ઓમિક્રૉન : ભારત કોરોનાની ત્રીજી લહેર આવી તો એને પહોંચી વળવા કેટલું તૈયાર?

    • લેેખક, ડૉ. ચંદ્રકાન્ત લહારિયા
    • પદ, બીબીસી હિન્દી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

2021ના વર્ષની શરૂઆતમાં ભારતમાં કોવિડ-19ના દૈનિક નવા કેસ નોંધાવા ઓછા થઈ ગયા હતા. ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2020માં આવેલી પહેલી લહેરને લોકો લગભગ ભૂલવા લાગ્યા હતા.

2021ના પ્રથમ બે મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતે જ પોતાની પીઠ થાબડી રહી હતી કે કોરોના સામેની લડાઈ તેઓ યેન કેન પ્રકારેણ જીતી ગયા છે.

ઓમિક્રૉન
ઇમેજ કૅપ્શન, ઓમિક્રૉન

16 જાન્યુઆરીએ ભારતમાં કોવિડની રસી આપવાનો શુભારંભ થયો હતો, પરંતુ રસીકરણ માટે જોઈએ તેટલો ઉત્સાહ નહોતો.

31 માર્ચ 2021 સુધીમાં ભારતમાં જેટલું રસીકરણ થયું હતું એનાથી વધારે રસી તો 'વૅક્સિન મૈત્રી' હેઠળ અન્ય દેશોમાં મોકલવામાં આવી હતી.

માર્ચ 2021 આવતાં આવતાં કોવિડ-19ના નવા કેસ વધવા લાગ્યા હતા અને જન-આરોગ્ય વિશેષજ્ઞો દેશમાં કોવિડની બીજી લહેર અંગે ચેતવણી આપતા હતા.

દરમિયાન, 24 માર્ચ આવતાં પહેલાં ભારતમાં કોરોનાનો એક નવો વૅરિયન્ટ, જેને એ સમયે 'ડબલ અને ટ્રિપલ મ્યુટન્ટ' (પાછળથી એને ડેલ્ટા વૅરિયન્ટના નામે ઓળખવામાં આવ્યો.) પણ કહેવાયો હતો, એ જોવા મળ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા.

line

લોકો કેટલા સજાગ રહ્યા?

કોવિડ-19
ઇમેજ કૅપ્શન, કોવિડ-19

પરંતુ આ બધાને નજરઅંદાજ કરીને રાજ્યોમાં મોટી મોટી ચૂંટણીરેલીઓ થતી રહી અને હરિદ્વારમાં મહાકુંભ યોજાયો.

એપ્રિલના પહેલા અઠવાડિયે ભારતમાં દૈનિક નવા કેસની સંખ્યા પહેલી લહેરની પીક કરતાં પણ વધી ગઈ હતી, પરંતુ રાજકીય રેલીઓ અને ધાર્મિક સમ્મેલનો યોજાવાં બંધ ન થયાં.

12 એપ્રિલે મહાકુંભના પવિત્ર શાહી સ્નાનમાં લાખો લોકોએ સામૂહિક રીતે ગંગામાં ડૂબકી મારી અને ત્યાંથી તેઓ દેશના વિભિન્ન પ્રાંત-પ્રદેશોમાં પાછા જતા રહ્યા.

એપ્રિલના ચોથા અઠવાડિયે જ્યારે રાજકીય પક્ષોની રેલીઓ યોજાવી બંધ થઈ અને મહાકુંભના આખરી શાહી સ્નાન પર પ્રતિબંધ મુકાયો ત્યાં સુધીમાં તો સ્થિતિ કાબૂ બહાર પહોંચી ચૂકી હતી. અને જે થયું, તે લાકો માટે આજીવન ભૂલવું કઠિન થઈ ગયું.

line

ડેલ્ટાએ મહાવિનાશ વેર્યો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીમાર પરિવારજનોને લઈને લોકો હૉસ્પિટલમાં બેડ મેળવવા માટે અહીંતહીં ભટકતા જોવા મળ્યા, ઑક્સિજન માટે સિલિન્ડરની લાંબી લાઇનોમાં ઊભેલા લોકોની તસવીરો છપાવા લાગી અને દવાઓનાં કાળાબજાર થવા લાગ્યાં હતાં.

સ્મશાનઘાટો પર જગ્યા અને દાહ માટેનાં લાકડાં, બંનેની અછતની તસવીરો પણ દેખાવા લાગી હતી. અંતિમ સંસ્કાર માટે કલાકોના કલાકો રાહ જોવી પડી અને ચિતાઓ સળગાવવા માટે પાર્કિંગ લોટ્સનો પણ ઉપયોગ કરાયો.

શહેરોની સાથોસાથ ભારતનું ભાગ્યે જ એવું કોઈ ગામ કે કસ્બો હશે જ્યાંથી 2021ના એપ્રિલ-મે મહિનાઓમાં સામાન્ય કરતાં વધારે મૃત્યુના રિપોર્ટ ના મળ્યા હોય.

મધ્ય જુલાઈ 2021માં જ્યારે ચોથા નૅશનલ સિરો સરવેનાં પરિણામ આવ્યાં. એમાં નોંધાયું હતું કે ભારતમાં 67.8 ટકા લોકોમાં ઍન્ટિબૉડીઝ જોવા મળ્યાં છે અને મોટા ભાગના કોવિડથી સંક્રમિત થઈ ચૂક્યા હતા.

આની પહેલાંના ત્રીજા સિરો સરવેમાં લગભગ 24 ટકા લોકોમાં ઍન્ટિબૉડીઝ જોવા મળ્યાં હતાં.

ભારતના લગભગ 44 ટકા એટલે કે અંદાજે 60 કરોડ લોકો 2021ના પ્રથમ અર્ધવાર્ષિકમાં કોવિડથી સંક્રમિત થયા, જેમાંના મોટા ભાગના લોકો એપ્રિલ અને મેમાં સંક્રમિત થયા. કેટલાંક રાજ્યોમાં તો 70થી 80 ટકા વસ્તી સંક્રમિત થઈ ગઈ હતી.

કોરોનાના કારણે થયેલાં મૃત્યુનો સત્તાવાર આંક લગભગ 4,71,000 જણાવાયો છે, પરંતુ વિશેષજ્ઞોનું અનુમાન છે કે ખરેખર તો આ મહામારીના કારણે 20થી 50 લાખ લોકોનાં મૃત્યુ થયાં હશે.

line

મૃતદેહોના ઢગલા

કોવિડ-19

બીમારીઓ, મહામારી અને એનાં માનવીય પાસાંને દર્શાવવામાં આંકડા અને આંકડાશાસ્ત્ર ઘણી વાર નિષ્ફળ નીવડે છે.

ઉત્તરપ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં ગંગામાં તરતાં મૃતદેહો, પ્રયાગરાજમાં રેતીમાં દફન કરાયેલાં શબો ભારતમાં કોરોનાની બીજી લહેરની ભયાનક વાસ્તવિકતાનાં ઉદાહરણ છે.

કોવિડ-19ની બીજી લહેરમાં ભારતના પ્રત્યેક નાગરિક પ્રત્યક્ષ તે પરોક્ષરૂપે પ્રભાવિત થયા હતા. દરેક પરિવાર કે સગાંસંબંધીમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ તો સંક્રમિત હતી અને કોઈ ને કોઈ ઓળખીતાનું મૃત્યુ થયું હતું.

ખેર, વર્ષનો છેલ્લો મહિનો આવતાં આવતાં ભારતમાં નવા કેસ નોંધાવા ઓછા થઈ ગયા હતા. કોવિડ-19ના રસીકરણે પણ ઝડપ પકડી લીધી.

વીડિયો કૅપ્શન, Omicron : કોરોનાની ત્રીજી લહેરની દસ્તકમાં ઓમિક્રૉનની ભૂમિકા કેવી? COVER STORY

વયસ્ક લોકોમાંના લગભગ 10 ટકાને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાઈ ગયો હતો. કોવિડ-19નો અંત આવી ગયો, એવી ચર્ચાઓ દેશમાં થવા લાગી હતી, પરંતુ કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઓમિક્રોને સ્થિતિ બદલી નાખી છે.

ભારતમાં રાષ્ટ્રીય સ્તરે હાલ તો કોવિડના દૈનિક નવા કેસની સંખ્યા લગભગ સ્થિર જેવી છે, પરંતુ મોટાં શહેરો જેવાં કે, મુંબઈ અને દિલ્હીમાં નવા કેસ વધી રહ્યા છે.

સરકારે કેટલાક નવા નિર્ણયો કર્યા છે; જેમાં, પ્રતિબંધ, જેમ કે, રાત્રિકર્ફ્યુ લાગુ કરવાનો સમાવેશ થાય છે. 3 જાન્યુઆરી 2021થી દેશનાં 15થી 18 વર્ષનાં બાળકો માટે રસીકરણ શરૂ કરાશે, સાથે જ, 10 જાન્યુઆરીથી સ્વાસ્થ્યકર્મીઓ અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને, જેમને અન્ય બીમારીઓ પણ હોઈ શકે, કોવિડની રસીનો ત્રીજો ડોઝ (બુસ્ટર ડોઝ) આપવાનું પણ શરૂ કરાશે.

પરંતુ સવાલ એ છે કે, શું 2022માં કોવિડ-19 મહામારી સામે ઝીંક ઝીલવા ભારત તૈયાર છે?

line

ઓમિક્રૉનનો ખતરો અને પગલાં

કોવિડ-19

પહેલી વાત, ઓમિક્રૉન ઝડપથી ફેલાય છે પણ એ કહેવું મુશ્કેલ છે કે ઓમિક્રૉનના કારણે ભારતમાં ત્રીજી રાષ્ટ્રીય લહેર આવી શકે એમ છે કે નહીં? હા, કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે પૂરતી તૈયારી કરવી પડશે.

ખાસ કરીને, ઓમિક્રૉન ઓછાં લક્ષણોવાળી બીમારી છે, માટે, હૉસ્પિટલોમાં બેડ અને ICUની સાથોસાથ પ્રાથમિક આરોગ્યકેન્દ્રોને વ્યવસ્થાપૂર્ણ કરવાની વધારે જરૂર છે.

સાથે જ, યાદ રાખવું જોઈએ કે ડેલ્ટા વૅરિયન્ટ ભારતમાં આજે પણ કોરોનાનું મુખ્ય રૂપ છે.

બીજી વાત, આ મહામારી સામે લડવા માટે જરૂરી છે કે સરકારો, જનઆરોગ્ય અને ચિકિત્સા વિશેષજ્ઞો તથા આમનાગરિકો સાથે મળીને કામ કરે અને પોતપોતાની જવાબદારીનું પાલન કરે. સરકારોએ દરેક સ્થળે આરોગ્યસેવાને સુદૃઢ કરવી પડશે.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ મહામારી વિજ્ઞાન અને તથ્યો પર આધારિત સલાહસૂચન આપવાં પડશે. આમ નાગરિકોએ નિયમિત રીતે અને જ્યાં સુધી કોવિડ મહામારી છે ત્યાં સુધી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરતા રહેવું પડશે. મહામારીમાંથી બહાર નીકળવા માટે ત્રણેએ પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે.

કોરોના વાઇરસ

ત્રીજી વાત, મહામારી દરમિયાન 2021માં ઘણી અફવા ફેલાઈ હતી; એણે એટલું જ નુકસાન કર્યું જેટલું કોરોનાએ. ઘણી વાર જનતાને સાચી માહિતી સમયસર ના મળી અને એનાથી પડકાર વધ્યા. નવા વર્ષે વિજ્ઞાન કમ્યુનિકશન પર વધારે ધ્યાન આપવાની જરૂર પડશે.

ચોથી વાત, આવા પડકારો ઊભા થયા છે અને આપણે મહામારીની સાથે એનો સામનો કરવા પણ તૈયાર રહેવું પડશે અને તે એ છે કે દેશમાં પોસ્ટ કોવિડ અને લૉન્ગ કોવિડની સાથે જ લોકોને માનસિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. એટલું જ જરૂરી એ છે કે આ સગવડ દેશના દરેક જિલ્લા અને ગામમાં હોય.

સાથે જ, મહામારીના કારણે બાળકોની સ્કૂલો એક લાંબા અરસા સુધી બંધ રહી, એનાથી એમના ભણતરને તો નુકસાન થયું જ, સાથે સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી.

2022માં બધી રાજ્ય સરકારોએ બાળકોના શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે વિશેષ જોગવાઈ અને સ્કૂલ માટે સ્વાસ્થ્યસેવાઓને સુચારુ કરવાની જરૂર છે.

કોરોના વાઇરસ

દેશ ભવિષ્યમાં આવનારાં આરોગ્યલક્ષી પડકારો અને મહામારીઓ સામે લડવા માટે તૈયાર હોય, એવું ત્યારે જ શક્ય બની શકશે જ્યારે સરકારો બોધપાઠ માટે તૈયાર હશે.

આપણે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહામારી સામે લડવા માટે કરેલા પ્રયાસોનું સ્વતંત્ર આકલન કરાવવાની જરૂર છે અને એમાંથી શીખ લઈને સંપૂર્ણ આરોગ્યતંત્ર મજબૂત કરવું પડશે.

એક વાત નિશ્ચિત છે કે આ મહામારીનો અંત આવી જશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે શું આ મહામારી દરમિયાન આવેલા પડકારોમાંથી બોધ લઈને ભવિષ્યના કોઈ પણ સ્વાસ્થ્યસંબંધી પડકારો માટે આપણે વધુ સારી રીતે તૈયાર છીએ?

મહામારીના આ દોરમાંથી શીખ લઈને ભારતના આરોગ્યતંત્રને સુદૃઢ કરવા માટે કયાં પગલાં ભરવામાં આવશે? નવું વરસ આ બધી બાબતોનો વિચાર કરવાનો યોગ્ય સમય છે.

(ડૉ. ચંદ્રકાન્ત લહારિયા વ્યવસાયે ચિકિત્સક છે, અને લોકનીતિ તથા જન-આરોગ્ય ક્ષેત્રમાં કામ કરે છે.)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો