઢી વાગ્યે ફોન આવ્યો કે એ ઈજાગ્રસ્ત થયો છે. ત્યારે અમે મનપ્રીતની પત્નીને આ વાત જણાવી હતી.”
કર્નલ મનપ્રીતસિંહના સસરા જગદેવસિંહે કહ્યું, “ત્રણ વર્ષ અગાઉ જ મનપ્રીતની બઢતી થઈ હતી. બે બાળકો પણ છે, છ વર્ષની બાની અને બે વર્ષનો કબીર.”
મીડિયા રિપોર્ટો અનુસાર, મનપ્રીતના અંતિમ સંસ્કાર પંચકુલામાં જ કરાશે.
મેજર આશિષ ધોંચક : ગૃહપ્રવેશ માટે ઘરે આવવાનું હતું, પરંતુ...
મેજર આશિષ ધોંચક 15મા શીખ એલઆઇ યુનિટમાં હતા.
બીબીસીના સહયોગી પત્રકાર સતસિંહ પ્રમાણે, મેજર આશિષ ધોંચક હરિયાણાના પાણીપત પાસે બિંઝૌલ ગામના રહેવાસી હતા.
આવતા મહિને મેજર આશિષ રજા પર ઘરે આવવાના હતા. મેજર આશિષનું નવું ઘર બની ચૂક્યું હતું, જેમાં ગૃહપ્રવેશની પૂજા થવાની હતી.
મેજર આશિષના પિતા લાલચંદ એક ફર્ટિલાઇઝર કંપનીમાં નોકરી કરતા અને નિવૃત્તિ બાદ ભાડાના ઘરે રહેતા.
મેજર આશિષની કાશ્મીર અગાઉ ઉત્તર પ્રદેશના મેરઠમાં પોસ્ટિંગ થઈ હતી. બે વર્ષ પહેલાં તેઓ જમ્મુ ગયા હતા.
મૃત્યુના સમાચાર મળ્યા બાદ મેજર આશિષના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ત્રણ દિવસ પહેલાં જ ફોન પર તેમની વાત થઈ હતી.
મેજર આશિષ 13 ઑકટોબરના ગૃહપ્રવેશની પૂજા માટે ઘરે પરત ફરવાના હતા.
તેમના પરિવારમાં માતાપિતા, પત્ની, બે વર્ષની બાળકી અને ત્રણ બહેનો છે.
સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતાં મેજર આશિષના દાદાએ કહ્યું, “રાત્રે નવ વાગ્યે અમને આ વાતની ખબર પડી. અત્યંત દુ:ખ થયું. દેશ માટે કુરબાન થયો. છોકરો ખૂબ જ સામાજિક અને હોશિયાર હતો.”
મેજર આશિષ ધોંચકના કાકા દિલાવરસિંહે જણાવ્યું કે, “એ માતાપિતાનો એકનો એક દીકરો હતો. એક મહિના અગાઉ જ ઘરે આવ્યો હતો. અમને ફોન મારફતે જ સમાચાર મળ્યા. પહેલાં ખબર પડી કે કોઈ ઑપરેશન ચાલી રહ્યું છે. બાદમાં ન્યૂઝ મારફતે... દીકરાએ જણાવ્યું.”
ડીએસપી હુમાયુ ભટ્ટ : બે મહિના પહેલાં પિતા બન્યા
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટની બે માસની દીકરી છે.
હુમાયુના પિતા ગુલામ હસન બટ જમ્મુ કાશ્મીર પોલીસમાં આઈજી હતા અને વર્ષ 2018માં નિવૃત્ત થયા હતા.
ઘર્ષણમાં મૃત્યુ પામેલા દીકરાને સલામ આપતો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે.
ગ્રેટર કાશ્મીરના અહેવાલ અનુસાર, હુમાયુ 2018ના જેકેએસ બૅચના અધિકારી હતા. હુમાયુનાં દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયેલાં.
જ્યારે તેઓ એક દીકરીના પિતા બન્યા ત્યારે લગભગ બે માસ પહેલાં હુમાયુના ઘરે ખુશીઓનું આગમન થયેલું.