રાજકોટ : ભૂપેન્દ્ર પટેલનો રોડ શો, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભાજપે હજારો લોકો એકઠા કર્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતમાં કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન ત્રીજી લહેર લાવશે એવી આશંકા સેવાઈ રહી છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી 500થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.

આવા સમયે તબીબી નિષ્ણાતો લોકોને ચુસ્તપણે કોરોના ગાઇડલાઇનું પાલન કરાય તેવી સલાહ આપી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ભવ્ય રોડ શો યોજાયો છે.

ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકાર 'સુશાસન સપ્તાહ' ઊજવી રહી છે, જેના ભાગરૂપે આ રાજકોટમાં રોડ શો ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે 11:15 વાગ્યાની આસપાસ શરૂ થયેલા રોડ શોમાં ભાજપના મંત્રીઓથી માંડીને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.

બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે, રોડ શો શરૂ થયા બાદ દરેક ચાર રસ્તા પરથી લોકો તેમાં જોડાતા હતા અને ધર્મેન્દ્રસિંહ કૉલેજ સુધી પહોંચતાં તેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ ચૂક્યા હતા.

મુખ્ય મંત્રી પટેલ સહિત ભાજપના તમામ નેતાઓ ઍરપૉર્ટથી લઈને સમગ્ર રોડ શો અને એ બાદનો કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધી માસ્ક પહેરીને રાખ્યું હતું.

જોકે, રોડ શોમાં જોડાયેલા લોકો અને અભિવાદન માટે રસ્તા પર એકઠા થયેલા ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.

line

કોરોનાના નિયમો અવગણવાનો કૉંગ્રેસનો આરોપ

ભૂપેન્દ્ર પટેલનો રોડ શો

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકાર 'સુશાસન સપ્તાહ' ઊજવી રહી છે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા આ બાબતે ભાજપ પર કોરોનાની ત્રીજી લહેરની ભીતિને અવગણીને આ કાર્યક્રમો યોજવાનો આરોપ લગાવાયો છે.

શહેર કૉંગ્રેસે 'કોરોનામાં ભીડ એકઠી ન કરવાની શીખ આપનારા ભાજપ પર પોતાના કાર્યક્રમો થકી ભીડ એકઠી કરવાનો કટાક્ષ પણ કર્યો હતો'

line

ગત વર્ષે પાટીલ માટે સુરતમાં પણ યોજાયો હતો આવો કાર્યક્રમ

કોરોના વાઇરસ
ઇમેજ કૅપ્શન, ગત વર્ષે પાટીલના અભિવાદન માટે સુરતમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમની તસવીર

સી.આર. પાટીલને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવાયા બાદ ગત વર્ષે જુલાઈ માસમાં સુરત ખાતે તેમના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો.

નિમણૂક બાદ આ તેમનો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ હતો, પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતું, જેના કારણે ગણતરીની મિનિટોમાં કાર્યક્રમને સમાપ્ત કરવાની ફરજ પડી હતી.

એ વખતે કોરોના વાઇરસના ઍક્ટિવ કેસ તથા મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ સુરત સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમાંક પર હતું.

એ બાદ લગભગ દોઢ મહિના સુધી સી. આર. પાટીલે ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો.

આ દરમિયાન અનેક વખત તેમના જાહેર તથા પ્રમાણમાં નાના ખાનગી કાર્યક્રમમાં કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનો ભંગ થતો જણાયો, જે તેમની ટ્વિટર ટાઇમલાઇન ઉપર પણ જોઈ શકાય છે.

એ વખતે કૉંગ્રેસે તેમને કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' ગણાવ્યા હતા.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે, જાહેર સ્થળોએ બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવવા, જાહેરસ્થળોએ માસ્ક પહેરવા, છીંક કે ઉધરસ ખાતી વખતે નાક તથા મોં આડે રૂમાલ રાખવા જેવી સૂચના આપવામાં આવી છે.

line

'ભાજપ શરૂઆતથી જ સુપરસ્પ્રેડર પાર્ટી છે'

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજકોટમાં સ્વાગત

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજકોટમાં સ્વાગત

રાજકોટમાં યોજાયેલા ભાજપના રોડ શો અંગે કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે કોરોનાની શરૂઆતથી જ ભાજપ સુપરસ્પ્રેડર પાર્ટી રહી છે.

"જ્યારે ભારતમાં કોરોનાનો એક પણ કેસ ન હતો ત્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો હતો. બાદમાં કોરોનાની પહેલી લહેર શરૂ થઈ હતી."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "બીજી લહેર અગાઉ પણ ભાજપ દ્વારા યોજવામાં આવેલા 'નમસ્તે ભાઉ' કાર્યક્રમ બાદ સુરત, અમદાવાદ તેમજ રાજકોટમાં પરિસ્થિતિ વણસી હતી અને ત્યાં કોરોના કેસોની સંખ્યા વધી હતી."

કોરોનાની ત્રીજી લહેરના અણસાર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આજે રાજકોટમાં યોજવામાં આવેલા આ રોડ શો બાદ આગામી દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, "ભાજપે માની લીધું છે કે તેમને કોઈ કાયદો લાગુ પડતો જ નથી. કાયદાઓ માત્ર અન્ય રાજકીય પાર્ટીઓ અને સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓને જ લાગુ પડે છે."

તેમણે વધુમાં કહ્યું કે, "જે રીતે સી. આર. પાટીલની નિમણૂક થયા બાદ રાજ્યભરમાં રેલીઓ કાઢવામાં આવી હતી. તેના પછી કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. જેમાં હજારો લોકોએ પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા હતા. હૉસ્પિટલોમાં જગ્યા શોધવા માટે વલખાં મારવાં પડ્યા હતા અને ખૂબ જ કરુણ પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમ છતા કંઈ પણ વિચાર્યા વગર તેમણે આજે આ રેલી યોજવાનું વિચાર્યું. જેના પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે તેમના પર કોઈ કાયદા લાગુ પડતા નથી."

line

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુરુવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્યખાતા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં 573 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધારે 269 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. જ્યારે સુરત અને વડોદરા શહેરમાં અનુક્રમે 74 અને 41 કેસ નોંધાયા છે.

જોકે ગુજરાતમાં બુધવારે પણ 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનનાં કુલ 1270 કેસ નોંધાયા છે.

આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ વધારા પાછળ વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન જવાબદાર હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો