UPI : ભારતે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટનો ચમત્કાર સર્જ્યો, પણ હવે વેપારીઓ પર શું જોખમ છે?

યુપીઆઈ ચૂકવણી માટેનાં ક્યૂઆર કોડ, એક પાનની દુકાનની બહાર UPI : ભારતે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટનો ચમત્કાર સર્જ્યો, પણ હવે વેપારીઓ પર શું ખતરો છે? પેટીએમ ગૂગલ પે ફોન પે યુપીઆઈ પેમેન્ટ રકમ ચુકવણી બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં એક પાનની દુકાનની બહાર યુપીઆઈ ચૂકવણી માટેનાં ક્યૂઆર કોડ (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

QR કોડ સ્કેન કરો, એક-બે બટન દબાવો અને તરત જ પૈસા સામેની વ્યક્તિના ખાતામાં પહોંચી જાય. ન કોઈ કાર્ડ સ્વાઇપ કરવું પડે કે ન તો રોકડા પૈસા રાખવાની જરૂર.

આવી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુ.પી.આઈ.) મારફતે ચૂકવણી હવે મોટાભાગના ભારતીયો માટે રોજિંદી જિંદગીનો એક સામાન્ય હિસ્સો બની ગઈ છે.

સૌથી મહત્ત્વની વાત એ કે ગ્રાહકને આ માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી.

પણ હવે આ પરિસ્થિતિ બદલાઈ શકે છે.

ભારતે બૅન્કો અને પેમેન્ટ કંપનીઓને વેપારીઓ પાસેથી યુ.પી.આઈ. પેમેન્ટ પર ફી વસૂલવાની મંજૂરી આપવાનો માર્ગ મોકળો કર્યો છે. આને લઈને એકાદ દાયકાથી ચાલતા નિ:શુલ્ક ડિજિટલ ચૂકવણીના પ્રયોગનો અંત આવી શકે છે.

સરકારે હજુ ફી કેટલી હશે અને કઈ ચૂકવણી પર લાગશે એ નક્કી કર્યું નથી. જો કે, મોટા વેપારીઓની મોટી યુ.પી.આઈ. ચૂકવણી પર 0.3%થી 0.5% સુધીની ફી (મર્ચન્‍ટ ડિસ્કાઉન્‍ટ રેટ/ એમ.ડી.આર.) વસૂલવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે. યુ.પી.આઈ. ચૂકવણીની સેવા આપતી બૅન્કો અને કંપનીઓને વેપારીઓએ આ ફી ચૂકવવાની રહેશે.

સરકારનું કહેવું છે કે વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેની (પર્સન ટુ પર્સન) યુ.પી.આઈ. ચૂકવણી અને ગ્રાહકો દ્વારા કરવામાં આવતી યુ.પી.આઈ. ચૂકવણી નિ:શુલ્ક જ રહેશે. વેપારીઓ પાસેથી ફી લેવામાં આવશે તો પણ તે માત્ર નક્કી કરેલી મર્યાદાથી વધુ રકમની કેટલીક ચૂકવણીઓ પર જ નજીવા દરે લાગુ પડશે. એટલે કે, મોટાભાગની યુ.પી.આઈ. ચૂકવણી માટે કોઈ ફી ચૂકવવી નહીં પડે.

પણ સવાલ એ છે કે યુ.પી.આઈ. પર ફી લાદવાથી તેની સફળતાનું કારણ બનેલું આ વિશાળ નેટવર્ક નબળું પડી શકે છે કે કેમ.

આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે. 2016માં શરૂ થયેલું યુ.પી.આઈ. આજે વિશ્વના સૌથી મોટા રિયલ-ટાઇમ પેમેન્ટ નૅટવર્કોમાંનું એક બની ગયું છે.

આ સિસ્ટમમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે વેપારીઓ

પેટીએમ કોડ યુપીઆઈ ચૂકવણી માટેનાં ક્યૂઆર કોડ, એક પાનની દુકાનની બહાર UPI : ભારતે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટનો ચમત્કાર સર્જ્યો, પણ હવે વેપારીઓ પર શું ખતરો છે? પેટીએમ ગૂગલ પે ફોન પે યુપીઆઈ પેમેન્ટ રકમ ચુકવણી બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારતમાં શાકભાજી વેચનારથી લઈને મોટા મૉલ સુધી ઠેકઠેકાણે હવે ઑનલાઇન પેમેન્ટ થાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સત્તાવાર આંકડા અનુસાર, માત્ર જુલાઈ મહિનામાં જ 23.6 અબજ યુ.પી.આઈ.વ્યવહારો થયા હતા, જેનું કુલ મૂલ્ય 29.87 લાખ કરોડ રૂપિયા (313.5 અબજ ડૉલર; 232.2 અબજ યુરો) હતું. ફોન-પે અને ગૂગલ-પે જેવાં ફિનટૅક ઍપ મોટા ભાગની યુ.પી.આઈ. ચૂકવણીઓ માટે જવાબદાર છે.

હમણાં જ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં યુ.પી.આઈ. વ્યવહારોની સંખ્યા આશરે 241.6 અબજ રહી, જે યુ.પી.આઈ.ના પ્રથમ સંપૂર્ણ વર્ષમાં થયેલા વ્યવહારો કરતાં લગભગ 12,000 ગણી વધુ હતી. હવે 55,000 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે, અને ભારતની બહાર પણ 11 દેશોમાં કોઈ ને કોઈ સ્વરૂપે ચૂકવણી માટે યુ.પી.આઈ. ઉપલબ્ધ છે.

યુ.પી.આઈ. કેવળ મોટું નૅટવર્ક નથી, તેની સંરચના પણ અનોખી છે. વર્ચસ્વ ધરાવતા એક જ ઍપ પર આધારિત બંધ સિસ્ટમ બનાવવાને બદલે, ભારતે એવું સામાન્ય ડિજિટલ માળખું ઊભું કર્યું છે, જેના પર અલગ-અલગ કંપનીઓ એકબીજા સાથે સ્પર્ધા કરી શકે છે.

ગૂગલ-પે અને ફોન-પે ગ્રાહકો મેળવવા માટે એકબીજા સાથે ભારે સ્પર્ધા કરી શકે છે, છતાં બંનેના વપરાશકર્તાઓ એક જ નૅટવર્ક પર એકબીજા સાથે વ્યવહાર કરી શકે છે. આ સિસ્ટમ નૅશનલ પેમેન્‍ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્‍ડિયા (એન.પી.સી.આઈ.) નામની બિન-નફાકારક સંસ્થા દ્વારા સંચાલિત છે, જ્યારે બૅન્કો અને ટૅક્નૉલૉજી કંપનીઓ ગ્રાહકોને સીધી ચૂકવણી સેવાઓ પૂરી પાડે છે.

પરંતુ યુ.પી.આઈ.ની સફળતામાં રહેલા ઓછા ચર્ચાતા ઘટકોમાંથી એક હવે કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ બની શકે છે: એ છે વેપારીઓ.

શાકભાજી વેચનાર, ટૅક્સી ડ્રાઇવર અથવા નાની દુકાનના માલિકે યુ.પી.આઈ. સ્વીકારવા માટે કાર્ડ પેમેન્ટ મશીન ખરીદવાની જરૂર પડતી નથી. માત્ર છાપેલો ક્યૂ.આર. કોડ પૂરતો છે.

અને વેપારીઓએ એમ.ડી.આર. એટલે કે કોઈ વધારાની ફી ચૂકવવી પડતી ન હોવાથી, ગ્રાહકો પાસેથી યુ.પી.આઈ. દ્વારા ચૂકવણી સ્વીકારવાનો ઇન્કાર કરવા માટે તેમની પાસે કોઈ ખાસ આર્થિક કારણ નહોતું.

UPI મફત લાગે છે, પણ ચલાવવા મોટો ખર્ચ થાય છે

પ્રતીકાત્મક તસવીર યુપીઆઈ ચૂકવણી માટેનાં ક્યૂઆર કોડ, એક પાનની દુકાનની બહાર UPI : ભારતે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટનો ચમત્કાર સર્જ્યો, પણ હવે વેપારીઓ પર શું ખતરો છે? પેટીએમ ગૂગલ પે ફોન પે યુપીઆઈ પેમેન્ટ રકમ ચુકવણી બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અર્થશાસ્ત્રીઓ અભિનવ મદરમ અને શૅરોન બ્યુટોના નવા સંશોધન મુજબ, વેપારીઓનું આ નેટવર્ક કેવળ યુ.પી.આઈ.ની સફળતાનું પરિણામ નહોતું. તેણે UPIની સફળતાને આગળ વધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મદરમ કહે છે, "અમારા અભ્યાસ પરથી જણાય છે કે વેપારીઓ દ્વારા યુ.પી.આઈ.નું સ્વીકારવું કેવળ યુ.પી.આઈ.ના વિકાસનું પરિણામ નથી, પરંતુ તેના વિકાસનું એક મુખ્ય કારણ પણ છે." જે જિલ્લાઓમાં વેપારીઓનું નૅટવર્ક વધુ મજબૂત હતું, ત્યાં યુ.પી.આઈ.નો સ્વીકાર પણ વધુ જોવા મળ્યો હતો.

તેઓ કહે છે, "ચાર્જ માત્ર મોટા વેપારીઓ અથવા મોટી રકમની ચૂકવણી પર જ લાગશે, તો યુ.પી.આઈ.ના વ્યાપક ઉપયોગ પર તેની અસર ઓછી રહેશે. પણ જો નાના અને અનૌપચારિક વેપારીઓ પાસેથી પણ ચાર્જ લેવામાં આવશે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં યુ.પી.આઈ.નું નૅટવર્ક હજુ વિકસી રહ્યું છે, તો નવા વેપારીઓના જોડાવાની ગતિ ધીમી પડી શકે છે. યુ.પી.આઈ.ના ઝડપી વિકાસમાં આ વેપારીઓની મોટી ભૂમિકા રહી છે."

હાલમાં ચર્ચા હેઠળનો પ્રસ્તાવ આ જોખમને ઓછું કરવાનો પ્રયાસ કરે છે.

અહેવાલો મુજબ, ચર્ચામાંના એક વિકલ્પ હેઠળ મોટા વેપારીઓ પાસે ₹2,000થી વધુના વ્યવહારો પર ફી લાગુ થઈ શકે છે, જ્યારે નાના વ્યવસાયો અને ઓછી કિંમતની ચૂકવણીને તેમાંથી બાકાત રાખવામાં આવશે.

બ્રૉકરેજ કંપની જૅફરીઝના જણાવ્યા અનુસાર, ₹2,000થી વધુના વ્યવહારો વેપારીઓ દ્વારા થતા કુલ UPI વ્યવહારોના માત્ર આશરે 4% છે, પરંતુ કુલ વ્યવહારમાં તેમનો હિસ્સો લગભગ 67% છે.

આ વ્યવસ્થાથી બૅન્કો અને પેમેન્ટ કંપનીઓ માટે નોંધપાત્ર નવી આવક ઊભી થઈ શકે છે—એક અંદાજ મુજબ લગભગ 1 અબજ ડૉલર સુધી—જ્યારે પડોશની કરિયાણાની દુકાન પર થતી રોજિંદી નાની ચૂકવણીઓ પર લગભગ કોઈ અસર નહીં થાય.

આ વ્યવસ્થા વધુ એક એવી સમસ્યાનો ઉકેલ પણ આપે છે, જેને હવે અવગણવી મુશ્કેલ બની રહી છે. યુ.પી.આઈ.નો ઉપયોગ મફત લાગે છે, પરંતુ તેને ચલાવવા માટે ખર્ચ થાય છે.

નાનકડી ફી પણ ફટકા સમાન નીવડી શકે

એક પેટ્રોલપંપ પર ક્યૂઆર કોડ યુપીઆઈ ચૂકવણી માટેનાં ક્યૂઆર કોડ, એક પાનની દુકાનની બહાર UPI : ભારતે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટનો ચમત્કાર સર્જ્યો, પણ હવે વેપારીઓ પર શું ખતરો છે? પેટીએમ ગૂગલ પે ફોન પે યુપીઆઈ પેમેન્ટ રકમ ચુકવણી બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, NurPhoto vis Getty Images

ઇમેજ કૅપ્શન, એક પેટ્રોલપંપ પર ક્યૂઆર કોડ

સર્વરોને ચલાવવા પડે છે, વ્યવહારોની ચૂકવણી કરવી પડે છે, છેતરપિંડી શોધવી પડે છે અને સિસ્ટમને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવી પડે છે. વર્ષોથી સરકાર બૅન્કો અને પેમેન્ટ કંપનીઓને આ સેવા પૂરી પાડવા માટે વળતર આપતી આવી છે, કારણ કે યુ.પી.આઈ.ને અસરકારક રીતે જાહેર ડિજિટલ માળખા તરીકે જોવામાં આવ્યું છે.

દેશની કેન્દ્રીય બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(આર.બી.આઈ.)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં કહ્યું હતું: "આ ખર્ચ કોઈકે તો ચૂકવવો પડશે."

પણ વેપારીઓની સાંકળમાં ફી જેટલી નીચે સુધી પહોંચે છે, તેટલું તેનું અર્થતંત્ર વધુ જટિલ બને છે.

મદરમના સંશોધનમાં વેપારીઓ એમ.ડી.આર. પ્રત્યે કેટલા સંવેદનશીલ છે તેનો ચોક્કસ અંદાજ આપવામાં આવ્યો નથી. પરંતુ તે ચેતવણી આપે છે કે નાની ફીથી અસર પણ નાની જ થશે એમ માનવું યોગ્ય નથી.

તેઓ કહે છે, "ઓછા નફામાં કામ કરતા નાના વેપારીઓ માટે નાની ફી પણ મોટો ફેરફાર લાવી શકે છે."

તેમના મતે, તેની અસર મુખ્યત્વે ફી કેવી રીતે અને કોના પર લાગુ કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે. મોટા રિટેલર પર લાદવામાં આવતી ફી અને નાની દુકાન કે અનૌપચારિક વેપારી પર લાદવામાં આવતી ફી વચ્ચે ઘણો મોટો તફાવત છે.

આ તફાવત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે યુ.પી.આઈ.નો અસાધારણ વિકાસ માત્ર એટલા પૂરતો નહોતો કે ભારતીયોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા. લાખો વ્યવસાયોએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની ક્ષમતા અને તેને સ્વીકારવાનું પ્રોત્સાહન પ્રાપ્ત કર્યું તેની પણ એ કથા હતી.

મદરમ કહે છે, "ચાર્જ માત્ર મોટા વેપારીઓ અથવા વધુ મૂલ્યના વ્યવહારો સુધી મર્યાદિત રહેશે, તો મોટા પાયે યુ.પી.આઈ. અપનાવવા પરનું જોખમ ઓછું રહેવાની શક્યતા છે."

તેઓ વધુમાં કહે છે, "મોટી ચિંતા ત્યારે ઊભી થશે, જો આ ચાર્જ અંતે નાના અને અનૌપચારિક વેપારીઓ સુધી પહોંચશે—ખાસ કરીને એવા ઓછા વિકસિત જિલ્લાઓમાં, જ્યાં વેપારીઓનું નેટવર્ક હજુ નબળું છે અને યુ.પી.આઈ.નો સ્વીકાર હજુ વિકાસ પામી રહ્યો છે."

ભારત માટે આ પડકાર કસોટીરૂપ

યુપીઆઈ ચૂકવણી માટેનાં ક્યૂઆર કોડ, એક પાનની દુકાનની બહાર UPI : ભારતે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટનો ચમત્કાર સર્જ્યો, પણ હવે વેપારીઓ પર શું ખતરો છે? પેટીએમ ગૂગલ પે ફોન પે યુપીઆઈ પેમેન્ટ રકમ ચુકવણી બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક વ્યક્તિ ઘોડાની બાજુમાં ઊભી છે. ઘોડાની આંખની નજીક ચૂકવણી માટેનો ક્યૂ.આર. કોડ લગાવવામાં આવ્યો છે, જેથી દરિયાકાંઠે ઘોડેસવારી કર્યા પછી લોકો ડિજિટલ રીતે ચૂકવણી કરી શકે.

આથી ભારત સામે એક નાજુક સંતુલનને જાળવવાનો પડકાર છે. એક તરફ તે યુ.પી.આઈ.ને આર્થિક રીતે ટકાઉ બનાવવા માંગે છે, તો બીજી તરફ તેને સાર્વત્રિક બનાવવામાં મદદ કરનાર પરિસ્થિતિઓમાં ખલેલ પણ પાડવા માંગતું નથી.

આ અશક્ય નથી. અન્ય એક અત્યંત સફળ ઇન્સ્ટન્ટ-પેમેન્ટ સિસ્ટમ એવી બ્રાઝિલની 'પિક્સ' વ્યક્તિઓ માટે નિ:શુલ્ક છે, પરંતુ વ્યવસાયો પાસેથી ઓછી ફી વસૂલવાની મંજૂરી આપે છે. છતાં તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. તેનો ઉપયોગ 14 કરોડથી વધુ લોકો અને 1.4 કરોડ કંપનીઓ કરે છે. દર મહિને તેમાં 4 અબજથી વધુ વ્યવહારો થાય છે, જેમાં દરેક વ્યવહારની સરેરાશ રકમ લગભગ $88 છે.

મદરમ કહે છે, "મુખ્ય પ્રશ્ન કેવળ એ નથી કે દરેક વેપારી વ્યવહાર માટે યુ.પી.આઈ. મફત રહેવું જોઈએ કે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે ચૂકવણીની કિંમત નક્કી કરવાની વ્યવસ્થા એવા નાના વેપારીઓનું રક્ષણ કરે છે કે નહીં, જેઓ હજી ડિજિટલ ચૂકવણીના પરિતંત્રમાં જોડાઈ રહ્યા છે."

આ જ કદાચ ભારતના યુ.પી.આઈ.ના આગામી પ્રયોગની સાચી કસોટી બની શકે છે.

પ્રથમ તબક્કો નેટવર્ક ઊભું કરવાનો હતો.

બીજો તબક્કો કરોડો લોકો અને લાખો વેપારીઓને આ નેટવર્ક સાથે જોડવાનો હતો.

હવે ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે: આ સિસ્ટમને ઓછી ઉપયોગી બનાવ્યા વિના તેના ખર્ચને કેવી રીતે પહોંચી વળવું.

અર્થશાસ્ત્રી રેણુકા સાને માને છે કે યોગ્ય કિંમત-નિર્ધારણની વ્યવસ્થા ભારતના ડિજિટલ ચૂકવણી માળખામાં ફરીથી "વ્યવસાયિક સમજદારી" લાવી શકે છે. તેનાથી બજારને જોખમની યોગ્ય કિંમત નક્કી કરવાની, મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ માટે ભંડોળ પૂરું પાડવાની અને વધુ મજબૂત તથા સ્થિતિસ્થાપક ચૂકવણીનું પરિતંત્ર ઊભું કરવાની તક મળશે.

મોટું જોખમ કદાચ એ નથી કે મોટા રિટેલર પર ટકાવારીના અંશ જેટલો નાનો ચાર્જ લાગવાથી ભારતીયો અચાનક યુ.પી.આઈ.નો ઉપયોગ છોડી દેશે. નિષ્ણાતોના મતે, યુ.પી.આઈ.ની નેટવર્ક અસર હવે એટલી મજબૂત છે કે આમ થવાની શક્યતા ઓછી છે.

પરંતુ એક ધારણાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. 2024માં મતદાન સંસ્થા 'લોકલ સર્કલ્સ' દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં 75% યુ.પી.આઈ. વપરાશકર્તાઓએ કહ્યું હતું કે વ્યવહાર ફી લાગુ કરવામાં આવશે તો તેઓ યુ.પી.આઈ.નો ઉપયોગ બંધ કરી દેશે, જ્યારે માત્ર 22% લોકોએ કહ્યું હતું કે તેઓ ફી ચૂકવવા તૈયાર રહેશે.

જોખમ વધુ સૂક્ષ્મ છે.

વેપારીઓ પાસેથી ચાર્જ વસૂલવાથી કેટલાક વેપારીઓ યુ.પી.આઈ. સ્વીકારવામાં ઓછો ઉત્સાહ બતાવવા લાગે—અથવા અંતે સૌથી નાના વેપારીઓ યુ.પી.આઈ. સાથે જોડાવાથી નિરાશ થાય—તો આ નેટવર્ક ધીમે ધીમે તેની સહજ અને ઘર્ષણમુક્ત ગુણવત્તા ગુમાવી શકે છે, અને આ જ ગુણવત્તાએ તેને આટલું સફળ બનાવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન