દલિત સાથે લગ્ન કરનાર યુવતીની પિતાએ પોલીસ સ્ટેશનમાં હત્યા કરી, શું છે મામલો?

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR
- લેેખક, ગૌરવ ગુલમહોર
- પદ, બાંદાથી બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ગયા શુક્રવારે સાંજે એક પિતાએ તેની 19 વર્ષની પુત્રી શિવાનીની બદૌસા પોલીસ સ્ટેશનની અંદર ચાકુ મારીને હત્યા કરી દીધી.
આ ઘટના બદૌસા પોલીસ સ્ટેશનની અંદર ત્યારે બની, જ્યારે પોલીસ શિવાની અને લલિત વર્માની મધ્યપ્રદેશના બરૌંધાથી ધરપકડ કર્યા પછી પૂછપરછ કરી રહી હતી.
બાંદા પોલીસ અધીક્ષક પલાશ બંસલે બીબીસી હિન્દીને જણાવ્યું, "તપાસ દરમિયાન સ્ટેશન હાઉસ ઑફિસર અજિતપ્રતાપ સિંહ, એસ.આઈ. અને મહિલા કૉન્સ્ટેબલને લાઇનહાજર કરવામાં આવ્યા છે."
શિવાનીએ 18 મેના રોજ ઘર છોડી દીધું હતું અને પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યાં હતાં. યુવતી ઘરેથી નીકળી ગયા પછી, તેની માતાની ફરિયાદના આધારે બદૌસા પોલીસ આ યુગલને શોધી રહી હતી.
આ યુવતી ઓ.બી.સી. પરિવારની છે, જ્યારે યુવક દલિત પરિવારમાંથી આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશન પરિસરમાં પોલીસકર્મીઓની હાજરીમાં તેના પિતાએ છરીથી હુમલો કરીને યુવતીની હત્યા કરી હતી.
બાંદા પોલીસ અધીક્ષક પલાશ બંસલે પત્રકારોને જણાવ્યું હતું કે 18 મેના રોજ બદૌસા પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી કે 19 વર્ષીય યુવતીને તેના પડોશમાં જ રહેતો એક પરિચિત યુવક ભગાડી લઈ ગયો હતો. આ મામલે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે 12 જૂનના રોજ યુવતીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. નિયમ મુજબ તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. જ્યારે મહિલાનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું હતું, ત્યારે તેના પિતાએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે માતાની ફરિયાદના આધારે યુવતીના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બદૌસા પોલીસ સ્ટેશનના વડા અજિતપ્રતાપ સિંહે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું, "યુવતીની માતા રન્નોદેવીએ 18 મેના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે લલિત વર્મા (19 વર્ષ) તેમની પુત્રી શિવાનીને ભગાડી ગયો છે."
"તપાસ અધિકારીએ 12 જૂનના રોજ યુવતીને શોધી કાઢી અને તેને પોલીસ સ્ટેશન લાવ્યા. યુવતીએ તેનાં માતા-પિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી."
તેમણે કહ્યું, "મહિલા પોલીસ અધિકારીની સામે પુત્રી તેનાં માતા-પિતાને કેસ પાછો ખેંચવા માટે કહી રહી હતી. યુવતીએ કહ્યું, 'હું પુખ્તવયની છું. હું આ યુવક સાથે જ રહીશ.' જ્યારે પિતાને લાગ્યું કે તે એની વાત નહીં સાંભળે, ત્યારે તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, છરી કાઢી અને પોતાની દીકરી પર હુમલો કર્યો."
"અમે યુવતીને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. ત્યાંથી તેને મેડિકલ કૉલેજ રિફર કરવામાં આવી. ત્યાં પહોંચ્યા બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી."
યુવતીનાં માતા રન્નોદેવીએ બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું કે તેમના પતિ સત્યકુમાર ચૌહાણે તેની સામે જ પોતાની દીકરી પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી.
રન્નોદેવીએ કહ્યું, "હું ઇચ્છતી હતી કે મારી દીકરી મારા પક્ષમાં બોલે, પણ દીકરી મારા પક્ષમાં ન બોલી. કદાચ શહેરમાં બીજી જાતિના વ્યક્તિ સાથે લગ્ન ચાલી શકે, પરંતુ ગામમાં અમે માથું ઊંચું કરીને જીવી શકતાં નથી. થોડું ઊંચું-નીચું હોત તો ચાલી જાત, પણ તે અમારી જ્ઞાતિની બરાબરીના નથી."
લલિત વર્મા અને તેમના પરિવાર સાથે વાત કરવાનો ઘણી વાર પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો ફોન બંધ છે.
પોલીસ સ્ટેશનમાં હત્યા પર સવાલો

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR
શિવાની બદૌસા વિસ્તારના બરછા-બ ગામનાં રહેવાસી હતાં. તેઓ બાળપણથી જ પાડોશી લલિત વર્માને ઓળખતાં હતાં.
બંનેનાં ઘર આસપાસમાં જ છે અને ધીમે ધીમે આ પરિચય પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગયો.
શિવાનીએ ઘર છોડીને લલિત વર્મા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. તેઓ પુખ્ત વયનાં હતાં અને પોતાના જીવનના નિર્ણયો જાતે લેવા માંગતાં હતાં.
પરંતુ પિતાએ પોતાની પુત્રીના અન્ય જ્ઞાતિના યુવક સાથેનાં પ્રેમલગ્ન સ્વીકાર્યાં નહીં.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વિવાદ દરમિયાન પિતાએ દીકરી પર જીવલેણ હુમલો કર્યો અને આખરે દીકરીનું મોત નીપજ્યું હતું.
ગામના સરપંચ વિનોદ ગાંધીએ બીબીસી હિન્દી સાથે વાત કરતા પોલીસ સુરક્ષા હેઠળ થયેલી હત્યા પર સવાલો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "જો બંનેએ (યુવક અને યુવતીએ) અરેસ્ટિંગ સ્ટે મેળવી લીધો હતો, જેની નોટિસ 10 જૂને જ બદૌસા પોલીસ સ્ટેશનમાં આવી ગઈ હતી, તો પોલીસને તેમની ધરપકડ કરવાનો અધિકાર નથી. પરંતુ જે દિવસે યુવક પક્ષ યુવતીને નિવેદન આપવા હાજર કરવા માંગતો હતો, તે જ દિવસે શિવાની અને લલિત વર્માની ધરપકડ કરવામાં આવી."
"મહત્ત્વનો પ્રશ્ન એ છે કે પોલીસ સુરક્ષા હેઠળ પોલીસ સ્ટેશનની અંદર કોઈની હત્યા કેવી રીતે થઈ શકે? અમારા જિલ્લામાં આ પહેલો કિસ્સો છે કે પોલીસ સ્ટેશનની અંદર કોઈની હત્યા કરવામાં આવી હોય."
તેમણે કહ્યું, "તે સાત વર્ષ જૂનો પ્રેમસંબંધ હતો. યુવતીના પિતાએ બે વાર ફરિયાદ કરી હતી. બંનેએ ઘર છોડીને ખત્રી પર્વત પર આવેલા વિંધ્યવાસિની મંદિરમાં લગ્ન કર્યાં હતાં અને હાઈકોર્ટમાં લગ્ન નોંધણી માટે પણ અરજી કરી હતી."
પ્રેમી યુગલે ઘર છોડવાનો નિર્ણય કેમ કર્યો?

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શિવાની અને લલિત વર્માને લાગ્યું કે તેમનો પરિવાર ટૂંક સમયમાં તેમનાં લગ્ન બીજે ક્યાંક કરાવી દેશે, તેથી તેમણે ઘર છોડવાનો નિર્ણય લીધો.
18 મેની રાત્રે તેમણે ઘર છોડવાનું નક્કી કર્યું.
આ યુગલ ગામમાંથી નીકળી ગયા પછી પરિવારે પોલીસ ફરિયાદ નોંધાઈ. મહિલાનાં માતા રન્નોદેવીએ નોંધાવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી.
શુક્રવારે પોલીસે બંનેને મધ્યપ્રદેશના બરૌંધા વિસ્તારમાંથી શોધી કાઢ્યાં અને તેમને બદૌસા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં.
શિવાની ચાર બહેનો અને બે ભાઈઓમાં ત્રીજા નંબરે હતાં. તેમના પિતા દરજીકામ કરતા હતા, તેમજ પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી.
જ્યારે લલિત ડી.જે.માં કામ કરે છે અને તેના પિતા અતર્રામાં વીજળી વિભાગમાં કરાર પર કામ કરે છે.
બંનેની સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ લગભગ સમાન છે, પરંતુ જાતિગત ઓળખ તેમના સંબંધોમાં એક મોટો અવરોધ હતો.
ગામના પૂર્વ સરપંચ હરિઓમ સોનકરે બીબીસી હિન્દીને જણાવ્યું, "બંને પરિવારો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. છોકરાના પિતા રામકૃપા વર્મા વીજળી વિભાગમાં કૉન્ટ્રેક્ટ પર કામ કરે છે. યુવતીના પિતા સત્યકુમાર ચૌહાણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે દરજીકામ કરે છે."
કૉંગ્રેસે યુપીનાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે પોલીસ સ્ટેશનની અંદર પોલીસની હાજરીમાં થયેલી હત્યાની ઘટનાને કાયદો અને વ્યવસ્થા બગડવાનું પરિણામ ગણાવ્યું.
તેમણે બીબીસી હિન્દીને કહ્યું, "આ જંગલરાજની ચરમસીમા છે, જ્યાં દલિતો અને પછાત વર્ગોને સામાજિક અવરોધો તોડીને પરસ્પર ભાઈચારો અને પ્રેમ વિકસાવવાની પણ મંજૂરી નથી. પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશનની અંદર જે રીતે આ ઘટના બની તે સ્પષ્ટ કરે છે કે ઉત્તર પ્રદેશમાં સામંતશાહી સરકાર છે. આ ઘટના જે રીતે બની તે ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્ય મંત્રી પર કલંક છે."
"પોલીસ સ્ટેશનની અંદર પોલીસની હાજરીમાં હત્યાઓ થઈ રહી છે. પહેલા જેલ, હૉસ્પિટલ અને કોર્ટમાં હત્યાઓ થતી હતી, હવે ગુનેગારો પોલીસ સ્ટેશનની અંદર આવીને હત્યાઓ કરી રહ્યા છે. આ એક ગંભીર બાબત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















