શું છે નજરકેદ, ટ્રાન્ઝિટ રિમાન્ડ, હૅબિયસ કૉર્પસ અને UAPA?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દલજિત અમી
    • પદ, બીબીસી પંજાબી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

મહારાષ્ટ્રમાં આ વર્ષની શરૂઆતમાં થયેલી જ્ઞાતિ આધારિત હિંસા સંબંધે દેશના પાંચ અગ્રણી સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે એ પાંચેયને છઠ્ઠી સપ્ટેમ્બર, 2018 સુધી નજરકેદમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા અને વરવરા રાવની ધરપકડ વિવિધ ભારતીય શહેરોમાં આવેલાં તેમના ઘરેથી કરવામાં આવી હતી. વરનૉન ગોન્ઝાલ્વિઝ અને અરૂણ ફરેરાની પણ ધરપકડ કરવામાં આવી હોવાની વાતને પૂણે પોલીસે બાદમાં સમર્થન આપ્યું હતું.

મહારાષ્ટ્રમાં થયેલી હિંસાની તપાસ સંબંધે અન્ય ડાબેરી વકીલો તથા વિદ્વાનોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આ સામાજિક કાર્યકરોએ 2017ની 31 ડિસેમ્બરે યોજાયેલી વિશાળ રેલીમાં દલિતોનો ઉશ્કેર્યા હતા. તેના પગલે હિંસા થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

દેશનાં વિવિધ શહેરોમાં દરોડાઓની સાથે કાયદાના કેટલાક પારિભાષિક શબ્દો મીડિયા અહેવાલમાં વાંચવા-સાંભળવા મળી રહ્યા છે.

એ પારિભાષિક શબ્દોમાં નજરકેદ (હાઉસ અરેસ્ટ), ટ્રાન્ઝિટ રિમાન્ડ અને યુએપીએ કાયદા વગેરેનો સમાવેશ થાય છે.

કાયદાની પરિભાષાના આ શબ્દોનો મતલબ શું થાય તેની ટૂંકી સમજણ અહીં પ્રસ્તુત છે.

line

હાઉસ અરેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય કાયદાકીય વ્યવસ્થામાં હાઉસ અરેસ્ટ પારિભાષિક શબ્દ નથી. તેનો અર્થ એટલો જ થાય છે કે જેની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ પોલીસ સ્ટેશન કે જેલમાં લઈ જવાને બદલે તેના ઘરમાં જ કેદ રાખવામાં આવશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ધરપકડ કરાયેલી વ્યક્તિ હાઉસ અરેસ્ટ દરમ્યાન કોની સાથે સંપર્ક રાખી શકે એ બાબતે નિયંત્રણો મૂકી શકાય છે. ધરપકડ કરાયેલી વ્યક્તિ માત્ર તેમના પરિવારજનો અને વકીલો સાથે જ ઇન્ટરએક્શન કરી શકે છે.

હાઉસ અરેસ્ટને સજાનું કાયદેસરનું સ્વરૂપ ગણવામાં આવે છે અને તેનો હેતુ અહિંસક ગુનેગારને ફરીથી ગુનો કરતા અટકાવવાનો તથા પુરાવા સાથે ચેડાં કે નાશ કરતા અટકાવવાનો તેમજ સંબંધિત કેસના સાક્ષીઓને પ્રભાવિત કરતા રોકવાનો હોય છે.

line

સર્ચ વૉરંટ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સર્ચ વૉરંટ કોઈ પણ ઇમારત કે વાહન કે વ્યક્તિની તપાસ માટે પોલીસ કે કોઈ અન્ય તપાસ એજન્સીને કાયદેસરની સત્તા આપતો આદેશ છે.

પોલીસ સેશન્સ કોર્ટ(મેજિસ્ટ્રેટ કે જજ) પાસેથી સર્ચ વૉરંટ મેળવી શકે છે. સર્ચ વૉરંટ પોલીસને કોઈ પણ વ્યક્તિ, ઇમારત કે વાહનની તપાસ ગુનાના પુરાવા એકઠા કરવાના હેતુસરની સત્તા આપે છે.

ક્રિમિનલ પ્રોસિજર કોડ(1973)ની કલમક્રમાંક 91, 92 અને 93 હેઠળ સર્ચ વૉરંટ મેળવવા માટે તપાસ એજન્સી વાજબી શંકા કે ભરોસાપાત્ર માહિતી કે બાતમીને આધાર બનાવી શકે છે.

કોઈ પોલીસ પાર્ટીએ તેના કાર્યક્ષેત્ર બહાર તપાસ કરવાની હોય તો તેણે એ વિસ્તાર જેના કાર્યક્ષેત્ર હેઠળ આવતો હોય તે પોલીસને સાથે રાખવી પડે છે.

સમગ્ર કામગીરી બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક ડાયરી ઍન્ટ્રી કરવી જરૂરી હોય છે.

દોષપાત્ર જણાય તેવી કોઈ સામગ્રી પોલીસ તપાસની કાર્યવાહી દરમ્યાન જપ્ત કરી શકે છે અને તેની નોંધ બે લોકસાક્ષીઓની હાજરીમાં 'સર્ચ ઍન્ડ સિઝર' મેમોમાં કરવી જરૂરી હોય છે. જે વ્યક્તિની તપાસ કરવામાં આવી હોય તેણે પણ મેમો પર સહી કરવી જરૂરી છે.

ગુનો કૉગ્નિઝેબલ હોય તો પોલીસ કોઈ સર્ચ વૉરંટ વિના તપાસ કરી શકે છે. સંબંધિત વ્યક્તિની ધરપકડ જરૂરી હોય તો પોલીસને તપાસ કરવાની સત્તા હોય છે.

જેમાં માત્ર મહિલાઓ જ હોય એવી ઇમારતમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તપાસ કરી શકાતી નથી. તેમાં મહિલા પોલીસની હાજરીમાં જ તપાસ કરી શકાય છે.

line

અરેસ્ટ વૉરંટ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ વ્યક્તિની ધરપકડ કે તેને અટકાયતમાં લેવા માટે સરકાર વતી ન્યાયમૂર્તિ કે મેજિસ્ટ્રેટ દ્વારા અરેસ્ટ વૉરંટ ઇસ્યૂ કરવામાં આવે છે.

દોષપાત્ર જણાય તેવી સામગ્રી કે પ્રૉપર્ટીની તપાસની તથા તેને જપ્ત કરવાની સત્તા પણ પોલીસને અરેસ્ટ વૉરંટમાં મળે છે.

ગુનાની ગંભીરતાને આધારે અરેસ્ટ વૉરંટ જામીનપાત્ર કે બિન-જામીનપાત્ર હોઈ શકે છે.

પોલીસે તેના કાર્યક્ષેત્ર બહાર અરેસ્ટ વૉરંટનો અમલ કરવાનો હોય તો સ્થાનિક પોલીસની મદદ લેવી પડે છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની ડાયરી ઍન્ટ્રી કરવી પડે છે.

દોષપાત્ર જણાય તેવી કોઈ સામગ્રી પોલીસ તપાસની કાર્યવાહી દરમ્યાન જપ્ત કરી શકે છે અને તેની નોંધ બે લોકસાક્ષીઓની હાજરીમાં 'સર્ચ ઍન્ડ સિઝર' મેમોમાં કરવી જરૂરી હોય છે, જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તેણે પણ મેમો પર સહી કરવી જરૂરી છે.

ગુનો કૉગ્નિઝેબલ હોય તો પોલીસ અરેસ્ટ વોરંટ વિના આરોપીની ધરપકડ કરી શકે છે, પણ બાકીની પ્રક્રિયા સમાન રહે છે.

પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિને તેની ધરપકડના 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવી પડે છે.

ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમક્રમાંક 41 મુજબ, જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તેને જામીન મેળવવાના તેના અધિકાર અને એ માટે જરૂરી વ્યવસ્થા બાબતે પોલીસે જાણકારી આપવી પડે છે.

ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમક્રમાંક 41 જણાવે છે કે ફરિયાદ વાજબી હોય, ભરોસાપાત્ર બાતમી મળી હોય અને આરોપીએ સાત વર્ષથી વધુ સજાની જોગવાઈ ધરાવતો ગુનો આચર્યાની શંકા હોય ત્યારે જ પોલીસે આરોપીની ધરપકડ કરવી જોઈએ.

આરોપીને વધુ ગુના આચરતો રોકવા, યોગ્ય તપાસ માટે કે પુરાવા સાથે ચેડાં કરતો રોકવા માટે તેની ધરપકડ પોલીસે કરવી જોઈએ.

આરોપીની ધરપકડની પ્રક્રિયા કલમક્રમાંક 41બીમાં જણાવવામાં આવી છે. તેમાં પોલીસ અધિકારી દ્વારા ચોક્કસ તથા સ્પષ્ટ ઓળખ અને એક સાક્ષી સાથે અરેસ્ટનો મેમો પૂરો પાડવાનો સમાવેશ થાય છે.

અરેસ્ટ મેમો પર આરોપીના સગાં કે દોસ્તે સહી ન કરી હોય તો આરોપીની ધરપકડ વિશે તેના કોઈ પરિવારજનને જાણ કરવાની જોગવાઈ પણ આ કલમમાં છે.

પૂછપરછ દરમ્યાન વકીલ સાથે રાખવાના આરોપીના અધિકારની જોગવાઈ કલમક્રમાંક 41ડીમાં છે.

line

ટ્રાન્ઝિટ રિમાન્ડ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ આરોપીને તેની ધરપકડના 24 કલાકમાં નિર્ધારિત કોર્ટમાં રજૂ કરવાની સ્થિતિમાં ન હોય ત્યારે પોલીસે ટ્રાન્ઝિટ વૉરંટ મેળવવું પડે છે.

ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ક્રમાંક 76 અનુસાર, પોલીસે ધરપકડ કરાયેલી વ્યક્તિને 24 કલાકમાં સ્થાનિક કોર્ટમાં રજૂ કરવી પડે છે.

અમલ બજવણી કરતી પોલીસ પાર્ટીના કાર્યક્ષેત્રની બહાર કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની હોય અને ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી પહોંચવાના પ્રવાસ માટે લાંબો સમય થવાનો હોય તો પોલીસે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા પડે છે.

line

હૅબિયસ કૉર્પસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હૅબિયસ કૉર્પસ ભારતીય બંધારણની કલમક્રમાંક 226 હેઠળનો ન્યાયાલયનો આદેશ છે. આ મધ્યકાલીન લૅટિન અભિવ્યક્તિનો અર્થ અટકાયતમાં રાખેલી વ્યક્તિને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવાનો આદેશ એવો થાય છે.

કોઈ વ્યક્તિને ગેરકાયદે અટકાયતમાં, કસ્ટડીમાં રાખવામાં આવી હોય કે તેના અપહરણની શંકા હોય, ત્યારે એ બાબત બંધારણીય કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ધ્યાન પર લાવવા માટે સંબંધિત વ્યક્તિના દોસ્ત કે પરિવારજનો આ કાયદાકીય વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે.

હૅબિયસ કૉર્પસની અરજીની સુનાવણી અરજી દાખલ કર્યાના દિવસે જ કરવામાં આવે છે અને જરૂર પડ્યે કોર્ટના કામના કલાકો પછી પણ હાઈ કોર્ટના જજના ઘરે લિસ્ટ કરાવી શકાય છે.

કોઈ વ્યક્તિને જ્યાં ગેરકાયદે અટકાયતમાં, કસ્ટડીમાં રાખવામાં આવ્યાની શંકા હોય તે સ્થળ સુધી ફરિયાદી સાથે પહોંચવા માટે વૉરંટ ઓફિસરની નિમણૂક કરવા સહિતની વ્યાપક સત્તા કોર્ટને હોય છે.

કોર્ટે નિમેલા વૉરંટ ઓફિસર જરૂર પડ્યે પોલીસની મદદ લઈ શકે છે.

line

અનલોફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ક્ટ (યુએપીએ)

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ કાયદાનો અમલ 1967થી શરૂ કરવામાં આવ્યો હતો અને "ભારતની અખંડિતતા અને સાર્વભૌમકત્વના રક્ષણ માટે" 2004 પછી તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા.

કોઈ વ્યક્તિ "આતંકવાદી કૃત્યો કે ગેરકાયદે પ્રવૃત્તિને ટેકો" આપતી હોવાની શંકા હોય, કે સરકાર જેને "ગેરકાયદે સંગઠન, આતંકવાદી ટોળકી કે આતંકવાદી સંગઠન" ગણતી હોય તેની સભ્ય હોય તો આ કાયદા હેઠળ સત્તાવાળાઓ સર્ચ કે અરેસ્ટ વૉરંટ વિના દરોડા પાડી શકે છે અને તેની ધરપકડ કરી શકે છે.

યુએપીએ હેઠળ કોઈ પણ અધિકારી દરોડા દરમ્યાન સામગ્રી જપ્ત કરી શકે છે. આ એક અસાધારણ કાયદો છે, કારણ કે યુએપીએ હેઠળ પોલીસે ધરપકડ કરાયેલી વ્યક્તિ સામે છ મહિનામાં આરોપનામું દાખલ કરવાનું હોય છે.

બીજા કાયદાઓમાં પોલીસે ત્રણ મહિનામાં આરોપનામું દાખલ કરવું જરૂરી હોય છે.

યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિ માટે છ મહિના પહેલાં જામીન મેળવવાનું મુશ્કેલ હોય છે અને તેમાં આગોતરા જામીનની કોઈ જોગવાઈ નથી.

ટેરસિસ્ટ ઍન્ડ ડિસ્રપ્ટિવ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ઍકટ (ટાડા) અને પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ (પોટા)ના દુરૂપયોગ સંબંધે લોકોના દબાણને કારણે એ બન્ને કાયદાને રદ્દ કરવામાં આવ્યા પછી યુએપીએ આતંકવાદવિરોધી મુખ્ય કાયદો બની ગયો છે.

ટાડા હેઠળ ધરપકડ કરાયેલી મોટાભાગની વ્યક્તિઓ નિર્દોષ હોવાનું અને મુક્ત કરવામાં આવ્યા પહેલાં તેમણે જેલમાં લાંબી સજા કાપ્યાનું બહાર આવ્યું હતું.

ટાડાની મોટાભાગની જોગવાઈઓને સુધારા મારફત યુએપીએનો હિસ્સો બનાવવામાં આવી છે. આ કાયદાને અન્ય કોઈ પણ કાયદા કરતાં આકરો ગણવામાં આવે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો