You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન અમેરિકાને પાછળ છોડી સૌથી ધનિક દેશ બન્યો - TOP NEWS
એક રિપોર્ટ મુજબ છેલ્લા બે દાયકામાં વૈશ્વિક સંપત્તિ વધીને ત્રણ ગણી થઈ ગઈ છે અને અમેરિકાને પછાડીને ચીન સૌથી ધનિક દેશ બની ગયો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં બ્લૂમબર્ગના એક રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મુજબ કંસલ્ટેન્ટ કંપની મેકેન્ઝીએ પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં આ અનુમાન રજૂ કર્યું છે.
આ રિપોર્ટને દુનિયાની આવકનું 60 ટકાથી વધારે પ્રતિનિધિત્વ કરનાર દસ દેશોની રાષ્ટ્રીય બૅલેન્સ શીટની મદદથી તૈયાર કરાયો છે.
રિપોર્ટ મુજબ છેલ્લા બે દાયકામાં વૈશ્વિક નેટ સંપત્તિમાં ચીનને લગભગ એક તૃતીયાંશ ફાયદો થયો છે.
મેકેન્ઝીના ઝ્યૂરિખ ખાતે આવેલા ઇન્સ્ટિટ્યૂટમાં પાર્ટર જેન મિશ્કે બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું ''હવે અમે પહેલાં કરતાં ઘણા અમીર છીએ.''
રિસર્ચ મુજબ દુનિયાભરમાં કુલ સંપત્તિ વર્ષ 2000માં 156 ટ્રિલિયન ડૉલરથી વધીને 2020માં 514 ટ્રિલિયન ડૉલર થઈ ગઈ છે. આ વૃદ્ધિનો લગભગ એક તૃતીયાંશ ભાગ ચીનનો છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં સામેલ થવાના એક વર્ષ પહેલાં 2000માં ચીનની સંપત્તિ માત્ર સાત ટ્રિલિયન ડૉલર હતી જે વધીને 120 ટ્રિલિયન ડૉલર થઈ ગઈ.
આ સમયગાળામાં અમેરિકાની કુલ સંપત્તિમાં બે ગણાથી વધારેનો ઉછાળો આવ્યો અને 90 ટ્રિલિયન ડૉલર થઈ ગઈ.
આ દેશોની કુલ સંપત્તિનો બે તૃતીયાંશ ભાગ દેશની 10 ટકા વસતી પાસે છે અને આ ભાગીદાર વધતી જઈ રહી છે. એટલે કે દુનિયા અમીર થઈ છે પરંતુ અમીર અને ગરીબ વચ્ચે ખીણ ઊંડી થતી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લખીમપુર હિંસા મામલે તપાસની દેખરેખ માટે પૂર્વ જજ નિયુક્ત
ઉત્તર પ્રદેશની લખીમપુર ખીરી હિંસા મામલે તપાસ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ રાકેશકુમાર જૈનની નિયુક્તિ કરી છે, જેઓ આ મામલે તપાસની દેખરેખ રાખશે.
જસ્ટિસ રાકેશકુમાર જૈન એ સુનિશ્ચિત કરશે કે તપાસની પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે.
તેમજ સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)નું પુનર્ગઠન કરી દીધું છે, જેમાં ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીની નિયુક્તિ કરાઈ છે.
આ અધિકારીઓ એસબી શિરોડકર, દીપેન્દરસિંહ અને પદ્મજા ચૌહાણ હશે.
સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી ચાર્જશીટ દાખલ કરાય અને નિવૃત્ત જજનો રિપોર્ટ મળ્યા બાદ કરશે.
2002 હુલ્લડમાં SIT સામે શંકા ઉઠાવાતા સુપ્રીમે કર્યા સવાલ
સુપ્રીમ કોર્ટે મંગળવારે 2002નાં ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કૉંગ્રેસના સાંસદ એહસાન જાફરીનાં વિધવા ઝાકિયા જાફરી સામે વાંધો ઉઠાવ્યો હતો.
ઝાકિયાએ 2002નાં રમખાણોની તપાસ કરી રહેલી SIT અને કેસમાં નિર્દોષ જાહેર થયેલા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત કેટલાક આરોપીઓ વચ્ચે "સાઠગાંઠ" હોવાનો આક્ષેપ લગાવતા કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, આ તકે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એએમ ખાનવીકલર, દિનેશ મહેશ્વરી તથા સીટી રવિકુમારની બેન્ચે કહ્યું હતું, "આ અદાલત દ્વારા ગઠિત એસઆઈટી માટે સાઠગાંઠ એ ભારે શબ્દ છે."
બેન્ચે ઉમેર્યું હતું, "આ એસઆઈટીએ અન્ય કેસોમાં આરોપનામાં દાખલ કર્યાં હતાં અને દોષિતોને સજા થઈ હતી, ત્યારે કાર્યવાહી સામે કોઈ ફરિયાદ ન હતી."
જાફરી વતી દલીલો રજૂ કરતા સિબ્બલે કહ્યું હતું કે એસઆઈટીએ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, સ્ટિંગ ઑપરેશનની ટેપ્સ ચકાસ્યા ન હતા અને મોબાઇલ ફોન જપ્ત કર્યા ન હતા. આરોપીઓ સાથે વાતો કરનારા અમદાવાદના પોલીસ કમિશનરને ગુજરાતના ડીજીપી બનાવી દેવામાં આવ્યા અને એસઆઈટીના વડાને સાયપ્રસના હાઈકમિશનર બનાવવામાં આવ્યા.
સુપ્રીમે આ કેસની સુનાવણી બુધવાર પર મોકૂફ રાખી છે, જ્યારે વકીલ મુકુલ રોહતગી દલીલો આપશે.
'ગુજરાત સરકાર RTI પ્રક્રિયા ઑનલાઇન કરવા તૈયાર કે નહીં?'
ગુજરાતમાં ઑનલાઇન આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) અરજી માટેની સિસ્ટમની માગ કરતી બે પીઆઈએલ (જાહેરહિતની અરજી) 2018 અને 2019માં ગુજરાત હાઇકોર્ટમાં થઈ હતી.
આ પીઆઈએલના અનુસંધાને હાઇકોર્ટે સોમવારે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવને ગુજરાતમાં ઑનલાઇન આરટીઆઈ અરજી માટેની સિસ્ટમ કેમ નથી? તે અંગેનું સુધારેલું સોગંદનામું દાખલ કરવા માટેના નિર્દેશો આપ્યા હતા.
હાઇકોર્ટના ઍડવૉકેટ બંદીશ સોપારકર દ્વારા કરવામાં આવેલી આ અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદ અને જસ્ટિસ પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહી છે.
જેની 17 નવેમ્બરના રોજ આગામી સુનાવણીમાં રાજ્ય સરકારના જવાબની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
યુગાન્ડા : આત્મઘાતી વિસ્ફોટ વચ્ચે ભારતીય ટીમ સલામત
મંગળવારે યુગાન્ડાની રાજધાની કંપાલા ખાતે બે ત્રણ મિનિટના અંતરે બે આત્મઘાતી બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકોમાં બે પોલીસવાળાનો સમાવેશ થાય છે, જ્યારે પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જણાવાય રહ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આત્મઘાતી હુમલાખોરો બાઇક પર બેસીને સંસદ તથા શહેરના પોલીસ મુખ્યાલયની બહાર પહોંચ્યા હતા.
ચોથા હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી વિસ્ફોટક જૅકેટ મળી આવ્યું હતું. શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ બૉમ્બ મળી આવ્યા હતા.
સંસદસભ્યોને પાર્લામેન્ટ ખાતે નહીં આવવા સૂચના આપવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી અમાકના જણાવ્યા પ્રમાણે, મૂળ યુગાન્ડાના પણ પાછળથી આઈએસ (ઇસ્લામિક સ્ટેટ) સાથે જોડાઈ ગયેલા અલાઇડ ડેમૉક્રેટિક ફોર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન યુગાન્ડા ઉપરાંત કૉંગોમાં પણ સક્રિય છે.
ભારતની પેરા-ઑલિમ્પિક બૅડમિન્ટન ટીમને જે હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો, ત્યાંથી લગભગ 100 મીટરના અંતરે જ આ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં તમામ ખેલાડીઓ સલામત હોવાનું સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો