ક્રિકેટ વિશ્વકપ-2023ની અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમાં શરૂઆત, ક્યારે છે ભારત-પાકિસ્તાન મુકાબલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-2023ની યજમાની માટે ભારત તૈયાર છે. 46 દિવસો સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં વિશ્વના 10 દેશો ભાગ લઈ રહ્યા છે.

આજે પહેલી મૅચ ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાશે.

મૅચ ક્યારે છે અને ક્યાં રમાશે? મૅચ લાઇવ કઈ રીતે જોઈ શકો છો? ટિકિટ કેવી રીતે ક્યાંથી મળશે? આવા જ સવાલોના જવાબ જાણો.

ક્યારે રમાશે વિશ્વકપ?

5 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. યજમાન ભારત પોતાની પહેલી મૅચ 8 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે.

46 દિવસો સુધી ચાલનારી ટુર્નામેન્ટ માટે 10 શહેરોના સ્ટેડિયમ નક્કી કરાયાં છે. આ સ્ટેડિયમ આ 9 રાજ્યોમાં હશે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

  • હૈદરાબાદ – રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
  • અમદાવાદ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
  • ધર્મશાલા – એચપીસીએ સ્ટેડિયમ
  • દિલ્હી – અરુણ જેટલી સ્ટેડિયમ
  • ચેન્નાઈ – એમએ ચિંદબરમ સ્ટેડિયમ
  • લખનૌ – બીઆરએસએબીવી ઇકાના ક્રેકિટ સ્ટેડિયમ
  • પુના – એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
  • બેંગ્લૂરુ – એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ
  • મુંબઈ – વાનખેડે સ્ટેડિયમ
  • કોલકાતા – ઇડન ગાર્ડન્સ
ગ્રે લાઇન

વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમોને કેમ તક નહીં?

કપિલ દેવ

ઇમેજ સ્રોત, Getty Images

બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝને આ વખતે વર્લ્ડકપમાં રમવાની તક નથી મળી. 1975 અને 1979ની વિશ્વ વિજેતા ટીમ પહેલા તો ટોપ-8માં સ્થાન નહોતી મેળવી શકી. બાદમાં વિશ્વકપ 2023 ક્વૉલિફાયરમાં પણ તેને સ્કૉટલૅન્ડ, નૅધરલૅન્ડઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો

જોકે, વિશ્વકપ માટે પસંદગી પામનારી 10માંથી 8 ટીમો કપ માટે સીધી જ ક્વૉલિફાઈ થઈ ગઈ હતી. બચેલી બે જગ્યા માટે આ વર્ષે જૂન-જુલાઈમાં વર્લ્ડકપ ક્વૉલિફાયર રાઉન્ડ થયો હતો.

આ બે જગ્યાઓ માટે ક્વૉલિફાયરમાં 10 ટીમો વચ્ચે મુકાબલો થયો. તેમાં નેપાળ, શ્રીલંકા, યુએઈ, યુએસએ, નૅધરલૅન્ડ્ઝ, ઝિમ્બાબ્વે, આર્યલૅન્ડ, ઓમાન, સ્કૉટલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ હતી.

આ 10 ટીમોને બે જૂથમાં વહેંચવામાં આવી હતી. તેમની વચ્ચે મુકાબલા થયા. અને આખરમાં શ્રીલંકા અને નૅધરલૅન્ડ્ઝ ક્લૉલિફાઈ થયા.

વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો એક સમયમાં ઘણી મજબૂત હતી. તે આ વખતે ટુર્નામેન્ટથી બહાર છે.

ગ્રે લાઇન

વિશ્વકપ-2023માં પાકિસ્તાન સામે ભારત ક્યારે ટકરાશે?

મૅચની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાનનો મુકાબલો અમદાવાદમાં 14મી ઑક્ટોબરે થશે. હાલ પૂર્ણ થયેલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. અને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ભારત એશિયાકપમાં ચેમ્પિયન બન્યું છે.

આ સિવાય ભારત 8 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે, 11 ઑકટોબરે અફઘાનિસ્તાન સામે, 19 ઑક્ટોબરે બાંગ્લાદેશ સામે, 22 ઑક્ટોબરે ન્યૂઝીલૅન્ડ સામે, 29 ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ સામે, 2 નવેમ્બરે શ્રીલંકા સામે, 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે અને 12 નવેમ્બરે નેધરલૅન્ડ્ઝ સામે પોતાની મૅચો રમશે.

વર્લ્ડકપ-2023 માટેની ભારતીય ટીમ

15 સભ્યોની ભારતીય ટીમમાં રોહિત શર્મા કપ્તાન રહેશે અને હાર્દિક પંડ્યા ઉપ-કપ્તાન રહેશે.

ટીમમાં શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઇશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને કુલદીપ યાદવ હશે.

પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર છે. અગરકરે કપ્તાન રોહિત શર્મા અને મુખ્ય કૉચ રાહુલ દ્રવિડની સાથે બેસીને આ નામોને મંજૂરી આપી છે.

ગ્રે લાઇન

ક્રિકેટ વિશ્વકપ લાઈવ ક્યાં જોઈ શકાશે?

ટ્રોફી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. સાથે જ ડીડી સ્પોર્ટ્સ અને ડીડી નેશનલ પર પણ પ્રસારિત કરવામાં આવશે.

ક્રિકેટ વિશ્વકપને ડિજિટલ પ્લૅટફૉર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર પણ જોઈ શકાશે. તેણે પહેલા જ જાહેર કરી દીધું હતું કે તેને ડિઝ્ની હૉટસ્ટાર ઍપ્લિકેશન પર મફતમાં જોઈ શકાશે.

મૅચ જોવા ટિકિટ ક્યાંથી મળશે?

બીસીસીઆઈએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટિકિટોના વેચાણ માટે BookMyShowને પાર્ટનર બનાવ્યું છે. 25 ઑગસ્ટથી જ ટિકિટોની વહેંચણી શરૂ થઈ જશે.

હાલ સેમિ-ફાઇનલ અને ફાઇનલની ટિકિટો બુક થઈ શકે છે. તમે આ લિંક પર ક્લિક કરીને તેની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ટિકિટ ખરીદી શકો છો.

આ સિવાય પૂર્વનિર્ધારિત આઉટલેટ્સ પર પણ ટિકિટ ખરીદી શકાય છે.

ગ્રે લાઇન

કઈ ટીમે કેટલી વખત જીત્યો છે વિશ્વકપ?

મૅચની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

1975થી અત્યાર સુધી કુલ 12 વન-ડે વિશ્વકપ રમાયા છે. સૌથી વધુ પાંચ વખત ઑસ્ટ્રેલિયા જીત્યું છે. વર્ષ 1987માં પહેલા વિજય પછી 1999, 2003, 2007માં એક પછી એક વિશ્વકપ ઑસ્ટ્રેલિયાએ જીત્યા. વર્ષ 2015માં એક વાર ફરી ઑસ્ટ્રેલિયા વિશ્વવિજેતા બન્યું.

વેસ્ટ ઇન્ડિઝ અને ભારત 2-2 વખત જીત્યા છે. વેસ્ટ ઇન્ડિઝે 1975 અને 1979ના કપ જીત્યા હતા. જ્યારે ભારતે 1983 અને પછી 2011માં વિશ્વકપ જીત્યો હતો.

પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ એક વાર વિશ્વકપ વિજેતા બન્યા છે.

વિશ્વકપ-2027 ક્યાં રમાશે?

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની તરફથી પહેલાં જ જાહેર કરી દેવાયું છે કે આગામી વિશ્વકપ આફ્રિકામાં રમાશે.

દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે તેની યજમાની કરશે. વર્ષ 2003 પછી આ પહેલી વાર છે જ્યારે આફ્રિકામાં વિશ્વકપ રમાશે.

રેડ લાઇન
રેડ લાઇન