જોડિયા વરરાજા, જોડિયા દુલ્હનો અને લગ્ન કરાવનારા પણ જોડિયા -આવાં લગ્ન કેવી રીતે થયાં?

લગ્નની તસવીરો વાઇરલ થવાને કારણે આ દંપતી આશ્ચર્યમાં છે

ઇમેજ સ્રોત, Family Handout

ઇમેજ કૅપ્શન, લગ્નની તસવીરો વાઇરલ થવાને કારણે આ દંપતી આશ્ચર્યમાં છે
    • લેેખક, સિરાજ હુસૈન
    • પદ, બીબીસી તમિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કેરળનાં એક અનોખાં લગ્નનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં ચાર જોડિયાં દંપતિ સામેલ છે.

તસવીરમાં જોડિયા ભાઈઓ જોડિયાં બહેનો સાથે લગ્ન કરી રહ્યા છે. જેમાં જોડિયા પાદરીઓ જ આ લગ્નવિધિ કરાવી રહ્યા છે. તેમના અલ્ટર બૉય તરીકે પણ જોડિયા ભાઈઓ જ છે.

આ અનોખાં લગ્ન એ વર્ષોનાં ઝીણવટભર્યા આયોજનનું પરિણામ હતું.

વરરાજામાંથી એક એવા અખિલ થોમસ કહે છે કે, "લગ્નમાં જોડિયાં બાળકોનાં ચાર દંપતી હોવાં એ કોઈ સંયોગ નથી."

બીજા વરરાજા અને અખિલના જોડિયા ભાઈ નિખિલ થોમસ કહે છે, "અમે જોડિયાં બહેનો સાથે લગ્ન કરવાનો પાક્કો નિર્ણય લીધો હતો. અમારા પરિવારોએ અમારા માટે યોગ્ય કન્યા શોધવામાં લગભગ ત્રણ વર્ષ વીતાવ્યાં."

'જોડિયાં બહેનોની શોધમાં રહેશો તો લગ્ન નહીં થાય'

આ અનોખા લગ્ન એ વર્ષોથી ઘડવામાં આવેલી યોજનાનું એક પરિણામ હતાં

ઇમેજ સ્રોત, Family Handout

ઇમેજ કૅપ્શન, આ અનોખા લગ્ન એ વર્ષોથી ઘડવામાં આવેલી યોજનાનું એક પરિણામ હતાં

બીજા વરરાજા અને અખિલના જોડિયા ભાઈ નિખિલ થોમસ કહે છે, "અમે જોડિયાં બહેનો સાથે લગ્ન કરવાનો પાક્કો નિર્ણય કરી લીધો હતો. અમારા પરિવારોએ અમારા માટે યોગ્ય કન્યા શોધવામાં લગભગ ત્રણ વર્ષ વીતાવ્યાં."

બંને 32 વર્ષના છે. જોકે, આ વિસ્તારમાં લગ્ન માટે આ થોડી વધારે ઉંમર માનવામાં આવે છે.

અખિલ કહે છે, "અમે લગભગ 30 વર્ષના થઈ ગયા હોવાથી અમારા સંબંધીઓ અમને કહેતા રહ્યા કે જોડિયા છોકરીઓની રાહ ન જુઓ."

"તેમણે અમને ચેતવણી પણ આપી હતી કે જો અમે બીજી સ્ત્રીઓ (જે જોડિયા ન હોય) સાથે લગ્ન નહીં કરીએ, તો અમારાં ક્યારેય લગ્ન નહીં થાય."

'બંને બહેનો પણ ઈચ્છતી હતી કે જોડિયા ભાઈઓ સાથે લગ્ન થાય'


આ લગ્ન કેરળના કોટ્ટાયમ જિલ્લામાં આવેલા મેટ્રોપોલિટન ચર્ચમાં થયા હતા

ઇમેજ સ્રોત, Family Handout

ઇમેજ કૅપ્શન, આ લગ્ન કેરળના કોટ્ટાયમ જિલ્લામાં આવેલા મેટ્રોપોલિટન ચર્ચમાં થયા હતા

પોતાના પુત્રો માટે કન્યાની શોધ કરવા પરિવારે એક મૅરેજ સર્વિસનો પણ સંપર્ક કર્યો હતો કે જે ખાસ કરીને જોડિયાં બાળકો માટે સેવા આપે છે.

અખિલનું કહેવું છે કે મૅગી અને મારિયા મૅરીને મળતા પહેલાં, તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં 40 જોડિયાં બહેનોને મળી ચૂક્યા હતા.

કિસ્મતનો પણ ખેલ જુઓ કે આ 31 વર્ષની બહેનો પણ જોડિયા ભાઈઓ સાથે લગ્ન કરવા માગતી હતી.

મૅગી કહે છે, "અમે બાળપણમાં નક્કી કર્યું હતું કે જો આપણે લગ્ન કરીશું, તો ફક્ત જોડિયા ભાઈઓ સાથે જ લગ્ન કરીશું."

મારિયા કહે છે, "જ્યારે અમે અખિલ અને નિખિલને મળ્યા, ત્યારે અમને તરત જ તેઓ ગમી ગયા. અમે નક્કી કર્યું કે તેઓ અમારા જીવનસાથી બનશે."

આ પછી, બહેનોએ ઈચ્છા વ્યક્ત કરી કે તેમના લગ્નની વિધિઓ પણ તેમના જોડિયા ભાઈઓ દ્વારા કરવામાં આવે.

ગયા વર્ષે એક ચર્ચ કાર્યક્રમમાં મૅગી અને મારિયાએ જોડિયા અલ્ટર બૉય જેરોન અને જૉહાન જૅમ્સને જોયા ત્યારે તેમને આ વિચાર આવ્યો. લગ્ન નક્કી થયાં પછી, તેમણે ભાઈઓનો સંપર્ક કર્યો અને તેમને લગ્ન સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું.

જોડિયા પાદરી કેવી રીતે મળ્યા?

નિખિલ (ડાબે) અને અખિલ (જમણે) લાંબા સમયથી લગ્ન માટે જોડિયાં બહેનોની તલાશમાં હતા

ઇમેજ સ્રોત, Family Handout

ઇમેજ કૅપ્શન, નિખિલ (ડાબે) અને અખિલ (જમણે) લાંબા સમયથી લગ્ન માટે જોડિયાં બહેનોની તલાશમાં હતા

અખિલનાં માતા થોડા મહિના પહેલાં ચર્ચની એક પ્રાર્થનાસભામાં જોડિયા પાદરીઓ ઍન્થો અને અજો પેરુમકટ્ટીલને મળ્યાં હતાં. આથી, તેમણે લગ્નની વિધિ વિશે તેમની સાથે વાત કરવાનું વિચાર્યું.

અખિલ કહે છે, "જ્યારે મેં પાદરીઓનો સંપર્ક કર્યો અને તેમને બધી માહિતી આપી, ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા."

આ જોડિયા પાદરીઓ જ્યારથી તેમનાં લગ્નની તસવીરો વાઇરલ થઈ ત્યારથી સમાચારમાં છે.

અજો કહે છે, "આ લગ્ન અમારા માટે ખરેખર યાદગાર બની ગયાં છે."

તેમનું કહેવું છે કે જ્યારથી આ તસવીરો ઓનલાઈન શૅર થવા લાગી છે, ત્યારથી બે વધુ પરિવારોએ તેમના જોડિયા દીકરા-દીકરીઓના લગ્નની વિધિઓ કરવા માટે આ ભાઈઓનો સંપર્ક કર્યો છે.

'તસવીરો આટલી વાઇરલ થશે એવો અંદાજ નહોતો'

લગ્ન પછી જોડિયા પાદરીઓ પણ ચર્ચામાં છે

ઇમેજ સ્રોત, Family Handout

ઇમેજ કૅપ્શન, લગ્ન પછી જોડિયા પાદરીઓ પણ ચર્ચામાં છે

નિખિલ થોમસ કહે છે, "અમારાં લગ્ન પ્રેમલગ્ન નથી, પરંતુ તે અમારાં માતાપિતા દ્વારા ગોઠવાયેલા - અરેન્જ્ડ છે."

આ પરંપરાગત ભારતીય અરેન્જ્ડ મૅરેજનું પરિણામ હતું, જેમાં માતાપિતા અને પરિવારના વડીલો લગ્ન નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

બંને તરફના પરિવારોએ યોગ્ય લાઇફ-પાર્ટનર મળે તેના માટે વર્ષો સુધી મહેનત કરી હતી

ઇમેજ સ્રોત, Family Handout

ઇમેજ કૅપ્શન, બંને તરફના પરિવારોએ યોગ્ય લાઇફ-પાર્ટનર મળે તેના માટે વર્ષો સુધી મહેનત કરી હતી

જ્યારથી આ સમારોહની તસવીરો વાયરલ થઈ છે, ત્યારથી આ યુગલોને ઓનલાઈન ઘણાં આશીર્વાદ મળી રહ્યાં છે.

ઘણા લોકોએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યાં, જ્યારે અન્ય લોકોએ તેને જોડિયાં બાળકો માટે 'સ્વપ્ન' સમાન લગ્ન ગણાવ્યાં.

મારિયા કહે છે, "મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે અમારાં લગ્નના ફોટા આટલા વાઇરલ થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન