નાઓમી ઓસાકા : ટોક્યો ઑલિમ્પિકમાં જાપાનનાં સુપરસ્ટાર ખેલાડીની હાર

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલનાં દાવેદાર મનાતાં જાપાનનાં ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા 6-1, 6-4થી 41મું રૅન્કિંગ ધરાવનાર માર્કેટા વૉન્ડ્રાસોવા સામે હારી ગયાં છે.

23 વર્ષીય નાઓમી ઓસાકા ટોક્યો ઑલિમ્પિકમાં જાપાનનો મુખ્ય ચહેરો છે અને તેમણે ઑલિમ્પિક જ્યોત પ્રગટાવી હતી.

આ હાર સાથે જ નાઓમીની ઑલિમ્પિકમાંથી આંચકાજનક વિદાય થઈ છે.

નાઓમી ઓસાકા ચાર વખત ગ્રાન્ડસ્લેમ વિજેતા બન્યાં છે અને ફ્રેન્ચ ઓપનમાંથી ખસી ગયા બાદ આ એમની પહેલી મોટી ટુનાર્મેન્ટ હતી.

નાઓમી ઓસાકા પાસે મેડલની આશા રાખવામાં આવતી હતી પંરતુ માર્કેટા વૉન્ડ્રાસોવાએ તેમને સરળતાથી હરાવી દીધાં હતાં.

નાઓમી ઓસાકા આ વર્ષે જૂનમાં ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે ફ્રેન્ચ ઓપનમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

એ વખતે તેમણે કહ્યું હતું કે 2018માં પ્રથમ ગ્રાન્ડસ્લેમ જિત્યા બાદ તેમણે હતાશામાંથી પસાર થવું પડ્યું હતું.

આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં મૅચ બાદની પત્રકારપરિષદમાં સામેલ નહીં થવા બદલ એમને 15,000 ડૉલરનો દંડ કરવામાં આવ્યો હતો અને એ પછી એમણે સ્પર્ધામાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

ભારતીય બૉક્સર લવલીના બરગોહાઈ ક્વાર્ટર ફાઇનલમાં

ટોક્યો ઑલિમ્પિક ભારતીય બૉક્સર લવલીના બરગોહાઈ મહિલાઓની 69 કિલોગ્રામની શ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે.

લવલીના બરગોહાઈએ જર્મનીનાં અનુભવી ખેલાડી નેડીનને પરાજય આપ્યો છે.

બરગોહાઈએ જર્મન બૉક્સર નેડીન અપટેઝને 3-2થી હરાવીને અંતિમ આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવી લીધું છે.

નવ ભારતીય બૉક્સરોની ટીમમાંથી 23 વર્ષીય લવલીના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવનાર પ્રથમ ખેલાડી છે.

ઉલ્લેખનીય છે કે લવલીના અગાઉ બે વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને એશિયન ચૅમ્પિયનશિપમાં અને કાંસ્ય પદક મેળવી ચૂક્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો