એ ખેલાડી જેણે ઑસ્ટ્રેલિયાને ‘વ્હાઇટવૉશ કરવાનું’ ભારતનું ‘સપનું’ તોડી નાખ્યું

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સંજય કિશોર
- પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
ભારતીય ક્રિકેટ ટીમનું સપનું અધૂરું રહી ગયું. રોહિત શર્મા ઍન્ડ કંપની ત્રીજી અને અંતિમ વનડે મૅચમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ ન રચી શકી.
વનડેમાં ભારત પ્રથમ વખત કંગારુઓને ક્લીન સ્વીપ કરી શક્યું હોત.
5 ઑક્ટોબરથી ભારતમાં જ શરૂ થઈ રહેલ આઇસીસી વનડે વર્લ્ડકપને ધ્યાને રાખીને કંગારુઓના વ્હાઇટવૉશથી ભારતીય ટીમનું મનોબળ વધી ગયું હોત પરંતુ આ શક્ય ન બની શક્યું. તેમ છતાં, ભારત 2-1થી સિરીઝ જીતવામાં સફળ રહ્યું.
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન સ્ટેડિયમમાં ત્રીજી વનડે મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
અગાઉની બે મૅચોમાં આરામ અપાયા બાદ ભારતના કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ ફરીથી ટીમમાં સામેલ થયા હતા.
શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને આરામ અપાયું જ્યારે રવિચંદ્રન અશ્વિનના સ્થાને વૉશિંગટન સુંદરને તક અપાઈ. ઈશાન કિશન વાઇરલનો શિકાર થયા હતા.
તેમજ ઑસ્ટ્રેલિયન ટીમમાં મિચેલ માર્શ અને ગ્લેન મૅક્સવેલની વાપસી થઈ અને તનવીર સંઘાને ડેબ્યૂ કરવાની તક મળી.

ઑસ્ટ્રેલિયાનો સૉલિડ ટૉપ ઑર્ડર

ઇમેજ સ્રોત, Getty Images
સિરીઝમાં પ્રથમ વખત ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન શરૂઆતથી આક્રમક દેખાયા. ભારતીય આક્રમણની ધુરા સંભાળનારા જસપ્રીત બુમરાહ ખાસ કરીને તેમના નિશાન પર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેવિડ વૉર્નરે 32 બૉલનો સામનો કરીને તાબડતોડ અર્ધશતક પૂરું કર્યું. તેઓ 34 બૉલમાં 56 રનના સ્કોરે આઉટ થઈ ગયા. પ્રસિદ્ધ કૃષ્ણે ભારતને પ્રથમ સફળતા અપાવી. પહેલી દસ ઓવરમાં 90 રન બન્યા. બુમરાહે પ્રથમ ચાર ઓવરમાં 45 રન આપી દીધા.
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા દસમી ઓવરમાં સ્પિનરને બૉલિંગમાં લાવ્યા. પરંતુ મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથે ઝંઝાવાતી બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
માર્શે 45 બૉલમાં અર્ધશતક પૂરું કર્યું. 22મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાની બૉલે ડીપ મિડ-વિકેટ પર છગ્ગો ફટકારીને સ્મિથે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 150 પાર પહોંચાડી દીધો. માર્શ અને સ્મિથ વચ્ચે 137 રનની પાર્ટનરશિપ થઈ. 27મી ઓવરમાં 200 રનનો સ્કોર પાર કર્યા બાદ લાગ્યું કે કદાચ ઑસ્ટ્રેલિયાની ટીમ 400 રન કરી જશે. 32 ઓવર સુધી સ્કોર 242 પર પહોંચી ગયેલો અને માત્ર બે જ વિકેટ પડી હતી.

બૉલરોએ રનની ગતિ ધીમી પાડી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ ભારતીય બૉલર રનની ગતિ ધીમી પાડવામાં સફળ રહ્યા અને અંતિમ 20 ઓવરમાં 122 રન આપ્યા. અને અંતિમ દસમાં તો ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર 66 રન જ કરી શકી.
ગરમી અને ભેજનું પ્રમાણે એટલું વધારે હતું કે અમ્પાયરોએ 28મી ઓવર દરમિયાન જ ડિંક્સ બ્રેક જાહેર કરવી પડી. ગરમીના કારણે 61 રન પર બેટિંગ કરી રહેલા સ્ટીવ સ્મિથેય થોડી રાહત થાય એ માટે ડગ-આઉટમાંથી ખુરશી મગાવવી પડી.
રાજકોટની ગરમીથી પરેશાન માર્શ ચાર રથી સદી ચૂકી ગયા. અને 84 બૉલે 96 રન બનાવી આઉટ થઈ ગયા. તેમણે ઇનિંગમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સ્મિથે 61 બૉલ પર 74 રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ 32થી 43મી ઓવર વચ્ચે 57 રન બનાવી ચાર વિકેટ ગુમાવી દીધી. જોકે, સામે છેડે માર્નસ લાબુશેન ટકી રહ્યા.
નંબર ચાર પર આવેલા લાબુશેને 58 બૉલમાં નવ ચોગ્ગાની મદદથી 72 રનની ઇનિંગ રમી, જેના કારણે અંતિમ ઓવરમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 350નો આંકડો પાર કરી ગઈ.
મોંઘી શરૂઆત બાદ, જસપ્રીત બુમરાહે પોતાની અંતિમ પાંચ ઓવરમાં માત્ર 30 રન આપ્યા અને ત્રણ વિકેટ ખેરવી. તેમજ છ ઓવરમાં કુલદીપ યાદવે બે વિકેટ લીધી. તેમની ચાર ઓવર કેમ ન નખાવાઈ એ વાત અંગેય સવાલ ઊઠી રહ્યા છે. કારણ કે આવું ત્યારે થયું જ્યારે આ વર્ષે વનડેમાં તેમણે જ સૌથી વધુ વિકેટો લીધી છે.

મેક્સવેલનો કેર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
લક્ષ્ય ખૂબ મોટું હતું. કૅપ્ટન રોહિત શર્માએએ અનિયમિત ઓપનર વૉશિંગટન સુંદર સાથે ઇનિંગની શરૂઆત કરી. રોહિતે જબરદસ્ત રમતનું પ્રદર્શન કર્યું અને 57 બૉલે 81 રન બનાવ્યા પરંતુ ગ્લેન મેક્સવેલે પોતાના જ બૉલે કૅચઆઉટ કરી દીધા.
મેક્સવેલે સુંદર, રોહિત અને વિરાટ કોહલીની વિકેટ લઈને ભારત પર દબાણ વધારી દીધું. વિરાટે 56 રન બનાવ્યા. 171 રન પર ત્રણ વિકેટ પડી ચૂકી હતી. તે બાદથી ભારતની લક્ષ્ય હાંસલ કરવાની આશા ધૂંધળી પડતી ગઈ.
વૉશિંગટન સુંદરને ઓપનિંગ ઉતારાયા, પરંતુ પ્રયોગ અસફળ રહ્યો. ચોથા નંબર શ્રેયસ અય્યર અને પાંચમા સ્થાને કેએલ રાહુલને મોકલાયા. રાહુલે 26 અને અય્યરે 48 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ છઠ્ઠા નંબરે આવીને આઠ રન બનાવી શક્યા. તે બાદ રવીન્દ્ર જાડેજા થોડું ટકી શક્યા અને તેમણે 35 રન કર્યા. ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનોએ ટીમ ઇન્ડિયાને બે બૉલ બાકી રહેતા 286ના સ્કોરે ઑલઆઉટ કરી દીધી. ઑસ્ટ્રેલિયાનો 66 રને વિજય થયો, ગ્લેન મેક્સવેલે 40 રન આપીને ચાર વિકેટ લીધી.
























