ગુજરાત તરફ આવતું ચોમાસું કેટલું આગળ વધ્યું, કયા જિલ્લામાં પડી શકે વરસાદ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન, હવામાન વિભાગ ગુજરાત તરફ આવતું ચોમાસું કેટલું આગળ વધ્યું, કયા જિલ્લામાં પડી શકે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

એક તરફ ભારતનાં કેટલાંક રાજ્યોમાં મેઘમહેર જામી છે તો બીજી તરફ ગુજરાતમાં ગરમી અને બફારો છવાયેલાં છે.

કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદ કરતાં વધુ રાજ્યમાં ગરમીથી હાલ કોઈ રાહત નથી જોવા મળી રહી.

સામાન્ય રીતે 15 જૂનના રોજ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વખત કેટલીક હવામાન સંબંધિત હલચલને કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થાય તેવી સંભાવના અગાઉ વ્યક્ત કરાઈ હતી.

હવે ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી અને વરસાદની આગેકૂચ અંગે માહિતી જાહેર કરી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં પડી શકે વરસાદ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન ગુજરાત તરફ આવતું ચોમાસું કેટલું આગળ વધ્યું, કયા જિલ્લામાં પડી શકે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગની આગાહી અનુસાર, 14 જૂનના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહી શકે છે.

તેમજ 15 જૂનના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. તેમજ બાકીના અન્ય જિલ્લામાં મોટા ભાગે શુષ્ક હવામાન રહી શકે.

આગાહી મુજબ, 16 જૂનના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના આ સિવાયના જિલ્લામાં મોટા ભાગે શુષ્ક હવામાન રહી શકે.

દક્ષિણપશ્ચિમ ચોમાસું આગામી બે-ત્રણ દિવસ દરમિયાન કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક વધુ ભાગો અને દક્ષિણ છત્તીસગઢના કેટલાક વધુ ભાગો પર આગળ વધે તે માટેની સાનુકૂળ સ્થિતિ છે.

અલ-નીનોની નવી આગાહી અને ગુજરાતનું ચોમાસું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મળી રહેલી માહિતી અનુસાર, અલ-નીનોની પરિસ્થિતિની શરૂઆત પ્રશાંત મહાસાગરમાં થઈ ચૂકી છે.

ભારતનાં હવામાન વિભાગ અને વિશ્વની અન્ય સંસ્થાઓએ પણ અલ-નીનો શરૂઆત થયાની વાતની પુષ્ટિ કરી છે.

નોંધનીય છે કે અલ-નીનોની શરૂઆત જુલાઈમાં થવાની શક્યતા હતી, પરંતુ હવે તેની શરૂઆત જૂન માસમાં જ થઈ ચૂકી છે.

અનુમાન છે કે આ વખતનું અલ-નીનો અત્યંત મજબૂત હશે, આ પહેલાંના અલ-નીનો કરતાં પણ આ વખતની પરિસ્થિતિ અત્યંત મજબૂત હશે.

જ્યારે પણ અલ-નીનો બને, વધુ મજબૂત બને ત્યારે તેવી શક્યતા વ્યક્ત કરાય છે કે ચોમાસામાં વરસાદનું પ્રમાણ ઘટશે.

આ વખતે ભારતના હવામાન વિભાગ, ખાનગી વેધર એજન્સી સ્કાયમૅટ અને વિશ્વની અન્ય સંસ્થાઓએ પણ ભારતમાં સરેરાશ કરતાં ઓછા વરસાદની આગાહી કરી છે. તેનો અર્થ એ છે કે આ વખતે ચોમાસું થોડું નબળું પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

પરંતુ અલ-નીનોની પરિસ્થિતિ જ ભારત પર ચોમાસાને અસર કરતું એકમાત્ર પરિબળ નથી, તે માટે બીજાં પણ પરિબળો જવાબદાર હોય છે. તેથી ઘણી વખત એવું પણ બને છે કે અલ-નીનો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ જાય છે.

આ ઉપરાંત, અલ-નીનો બને ત્યારે વિસ્તાર પ્રમાણે તેની અસર અલગ અલગ હોય છે. તેથી ઘણી વખત એવું પણ બને કે ભારતમાં સામાન્ય કરતાં સરેરાશ ઓછો વરસાદ નોંધાય, પણ કેટલાક વિસ્તારોમાં ચોમાસું સારું રહે એવી પણ શક્યતાઓ છે. તેથી એવું જરૂરી નથી કે સમગ્ર ભારત કે ગુજરાતમાં ચોમાસું સાવ ખરાબ જશે.

જોકે, આ સ્થિતિની અસર રહેશે તેમાં કોઈ બેમત નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન