ગુરુવારે રાત્રે બિપરજોય વાવાઝોડું
ટકરાયા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે.
કચ્છના જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ બીબીસી
ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરવે હાલ શક્ય નથી. જોકે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને વીજથાંભલા પડવાની ફરિયાદો મળી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “માંડવીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે, જોકે હજુ
સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.”
ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
દ્વારકામાં જોરદાર વરસાદ અને પવન વચ્ચે ફસાયેલા લોકોને ખસેડાયા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
એનડીઆરએફની ટીમ દ્વારા દ્વારકાના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બિપરજોય વાવાઝોડું કચ્છનાજખૌ બંદર પાસે ત્રાટક્યું એ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને ભારે વરસાદ વરસી રહ્યો હતો. જેના કારણે દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જે બાદ એનડીઆરએફની ટુકડીઓએ બચાવકામગીરી આદરી હતી.
જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને વરસાદ વરસી રહ્યો હતો, એ વચ્ચે એનડીઆરએફના કર્મચારીઓ લોકોને બહાર કાઢવા માટે ગયા હતા.
બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકામાં ગુરુવારથી જોરદાર
પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ ભારે વરસાદ વરસી રહ્યો છે, અને આ જ પરિસ્થિતિ
શુક્રવાર સવારથી પણ જોવા મળી રહી છે.
દ્વારકાના સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટે બીબીસી ગુજરાતી સાથે
વાત કરતા કહ્યું હતું કે “ગઈકાલ
સાંજ સુધીમાં દ્વારકામાં 750થી વધારે વીજથાંભળા પડી ગયા હતા અને હજી તેની ગણતરી
ચાલી રહી છે. દ્વારકા અને ઓખા નગરપાલિકાની હદમાં શુક્રવાર સવાર સુધીમાં 78 વૃક્ષો
ધરાશાયી થયાં હોવાનું નોંધાયું છે.”
તેમણે કહ્યું હતું કે, “ગુરુવારે
દ્વારકામાં 147 મીમી વરસાદ વરસ્યો હતો.”
આ ઉપરાંત ડીવાયએસપી સમીર સરડકાએ કહ્યું હતું કે, “દ્વારકામાં આવલપરા ગામના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવ્યા હતા.”
આ ઉપરાંત દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરને આજે શુક્રવારે પણ
બંધ રાખવામાં આવ્યું છે. ભારે વરસાદ અને વીજથાંભલા પડી જવાથી વીજપુરવઠો ખોરવાઈ
જવાની સમસ્યા સર્જાઈ છે. કેટલાંક મકાનો પરથી રાતે છાપરાં ઊડી ગયાં હતાં.
બીબીસીની ટીમ દ્વારકાના હાઈવે પાસેની એક હોટલમાં રોકાઈ હતી,
જ્યાં છેલ્લા 24 કલાકથી વીજપુરવઠો નથી. અહીં એટલો પવન ફૂંકાઈ રહ્યો હતો કે હોટલની
બારી અને દરવાજા બંધ રહે એ માટે એની પાસે મોટાં કબાટ, અનાજની ગુણો જેવી ભારે વસ્તુઓ
મૂકવામાં આવી હતી. આખી રાત પડેલા વરસાદના કારણે હોટલની લૉબીમાં પણ પાણઈ ભરાઈ ગયાં
હતાં.
ઇમેજ સ્રોત, Sachin Pithava
ઇમેજ કૅપ્શન, દ્વારકામાં વૃક્ષો અને થાંભલા પડ્યાં, ઠેકઠેકાણે પાણી ભરાયાં
LIVE : કચ્છના માંડવીમાં વાવાઝોડું ત્રાટક્યું એ પછી શું થયું?
કચ્છના માંડવીમાં બિપરજોય વાવાઝોડાની અસર હજી સુધી વર્તાઈ રહી છે. વાવાઝોડું ગુરુવારે સાંજે માંડવી પાસેના જખૌ બંદર પર ટકરાયું હતું અને આ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહી હતી.
ઉલ્લેખનીય છે કે આખી રાત અહીં ભારે વરસાદ વરસ્યો હતો અને જોરદાર પવન પણ ફૂંકાયો હતો. શુક્રવાર સવારની સ્થિતિ પણ લગભગ એવી જ છે.
વાવાઝોડાએ માંડવીમાં એક રાતમાં કેવી તબાહી સર્જી, એ અંગે પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાડેકર છારા (કૅમેરા - પવન જયસ્વાલ).
કચ્છના નલીયામાં બિપરજોય વાવાઝોડાએ એક રાતમાં જ જોરદાર તબાહી સર્જી દીધી છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌ પાસે ટકરાયેલા વાવાઝોડાની અસર હજી સુધી અહીં જોવા મળી રહી છે. રાત દરમિયાન નલીયામાં જોરદાર પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ વરસ્યો હતો.
વાવાઝોડાના પગલે અહીં મસમોટાં વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં હતાં અને વીજથાંભળા પણ પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે નલીયામાં શુક્રવારે વહેલી સવારે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠેકઠેકાણે નુકસાની થયા છે. નલીયાના એક પેટ્રોલપંપ પર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી ગયું હતું.
બિપરજોય વાવાઝોડું કચ્છ પર ત્રાટક્યા બાદ ગુજરાતના આ જિલ્લાઓ પર ખતરો, અતિભારે વરસાદની આગાહી
બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડા પહેલાં ગુજરાતમાં બે લોકોનાં મૃત્યુ અને 24 પશુઓનાં મૃત્યુ
બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ગુરુવારે રાતે જ ટકરાઈ ચૂક્યું
છે અને એની અસર હજી સુધી વર્તાઈ રહી છે. શુક્રવારે વહેલી સવારથી જ થયેલી નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો
છે.
શુક્રવારે સવારે સાત વાગ્યા સુધીની સ્થિતિના આધારે એનડીઆરએફ
દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં માહિતી આપતા લખ્યું છે કે:
દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ એમ કુલ આઠ જિલ્લાના 442 ગામો વાવાઝોડાથી અસરગ્રસ્ત છે.
વાવાઝોડા પહેલાં પોરબંદર અને
રાજકોટમાં એક-એક લોકોનાં મૃત્યુ થયાં હતાં, જોકે વાવાઝોડાના લૅન્ડફોલ બાદ મૃત્યુ થયાની કોઈ વિગતો હજી સુધી આવી નથી.
આ વાવાઝોડાના પગલે 23 લોકોને ઈજા થઈ છે. જે પૈકી દ્વારકામાં પાંચ, જામનગરમાં ચાર, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં બે, મોરબીમાં
અને રાજકોટમાં એક-એક લોકોને ઈજા થઈ હોવાનું નોંધાયું છે.
હજી સુધી ગુજરાતમાં કોઈ પણ ઘર તૂટી પડ્યાં
હોવાનું નોંધાયું નથી.
વાવાઝોડાના કારણે કુલ 24 પશુઓનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે. જેમાંથી નવ દેવભૂમિ
દ્વારકામાં, પાંચ કચ્છમાં, પાંચ જામનગરમાં અને રાજકોટ તથા જૂનાગઢમાં
એક-એક પશુનાં મૃત્યુ નોંધાયાં છે.
આ દરમિયાન 1,08,208 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બિપરજોય વાવાઝોડું: ભારે પવનને કારણે ગુજરાતનાં 940 ગામોમાં અંધારું
ઇમેજ સ્રોત, ANI
ગુરુવારે રાત્રે બિપરજોય વાવાઝોડું
ટકરાયાં બાદ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં તબાહી જોવા મળી રહી છે.
ગુજરાતના મોરબી જિલ્લામાં 115-120 કિલોમીટર
પ્રતિ કલાકની ઝડપ પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને પવન ફૂંકાવાને કારણે
300થી વધુ વીજળીના થાંભલા પડી ગયા છે, જેના લીધે લગભગ 45 વિસ્તારમાં વીજળી ઠપ થઈ
ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પશ્ચિમ
ગુજરાત વીજ કંપની લીમીટેડના અધિકારીઓએ કહ્યું છે કે, અસરગ્રસ્ત ગામોમાંથી નવમાં
વીજળી પુન:સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
પીજીવીસીએલ મોરબીના ઍક્ઝિક્યુટિવ
એન્જિનિયર જેસી ગોસ્વામીએ એએનઆઈને જણાવ્યું હતું કે, “ભારે પવનને કારણે ઇલેક્ટ્રિક તાર અને થાંભલા તૂટી પડ્યા હતા, જેના કારણે
માળીયા તાલુકાનાં 45 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અમે નવ ગામોમાં વીજળી પુન:સ્થાપિત કરી રહ્યા છીએ અને બાકીના ગામોમાં વીજળી પુન:સ્થાપિત કરવામાં આવી છે.”
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિપરજોય
વાવાઝોડાને કારણે મોરબીના માળીયા તાલુકાના બે વીજમથકો બંધ કરી દેવામાં આવ્યાં છે.
અગાઉ ગુરુવારે સાંજે બિપરજોય વાવાઝોડું લૅન્ડફૉલ થતાં 524થી વધુ ઇલેક્ટ્રીક તાર
અને થાંભલા, વૃક્ષો ધરાશાયી થવાને કારણેઓછામાં
ઓછા 22 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
વધુમાં અધિકારીઓએ ઉમેર્યું હતું
કે, ભારે પવન અને વરસાદને કારણે 23 પ્રાણીઓના પણ મોત થયા છે.
આઈએમડીના કહ્યા મુજબ
વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચશે, તેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઍલર્ટ
કરવામાં આવ્યા છે.
શુક્રવાર સવાર સુધીમાં બિપરજોય વાવાઝોડું
વધુ નબળું પડી જશે અને ત્યારબાદ સાંજે તે ડિપ્રેશનમાં જાય તેવી શક્યતા છે.
બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં વીજ પુરવઠો ઠપ
ઇમેજ સ્રોત, ANI
ગુરુવારે રાત્રે બિપરજોય વાવાઝોડું
ટકરાયાં બાદ ગુજરાતના અલગ-અલગ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર,
બિપરજોય વાવાઝોડાએ ગુરુવારે સાંજે અંદાજે 6.30 વાગ્યે 115-125 કિલોમિટર પ્રતિ કલાકથી
140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે અતિ પ્રચંડ વાવાઝોડાના રૂપમાં જખૌ પાસે લૅન્ડફૉલ
થયું હતું.
આઈએમડીએ કહ્યું હતું કે, લૅન્ડફૉલ
આખી રાત દરમિયાન સંપૂર્ણ થઈ જશે.
માંડવી શહેરમાં સંપૂર્ણ રીતે વીજ
પુરવઠો ઠપ થઈ ગયો છે. ભારે પવનને કારણે જખૌ-માંડવી રોડની સાથે-સાથે માંડવી શહેરમાં
પણ વૃક્ષો ઉખડી ગયા છે.
ત્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ
ભારે પવન અને વરસાદને કારણે સામાન્ય જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. સમુદ્રના નીચાણવાળા
વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુરુવાર રાત્રે બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
નલીયા જેવા અનેક વિસ્તારો છે જ્યાં ભારે પવનને કારણે વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં છે અને કેટલાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે.
વાવાઝોડા અંગે પળેપળની અપડેટ
ગુડ મૉર્નિંગ
બિપરજોય વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. આ અંગેની માહિતી માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.
આ અંગેની માહિતી અહીં અમે તમને સતત આપતા રહીશું.
બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડાની ‘આંખ’ હવે જમીન પર પહોંચી ગઈ
ઇમેજ સ્રોત, ani
શુક્રવારે મધ્ય રાત્રિએ હવામાન વિભાગના
ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપી
હતી.
તેમણે કહ્યું હતું કે, “બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. તેમજ
સૌરાષ્ટ્ર-કચ્છ અને નિકટના પાકિસ્તાનના દરિયાકાંઠાના કરાચી અને માંડવી બંદર વચ્ચે
જખૌ બંદર પાસેથી પસાર થયું.”
“વાવાઝોડાની આંખ હવે જમીન પર પહોંચી
ચૂકી છે. તે સાડા દસથી સાડા અગિયાર વાગ્યાની વચ્ચેના સમયગાળામાં સમુદ્રમાંથી જમીન
પર પહોંચી ગઈ છે. સાડા અગિયાર વાગ્યા સુધીમાં તે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવી
પહોંચી છે.”
વાવાઝોડાની તીવ્રતા અંગે વાત કરતાં
તેમણે કહ્યું હતું કે, “વાવાઝોડાની આંખ જમીન પર પહોંચવાની સાથે
જ તેની તીવ્રતામાં પણ ઘટાડો થયો છે. તે હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મથી
સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની ગયું છે. પવનની ગતિની વાત કરીએ તો હવે પવનની ગતિ
105થી 115 કિમી પ્રતિ કલાક સુધી નોંધાઈ છે. હવે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પરથી
ઉત્તરપૂર્વ તરફની તેની ગતિ ચાલુ રાખશે. તેમજ વહેલી સવાર સુધીમાં તે વધુ નબળું
પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં રૂપાંતરિત થઈ જશે.”
“વહેલી સવારે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ
પરથી ઉત્તરપૂર્વ તરફ પોતાની ગતિ ચાલુ રાખશે. અને 16 તારીખની સાંજ સુધીમાં
ડિપ્રેશનમાં તબદીલ થઈ જશે.”
મહાપાત્ર આગળ જણાવે છે કે, “વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પહોંચીને નબળું પડી
જશે.”
16 તારીખની સવારે પવનની ગતિની આગાહી
કરતાં તેમણે કહ્યું હતું કે, “સવારે વાવાઝોડાના કારણે ફૂંકાતા પવનોની
ગતિ 75થી 85 કિલોમીટર પ્રતિ કલાક હશે. જેમાં સાંજ સુધીમાં વધુ ઘટાડો થશે, સાંજ સુધીમાં પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાકે પહોંચશે.”
ઉલ્લેખનીય છે કે વાવાઝોડું ગુજરાતમાં
ટકરાયા બાદ ઠેર ઠેર ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને ભારે પવન પણ ફૂંકાયો હતો.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની અસર પણ
જોવા મળી હતી.
બ્રેકિંગ, વાવાઝોડાએ સર્જી તબાહી, 940 ગામોમાં વીજથાંભલા પડી ગયા
ગુજરાતના રિલીફ કમિશનર આલોક પાંડેએ માહિતી આપતાં કહ્યું હતું કે, "કચ્છમાં પવનની ગતિ 108 કિલોમિટર પ્રતિ કલાકની આસપાસ ગઈ હતી."
તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાતનાં 940 ગામોમાં
વીજથાંભલા પડી ગયા હોવાની માહિતી મળી છે.
આ સાથે જ 524 વૃક્ષો ધરાશાયી થયાં હોવાની માહિતી તેમણે
આપી હતી, તેમણે કહ્યું હતું કે સવાર સુધીમાં આ આંકડો વધવાની શક્યતા છે.
તેમણે વધુ માહિતી આપતા કહ્યું હતું કે હજી સુધી કોઈ
માનવમૃત્યુ અંગે માહિતી આવી નથી. વાવાઝોડાના કારણે 20 લોકોને ઈજા થઈ હોવાની માહિતી મળી
છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વાવાઝોડાના કારણે અત્યાર
સુધીમાં 23 પશુનાં મૃત્યુ નોંધાયાં છે.
તેમણે જણાવ્યું હતું કે જ્યાં-જ્યાં વીજથાંભલા પડ્યાં
છે, ત્યાં તેને પૂર્વવત્ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાના
કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 8.30 વાગ્યા સુધીમાં
દ્વારકામાં 34 મીમી, ઓખામાં 23 મીમી, નલીયામાં 33 મીમી, ભુજમાં 73 મીમી, પોરબંદરમાં 20 મીમી અને કંડલામાં 14 મીમી વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જ્યાં વધારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં પૂર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
બ્રેકિંગ, વાવાઝોડાના કારણે જોરદાર વરસાદ સાથે પવન ફૂંકાયો
બિપરજોય વાવાઝોડાની આખં હવામાનવિભાગના અંતિમ બુલેટિન
પ્રમાણે જખૌ બંદરથી 10 કિલોમિટર દૂર હતી, આ બુલેટિન રાતના 10.30 વાગ્યાની
સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
હવામાનવિભાગનું કહેવું છે કે આ વાવાઝોડાની આંખ દેવભૂમિ
દ્વારકાથી 120 કિલોમિટર દૂર હતી, જ્યારે નલીયાથી 40 કિલોમિટર દૂર હતી. ઉલ્લેખનીય છે કે
આ વાવાઝોડાના લૅન્ડફોલની પ્રક્રિયા હજી ચાલી રહી છે.
હવામાનવિભાગનું કહેવું છે કે વાવાઝોડું જ્યાં ટકરાયું
છે ત્યાં 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે
વરસાદ પડ્યો હતો. રાત્રે 8.30 વાગ્યા સુધીમાં દ્વારકામાં 34 મીમી, ઓખામાં 23 મીમી, નલીયામાં 33 મીમી, ભુજમાં 73 મીમી, પોરબંદરમાં 20 મીમી અને કંડલામાં 14 મીમી વરસાદ પડ્યો
છે.
બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડાના કારણે 23 ટ્રેન રદ
બિપરજોય વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં
તબાહીનાં દૃશ્યો સામે આવવા લાગ્યાં છે. આ વાવાઝોડાના કારણે હજી શુક્રવારે પણ ભારે વરસાદ
સાથે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
આ સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય રેલવે દ્વારા
કુલ 23 ટ્રેનને રદ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે
કહ્યું છે કે વાવાઝોડું હવે ગુજરાતથી ખૂબ જ નજીક છે.
બિપરજોય વાવાઝોડા અંગે પત્રકારપરિષદમાં માહિતી આપતા
તેમણે કહ્યું હતું કે વાવાઝોડું ટકરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તે કચ્છના જખૌ બંદર પાસે ટકરાયું છે. 9.30 વાગ્યાની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાનો કેન્દ્રભાગ હજી જખૌથી 20 કિલોમિટર દૂર છે.
તેમણે કહ્યું હતું કે રાત્રે 11.30 વાગ્યા સુધીમાં વાવાઝોડાનો
કેન્દ્રભાગ જખૌ પાસેથી પસાર થવાની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાતો રહેશે.
વાવાઝોડાના કારણે ગુરુવાર અને શુક્રવારે કચ્છ, સૌરાષ્ટ્ર,
ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે.
બ્રેકિંગ, ગુજરાતના મોટાભાગના જિલ્લામાં શુક્રવારે પણ સ્કૂલો બંધ
બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં ગુરુવારે સ્કૂલો અને કૉલેજો બંધ રાખવામાં આવી હતી અને હવે શુક્રવારે પણ સ્કૂલો અને કૉલેજ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા, ખેડા, સુરત સહિતના જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા તથા કૉલેજોને બંધ રાખવાની જાહેરાત કરી છે.
બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે શું છે સ્થિતિ?
બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ જિલ્લામાં ટકરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજી સુધી લૅન્ડફોલની પ્રક્રિયા ચાલી રહી છે. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં ભારે વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
આ પરિસ્થિતિ વચ્ચે અલગ-અલગ જિલ્લામાંથી વૃક્ષો અને થાંભલા ધરાશાયી થયાના અહેવાલો પણ આવી રહ્યા છે. તો ગુજરાતમાં હવે શું છે સ્થિતિ અને વાવાઝોડા બાદ કેવું રહેશે ગુજરાતનું હવામાન. જુઓ લાઇવ
બ્રેકિંગ, વાવાઝોડું ટકરાયું પણ હજી 'આંખ' ગુજરાતથી કેટલી દૂર?
બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું
છે અને હવે તે જખૌ બંદરથી 40 કિલોમિટર દૂર છે અને દેવભૂમિ દ્વારકાથી 110 કિલોમિટર
દૂર છે.
ઉલ્લેખનીય છે કે હવામાનવિભાગે જાહેરાત કરી છે કે
વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજી એ પ્રક્રિયા ચાલી રહી છે. હજી થોડા
કલાક સુધી લૅન્ડફોલ થવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે.
જોકે દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગર જિલ્લામાં
તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત આસપાસના અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ
સાથે પવન ફૂંકાઈ રહ્યો છે.
અનેક જગ્યાઓએ વીજથાંભળા અને વૃક્ષો તૂટી ગયાં છે અન
છાપરાં પણ અનેક જગ્યાએ ઊડી ગયાં હતાં.
તંત્ર દ્વારા લોકોને બહાર ન નીકળવા અને સુરક્ષિત
સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાથી તબાહી શરૂ, પાકિસ્તાનમાં શું છે સ્થિતિ?
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાવાની શરૂઆત થઈ ગઈ
છે અને ગુજરાતમાં ઠેકઠેકાણે તબાહી સર્જાઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો અને થાંભળા ઊખડી
ગયાં છે.
આ વાવાઝોડાની અસર થવાની સંભાવના પાકિસ્તાનમાં પણ
સેવાઈ રહી હતી.પાકિસ્તાનમાં હોળીઓને કિનારે લાંગરી દેવામાં આવી છે. જ્યારે કરાચીમાં આવેલી હૉસ્પિટલને
અગમચેતીનાં ભાગરૂપે હાઈઍલર્ટ પર રાખવામાં આવી છે.
પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ મંત્રી શેરી રહેમાને કહ્યું
છે કે ‘કરાચીમાં રહેતા લોકો સીધી રીતે વાવાઝોડાના ખતરામાં નથી, પણ તકેદારીના ભાગરૂપે
તમામ પગલાં લેવાયાં છે. પવન અને વરસાદને લીધે નુકસાન થાય તેવી શક્યતા છે.’