બર્મિંઘમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે હારી ભારતીય ટીમ, સીરિઝમાં ઐતિહાસિક જીત હાંસલ કરી ન શકી - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇંગ્લૅન્ડે બર્મિંઘમ ટેસ્ટમાં સાત વિકેટથી વિજય હાંસલ કરીને ભારતની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 2-2ની સરસાઈ મેળવી લીધી છે. ઇંગ્લૅન્ડને પાંચમી ટેસ્ટ જીતવા માટે બીજી ઇનિંગ્સમાં 378 રનનું લક્ષ્ય મળ્યું હતું જે તેમણે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું.

બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ સારી બૅટિંગનું પ્રદર્શન કર્યું હતું. જો રૂટ અને જૉની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. બેયરસ્ટોએ પ્રથમ ઇનિંગ્સમાં પણ સદી ફટકારી હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 416 રન બનાવ્યા હતા જ્યારે ઇંગ્લૅન્ડે માત્ર 284 રન બનાવ્યા હતા.

પ્રથમ ઇનિંગ્સના આધાર પર ભારતે 132 રનની લીડ મેળવી હતી. પરંતુ બીજી ઇનિંગ્સમાં ભારતે હતાશાજનક બૅટિંગ કરી અને ટીમ માત્ર 245 રન જ બનાવી શકી.

ગત વર્ષે શરૂ થયેલી આ સીરિઝની ચાર મૅચોમાં ભારત બે-એકથી આગળ છે પરંતુ પાંચમી ટેસ્ટ અત્યારે રમાઈ અને ભારત આ મૅચ હારીને ઇંગ્લૅન્ડમાં ઇતિહાસ રચી ન શકી.

ગુજરાતમાં ફ્રી વીજળી જોઈએ તો 'આપ' માટે મત કરો : કેજરીવાલ

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સોમવારે પાર્ટી દ્વારા આયોજિત 'બીજલી સંવાદ' સેશનમાં કહ્યું કે જો આપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતશે તો રાજ્યને મફત વીજળી અપાશે.

કેજરીવાલે આ સંવાદમાં ગુજરાતની વીજળીની તકલીફને ધ્યાને રાખીને તેના નિરાકરણ સાથે આવતા રવિવારે ફરીથી ગુજરાત આવવાની વાત કરી હતી.

તેમણે આગળ કહ્યું કે લોકોને મફત વીજળી આપવાનું શક્ય છે એ પણ રાજ્ય દ્વારા કોઈ પણ જાતનાં નાણાકીય બોજા કે લૉન સંબંધિત મદદ લેવાયા વગર.

કેજરીવાલે આ સંદર્ભે વાત આગળ વધારતાં કહ્યું હતું કે, "મોટા ભાગે લાઇટ બિલના દર વાસ્તવિક ખર્ચ કરતાં વધુ હોય છે. હાલ દિલ્હીમાં 73 ટકા લોકો અને પંજાબમાં 80 ટકા લોકોને મફત વીજળી મળી રહી છે."

સ્ટાર્ટઅપ ઇકૉસિસ્ટમ બાબતે દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે

લાઇવમિન્ટ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા જાહેર કરાયું હતું કે ગુજરાત અને કર્ણાટક સ્ટાર્ટઅપ ઇકૉસિસ્ટમ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે.

જ્યારે આ ઇન્ડેક્સમાં બિહાર અને લદ્દાખનું પ્રદર્શન સારું રહ્યું નથી.

આ સિવાય કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગણા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લેવાયેલ પગલાં બાબતે 'ટૉપ પરફોર્મર' રાજ્યો સાબિત થયાં હતાં.

નોંધનીય છે કે સતત ત્રીજા વર્ષે ગુજરાત આ બાબતે શ્રેષ્ઠ રાજ્ય તરીકે સામે આવ્યું છે.

કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે આ ઇન્ડેક્સ સંદર્ભે રાજ્યોને 26 ઍક્શન પૉઇન્ટ આધારે સાત સુધારાક્ષેત્રે આંકવામાં આવ્યાં હતાં. જેમાં સંસ્થાગત સહાય અને નવીન શોધને પ્રોત્સાહન જેવા માપદંડોને ધ્યાને લેવાયા હતા.

નૂપુર શર્મા પર પોસ્ટ અને ઉમેશ કોલ્હેની હત્યા વચ્ચે સંબંધ?

મહારાષ્ટ્રના અમરાવતીમાં કૅમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાને લઈને પોલીસ કમિશનર આરતીસિંહે સાંસદ નવનીત રાણાના આરોપો અંગે જવાબ આપ્યો છે.

તેમણે જણાવ્યું છે કે ઉમેશ કોલ્હેની હત્યાનું નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા સાથે સંબંધ હતો, તેની જાણકારી પોલીસને પહેલાંથી હતી પરંતુ મામલો સંવેદનશીલ હતો અને તેથી તે સમયે એ વિશે નહોતું જણાવાયું.

નવનીત રાણાએ ગૃહમંત્રીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ઉમેશ કોલ્હેની હત્યા બાદ અમરાવતી કમિશનર આરતીસિંહે આને લૂંટનો મામલો ગણાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશ એજન્સી (એનઆઈએ)એ ઉમેશ કોલ્હેની હત્યાના તમામ સાત આરોપીઓની ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આરોપીઓને 8 જુલાઈના રોજ એનઆઈએની મુંબઈ કોર્ટમાં રજૂ કરી શકાય છે. મામલામાં એક આરોપી શમીમ અહમદ હજુ પણ ફરાર છે.

ઉમેશ કોલ્હે પર 21 જૂનના રોજ ત્રણ લોકોએ રાત્રે દસથી સાડા દસ વચ્ચે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હૉસ્પિટલમાં ઇલાજ દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમણે એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણી કરનાર નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો