ગુજરાતમાં ફરી 'નકલી દારૂ' જીવલેણ બન્યો, એવું શું કરાય છે કે પીણું ઝેરી બની જાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં ફરી 'નકલી વિદેશી દારૂ' જીવલેણ બન્યો છે અને તેના કારણે ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં છે.
ભાવનગરમાં જ ફરી બનેલી આ ઘટનાથી ફરી રાજ્યમાં દારૂ અને કેમિકલની ચર્ચા શરૂ થઈ છે. પોલીસ અનુસાર, હાલમાં 39 લોકોની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં અગાઉ પણ અનેક વાર 'લઠ્ઠાકાંડ' થઈ ચૂક્યા છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી છે, પણ સમયાંતરે રાજ્યમાંથી દારૂ પકડાતો હોવાનો અને વેચાતો હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા રહેતા હોય છે.
પોલીસ પણ દારૂના જથ્થાનો નાશ કરતી હોય છે અને ગુજરાતમાં વિધાનસભામાં એના આંકડા પણ રજૂ કરતા હોય છે.
જુલાઈ 26, 2022ના રોજ બોટાદ અને અમદાવાદ જિલ્લાનાં કેટલાંક ગામોમાં 'લઠ્ઠાકાંડ'ને કારણે 40થી વધુ લોકોનાં મોત થયાં હતાં. તો બોટાદના રોજિદ ગામમાં સૌથી વધુ 11 લોકોનાં મોત થયાં હતાં.
તાજેતરની ઘટનાની વાત કરીએ તો હાલમાં પોલીસ 'નકલી વિદેશી દારૂ' અંગે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે લોકો ભંગારની દુકાનોમાંથી બૉટલો ખરીદે છે, તેના માટે સ્ટિકરો બનાવે છે, સ્વાદ અને રંગ માટે સિરપનો ઉપયોગ કરે છે અને તેમાં થોડા પ્રમાણમાં દારૂ તથા કેટલાંક રસાયણો પણ ભેળવે છે. આ અહેવાલમાં જાણીએ કે ક્યારે પીણું ઝેરી બની જાય અને તેની શરીર પર શું શું અસર થઈ શકે છે.
મિથાઇલ આલ્કોહૉલ કેટલો નુકસાનકારક?

દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી માહિતી સામે આવી છે કે ઑક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબા ગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.
કાચા દારૂમાં યુરિયા અને ઑક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહૉલ બની જાય છે જે લોકોનાં મૃત્યુનું કારણ બને છે.
વૈજ્ઞાનિકો કહે છે કે મિથાઇલ આલ્કોહૉલ શરીરમાં જતા કેમિકલ રિઍક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરનાં અંદરનાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને તરત માણસનું મૃત્યુ થઈ જાય છે.
ભેળસેળમાં સંતુલન બગડે તો ઝેર બની જાય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક લોકોના શરીરમાં આ રાસાયણિક પ્રક્રિયા ધીમે-ધીમે થતી હોય છે, તો તેમને બચાવી શકાય છે.
જે રાસાયણિક દ્રવ્યને દેશી દારૂ કહીને વેચવામાં આવે છે, તે 95 ટકા વિશુદ્ધ આલ્કોહૉલ છે એટલે કે ભેળસેળ વગરનો હોય છે. તેને ઇથેનૉલ પણ કહેવામાં આવે છે.
તેને શેરડીના રસ, ગ્લૂકોઝ, મીઠું, મહુવાનાં ફૂલ, બટાટા, ચોખા, જુવાર, મકાઈ જેવી કોઈ સ્ટાર્ચ ધરાવતાં પદાર્થનો આથો કરીને તૈયાર કરવામાં આવે છે.
આ ઇથેનૉલને નશીલો બનાવવા માટે વેપારી તેમાં મેથેનૉલ ભેળવે છે. જ્યારે ઇથેનૉલ સાથે 'કાષ્ઠ આલ્કોહૉલ', 'કાષ્ઠ નેફ્થા'ના નામે જાણીતા મેથેનૉલની ભેળસેળમાં સંતુલન બગડે છે ત્યારે તે ઝેરી બની જાય છે. મેથેનૉલ ઝેરીલી વસ્તુ છે.
મિથેનૉલ કેમિસ્ટ્રીની દુનિયાનો સૌથી સરળ આલ્કોહૉલ છે. સામાન્ય તાપ પર તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તેનો ઉપયોગ ઍન્ટીફ્રિઝર (ફ્રીઝિંગ પૉઇન્ટ ઓછા કરવા માટે કોઈ કૂલિંગ સિસ્ટમમાં પાણીની સાથે ભેળવવામાં આવતો પદાર્થ)ના રૂપે, બીજા પદાર્થોનું મિશ્રણ તૈયાર કરવાના કામમાં અને ઈંધણના રૂપમાં થાય છે.
તે એક રંગહીન અને જ્વલનશીલ રસાયણ છે જેની ગંધ ઇથેનૉલ (પીવા માટે વપરાતા આલ્કોહૉલ) જેવી હોય છે.
એ પણ જાણવું મહત્ત્વનું છે કે મિથેનૉલ એક ઝેરીલો પદાર્થ છે જે પીવાથી મોત થઈ શકે છે અને આંખોની રોશની પણ જઈ શકે છે.
ઇન્ડસ્ટ્રી ઇથેનૉલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે કેમ કે તેમાં મિશ્રિત થવાની ખૂબ વધારે ક્ષમતા હોય છે.
તેનો ઉપયોગ વૉર્નિશ, પૉલિશ, દવાઓનાં મિશ્રણ, ઇથર, ક્લૉરોફાર્મ, કૃત્રિમ રંગ, પારદર્શક સાબુ, અત્તર અને ફળની સુગંધો અને બીજા કેમિકલ કમ્પાઉન્ડ્સ બનાવવામાં થાય છે.
પીવા માટે ઘણા પ્રકારના દારૂ, ઘાવને ધોવામાં બૅક્ટેરિયા કિલરના રૂપમાં અને પ્રયોગશાળાઓમાં સૉલ્વેન્ટના રૂપમાં તે કામે લાગે છે.
ઝેરી દારૂ પીધા બાદ શરીરમાં શું થાય છે?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
આ સવાલ પર ડૉક્ટર અજિત શ્રીવાસ્તવ કહે છે, "સામાન્ય દારૂ ઇથાઇલ આલ્કોહૉલ હોય છે જ્યારે ઝેરી દારૂ મિથાઇલ આલ્કોહૉલ તરીકે ઓળખાય છે. કોઈ પણ આલ્કોહૉલ શરીરમાં લીવરના માધ્યમથી આલ્ડીહાઇડમાં પરિવર્તિત થઈ જાય છે, પરંતુ મિથાઇલ આલ્કોહૉલ ફૉર્મેલ્ડાઇડ નામના ઝેરમાં પરિવર્તિત થઈ જાય છે."
તેઓ કહે છે, "આ ઝેર સૌથી વધારે આંખો પર અસર કરે છે. અંધાપો તેનું પહેલું લક્ષણ છે. કોઈએ ખૂબ વધારે દારૂ પી લીધો છે તો તેનાથી ફૉર્મિક ઍસિડ નામનો ઝેરીલો પદાર્થ શરીરમાં બનવા લાગે છે. તે મગજની કામ કરવાની પ્રક્રિયા પર અસર કરે છે."
આશ્ચર્યની વાત એ છે કે ઝેરી દારૂનો ઇલાજ પણ દારૂથી જ થાય છે. ડૉક્ટર અજિત શ્રીવાસ્તવ કહે છે, "મિથાઇલ આલ્કોહૉલના ઝેરનો ઇલાજ ઇથાઇલ આલ્કોહૉલ છે. ઝેરી દારૂના ઍન્ટીડોટ તરીકે ટેબ્લેટ્સ પણ મળે છે પરંતુ ભારતમાં તેની ઉપલબ્ધતા ઓછી છે."
ગુજરાતના તત્કાલીન ડીજીપી આશિષ ભાટિયાએ એ સમયે કહ્યું હતું કે, "અમદાવાદના નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહૉલના બેરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિએ કેમિકલની ચોરી કરી હતી. અને જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહૉલ સપ્લાય કર્યો હતો."
તેમના જણાવ્યા અનુસાર, "મિથાઇલ આલ્કોહૉલ એ ઔદ્યોગિક વપરાશ માટેનું સોલ્વન્ટ છે, આનું વેચાણ લોકો સુધી થતાં તેની માઠી અસર થઈ હતી."
(બીબીસીએ 12 ફેબ્રુઆરી, 2019ના રોજ દેશી દારૂના જીવલેણ બનવા અંગે કેમિસ્ટ્રીનાં નિષ્ણાત આભા ચૌધરીનો આ લેખ પ્રકાશિત કર્યો હતો. તેને અપડેટ કરવામાં આવ્યો છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



















