જીએન સાઈબાબાનું નિધન: માઓવાદીઓ સાથેના સંબંધના આરોપોમાં 10 વર્ષ જેલમાં રહ્યા અને અંતે છોડી મૂકાયા

દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાનું શનિવારે સાંજે હૈદરાબાદની નિમ્સ હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમણે રાત્રે 8:36 કલાકે દેહ છોડ્યો હતો.
મળેલી માહિતી મુજબ 57 વર્ષીય સાઈબાબાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા મહિને તેમના ગૉલ બ્લૅડરને દૂર કરવા માટે સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. પરંતુ ફરી ઇન્ફેક્શનને કારણે તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હૃદય બંધ પડી ગયું હતું.
ડૉકટરો તેમને સીપીઆર આપી રહ્યા હતા,પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. બાદમાં ડૉક્ટરોએ સાઈબાબાના નિધનની જાહેરાત કરી.
વિકલાંગતાને કારણે વ્હીલચેર પર ચાલતા સાઈબાબાની માઓવાદી સંગઠનો સાથે સંબંધ રાખવાના આરોપસર યુએપીએ કાયદા હેઠળ 2014માં ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
આઠ વર્ષ બાદ જ્યારે બૉમ્બે હાઇકોર્ટે તેમને છોડી મૂક્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે 24 કલાકની અંદર જ આ નિર્ણયને પલટી નાખ્યો હતો. પરંતુ અંતે માર્ચ 2024માં તેમને બૉમ્બે હાઇકોર્ટે છોડી મૂક્યા હતા. એ સમયે તેઓ નાગપુર સેન્ટ્રલ જેલમાં બંધ હતા.
બીબીસી સાથે વાત કરી ત્યારે શું કહ્યું હતું?
સાઈબાબા પહેલેથી જ લકવાગ્રસ્ત હતા અને તેમનું શરીર 90 ટકા અક્ષમ હતું. દિનચર્યામાં તેમની વ્હીલચેર જ તેમનો સહારો હતી.
આ વર્ષે માર્ચમાં તેઓ છૂટ્યા પછી તેમણે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જેલમાં ભોગવવી પડેલી અસુવિધાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "મારી વ્હીલચેર જેલમાં શૌચાલય સુધી પહોંચી શકતી ન હતી. ત્યાં નહાવા માટે પણ જગ્યા ન હતી. હું એકલો મારા પગ પર ઊભો રહી શકતો ન હતો. મારે બાથરૂમ જવા માટે, સ્નાન કરવા માટે, પથારીમાં શિફ્ટ થવા માટે, એમ 24 કલાક બે લોકોની જરૂર પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઈબાબાએ યુએપીએ કાયદાને 'ભારતના બંધારણની વિરુદ્ધ' ગણાવ્યો હતો. તેમણે આ કાયદાને 'દુનિયાનો સૌથી ક્રૂર કાયદો' ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “આટલો ક્રૂર કાયદો હાલમાં વિશ્વના કોઈપણ દેશમાં અમલમાં નથી. આ બંધારણ દ્વારા દેશના લોકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે.”
તેમણે કહ્યું હતું કે, “હું આ કાયદા સામે લડી રહ્યો છું અને આ કાયદા હેઠળ મને જેલમાં રાખવામાં આવ્યો છે અને મારો અવાજ દબાવવામાં આવ્યો.”
તે સમયે તેમણે જેલમાં તેના રોગોની વધતી જતી જટિલતા વિશે પણ વાત કરી હતી.
સાઈબાબાએ આરોપ લગાવ્યો હતો કે 'ડૉકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ અને સારવાર તેમને આપવામાં આવી ન હતી.'
તેમણે કહ્યું હતું કે, "હું આજે તમારી સામે જીવિત છું પરંતુ મારા શરીરના દરેક અંગ નિષ્ફળ થઈ રહ્યા છે. જેલ સત્તાવાળાઓને પણ વિશ્વાસ નહોતો કે હું જીવી શકીશ.”
તેમણે કહ્યું હતું કે તેમણે જેલમાં ખૂબ કષ્ટ સહન કરવું પડ્યું છે. તેઓ અનેક રોગોથી ઘેરાયેલા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ તત્કાળ તેમની સારવાર કરાવવા ઇચ્છતા હતા.
સાઈબાબાનાં પત્નીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તેમનાં પત્ની વસંતાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "ગયા મહિને 28મી સપ્ટેમ્બરે હૈદરાબાદની નિમ્સ હૉસ્પિટલમાં પિત્તાશયને દૂર કરવાના સફળ ઑપરેશન બાદ સાઈબાબા સ્વસ્થ થઈ ગયા હતા."
"પરંતુ તેમને પેટમાં શૂળ ઊપડ્યું હતું. ઑપરેશનના છ દિવસ પછી પેટની અંદર જ્યાં પિત્તાશયને હઠાવીને સ્ટંટ લગાવવામાં આવ્યું હતું ત્યાં સંક્રમણ શરૂ થઈ ગયું હતું."
"છેલ્લા એક અઠવાડિયાથી સાઈબાબાને 100 ડિગ્રી કરતાં વધુ તાવ અને પેટમાં દુખાવો હતો. તબીબો તેમની દેખરેખ રાખી રહ્યા હતા. જ્યાં સર્જરી કરવામાં આવી હતી ત્યાંથી 10 ઑક્ટોબરે સાઈબાબાના પેટમાંથી પરુ દૂર કરવામાં આવ્યું હતું. એ પછી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા."
"પેટમાં સોજાને કારણે તેમને ખૂબ દુખતું હતું. સર્જરી થઈ હતી ત્યાં અંદરના ભાગે તેમને બ્લિડિંગ થઈ રહ્યું હતું, જેને લીધે પેટમાં સોજો થયો અને બ્લડપ્રેશર ઓછું થઈ ગયું હતું."
"શનિવારે તેમના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એ પછી ડૉક્ટરોએ તેમને સીપીઆર આપ્યું, પણ તેમનો જીવ બચી શક્યો ન હતો."
અગાઉ પોતાની ધરપકડ વિશે સાઈબાબાએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ તેમને પૂછ્યું હતું કે તેમને જેલમાં કેમ મોકલવામાં આવ્યા? તેના પર તેણે કહ્યું હતું કે, "હું આદિવાસીઓના અધિકારો માટે મારો અવાજ ઉઠાવતો હતો અને આ માટે હું ઘણા નાગરિક સમાજના જૂથો અને લોકો સાથે જોડાયેલો હતો. આ મુદ્દા પર કામ કરતી ઘણી સંસ્થાઓએ મને સંયોજક તરીકે પસંદ કર્યો હતો."
"અમે આદિવાસીઓના અધિકારો માટે, ખાણકામ સામે આદિવાસીઓના રક્ષણ માટે, આદિવાસીઓના નરસંહાર સામે, ઓપરેશન ગ્રીન હન્ટ સામે અમારો અવાજ ઉઠાવતા હતા."
સાંઈબાબાએ કહ્યું હતું કે, "અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠનો સાથે જોડાણ કરીને આ મુદ્દાઓ પર અમારો અવાજ ઉઠાવી રહ્યા હતા કે આ દેશની 10 કરોડ આદિવાસી વસ્તીને કચડી શકાય નહીં. મને ખબર પડી કે અમારો અવાજ દબાવવા માટે મારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને મને નકલી કેસમાં દસ વર્ષ જેલમાં રાખવામાં આવ્યો."
બીબીસીએ જ્યારે તેમને ભારતની ન્યાયવ્યવસ્થામાં તેમના ભરોસા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, “હું ઇચ્છીશ કે ન્યાયવ્યવસ્થા ભારતની પ્રજા માટે કામ કરે. હું એવું નથી કહી રહ્યો કે ન્યાયવ્યવસ્થા કામ નથી કરી રહી, પરંતુ તેમાં ઘણી ખામીઓ છે. મુખ્ય ન્યાયાધીશે પણ કહ્યું છે કે કોર્ટ જામીન કેમ નથી આપી રહી.”
આ મામલામાં ક્યારે શું થયું?
હેમ મિશ્રા અને પ્રશાંત રાહીની 2013માં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ માઓવાદી નેતાઓને મળવા જઈ રહ્યા હતા જે મુલાકાત પ્રોફેસર સાંઈબાબાની મદદથી ગોઠવવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2013 - પોલીસે દિલ્હીમાં તેમના ઘરની તલાશી લીધી.
ફેબ્રુઆરી 2014 - પોલીસે ધરપકડ વોરંટ જારી કર્યું, પરંતુ ધરપકડ કરી શકી નહીં
મે 2014 - માઓવાદીઓ સાથે જોડાણ માટે ધરપકડ
જૂન 2015 - બૉમ્બે હાઈકોર્ટે તબીબી આધાર પર જામીન આપ્યા
ડિસેમ્બર 2015 - ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા
એપ્રિલ 2016 - સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
માર્ચ 2017 - યુએપીએની કલમો હેઠળ આજીવન કેદની સજા, સાઈબાબાએ બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બૅચમાં અપીલ કરી હતી.
એપ્રિલ 2021 - દિલ્હી યુનિવર્સિટીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા
ઑક્ટોબર 2022 - બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બૅન્ચે તેમને નિર્દોષ જાહેર કર્યા
ઑક્ટોબર 2022 - સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
માર્ચ 2024 - બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બૅન્ચે તેમને ફરી એકવાર મુક્ત કર્યા.
12 ઑક્ટોબર 2024 - હૈદરાબાદની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
જીએન સાઈબાબા કોણ હતા?

ઇમેજ સ્રોત, ANJANI
હાલના આંધ્રપ્રદેશના અમલાપુરમમાં જન્મેલા સાંઈબાબા પાંચ વર્ષની ઉંમરે પોલિયોનો શિકાર બન્યા હતા.
ધ હિંદુ અનુસાર, તેમણે 2003માં દિલ્હી યુનિવર્સિટીની રામલાલ આનંદ કૉલેજમાં ભણાવવા આવ્યા અને પછી તેમણે વ્હીલચેરની મદદથી ચાલવાનું શરૂ કર્યું હતું.
તેમણે 2003થી 2014માં જેલમાં ગયા ત્યાં સુધી રામલાલ આનંદ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય ભણાવ્યું હતું.
તેમણે મધ્ય ભારતના આદિવાસી વિસ્તારોમાં ઑપરેશન ગ્રીનહન્ટ હેઠળ અર્ધલશ્કરી દળોની કાર્યવાહી સામે અખિલ ભારતીય પીપલ્સ રૅઝિસ્ટન્સ ફૉરમનું નેતૃત્વ કર્યું.
સાંઈબાબા તેમના વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવતા હતા.
દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને નજીકના પરિવારના મિત્ર નંદિતા નારાયણે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, "સાઈબાબા અને તેમનો પરિવાર તેમના જીવનને પાટા પર લાવવા માટે લડી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. સાંઈબાબા ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિ હતા.”
પ્રોફેસર સાંઈબાબા અને તેમનો પરિવાર દિલ્હી યુનિવર્સિટીમાં તેમની પુનઃબહાલી માટે લડત લડી રહ્યા હતા.
તેમને આશા હતી કે તેમને દિલ્હી યુનિવર્સિટીમાં ફરીથી ભણાવવાનો મોકો મળશે. સાઈબાબા વારંવાર કહેતા કે 'તેઓ એક શિક્ષક છે અને હંમેશા તેમના વિદ્યાર્થીઓને ભણાવવાનું સપનું જોતા હતા.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















