હળદર દરેક બીમારીની દવા હોવાની વાત કેટલી સાચી?

હળદરના સપ્લિમેન્ટ્સ (જેમાં સામાન્ય રીતે કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે), જેને હળદરના આરોગ્યપ્રદ ગુણો માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હળદરના સપ્લિમેન્ટ્સ (જેમાં સામાન્ય રીતે કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે), જેને હળદરના આરોગ્યપ્રદ ગુણો માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે
    • લેેખક, સારા બેલ
    • પદ, બીબીસી ગ્લોબલ હેલ્થ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતી કઢીમાં કે ખાંડવીમાં રંગ આપવા કે પછી હાંડવામાં સ્વાદ આપવા કે પછી દાળના વઘારમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ માત્ર સ્વાદ કે રંગ આપવા થતો નથી, ગુજરાતમાં તો ઠેકઠેકાણે શિયાળામાં લીલી હળદરનું શાક પણ ખવાય છે.

પરંતુ ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત શું દુનિયાના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય મસાલામાંની એક હળદર આપણા સ્વાસ્થ્ય માટે પણ ચમત્કારિક ફાયદા આપી શકે?

'ફૂડ ચેઇન' કાર્યક્રમ સાથે વાત કરતાં દક્ષિણ એશિયાના ખાણીપીણી પર સંશોધન કરનાર ફૂડ રિસર્ચર અને પૉડકાસ્ટર રાગિની કશ્યપ કહે છે, "મારા પરિવારનાં મૂળ પંજાબ સાથે જોડાયેલાં છે અને હું એવી કોઈ પણ વાનગીની કલ્પના કરી શકતી નથી જેમાં અમે હળદરનો ઉપયોગ ન કરતા હોઈએ."

હળદરની આશરે 30 જાત જોવા મળે છે. તેનો ઉપયોગ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ભોજનમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

પરંતુ હવે હળદરનો ઉપયોગ વિશ્વના અનેક વિસ્તારોમાં થવા લાગ્યો છે. દક્ષિણ એશિયાની બહાર વસેલા લોકો સાથે હળદર પણ પૂર્વમાં બાલી અને ફીજી જેવા પ્રશાંત મહાસાગરના ટાપુઓ સુધી તેમજ પશ્ચિમમાં કેરેબિયન ટાપુઓ સુધી પહોંચી ગઈ છે.

હળદરના ઉપયોગમાં વધારો

ભારતમાં ‘હલ્દી સમારંભ’માં ચહેરાની સુંદરતા વધારવા હળદરનો લેપ લગાડવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં 'હલ્દી સમારંભ'માં ચહેરાની સુંદરતા વધારવા હળદરનો લેપ લગાડવામાં આવે છે

કશ્યપ જણાવે છે કે હળદરનો ઉલ્લેખ અંદાજે 2,500 વર્ષ જૂના ગ્રંથોમાં પણ જોવા મળે છે.

દક્ષિણ એશિયામાં હળદરનો ઉપયોગ ખૂબ સામાન્ય છે અને અહીં લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે તેમાં ઍન્ટિસેપ્ટિક (ચેપથી બચાવનાર) અને સોજો ઘટાડનારા ગુણધર્મો રહેલા છે.

દુબઈમાં રહેતાં કશ્યપ કહે છે, "જ્યારે હું બીમાર પડું છું ત્યારે મારા મનમાં સૌથી પહેલા હળદરનો જ વિચાર આવે છે. તે મને ઘણો આરામ આપે છે. તેમાં થોડો આરામ છે, થોડી દવા છે અને સાથે જૂની યાદો પણ જોડાયેલી છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં હળદર 'હલ્દી સમારંભ'નો પણ મહત્ત્વનો ભાગ છે. આ લગ્ન પહેલાંની એક પરંપરાગત વિધિ છે, જેમાં ચહેરાની સુંદરતા વધારવા હળદરનો લેપ લગાડવામાં આવે છે.

હવે હળદરનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે, કારણ કે પશ્ચિમી દેશોના લોકોને પણ તેના પરંપરાગત ફાયદા વિશે માહિતી મળી રહી છે.

હળદરના સપ્લિમેન્ટ્સ (જેમાં સામાન્ય રીતે કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે), જેને હળદરના આરોગ્યપ્રદ ગુણો માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે, તેનું વેચાણ પણ વધી રહ્યું છે.

આ સપ્લિમેન્ટ્સને હાડકાં અને સાંધાના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા, તેમજ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા જેવા અનેક ફાયદા ગણાવીને વેચવામાં આવે છે.

કશ્યપ જણાવે છે કે હળદરની વધતી લોકપ્રિયતા પાછળ સોશિયલ મીડિયા પણ એક મહત્ત્વનું કારણ છે, જ્યાં લોકો હળદરનો ઉપયોગ કર્યા પછીના પોતાના સકારાત્મક અનુભવો શૅર કરે છે.

તેઓ કહે છે, "જો કરોડો લોકો દૃઢતાપૂર્વક એવું માને છે કે હળદર અનેક સમસ્યાને દૂર કરી શકે છે, તો તે વિશ્વભરમાં એક શક્તિશાળી સંદેશ બની જાય છે. અને જો તેને લોબિંગ જૂથો તથા સપ્લિમેન્ટ બનાવતી કંપનીઓનું સમર્થન પણ મળી જાય, તો આ સંદેશ વધુ મજબૂત બની જાય છે."

શું હળદરનું 'કેમિકલ સ્ટ્રક્ચર' ખામીવાળું હોય છે?

હળદરનો ઉલ્લેખ અંદાજે 2,500 વર્ષ જૂના ગ્રંથોમાં પણ જોવા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોવાનું મનાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હળદરનો ઉલ્લેખ અંદાજે 2,500 વર્ષ જૂના ગ્રંથોમાં પણ જોવા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોવાનું મનાય છે

પરંતુ કેટલાક નિષ્ણાતો હળદરના આ ફાયદા અંગે શંકા કરે છે. અમેરિકાના મિનેસોટાનાં રસાયણશાસ્ત્રી ડૉ. કૅથરિન નેલ્સને કર્ક્યુમિન પર થયેલા 100થી વધુ સંશોધનપત્રોની સમીક્ષા કરી છે.

તેઓ કહે છે, "અમે જોયું કે તેની વિશે એવા દાવા કરાય છે કે જાણે તે લગભગ દરેક બીમારીમાં ઉપયોગી હોય, પરંતુ વાસ્તવમાં કદાચ તેની અસર એટલી વધારે નથી."

ડૉ. નેલ્સનના જણાવ્યા મુજબ, હળદરની સમસ્યા તેની રાસાયણિક રચના (કેમિકલ સ્ટ્રક્ચર)માં હોઈ શકે છે, જેના કારણે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો સરળ નથી.

હળદરમાં રહેલું કર્ક્યુમિન અત્યંત પ્રતિક્રિયાશીલ (રીઍક્ટિવ) છે અને સંશોધન દરમિયાન કરવામાં આવતાં પરીક્ષણોમાં પણ દખલ કરી શકે છે. એટલે કે ઘણી વખત એવું લાગી શકે છે કે તે અસરકારક છે, જ્યારે હકીકતમાં એવું ન પણ હોય.

તેઓ જણાવે છે કે શરીર હળદરને સારી રીતે શોષી શકતું નથી. મોઢા દ્વારા હળદર લેતાં તેનો ખૂબ જ નાનો ભાગ જ લોહીમાં પહોંચે છે. આ જ કારણસર ઘણા લોકો હળદર સાથે કાળા મરીનું સેવન કરે છે, જેથી શરીર તેને વધુ સારી રીતે શોષી શકે.

ડૉ. નેલ્સન કહે છે, "કોઈ પદાર્થને અસરકારક દવા બનાવવાના દૃષ્ટિકોણથી જોવામાં આવે, તો કેમિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ આ ખરેખર સૌથી મુશ્કેલ ચીજોમાંથી એક છે."

હળદર અંગે થયેલાં સંશોધનો શું કહે છે?

નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં એવા પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી, જે સાબિત કરી શકે કે આ સપ્લિમેન્ટ્સ ખરેખર અસરકારક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં એવા પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી, જે સાબિત કરી શકે કે આ સપ્લિમેન્ટ્સ ખરેખર અસરકારક છે

હળદર પર ઘણા દાયકાથી વ્યાપક સંશોધન કરાયું છે, પરંતુ તેનાં પરિણામો ઘણી વખત અલગ હોય છે અને વિવિધ અભ્યાસોની ગુણવત્તા પણ સમાન નથી હોતી.

કૅનેડાના ઓન્ટારિયોમાં આવેલા લંડન હેલ્થ સાયન્સિસ સેન્ટરના કિડની રોગ નિષ્ણાત પ્રોફેસર અમિત ગર્ગ જણાવે છે કે હળદરના ફાયદાનો દાવો કરતાં ઘણાં સંશોધન માનવી પર કરાયાં નથી.

તેમણે અને તેમના સાથીઓએ અત્યાર સુધીનાં બે સૌથી મોટાં સંશોધન હાથ ધર્યાં હતાં. પ્રથમનો ઉદ્દેશ એ જાણવાનો હતો કે કર્ક્યુમિન એઓર્ટિક એન્યુરિઝમ રિપૅરની સર્જરી કરાવનારા દર્દીઓમાં કિડનીને થતી ઈજા અને સોજાને રોકવામાં મદદરૂપ થાય છે કે નહીં.

જોકે, 600 દર્દીઓ પર કરવામાં આવેલા ટ્રાયલમાં તેને કોઈ નોંધપાત્ર લાભ જોવા મળ્યો નહોતો.

ત્યાર બાદ તેમણે કિડનીની બીમારીથી પીડાતા લોકો પર કર્ક્યુમિનના એક નાના માઇક્રોપાર્ટિકલ સ્વરૂપનો ઉપયોગ કરીને તપાસ કરી કે તે કિડનીના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે કે રોગની પ્રગતિ ધીમી કરે છે.

પરંતુ આ વખતે પણ તેમને એવું કોઈ પુરાવું મળ્યું નહોતું, જેનાથી સાબિત થઈ શકે કે કર્ક્યુમિનથી કોઈ સ્પષ્ટ ફાયદો થાય છે.

તેઓ કહે છે, "અમે નિરાશ થયા હતા, કારણ કે જ્યારે અમે આ ટ્રાયલ શરૂ કરી ત્યારે અમે પહેલેથી જ એવું માનીને નહોતા ચાલ્યા કે કર્ક્યુમિન અસરકારક નથી. અમારો હેતુ એ સાબિત કરવાનો નહોતો કે તે બિનઅસરકારક છે."

સવાલ એ થાય કે જો હળદરનો હજારો વર્ષોથી, ખાસ કરીને ભારતમાં દવા અથવા સારવાર તરીકે ઉપયોગમાં લેવાતી હોય તો તેનું કારણ શું છે?

ડૉ. ગર્ગ જણાવે છે કે કોઈ કુદરતી ચીજમાં રહેલા ચોક્કસ તત્ત્વને અલગ કરીને તેમાંથી દવા બનાવવાનો પ્રયાસ કરવો અને તે સંપૂર્ણ કુદરતી પદાર્થનું સેવન કરવું અથવા તેને ત્વચા પર લગાવવું, આ બંને અલગ બાબત છે.

તો શું નિષ્ણાતોને લાગે છે કે મોંઘા સપ્લિમેન્ટ્સ ખરેખર ફાયદાકારક છે?

પ્રોફેસર ગર્ગ કહે છે કે કિંમત સિવાય સૌથી મોટી સમસ્યા એ છે કે હાલમાં એવા પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી, જે સાબિત કરી શકે કે આ સપ્લિમેન્ટ્સ ખરેખર અસરકારક છે.

તેઓ જણાવે છે કે કુદરતી આરોગ્ય ઉત્પાદનો પર તેવા ચુસ્ત નિયમો લાગુ પડતા નથી, જે અન્ય દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર લાગુ પડે.

તેઓ કહે છે, "મને લાગે છે કે આપણે આ મુદ્દા પર ખુલ્લા મનથી વિચારવું જોઈએ, પરંતુ જો આપણે કોઈ વસ્તુના ખાસ ફાયદાનો દાવો કરીએ છીએ, તો તેની પાછળ મજબૂત અને ઉચ્ચ ગુણવત્તાવાળા વૈજ્ઞાનિક સંશોધન થવું જરૂરી છે."

જોકે, તેમને ખોરાકમાં હળદરના ઉપયોગ કરવા પર કોઈ સમસ્યા દેખાતી નથી.

તેઓ કહે છે, "જો લોકોને હળદરવાળું ભોજન પસંદ હોય, તો હું તેમને તેનો ઉપયોગ ચાલુ રાખવાની સલાહ આપીશ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન