કેરળથી લઈને ગુજરાત સુધી તૌકતે વાવાઝોડાએ કેવી સર્જી તબાહી
તૌકતે વાવાઝોડાની શરૂઆત દક્ષિણ ભારતના કેરળ રાજ્યથી થઈ હતી. તૌકતે વાવાઝોડું કેરળ થઈ, કર્ણાટક, ગોવા, મુંબઈ થઈને ગુજરાતમાં પ્રવેશ્યુ.
જુઓ તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજીનો તસવીરી અહેવાલ.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 13 લોકોનાં મૃત્યુ, 16 હજાર મકાન અને ઝૂંપડાં અસરગ્રસ્ત થયાં. 3850 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી ચાલુ.
તૌકતે વાવાઝોડાની શરૂઆત દક્ષિણ ભારતના કેરળ રાજ્યથી થઈ હતી. તૌકતે વાવાઝોડું કેરળ થઈ, કર્ણાટક, ગોવા, મુંબઈ થઈને ગુજરાતમાં પ્રવેશ્યુ.
જુઓ તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજીનો તસવીરી અહેવાલ.
ભારતીય કૉસ્ટ ગાર્ડે વેરાવળના દરિયામાંથી પાંચ માછીમારોને બચાવી લીધા છે. જ્યારે ત્રણની બચાવ કામગીરી હાલ ચાલી રહી છે.
વેરાવળના દરિયામાં કુલ 8 માછીમાર પોતાની બોટ પર ફસાઈ ગયા હતા.
કોસ્ટ ગાર્ડે પહેલાં સંપર્ક બનાવ્યો હતો અને એ પછી તેમને રેસ્ક્યૂ કરવા માટે બોટ મોકલી હતી.
હાલ સુધી આઠમાંથી ત્રણને રેસ્ક્યૂ કરી પરત લાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના ત્રણને લાવવાની કામગીરી ચાલુ છે
તૌકતે વાવાઝોડું અમદાવાદની નજીકથી પસાર થવાની આગાહી ત્રણ વાગ્યા પછી કરવામાં આવી હતી છે. પરંતુ આ પહેલાં જ અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં બપોરના સવા બે વાગ્યાથી ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
અમદાવાદના હવામાન વિભાગના ઇન્ચાર્જ ડિરેક્ટર મનોરમા મોહન્ટીને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ ટ્વીટ કર્યું હતું કે એક કલાકમાં સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે. તે અમદાવાદની 50થી 60 કિલોમીટર પશ્ચિમમાંથી પસાર થશે
તેમણે વધુમાં કહ્યું કે, “વાવાઝોડાના કારણે 45 થી 65 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને તેની આસપાસના જિલ્લામાં ભારે વરસાદ પડશે.”
ગુજરાત સરકારના માહિતી ખાતાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં 145થી વધારે રોડ બ્લોક થયા છે.
વહીવટી તત્રની 19 જેટલી ટીમ ઝાડ હઠાવવાની કામગીરીમાં લાગેલી છે.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલના 721 જેટલાં થાંભલાને અસર થતા વીજળી ખોરવાઈ ગઈ હતી.
સાંજ સુધીમાં જિલ્લામાં વીજળી પરત ફરે તે માટે પીજીવીસીએલનું તંત્ર હાલ કામે લાગ્યું છે.
દીવ, ભાવનગર, દાંડીમાં એનડીઆરએફની ટીમો મોટા પ્રમાણમાં વૃક્ષોને હઠાવવાની કામગીરી કરી રહી છે.
રાજકોટ જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજકોટના વિવિધ તાલુકામાં 17 મેના રાત્રિ આઠ વાગ્યાથી 18 મેના સવારના આઠ વાગ્યા સુધીમાં કુલ 343 મિ.મી. વરસાદ નોંધાયો છે.
તાલુકા પ્રમાણે નોંધાયેલો વરસાદ
તૌકતે દીવ-વણાંકબારાના કાંઠે ત્રાટક્યું અને હાલ તેને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
23 વર્ષ બાદ આ ગુજરાત પર ત્રાટકેલું સૌથી ભયાનક વાવાઝોડું છે.
અહીં ક્લિક કરી જુઓ તૌકતેએ ગુજરાતમાં કેવી તારાજી સર્જી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે શહેરના છુટાછવાયા વિસ્તારોમાં વાવાઝોડાના વરસાદ વરસી રહ્યો છે અને આગામી બપોરે ત્રણ વાગ્યા પછી ભારે વરસાદ થવાની શક્યતા છે.
તેમણે માહિતી આપી હતી કે હાલ અમદાવાદમાં 38 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વધારે જોરથી પવન ફૂંકાવાની સંભાવના છે.
તેમણે લોકોને ઘરે રહેવાની સલાહ આપી હતી.
ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે પેર્સ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે , વાવાઝોડું અમદાવાદ અને સુરેન્દ્રનગર પાસેથી પસાર થશે. વઢવાણ, લીંબડી, સુરેન્દ્રનગર, પાટડીથી પસાર થશે અમદાવાદ શહેર સુધી અસર જોવા મળશે 40 થી 50 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે સવારે માહિતી આપી હતી કે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.
એક વ્યક્તિનું મૃત્યુ વાપીમાં, રાજકોટમાં દીવાલ પડવાથી એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે ગારિયાધારમાં એક ઉંમરલાયક મહિલાનું મૃત્યુ થયું છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઓક્સિજનને લઈને રાજ્યમાં કોઈ મોટી સમસ્યા ઉભી નથી થઈ.
રાજ્યની 1400 કોવિડ હૉસ્પિટલમાંથી 16 હૉસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 12 હૉસ્પિટલમાં પરત ફર્યો હતો. હાલ 4 જનરેટર પર ચાલુ છે.
રાજ્યમાં કુલ 2437 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે 485 ગામમાં ફરી સ્થપાયો છે. રાજ્યમાં 1081 થાંભલા પડી ભાગ્યા છે.
રાજ્યના 159 રસ્તા તૂટી ગયા છે, 196 રસ્તા બંધ થયા છે. જ્યારે 40 હજાર વૃક્ષો પડી ગયા છે.
તૌકતે વાવાઝોડાના કારણે સાડા 16 હજાર મકાન અને ઝૂંપડા અસરગ્રસ્ત થયા છે.
બગસરામાં 9 ઇંચ વરસાદ, રાજ્યના 35 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
રાજ્યના 35 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સૌથી વધારે વરસાદ બગસરામાં પડ્યો છે. બગસરામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગીર ગઢડા અને ઉનામાં આઠ ઇંચ, સાવરકુંડલા 7 ઇંચ, અમરેલીમાં પાંચ ઇંચ, રાજુલા ખાંભામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
અમરેલી અને ગીર સોમનાથના બે તાલુકામાં વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે બાકી 1થી 3 ઇંચ પડ્યો છે
તૌકતે વાવાઝોડું ટકરાયું ત્યારે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદના દૃશ્યો આવ્યા સામે આવ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ એક વીડિયો ક્લિપ શેર કરી હતી.
જેમાં જણાવવામાં આવેલી વિગતો અનુસાર ઉના તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસી રહ્યો હતો.
તૌકતે વાવાઝોડું હાલ ગુજરાતમાં સક્રિય છે. પરંતુ ગઈ કાલે તેણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અસર પહોંચાડી હતી જેને પગલે લાખો લોકો અંધારપટમાં રહેવા મજબૂર થયાં હતાં.
વીજકાપ અને વરસાદી પવનો સાથે લોકોએ વાવાઝોડાની અસર વેઠવી પડી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે બનેલા વિવિધ બનાવોમાં કૂલ 6 લોકો મૃત્યુ પામ્યાં છે તથા 2 માછીમારો લાપતા છે.
મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં તથા રાયગઢ, ઉરાવ સહિતના સ્થળોએ જાનહાનિ થઈ હોવાનો અહેવાલ છે.
કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાને કારણે મૃત્યુ થયાં છે, તો કેટલાક સ્થળોએ કાચા મકાનોની દીવાલો ધરાશાયી થઈ હતી.
જોકે આજે મુંબઈમાં હવાઈસેવાઓ અને કેટલાક નિશ્ચિત સેન્ટરો પર રસીકરણ શરૂ કરાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ રેલવેએ માહિતી આપી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાનાં કારણે 18 તારીખથી ઉપડનારી બાંદ્રા-વેરાવળ સ્પેશિયલ સહિત કેટલીક વિશેષ ટ્રેનોને 18 અને 19 મે સુધી બંધ રાખવામાં આવે છે.
તૌકતે વાવાઝોડું સોમવારે રાત્રે ગુજરાતના દરિયા કાંઠે ટકરાયું હતું.
રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી ક્યાં કેટલું નુકસાન અને હાલ કેવી છે સ્થિતિ? જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો આ ખાસ અહેવાલ
ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે હાલ વાવાઝોડું સૌરાષ્ટ્રમાંથી પસાર થઈ રહ્યું છે.
સવારે સાડા આઠ વાગે સુરેન્દ્રનગરથી 130 કિમી દૂર અને અમરેલીથી 30 કિમી ઇસ્ટમાં હતું.
વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને આગામી ત્રણ કલાકમાં તે નબળું પડશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે પહોંચીને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્ય મંત્રીએ દરિયાકાંઠાના 14 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી.
આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ કે દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલામાં મકાનોનાં છાપરાં ઉડ્યાં હતા.
તૌકતે વાવાઝોડાના કારણે બૉમ્બે હાઇ ઓઇલ ફિલ્ડમાં અંદાજે 400 લોકો ફસાયાં છે.
ભારતીય નેવીએ 146 લોકોને હાલ સુધીમાં રેસ્ક્યૂ કરી લીધા છે. જ્યારે હાલ બાકીનાં લોકોની શોધખોળ ચાલી રહી છે.
ભારતીય નેવીએ આઈએનએસ કોચી અને આઈએનએસ કોલકાતા એમ બે સ્ટીમરોને રેસ્ક્યૂ કામગીરીમાં લગાવી છે.
આ ઉપરાંત એનર્જી સ્ટાર અને ગ્રેટ શિપ અહલ્યાને પણ રેસ્ક્યુ ઑપરેશનમાં લગાવી છે. શોધખોળ માટે ઍર ઑપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
એનડીઆરએફની ટીમ ગુજરાતના અમરેલી, ઉના, સુરત, ખંભાત, આણંદ અને નવસારી વગેરે સ્થળે રસ્તાઓની સફાઈ કરવામાં લાગી છે.
એનડીઆરએફના ડીજી સત્ય નારાયણ પ્રધાને ટ્વીટ કરીને વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફે કરી રહેલી કામગીરીની વિગતો આપી હતી.
સમાચાર સંસ્થા એનએનઆઈના અહેવાલ અનુસાર ભારતીય સૈન્યની છ રેસ્ક્યૂ અને રિલીફ ટીમને દીવમાં રેસ્ક્યૂ ઑપરેશન માટે કામે લગાડવામાં આવી છે.
જ્યારે છ બીજી વધારાની આર્મી ટીમને જૂનાગઢ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં મોકલવામાં આવી છે.
ગુજરાતને ગઈ કાલે રાતથી ઘમરોળી રહેલું તૌકતે વાવાઝોડું હવે લૅન્ડ ફોલ બાદ મધરાતથી નબળું પડી રહ્યું છે.
તૌકતે દીવ-વણાંકબારાના કાંઠે ત્રાટક્યું અને હાલ તેને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
સોમનાથ, વેરાવળ, ઉના, ભાવનગર, જાફરાબાદ, કોડિનાર સહિત અનેક વિસ્તારોમાં 100થી 150 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. રાજકોટ, અમદાવાદમાં પણ વરસાદ છે.
સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ છે તો અમુક સ્થળોએ હજીસ વાવાઝોડું પસાર થઈ રહ્યું હોવાથી આગોતરા પગલાં તરીકે વીજ પુરવઠો અટકાવવામાં આવ્યો છે.
તૌકતે હાલ દીવથી નોર્થ-નોર્થઇસ્ટ 95 કિલોમિટર અને દક્ષિણ અમેરેલીથી 10 કિલોમિટરની વચ્ચે છે અને તે નબળું પડી રહ્યું છે એમ હવામાનવિભાગનું કહેવું છે.
વહેલી સવારે ગુજરાતના જામનગરમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળ્યો છે.
ગુજરાતમાં ગઈ કાલે રાતે લૅન્ડફોલ બાદ સોમનાથ જિલ્લા અને દીવને જોડતો રસ્તો અનેક વૃક્ષો પડી જવાને પગલે બંધ થઈ ગયો હતો જેને આર્મી દ્વારા તરત જ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.