પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કથિત ગૅંગરેપ બાદ હિંદુ પીડિતાની આત્મહત્યા

    • લેેખક, રિયાઝ સોહેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાનના સિંધ પ્રાંતના રણવિસ્તાર થારમાં પોલીસ અનુસાર ગયા વર્ષે કથિતપણે બળાત્કારનો ભોગ બનેલાં હિંદુ પીડિતાએ આત્મહત્યા કરી લીધી છે.

પોલીસ પ્રમાણે પીડિતાને ધમકીઓ મળી રહી હતી અને તેમને બ્લૅકમેલ કરવામાં આવી રહ્યાં હતાં. આ ઘટના થરપારકર જિલ્લાના ડાલાન-જો-ટર્ર ગામમાં બની છે. પીડિતાએ એક કૂવામાં કૂદીને આત્મહત્યા કરી છે.

પોલીસનું કહેવું છે કે પીડિતાના પરિવારજનોની ફરિયાદને આધારે તેમણે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી લીધો છે. આ મામલે અત્યાર સુધી એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

છોકરીના પિતાનું કહેવું છે કે જ્યારે રાત્રે તેમની આંખ ઊઘડી ત્યારે જોયું કે દીકરી પોતાની પથારીમાં નથી. તેમણે પાડોશીઓને જગાડીને શોધખોળ શરૂ કરી પરંતુ તેના પગનાં નિશાન ન મળ્યાં.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ છોકરીની શોધ કરતાં કરતાં આરોપીના ઘર તરફ ગયા ત્યારે પગનાં નિશાન મળ્યાં. તેમણે ઘરને ઘેર્યું તો આરોપી ત્યાં હાજર હતો.

રેપનો કેસ

છોકરીના પિતાએ જણાવ્યું, "એ સમયે રાતના બે વાગ્યા હતા. બરાબર એ જ સમયે અમે એક જોરદાર અવાજ સાંભળ્યો જે નજીકના કૂવામાંથી આવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમને કૂવા પાસે તેના પગનાં નિશાન મળ્યાં. બાદમાં પોલીસે આવીને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો."

આ ઘટના ચેલહાર પોલીસ સ્ટેશન અંતર્ગતના વિસ્તારમાં બની છે. ચેલહાર પોલીસ સ્ટેશનના SHO મુશ્તાક મલિકનું કહેવું છે કે છોકરીના પરિવારજનોની ફરિયાદને આધારે તેમણે ફરિયાદ દાખલ કરી છે. તેમના પ્રમાણે, પોલીસને કૂવાની આસપાસ છોકરી સિવાય અન્ય કોઈના પગનાં નિશાન નથી મળ્યાં.

મૃતક છોકરીના પિતાનાં સાત બાળકો છે. તેમણે ગયા વર્ષે પોતાની 18 વર્ષની દીકરી સાથે રેપ થયો હોવાની ફરિયાદ કરી હતી જેમાં ત્રણ આરોપીઓ હતા.

પાકિસ્તાની અખબાર 'ડૉન'ના એક રિપોર્ટ પ્રમાણે તે સમયના ASP અબ્દુલ્લાહ અહમદે કહ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટિ નથી કરાઈ.

હિંદુ અને મુસ્લિમ

પીડિતાના પિતાનું કહેવું છે કે પોલીસે એ સમયે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ તેમને ત્રણ માસ બાદ જ જામીન મળી ગયા હતા. ત્યાર બાદથી જ તેઓ ધમકીઓ આપી રહ્યા હતા.

તેમણે દાવો કર્યો છે કે કોરોનાના કારણે તેમના કેસની સુનાવણી ન થઈ શકી.

હવે આ મામલે 15 ઑક્ટોબરના રોજ પરિવારનાં નિવદેનોની નોંધણી થવાની હતી. પીડિતા તેમનાં નિવેદન પર ટકેલાં હતાં.

પરિવારનું કહેવું છે કે, તેમને ડરાવવા માટે ધમકીઓ અપાઈ રહી હતી અને દબાણ કરાઈ રહ્યું હતું, જે કારણે તેમણે આત્મહત્યા કરી લીધી.

આ મામલામાં પીડિતા અને આરોપીઓ એક જ ગામનાં છે.

ડાલાન-જો-ટર્ર ગામ પણ એવા વિસ્તારો પૈકી એક છે જ્યાં હિંદુ-મુસ્લિમ લોકો એક સાથે રહે છે. નોંધનીય છે કે થારરણ વિસ્તારમાં રહેતી લગભગ અડધા ભાગની વસતી હિંદુ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો