You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈભવ સૂર્યવંશીના 14 રન અને સચીનના 15 રન, આ બંને ખેલાડીઓના ડૅબ્યૂની સરખામણી કેમ થઈ રહી છે?
ભારત ઇંગ્લૅન્ડ સામે બીજી ટી20 મૅચ ચાર વિકેટથી હારી ગયું છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આ મૅચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું છે.
સૌથી નાની ઉંમરમાં ડૅબ્યૂ કરવાના મામલામાં તેમણે સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે. વૈભવ 15 વર્ષ 99 દિવસની ઉંમરમાં ભારત માટે રમ્યા જ્યારે સચીન તેંડુલકરે જ્યારે ડૅબ્યૂ કર્યું હતું ત્યારે તેઓ 16 વર્ષ 205 દિવસના હતા.
સચીન તેંડુલકર 15 નવેમ્બર, 1989ના રોજ પાકિસ્તાન સામે કરાચીમાં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મૅચમાં રમ્યા હતા જેમાં તેમણે 15 રન બનાવ્યા હતા. ત્યારે વૈભવે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં 14 રન બનાવ્યા હતા.
આ ઐતિહાસિક ડૅબ્યૂને કારણે મૅચની શરૂઆતથી જ વૈભવ સૂર્યવંશી બહુ ચર્ચામાં રહ્યા છે. પણ જ્યારે મૅચનું પરિણામ આવ્યું ત્યારે રવિ બિશ્નોઈ છવાઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર ફૅન્સ ભારતની આ હાર પાછળ રવિ બિશ્નોઈને જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે ક્રિકેટના જાણકારો પણ તેમના પ્રદર્શન સામે સવાલ કરી રહ્યા છે.
'રવિ બિશ્નોઈ'ની ઓવરે હરાવી મૅચ
સૌથી મોટું કારણ ઇંગ્લૅન્ડની ઇનિંગની 17મી ઓવર છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ કુલ 29 આપ્યા જેમાં બે નો-બૉલ સામેલ છે.
આ ઓવરમાં જૅકબ બેથલે બિશ્નોઈ સામે ત્રણ છક્કા અને એક ચોક્કો ફટકાર્યો હતો. બેથલે રમેલી ઇનિંગે ઇંગ્લૅન્ડને મૅચ જિતાડવામાં મોટો ફાળો આપ્યો હતો. તેમણે 46 બૉલમાં 76 રન બનાવ્યા હતા અને નૉટ આઉટ રહ્યા હતા.
બિશ્નોઈએ ચાર ઓવરમાં 60 રન આપ્યા હતા. તેઓ એક પણ વિકેટ લેવામાં સફળ થયા ન હતા. આ પૂરી મૅચમાં બિશ્નોઈએ ત્રણ નો-બૉલ ફેંક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચ બાદ કૅપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે રવિ બિશ્નોઈએ આનાથી શીખવું પડશે.
ઇંગ્લૅન્ડની ઇનિંગની 16મી ઓવર સુધી મૅચ ભારતના નિયંત્રણમાં માનવામાં આવી રહી હતી. તે સમયે ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 142 રન હતો.
ઇંગ્લૅન્ડને જીત માટે આખરે 24 બૉલમાં 49 રન જોઈતા હતા. પરંતુ 17મી ઓવરમાં બિશ્નોઈએ 29 રન આપ્યા જ્યાર બાદ મૅચ ઇંગ્લૅન્ડના હાથમાં જતી રહી.
ત્યાર બાદ ઇંગ્લૅન્ડ 19 ઓવરમાં જ મૅચ જીતી ગયું.
કૅપ્ટન શ્રેયસ અય્યરે રવિ બિશ્નોઈ વિશે શું કહ્યું
મૅચ બાદ ભારતના ટી20 કૅપ્ટન શ્રેયસ અય્યરને હાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઇંગ્લૅન્ડની ઇનિંગની 17મી ઓવર તરફ ઇશારો કર્યો.
જોકે, તેમણે આ હાર પાછળ સંપૂર્ણ રીતે રવિ બિશ્નોઈને જવાબદાર ન ઠેરવ્યા.
શ્રેયસે કહ્યું કે, "મને લાગે છે કે આપણે બધા જાણીએ છીએ કે મૅચ ક્યાર હાથમાંથી નીકળી ગઈ, પરંતુ હું કોઈ એક ખેલાડી તરફ ઇશારો નથી કરવા માગતો. 16મી ઓવર સુધી જે રીતે અમે કરી રહ્યા હતા, મને લાગે છે કે અમે બહુ સારું રમી રહ્યા હતા ત્યાર બાદ મૅચ તેમની (ઇંગ્લૅન્ડ) તરફ વળી ગઈ."
શ્રેયસે આ ઓવરમાં બિશ્નોઈ તરફથી ફેંકવામાં આવેલા બે નો-બૉલ વિશે વાત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, "પહેલા નો-બૉલ બાદ મેં વિચાર્યું કે, 'ઠીક છે, હવે તે મજબૂતાઈથી વાપસી કરશે.' પરંતુ ત્યાર બાદ બીજા નો બૉલથી અમને થોડું નુકસાન થયું. નિશ્ચિત રીતે તેણે આમાંથી શીખવું પડશે."
શ્રેયસ અય્યરે ઇંગ્લૅન્ડના ઑલ-રાઉન્ડર સૅમ કરનની બૉલિંગ અને જૅકબ બેથલની બેટિંગનાં વખાણ કર્યાં.
તેમણે કહ્યું કે, "મને લાગ્યું કે આ પિચ પર આ શાનદાર સ્કોર હતો. જ્યાં ઉછાળ એક જેવો નહોતો અને બૉલરોને પણ મદદ મળી રહી હતી. સૅમ કરને અમને અવસર ન આપ્યો અને તેમણે જે રીતે બૉલિંગ કરી, તે સારી રીતે પ્લાન્ડ હતું."
તેમણે કહ્યું કે, "બૉલિંગ દરમિયાન 15 ઓવર સુધી અમે મૅચ પર સંપૂર્ણ રીતે હાવી હતા. પરંતુ પછી અચાનક... જોકે જે રીતે જૅકબ બેથલે બેટિંગ કરી, તેનો શ્રેય તેમને જાય છે. તેમને બેટિંગ કરતા જોવું પણ શાનદાર હતું."
ક્રિકેટના નિષ્ણાતો શું કહે છે?
ક્રિકેટના વિશ્લેષકો અયાઝ મેમણે મૅચ બાદ ભારતની બે મોંઘી ઓવર વિશે વાત કરી જેમાં ભારતીય બૉલરે સૌથી વધુ રન આપ્યા.
તેમણે ઍક્સ પર લખ્યું કે, "અર્શદીપ અને બિશ્નોઈની બે મોંઘી ઓવર, જેમાં કુલ 56 રન બન્યા, ભારતની હારનાં સૌથી મોટાં કારણ બન્યાં અને ટીમ હજુ પણ જીતનું ખાતું નથી ખોલી શકી."
મેમને ઇંગ્લૅન્ડ બૅટ્સમૅનનાં વખાણ પણ કર્યાં. તેમણે કહ્યું કે, "સૂર્યવંશી પોતાની પહેલી મૅચમાં ચર્ચામાં રહ્યા પણ ઇંગ્લૅન્ડના શાનદાર રન ચેઝે તેમના પ્રદર્શનને પાછળ છોડી દીધું. બ્રૂક, બેંટન અને ખાસ કરીને બેથલે પોતાની આક્રામક બેટિંગથી મૅચની દિશા બદલી નાખી અને મહફિલ લૂંટી લીધી."
એક અન્ય પોસ્ટમાં મેમણે બિશ્નોઈની બધી ભૂલો અને ભારતના ત્રણ સ્પિનરો સાથે રમવા પર સવાલ ઉઠાવ્યા.
તેમણે લખ્યું કે, "બિશ્નોઈ સતત ભૂલ કરતા રહ્યા અને ઇંગ્લૅન્ડના બૅટ્સમૅને તેમની બૉલિંગનો ફાયદો ઉઠાવ્યો. ત્રણ સ્પિનરો સાથે ઊતરવાની ભારતની રણનીતિ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી."
ત્યારે ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું કે કોઈ પણ મૅચમાં નો બૉલ સ્વીકાર ન કરી શકાય અને સ્પિનર્સની આવી ભૂલ ગંભીર મુદ્દો છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "કોઈ પણ સ્ટેજમાં નો-બૉલ સ્વીકાર્ય નથી. સ્પિનર પાસેથી આવી ભૂલ જરા પણ સ્વીકાર્ય નથી. અને એક જ મૅચમાં ત્રણ નો-બૉલ નાખવા જરા પણ સ્વીકારી ન શકાય."
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે કોઈ પણ ભારતીય બૉલરનું નામ ન લીધું પરંતુ ઇંગ્લિશ બૅટ્સમૅન બેથલનાં વખાણ કરતાં રવિ બિશ્નોઈની ઓવર તરફ ઇશારો કર્યો.
તેમણે ઍક્સ પર લખ્યું, "જૅકબ બેથલ બહેતરીન ખેલાડી છે. તેમણે વર્લ્ડકપની સેમિફાઇનલમાં અમને લગભગ હાર્ટ ઍટેક અપાવી દીધો હતો. આજે પણ રન ચેઝ દરમિયાન તેઓ એક મોટી ઓવરની રાહ જોતા રહ્યા. અને તેમ થતાં જ મૅચ પૂરી તેમના હાથમાં જતી રહી."
ભારતના પત્રકારોએ પણ રવિ બિશ્નોઈનાં પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા છે.
વરિષ્ઠ ખેલ પત્રકાર વિક્રાન્ત ગુપ્તાએ ઍક્સ પર લખ્યું કે, "આ માત્ર સંયોગ છે કે રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં ત્રણ નો-બૉલ નાખ્યા? કે પછી નેટ્સમાં પણ આવું કરી રહ્યા હતા, સ્પિન કોચ સાઇરાજ બહુતુલેની હાજરીમાં?"
ત્યારે વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું, "ટી20 ફૉર્મેટમાં કોઈ પણ બૉલર માટે સહાનુભૂતિમાં હોવી જોઈએ, પણ રવિ બિશ્નોઈ આઈપીએલ 2026માં રાજસ્થાન રૉયલ્સના નિયમિત ખેલાડી પણ નથી અને તો પણ ટીમ ઇન્ડિયાને મૅચ હરાવનારી મહત્ત્વપૂર્ણ ઓવર તેમને અપાઈ? મને જરા આ વાત સમજાવશો."
સચીનના 15 રન અને વૈભવના 14 રન
અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સમાં સ્પૉર્ટ્સ રાઇટર પ્રબુદ્ધ ભટ્ટાચાર્યજીએ સચીન અને સૂર્યવંશીએ ડૅબ્યુની તુલના કરતા લખ્યું કે, "1989માં સચીન તેંડુલકરનું ડૅબ્યૂ અને 2026માં વૈભવ સૂર્યવંશીનું ડૅબ્યૂ એ ક્રિકેટની બિલકુલ અલગ દુનિયા સાથે જોડાયેલા છે. તેંડુલકર એવા દોરમાં આવ્યા હતા જ્યારે રેડ બૉલ ક્રિકેટની ગંભીરતા અને પાકિસ્તાનની ફાસ્ટ બૉલિંગનો દબદબો હતો."
"સૂર્યવંશી એવા સમયે આવ્યા છે, જ્યારે આઈપીએલનો ઘોંઘાટ, વાયરલ ક્લિપ્સ, સોશિયલ મીડિયા પર ફેંસલો અને લોકો ક્ષણિક આકલન કરે છે. સચીન 16 વર્ષના હતા, વૈભવ 15 વર્ષના. સચીને બૉમ્બે માટે રણજી ટ્રૉફી ડૅબ્યૂમાં સદી ફટકારી હતી. બીજી તરફ વૈભવ આઈપીએલમાંથી ઊભરીને આવ્યા છે. બંને મામલામાં ડૅબ્યૂ ઇનિંગની તુલના ન થઈ શકે."
"સચીને પાકિસ્તાન વિરુદ્ધ કરાચીમાં પોતાના ટેસ્ટ ડૅબ્યૂમાં 15 રન બનાવ્યા હતા. કાગળ પર જોઈએ તો આ એક સાધારણ સ્કોર હતો પણ ત્યારે ક્રિકેટની રમત બિલકુલ અલગ હતી. એક 16 વર્ષના છોકરાને ઇમરાન ખાન, વસીમ અકરમ, વકાર યૂનુસ અને અબ્દુ કાદિર જેવા બૉલર્સની સામે ઉતારવામાં આવ્યો. એ પણ પાકિસ્તાનમાં, ટેસ્ટ મૅચમાં, ક્રિકેટના સૌથી પડકારજનક મેદાનમાંથી એક પર. સચીને આ મૅચમાં કોઈ મોટો સ્કોર નહોતો બનાવ્યો, તેમણે કોઈ સદી નહોતી ફટકારી પરંતુ તેઓ ત્યાં ટકેલા રહ્યા, પરીક્ષાનો સામનો કર્યો અને દિગ્ગજો વચ્ચે ખોવાયેલા બાળક જેવા બિલકુલ ન લાગ્યું."
પ્રબુદ્ધ ભટ્ટાચાર્જીએ લખ્યું કે, "વૈભવ સૂર્યવંશીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનિંગે પણ ભાવનાત્મક રીતે કંઈક આવો અહેસાસ અપાવ્યો. જોકે ફૉર્મેટ અને ઝડપ બિલકુલ અલગ હતી. 10 બૉલમાં બનાવેલા 14 રન તેમનો મોટો સ્કોર નહોતો. ઇનિંગ એટલી જલદી ખતમ થઈ ગઈ કે કોઈ મોટી ઘોષણા જેવી ઇનિંગ ન બની શકી. તેમના બે છગ્ગાએ તે પળને ખાસ બનાવી દીધી. તેમણે બતાવ્યું કે તેમની અંદર સહજતા, નિર્ભયતા અને મોટા મંચના દબાણ સામે પોતાને નાના ન થવા દેવાનો સ્વભાવ છે. તેઓ માત્ર પોતાના ડૅબ્યૂમાં ટકી રહેવાનો પ્રયત્ન નહોતા કરી રહ્યા."
"તેઓ એજ સાહસ અને આક્રામકતા સાથે રમવા માગતા હતા, જેણે તેમને અહીં સુધી પહોંચાડ્યા. આ અસલી તુલના છે. ન રનની. ન કિસ્મતની. અને ન એ અશક્ય અને અનુચિત આશાની કે તેઓ 15 વર્ષના સચીનના પડછાયામાં રહે અને કોઈ રીતે તેને પોતાનું બનાવી લે. અસલી તુલના સંયમ અને આત્મવિશ્વાસની છે. તેંડુલકરના 15 રને ભારતને જણાવ્યું કે આ છોકરો આ સ્તરની વાતચીતનો ભાગ બનવા લાકય છે. સૂર્યવંશીના 14 રને ભારતને જણાવ્યું કે આ મંચ તેમની ગળી ન ગયું."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન