વેસ્ટ બૅંકમાં ગોળીબારમાં બે ઇઝરાયલી મહિલાનાં મૃત્યુ

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ઇઝરાયલના કબજાવાળા વેસ્ટ બૅંકમાં થયેલ ગોળીબારમાં બે ઇઝરાયલી મહિલાનાં મૃત્યુ થઈ ગયાં અને એક અન્ય ગંભીરપણે ઘાયલ થઈ ગયાં.

ઇઝરાયલની સેના અને ચિકિત્સાકર્મીઓનું કહેવું છે કે આ મહિલાઓ જ્યારે જૉર્ડન ખીણમાં હમરા પાસે એક કારમાં હતાં જે ગોળીબારના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે મૃત્યુ પામનારાં મહિલ બહેનો હતાં અને તેમની ઉંમર 20 વર્ષ કરતાં વધુ હતી. 48 વર્ષનાં અન્ય મહિલા, જેઓ તેમનાં માતા હોવાનું કહેવાઈ રહ્યું છે, તેમની હાલત ગંભીર છે.

ઇઝરાયલી સેનાએ કહ્યું કે જૉર્ડન ખીણમાં શુક્રવારની ઘટનાને શરૂઆતમાં એક ઇઝરાયલી કાર અને એક પેલેસ્ટાઇનિયન કાર વચ્ચેના અકસ્માત તરીકે રિપોર્ટ કરાઈ હતી.

પરંતુ જ્યારે સૈનિક પહોંચ્યા ત્યારે તેમણે ઇઝરાયલી વાહનમાં ઘણી ગોળીઓનાં છિદ્રો જોયાં અને ત્યારે ખબર પડી કે આ એક હુમલો હતો.

ઇઝરાયલની સરકારી સમાચાર ચેનલ 'કાન' અનુસાર ઘટનાસ્થળેથી 22 ગોળીનાં ખોખાં મળી આવ્યાં છે, જેનાથી ખબર પડે છે કે આ એક અસૉલ્ટ રાઇફલનો હુમલો હતો.

ગ્રે લાઇન

ભારતમાં કરોડોને મફત રૅશન મળે છે જ્યારે પાકિસ્તાનમાં લોકો ભોજન માટે વલખાં મારે છે : યોગી આદિત્યનાથ

આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું હતું કે, "પાછલાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે 80 કરોડ લોકોને મફત રૅશન આપ્યું છે."

કૌશાંબીમાં એક સમારોહમાં તેમણે કહ્યું, "ભારત સરકારે પાછલાં ત્રણ વર્ષોથી 80 કરોડ લોકોને મફત રૅશન આપ્યું છે, તેમજ પાકિસ્તાનના લોકો ભોજન માટે વલખાં મારી રહ્યા છે. વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે."

કૌશાંબી મહોત્સવમાં તેમણે કહ્યું, "આજે 612 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું છે. કૌશાંબી ઐતિહાસિકપણે મહત્ત્વપૂર્ણ છે. તે 16 મહાજનપદો પૈકી એક હતું. એવું મનાય છે કે ભગવાન રામ એક રાત માટે અહીં રોકાયા હતા."

તેમણે કહ્યું કે રાજ્યની યોજનાઓ, દરેક ગામ, દરેક ગરીબ, ખેડૂત અને યુવાન સુધી પહોંચી રહી છે.

અમિત શાહે શુક્રવારના રોજ કૌશાંબી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું અને ઘણી નવી યોજનાઓનો પાયો નાખ્યો.

ગ્રે લાઇન

ભારતના વિદેશી હૂંડિયામણના ભંડારમાં 32.9 કરોડ ડૉલરનો ઘટાડો થયો

વિદેશી હૂંડિયામણ

ઇમેજ સ્રોત, UNG YEON-JE

ભારતીય રિઝર્વ બૅન્કે શુક્રવારે જણાવ્યું કે 31 માર્ચના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયાના રોજ ભારતનો વિદેશી હૂંડિયામણનો ભંડાર 32.9 કરોડ ડૉલર ઘટીને 578.449 અબજ ડૉલર થઈ ગયો છે.

પાછલા નાણાકીય વર્ષ દરમિયાન વિદેશી હૂંડિયામણના ભંડારમાં 28.86 બિલિયન અમેરિકન ડૉલરનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર 2021માં દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર 645 અબજ ડૉલરની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો.

ગ્રે લાઇન

બાંગ્લાદેશ : બે વિરોધી જૂથો વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષમાં આઠનાં મૃત્યુ

બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, SANJOY KUMAR BARUA

બાંગ્લાદેશની પોલીસે જણાવયું છે કે બે વિરોધી જૂથો વચ્ચે થયેલ ગોળીબારમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ ઘટના દેશના દક્ષિણ વિસ્તારમાં સ્થિત બંદરબન જિલ્લાના રવાંગચારી ગામમાં ગુરુવારે મોડી સાંજે થઈ હતી.

પોલીસ અનુસાર મૃત્યુ પામેલ લોકોનાં શરીર પર વરદી હતી. ઘટનાસ્થળેથી હથિયાર મળી આવ્યાં છે.

રિપોર્ટ અનુસાર આ ઘટનામાં સામેલ લોકો અલગાવવાદી જૂથ કુકી-ચિન નેશનલ ફ્રન્ટના વિરોધી પક્ષો સાથે જોડાયેલા હતા.

બાંગ્લાદેશ સરકારે ઑક્ટોબરમાં આ જૂથ વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.

ગ્રે લાઇન

એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ નવા ઇન્ફર્મેશન ટેકનૉલૉજી નિયમો પર વાંધો વ્યક્ત કર્યો

ફેક ન્યૂઝ

ઇમેજ સ્રોત, Constantine Johnny/Getty Images

એડટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ શુક્રવારે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી નિયમોમાં કરાયેલાં સંશોધનો અંગે વાંધો વ્યક્ત કર્યો છે.

ગિલ્ડે એક નિવેદન જાહેર કરીને આ નિયમોમાં કરાયેલા ફેરફારોને 'ક્રૂર' ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ આનાથી 'ખરાબ રીતે વ્યથિત' છે.

ગિલ્ડે કહ્યું છે કે આ સંશોધનોથી સરકારને ફેક ન્યૂઝ અંગે નિર્ણય લેવાનો 'નિરંકુશ અધિકાર' મળી જાય છે.

ગિલ્ડે પોતાના નિવેદનમાં સરકારને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) ઍમેન્ડમૅન્ટ રૂલ્સને પાછા ખેંચવાની માગ કરી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે સરકારે પોતાના અગાઉના વાયદા પ્રમાણે આના માટે મીડિયા અને પ્રેસ સંગઠનો સાથે સલાહ-મસલત કરવી જોઈતી હતી.

ગિલ્ડનું કહેવું છે કે નવા નિયમો અંતર્ગત ઇન્ફર્મેશન ઍન્ડ ટેકનૉલૉજી મંત્રાલયે જાતને 'ફૅક્ટ ચેક યુનિટ'નું ગઠન કરવાની સત્તા આપી દીધી છે. જેમની પાસે સરકારના કામકાજ સાથે જોડાયેલા મામલામાં એ નક્કી કરવાનો અધિકાર હશે કે શું ફેક છે અને શું ભ્રામક.

આ સાથે જ આઇટી મંત્રાલયે પોતાની જાતને એવો પણ અધિકાર આપ્યો છે કે તે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો અને અન્ય સેવા આપનાર મધ્યસ્થીઓને આવા કન્ટેન્ટ હઠાવવાનાં નિર્દેશ આપી શકશે.

ગ્રે લાઇન

દક્ષિણનાં રાજ્યમાં હિંદુ ગુરુઓનું યોગદાન ખ્રિસ્તી મિશનરીઓ કરતાં ઘણું વધુ : મોહન ભાગવત

મોહન ભાગવત

ઇમેજ સ્રોત, ANI

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે દક્ષિણનાં ચાર રાજ્યોમાં હિંદુ આધ્યાત્મિક ગુરુઓએ જે સેવા આપી છે એ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાયેલાં કામોથી ઘણી વધુ છે.

જયપુરમાં આરએસએસના રાષ્ટ્રીય સેવા સંગમને સંબોધિત કરતાં તેમણે કહ્યું, "સેવા કરવાથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. જો સમાજનો એક મોટો વર્ગ વંચિત રહી જાય તો દેશની ભલાઈ માટે તેનું ઉત્થાન કરાવું જોઈએ."

સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ અનુસાર, મોહન ભાગવતે કહ્યું, "સામાન્યપણે દેશના બુદ્ધિજીવી મિશનરીઓનો તેમણે આપેલી સેવા બદલ ઉલ્લેખ કરે છે. પરંતુ દક્ષિણનાં ચાર રાજ્યમોમાં હિંદુ આધ્યાત્મિક ગુરુઓની સેવા મિશનરીઓ દ્વારા કરાયેલાં કામ કરતાં ઘણી વધુ છે."

ગ્રે લાઇન

મનીષ સિસોદિયાનો જેલથી પત્ર, વડા પ્રધાન મોદી વિશે શું કહ્યું?

મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા હાલ સીબીઆઈની તપાસ હેઠળ જેલમાં છે.

દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જેલમાંથી પત્ર લખ્યો છે, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

આ ચિઠ્ઠીને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરી છે.

અરવિંદ કેજરીવાલનું ટ્વીટ

ઇમેજ સ્રોત, @ArvindKejriwal Twitter

એમાં મનીષ સિસોદિયાએ લખ્યું છે કે, "દેશના વડા પ્રધાનનું શિક્ષણ ઓછું હોવું દેશ માટે ખૂબ જ જોખમી છે."

તેમણે લખ્યું કે, "નરેન્દ્ર મોદી વિજ્ઞાનની વાતો અને શિક્ષાનું મહત્ત્વ નથી સમજતા. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 60 હજાર સ્કૂલો બંધ કરી છે. ભારતની પ્રગતિ માટે ભણેલા વડા પ્રધાનનું હોવું જરૂરી છે."

ગ્રે લાઇન

કોરોના સંક્રમણના કેસોમાં એકાએક વધારો, આરોગ્ય મંત્રી કરશે સમીક્ષા બેઠક

મનસુખ માંડવિયા

ઇમેજ સ્રોત, ANI

દેશમાં કોવિડના કેસોમાં વધારા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં વાત કરતા કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે કહ્યું કે કેન્દ્ર સરકારે કોવિડ-19ને લઈને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિયમિત રીતે દિશાનિર્દેશ જાહેર કર્યાં છે.

તેમણે કહ્યું કે, "વડા પ્રધાને કોવિડ મુદ્દે તમામ રાજ્યો સાથે સમીક્ષા કરી છે. આજે આરોગ્ય મંત્રી ડૉ. માંડવિયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે."

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુરૂવારે ભારતમાં કોરોનાના સંક્રમણના 5 હજાર 335 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લે 195 દિવસોમાં સૌથી વધુ છે.

દેશમાં ગુરૂવારે સક્રિય કેસ વધીને 25 હજાર 587 થયા છે.

ગ્રે લાઇન

કિરણ પટેલને કાશ્મીરમાં RSSના કાર્યકર્તા, IAS અધિકારીએ સુવિધાઓ અપાવી હતી

કિરણ પટેલ

ઇમેજ સ્રોત, @bansijpatel Facebook

કિરણ પટેલને જમ્મુ કાશ્મીરમાં સુવિધાઓ અપાવવામાં RSSના કાર્યકર્તા અને IAS અધિકારીએ મદદ કરી હતી.

જમ્મુ કાશ્મીરમાં સઘન સુરક્ષા સહિત વૈભવી સરકારી સુવિધાઓ ભોગવનાર કિરણ પટેલને આ સુવિધાઓ અપાવવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ - RSS)ના એક કાર્યકર્તા અને આઈએએસ અધિકારીએ ભાગ ભજવ્યો હતો.

ઇન્ડિયન એક્સ્પ્રેસના એક અહેવાલ અનુસાર વડા પ્રધાન કચેરી (પીએમઓ)ના ઉચ્ચ અધિકારી હોવાનો દેખાવ કરનારા કિરણ પટેલને આરએસએસના રાજસ્થાનસ્થિત કાર્યકર્તા ત્રિલોકસિંહ ચૌહાણ અને પુલવામાના ડેપ્યુટી કમિશનર બસીર ઉલ હક ચૌધરીની મદદથી આ તમામ સરકારી સુવિધાઓ મળી હતી.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલમાં પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઠગ કિરણ પટેલે માર્ચ 2023 સુધીના છેલ્લા છ મહિનામાં ચાર વખત જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને દરેક મુલાકાતમાં તેણે અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ થી પાંચ દિવસ જેટલું રોકાણ કર્યું હતું.

પોતાની આ મુલાકાતો દરમિયાન કિરણ પટેલ બે આઈએએસ અધિકારીઓ, સંખ્યાબંધ જુનિયર અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. આ ઉપરાંત તેણે ત્રણ ગુજરાત વેપારીઓની મહત્ત્વપૂર્ણ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી. તેણે જમ્મુ કાશ્મીરના સ્થાનિક ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને આરએસએસના સંખ્યાબંધ ઉચ્ચ પદાધિકારીઓ સાથે પણ મુલાકાતો કરી.

અહેવાલ અનુસાર પુલવામાના ડેપ્યુટી કમિશનર ચૌધરીએ ઇન્ડિયન એક્સ્પ્રેસને આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે આરએસએસના કાર્યકર્તા ચૌહાણની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ વિશે આરએસએસના એક વરિષ્ઠ અધિકારીએ ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે ત્રિલોકસિંહ ચૌહાણે જમ્મુ કાશ્મીરમાં વિસ્તારક તરીકે કામ કર્યું હતું.

ગ્રે લાઇન

ભિંડરાવાલેની જેમ દેખાવા શું અમૃતપાલ સિંહે વિદેશમાં પ્લાસ્ટિક સર્જરીકરાવી હતી?

અમૃતપાલ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

જનરૈલ સિંહ ભિંડરાવાલેની જેમ દેખાવા માટે 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલ સિંહે ભારતમાં પ્રવેશતા પહેલા પોતાની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર, 80ના દાયકામાં જનરૈલ સિંહ ભિંડરાવાલેએ ખાલિસ્તાન આંદોલનના પ્રમુખ નેતા હતા જેમણે શિખ ચરમપંથનું નેતૃત્ત્વ કર્યું હતું.

વર્ષ 1984ના ઑપરેશન બ્લ્યૂ સ્ટાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

સૂત્રોનું કહેવું છે કે આસામના દિબ્રૂગઢ સૅન્ટ્રલ જેલમાં રહેલા અમૃતપાલના નિકટના સાથીએ તપાસ દરમિયાન આ વાત કહી હતી.

ઇન્ડિયન એક્સ્પ્રેસે ગુપ્ત સૂત્રોને ટાંકીને આ સમાચાર પહેલા પાને છાપ્યા છે.

અખબાર લખે છે કે એક એધિકારીએ જણાવ્યું છે કે ધરપકડ થયેલા લોકોએ ઇન્ટલિજન્સ અધિકારીઓને જણાવ્યું કે અમૃતપાલ સિંહે ભિંડરાવાલેની જેમ દેખાવા માટે કથિતરીતે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. આથી તે ભારત આવતા પહેલા જ્યોર્જિયા ગયા હતા અને ત્યાં લગભગ બે મહિના રહ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન