પાકિસ્તાની પ્રેમી પાસે ગયેલાં ભારતનાં અંજુએ ત્યાંથી પાંચ મહિના બાદ પાછા ફરીને શું કહ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

ફેસબુક પર પાકિસ્તાની વ્યક્તિ સાથે મિત્રતા પછી તેને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પહોંચેલાં ભારતીય મહિલા અંજુ ભારત પરત આવ્યાં છે.

મૂળ રાજસ્થાનનાં રહેવાસી અંજુ આશરે પાંચ મહિના પછી પાકિસ્તાનથી પાછાં આવ્યાં છે.

તેમનાં બે બાળકો સહિત તેમનો પરિવાર રાજસ્થાનમાં જ રહે છે. તેઓ પાકિસ્તાનના નઝરુલ્લાહ સાથે ફેસબુક પર મિત્રતા થયા બાદ તેમને મળવા પાકિસ્તાન ગયાં હતાં. તેમણે યોગ્ય વિઝા લઈને પાકિસ્તાન ગયાં હોવાનો દાવો કર્યો હતો.

ભારત પહોંચ્યાં પછી તેમણે એક સવાલના જવાબમાં કહ્યું, "હું ખુશ છું"

જ્યારે તેમને પૂછાયું કે તમે પાછા કેમ આવ્યાં? તો તેમણે જવાબ આપ્યો કે મારે આ બાબતે કંઈ કહેવું નથી.

ભારત આવતા પહેલાં અંજુ શું બોલ્યાં હતાં

અંજુએ પાકિસ્તાન છોડ્યું ત્યાર પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં અંજુ કહી રહ્યાં છે કે, "જ્યારથી પાકિસ્તાનમાં આવી છું, પ્રથમ દિવસથી જ મને કોઈ વસ્તુની કમી નથી થવા દીધી. હું બહુ ખુશ છું."

પાકિસ્તાનથી પાછાં આવતાં પહેલાં અંજુએ કહ્યું કે ત્યાંના લોકો બહુ સારા છે. બધાએ ખૂબ જ પ્રેમ અને સન્માન સાથે મહેમાનગતિ કરી. અહીંના લોકોએ મારી સાથે સારું વર્તન કર્યું.

પાકિસ્તાન તરફથી અંજુને સુરક્ષા આપવામાં આવી હતી. અંજુએ પાકિસ્તાનથી ભારત આવતાં પહેલાં કહ્યું, "બધા લોકોએ મારી સાથે સારું વર્તન કર્યું. મને સન્માન આપ્યું."

અંજુ અને નસરુલ્લાહ

અંજુના પાકિસ્તાનના વિઝા 21 ઑગસ્ટ સુધી જ માન્ય હતા. ઑગસ્ટ મહિનામાં જ સમાચાર આવ્યા કે તેઓ તેમના વિઝાને વધુ એક વર્ષ માટે લંબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

જોકે, અંજુએ બીબીસી સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે તેઓ એકવાર ભારત આવીને તેમનાં બાળકોને મળવાં માગે છે.

તે સમયે અંજુએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "હું જે યોજના સાથે આવી હતી, થોડી ઉતાવળના કારણે એમાં અમે અહીં કેટલીક ભૂલો કરી. અહીં જે કંઈ પણ થયું છે, ત્યાં (ભારતમાં) મારા પરિવારને ઘણું અપમાન સહન કરવું પડ્યું છે."

તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું હતું, "હું ત્યાં (ભારત) જવા માગું છું. હું ત્યાં મીડિયાનો સામનો કરવા માગું છું. મારી પાસે તમામ પ્રશ્નોના જવાબ છે. હું તેમને કહીશ કે મારા પર કોઈએ દબાણ નથી કર્યું, હું મારી મરજીથી અહીં આવી છું."

"હું મારાં બાળકોને મિસ કરી રહી છું, હું તેમને ખૂબ જ મિસ કરી રહી છું. હવે બધાં મારાથી ગુસ્સે છે. તેનાથી કોઈ ફરક નથી પડતો. મારે ફક્ત મારાં બાળકોને મળવું છે, તેમને મેળવવા માટે જે શક્ય છે તે કરીશ."

અંજુ પાકિસ્તાન ગયા હતા ત્યારે શું કહ્યું હતું તેમણે?

અંજુ જૂન મહિનામાં રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન પહોંચ્યાં હતાં. આ સમાચાર એવા સમયે આવ્યા હતા જ્યારે પાકિસ્તાનથી ભારત આવેલાં સીમા હૈદરનો મુદ્દો છવાયેલો હતો.

આ વચ્ચે આ સમાચાર આગની જેમ ફેલાયા હતા કે હવે ભારતથી એક મહિલા પાકિસ્તાન પહોંચી ગયાં છે.

આ સમાચાર સામે આવ્યા બાદ અંજુએ કહ્યું હતું કે તે 4-5 દિવસમાં ભારત પરત આવશે.

અંજુએ તે સમયે બીબીસી સાથે ખાસ વાતચીત કરતાં કહ્યું હતું કે તેમના પર લગ્ન તેમજ ઇસ્લામ કબૂલ કરવા માટે કોઈ દબાણ કરાઈ રહ્યું નથી, પરંતુ તેઓ ખુદ લગ્ન માટે ધર્મ બદલવાની તરફેણમાં નથી.

બીબીસીએ અંજુ સમક્ષ નસરુલ્લાહ સાથેની મિત્રતા અને તેમના પાકિસ્તાન પહોંચવાથી લઈને સગાઈ તેમજ લગ્ન વિશે સવાલ કર્યા હતા.

તેમણે એ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

  • હું નસરુલ્લાહ સાથે 2020થી વાત કરતી હતી. અમારા વચ્ચે ફેસબુકથી મિત્રતા થઈ હતી. હું નસરુલ્લાહને મળવા માટે પાકિસ્તાન આવી છું. અહીં આવીને મને સારું લાગી રહ્યું છે. અહીંના લોકો પણ ઘણા સારા છે.
  • અહીં આવતા પહેલાં મેં મારા પતિને જણાવ્યું નહોતું. જો તેમને કહી દેતી તો કદાચ તેમણે મને આવવા ન દીધી હોત. મને એ પણ ખબર નહોતી કે હું પાકિસ્તાનમાં પ્રવેશી શકીશ કે નહીં, પરંતુ પાકિસ્તાન પહોંચ્યાં બાદ મેં તેમને કહી દીધું. હું સતત મારાં બાળકોના સંપર્કમાં છું.
  • જ્યાં સુધી સગાઈ અને લગ્નની વાત છે તો મેં એ વિશે મારા પતિને જણાવ્યું નથી. હું તેમની સાથે વધારે વાત કરતી નથી. મેં તેમને કહ્યું છે કે જો પાછી આવીશ તો માત્ર મારાં બાળકો માટે જ આવીશ. મારા એક મહિનાના વીઝા છે અને ત્રણ-ચાર દિવસમાં ભારત આવી જઈશ.
  • હું બધી જ રીતે ચકાસણી કર્યા બાદ સગાઈ કરવાનો નિર્ણય લઈશ. જો બધું જ ઠીક રહ્યું તો આવવાના એક દિવસ પહેલાં સગાઈ કરીશ. સગાઈ કર્યા બાદ ભારત આવીશ અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરીશ.
  • નસરુલ્લાહ સાથે મારો સંબંધ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. તેમના પરિવારજનો પણ સારા છે. લોકો પ્રેમથી વાત કરે છે. મારા પર કોઈ દબાણ નથી. આ લોકોને પણ ખબર છે કે હું પરિણીત છું અને મારાં બે બાળકો છે.

નસરુલ્લાહ બોલ્યા હતા, 'અમારી નીયત સ્પષ્ટ'

નસરુલ્લાહે બીબીસીને કહ્યું કે થોડાં વર્ષો પહેલાં ફેસબુક મારફતે તેમનો સંપર્ક ભારતનાં અંજુ સાથે થયો હતો.

નસરુલ્લાહ કહે છે કે,"આ સંપર્ક પહેલાં મિત્રતા અને ત્યાર બાદ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો. ત્યાર બાદ અમે બન્નેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો."

નસરુલ્લાહ અનુસાર તેમના પરિવારજનો પણ આ નિર્ણયમાં તેમની સાથે છે.

પરંતુ આ પ્રવાસને શક્ય બનાવવો બન્ને માટે સરળ ન હતો. સરહદી વિસ્તારની સમસ્યા સિવાય એક સમસ્યા બન્ને દેશો વચ્ચે પાછલાં વર્ષોના તણાવપૂર્ણ સંબંધો પણ હતા. નસરુલ્લાહનું કહેવું છે કે અંજુ માટે પાકિસ્તાનના વિઝા લેવા ઘણા મુશ્કેલ હતા.

તે કહે છે, "અમારી નીયત સ્પષ્ટ હતી. જેના કારણે અમે બન્નેએ હિંમત ના હારી."

એક બાજુ અંજુ દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના ધક્કા ખાતાં રહ્યાં. જ્યારે નસરુલ્લાહ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રાલય અને અન્ય ઑફિસના ધક્કા ખાતા રહ્યા.

નસરુલ્લાહનું કહેવું હતું "અંજુ ત્યાં ઑફિસરોને સમજાવતાં રહ્યાં અને હું અહીં ઑફિસરોને વિનંતી કરતો રહ્યો કે વિઝા અંજુનો અધિકાર છે અને જો અમે મળવા માગીએ છીએ તો અમને મળવા દે."

આખરે બન્નેના પ્રયત્નો સાકાર થયા. પણ ઑફિસર્સને સમજાવવામાં તમને બે વર્ષનો સમય લાગી ગયો.

ત્યાર બાદ અંજુને પાકિસ્તાનના વિઝા પણ મળ્યા. અને તેમને દીર બાલા જવાની પરવાનગી પણ આપી દેવાઈ.

નસરુલ્લાહનું કહેવું છે કે "પાકિસ્તાન અને બાદમાં દીર બાલા પહોંચવા બધી જ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે."

તેમણે જણાવેલું, "અંજુ અને મેં વિઝા મેળવવા હજારો રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે એક વાર વિઝા મળી ગયા છે તો આશા છે કે આગળ પણ કોઈ સમસ્યા નહીં થાય."