You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનાં અંજુ અને પાકિસ્તાનના નસરુલ્લાહના 'નિકાહ' થયાનો ત્યાંની પોલીસનો દાવો, અંજુએ શું કહ્યું?
પબજી રમતાં પ્રેમમાં પડેલાં પાકિસ્તાની સીમા હૈદરના પ્રેમીને મળવા ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ બાદ ચર્ચામાં આવેલાં ભારતીય અંજુના પાકિસ્તાન જઈને પ્રેમી નસરુલ્લાહ સાથે લગ્ન કરવાની ચર્ચા છે.
ફેસબુક પર પાકિસ્તાનના નસરુલ્લાહ સાથે મિત્રતા બાદ તેમને મળવા પાકિસ્તાન પહોંચેલાં ભારતીય મહિલા અંજુએ નસરુલ્લાહ સાથે નિકાહ થઈ ગયા હોવાની વાતને રદિયો આપ્યો છે.
તેમણે બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી સાથેની વાતચીતમાં કહ્યું કે નિકાહ થયા હોવાની વાતમાં કોઈ સાતત્ય નથી.
અંજુએ જણાવ્યું કે તેઓ હાલ ભારત પાછાં ફરવાની તૈયારી કરી રહ્યાં છે અને બુધવારે લાહોર પહોંચશે. જેના બીજે દિવસે તેઓ ભારતમાં હશે.
અંજુએ કહ્યું, "મારાં લગ્નની વાત પાયાવિહોણી છે. આ અહેવાલોથી મારાં બાળકો દુ:ખી થઈ રહ્યાં છે. હું સ્પષ્ટપણે કહી રહી છું કે આ અહેવાલોમાં કોઈ સાતત્ય નથી."
જોકે, તેમનાંથી વિપરીત સ્થાનિક પોલીસ અધિકારીઓએ તેમના નિકાહ થયા હોવાની વાતની પુષ્ટિ કરી છે.
મલાંકદના સ્થાનિક પોલીસ અધિકારી નાસિર સત્તીએ બીબીસીના અઝીઝુલ્લાહ ખાનને જણાવ્યું કે અંજુ અને નસરુલ્લાહએ અપર દીરની એક કોર્ટમાં મંગળવારે નિકાહ કરી લીધા છે.
અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે નસરુલ્લાહે સ્થાનિક કોર્ટની અનુમતિ બાદ આ નિકાહ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીએ જણાવ્યું કે આ નિકાહ દરમિયાન કોર્ટ પરિસરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
આ પોલીસ અધિકારીએ કહ્યું કે અંજુએ ભારતમાં ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો હતો અને તે આધારે જ તેમને નસરુલ્લાહ સાથે લગ્ન કરવા પાકિસ્તાન આવવાના વિઝા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર અંજુ અને નસરુલ્લાહના કથિત લગ્નના દસ્તાવેજો પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે, તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. આ દસ્તાવેજોમાં તેમનું નામ ફાતિમા લખવામાં આવ્યું છે.
સોમવારે અંજુએ શું કહ્યું હતું?
અંજુએ સોમવારે બીબીસી સાથે ખાસ વાતચીત કરતાં કહ્યું હતું કે તેમના પર લગ્ન તેમજ ઇસ્લામ કબૂલ કરવા માટે કોઈ દબાણ કરાઈ રહ્યું નથી, પરંતુ તેઓ ખુદ લગ્ન માટે ધર્મ બદલવાની તરફેણમાં નથી.
બીબીસીએ અંજુ સમક્ષ નસરુલ્લાહ સાથેની મિત્રતા અને તેમના પાકિસ્તાન પહોંચવાથી લઈને સગાઈ તેમજ લગ્ન વિશે સવાલ કર્યા હતા.
તેમણે એ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
- હું નસરુલ્લાહ સાથે 2020થી વાત કરતી હતી. અમારા વચ્ચે ફેસબુકથી મિત્રતા થઈ હતી. હું નસરુલ્લાહને મળવા માટે પાકિસ્તાન આવી છું. અહીં આવીને મને સારું લાગી રહ્યું છે. અહીંના લોકો પણ ઘણા સારા છે.
- અહીં આવતા પહેલાં મેં મારા પતિને જણાવ્યું નહોતું. જો તેમને કહી દેતી તો કદાચ તેમણે મને આવવા ન દીધી હોત. મને એ પણ ખબર નહોતી કે હું પાકિસ્તાનમાં પ્રવેશી શકીશ કે નહીં, પરંતુ પાકિસ્તાન પહોંચ્યાં બાદ મેં તેમને કહી દીધું. હું સતત મારાં બાળકોના સંપર્કમાં છું.
- જ્યાં સુધી સગાઈ અને લગ્નની વાત છે તો મેં એ વિશે મારા પતિને જણાવ્યું નથી. હું તેમની સાથે વધારે વાત કરતી નથી. મેં તેમને કહ્યું છે કે જો પાછી આવીશ તો માત્ર મારાં બાળકો માટે જ આવીશ. મારા એક મહિનાના વીઝા છે અને ત્રણ-ચાર દિવસમાં ભારત આવી જઈશ.
- હું બધી જ રીતે ચકાસણી કર્યા બાદ સગાઈ કરવાનો નિર્ણય લઈશ. જો બધું જ ઠીક રહ્યું તો આવવાના એક દિવસ પહેલાં સગાઈ કરીશ. સગાઈ કર્યા બાદ ભારત આવીશ અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરીશ.
- નસરુલ્લાહ સાથે મારો સંબંધ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. તેમના પરિવારજનો પણ સારા છે. લોકો પ્રેમથી વાત કરે છે. મારા પર કોઈ દબાણ નથી. આ લોકોને પણ ખબર છે કે હું પરિણીત છું અને મારાં બે બાળકો છે.
નસરુલ્લાહએ કહ્યું, 'અમારી નીયત સ્પષ્ટ'
નસરુલ્લાહે બીબીસીને કહ્યું કે થોડાં વર્ષો પહેલાં ફેસબુક મારફતે તેમનો સંપર્ક ભારતનાં અંજુ સાથે થયો હતો.
મૂળતઃ ઉત્તર પ્રદેશનાં અંજુ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના આગ્રહને ધ્યાને રાખીને તેમની અંગત માહિતીને અહીં ટૂંકમાં અપાઈ છે.
જ્યારે બીબીસીએ અંજુ સાથે વાત કરવાનો આગ્રહ કર્યો તો નસરુલ્લાહે બીબીસીને કહ્યું કે અંજુ અત્યારે મીડિયા સાથે વાત નથી કરવાં માગતાં.
નસરુલ્લાહ કહે છે કે,"આ સંપર્ક પહેલાં મિત્રતા અને ત્યાર બાદ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો. ત્યાર બાદ અમે બન્નેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો."
નસરુલ્લાહ અનુસાર તેમના પરિવારજનો પણ આ નિર્ણયમાં તેમની સાથે છે.
પરંતુ આ પ્રવાસને શક્ય બનાવવો બન્ને માટે સરળ ન હતો. સરહદી વિસ્તારની સમસ્યા સિવાય એક સમસ્યા બન્ને દેશો વચ્ચે પાછલાં વર્ષોના તણાવપૂર્ણ સંબંધો પણ હતા. નસરુલ્લાહનું કહેવું છે કે અંજુ માટે પાકિસ્તાનના વિઝા લેવા ઘણા મુશ્કેલ હતા.
તે કહે છે, "અમારી નીયત સ્પષ્ટ હતી. જેના કારણે અમે બન્નેએ હિંમત ના હારી."
એક બાજુ અંજુ દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના ધક્કા ખાતાં રહ્યાં. જ્યારે નસરુલ્લાહ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રાલય અને અન્ય ઑફિસના ધક્કા ખાતા રહ્યા.
નસરુલ્લાહનું કહેવું હતું "અંજુ ત્યાં ઑફિસરોને સમજાવતાં રહ્યાં અને હું અહીં ઑફિસરોને વિનંતી કરતો રહ્યો કે વિઝા અંજુનો અધિકાર છે અને જો અમે મળવા માગીએ છીએ તો અમને મળવા દે."
આખરે બન્નેના પ્રયત્નો સાકાર થયા. પણ ઑફિસર્સને સમજાવવામાં તમને બે વર્ષનો સમય લાગી ગયો.
ત્યાર બાદ અંજુને પાકિસ્તાનના વિઝા પણ મળ્યા. અને તેમને દીલ વાલા જવાની પરવાનગી પણ આપી દેવાઈ.
નસરુલ્લાહનું કહેવું છે કે "પાકિસ્તાન અને બાદમાં દીર બાલા પહોંચવા માટે બધી જ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે."
તેઓ કહે છે કે, "અંજુ અને મેં વિઝા હાંસલ કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે એક વાર વિઝા મળી ગયા છે તો આશા છે કે આગળ પણ કોઈ સમસ્યા નહીં થાય."
અંજુના પતિએ શું કહ્યું હતું?
અંજુનાં ભારતમાં પહેલેથી જ લગ્ન થઈ ચૂક્યાં છે.
તેમના પતિ અરવિંદે બીબીસીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણાને કહ્યું, "અંજુ 21 જુલાઈએ જયપુર જવાનું કહીને ઘરેથી જતી રહી હતી. ત્યાર બાદ અમારી વ્હૉટ્સઍપ પર વાત થઈ રહી હતી."
"23 જુલાઈએ સાંજે દિકરાની તબિયત ખરાબ થતાં મેં અંજુને પૂછ્યું કે તેઓ ક્યારે પરત આવશે તો અંજુએ કહ્યું કે તે પાકિસ્તાનમાં છે અને જલદી પાછી આવી જશે."
અરવિંદે કહ્યું, "અંજુએ પાકિસ્તાન જવા અંગે કોઈને જાણ પણ ન થવા દીધી. તે માત્ર જયપુર જવાનું કહીને ગઈ હતી."
"અંજુએ ઘણા સમય પહેલાં પાસપોર્ટ બનાવી લીધો હતો. તેની જાણકારી અમને જરૂર હતી."
તેમણે ઉમેર્યું, "વર્ષ 2007માં અમારાં લગ્ન થયાં હતાં. અમારાં બે બાળકો પણ છે. એક દીકરી 15 વર્ષની છે. અને એક દીકરો છે. બન્ને સ્કૂલે જાય છે."
અરવિંદે કહ્યું, "અંજુ ભિવાડીમાં જ એક કંપનીમાં કામ કરે છે. નજીકની જ અન્ય એક કંપનીમાં હું પણ કામ કરું છું."