હેલમેટની જોગવાઈ : ગુજરાત સરકારના માથે 'કાંટાળો તાજ' છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
દ્વિચક્રી વાહનચાલકો તથા સહસવારોએ ફરજિયાત હેલમેટ પહેરવા મુદ્દે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે અને પૂછ્યું છે કે આ મુદ્દે તેમણે 16 વર્ષ પહેલાં આપેલાં આદેશનો અમલ કેમ નથી થતો?
આ પહેલાં ગુજરાતમાં સપ્ટેમ્બર-2019થી જાન્યુઆરી-2020 દરમિયાન 'અમલ અને છૂટ'નું રાજકારણ ચાલ્યું હતું, પરંતુ એ પછી કોરોના આવતાં તેનો અમલ અભેરાઈએ ચઢાવાઈ દેવાયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકાર દ્વારા લાંબા સમય પછી મોટર વ્હીકલ ઍક્ટમાં સુધાર કરીને માર્ગ પરિવહનને વધુ સલામત બનાવવા માટે દંડ અને સજાની જોગવાઈમાં અસામાન્ય વધારો કરવામાં આવ્યો હતો.
લગભગ 16 વર્ષ અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપીને ગુજરાતમાં ટુ-વ્હીલર વાહનચાલકો તથા સહસવારો માટે હેલમેટ ફરજિયાત બનાવી હતી.

'અમલ કેમ નથી કર્યો?'

ઇમેજ સ્રોત, Getty Images
ડિસેમ્બર-2021માં બે મહિલા સ્કૂટર ઉપર જઈ રહી હતી, ત્યારે તેમની સાથે પોલીસે ગેરવર્તણૂક કરી હતી અને મારઝૂડ કરી હોવાનો આરોપ મુકાયો હતો . હાઈકોર્ટના અનાદરનો મુદ્દો મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર તથા જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચ સમક્ષ પહોંચ્યો હતો.
ત્યારે ખંડપીઠે નોંધ્યું હતું કે મોડી રાત્રે મહિલાઓને માર મારવા તથા તેમની ધરપકડ અને તેમને થયેલા માનસિક ત્રાસ બદલ જવાબદાર પોલીસ કર્મચારીઓએ વ્યક્તિગત રીતે તેમને વળતર ચૂકવવું.
સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ રજૂ ન કરી શકતા અદાલતે પોલીસતંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે જ્યારે પોલીસની સામે ફરિયાદ થાય ત્યારે જ સીસીટીવી કેમ બંધ હોય છે?
સરકાર દ્વારા દલીલ આપવામાં આવી હતી કે ફરજિયાત હેલમેટના નિયમના અમલ સમયે કેટલાક લોકો ઉગ્ર બની જાય છે અને પોલીસ સાથે દલીલ, ઘર્ષણ અને કેટલીક વખત મારામારી ઉપર ઊતરી આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આના પર ટિપ્પણી કરતાં અદાલતે કહ્યું હતું કે હજારો લોકો હેલમેટ વગર ફરે છે ત્યારે ઘર્ષણ થાય તો પણ અદાલતના આદેશનું પાલન કરાવવાની જવાબદારી સરકારની છે.

હેલમેટ: સરકારનો 'કાંટાળો તાજ'

ઇમેજ સ્રોત, FB?/BHUPENDRA PATEL
ગુજરાત પોલીસ દ્વારા માર્ચ મહિનામાં 'લક્ષ્યાંક પૂરો કરવા માટે' વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હેલમેટ નહીં પહેરનારા લોકોની સામે કેસ કરવામાં આવશે અને ચલણ ફટકારવામાં આવશે, એવો પત્ર વાઇરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી હતી.
આ પછી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હેલમેટનો નિયમ માત્ર હાઈવે માટે છે અને શહેરી તથા નગરવિસ્તારમાં તેનો અમલ કરવામાં નહીં આવે.
આ પહેલાં સપ્ટેમ્બર-2019માં કેન્દ્ર સરકારના સૂચન બાદ વર્ષો બાદ મોટર વ્હીકલ ઍક્ટની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ હેલમેટ વગર ડ્રાઇવિંગ, સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ, બે પૈડાંવાળાં વાહન પર બે કરતાં વધુ સવાર વગેરે જેવા 'સામાન્ય મનાતા' ગુના માટેની આર્થિક તથા દંડનીય જોગવાઈઓમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. છતાં તે કેન્દ્ર સરકારની ભલામણો કરતાં ઓછો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નવી જોગવાઈઓના આધારે ગુજરાત પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. જેની સામે કૉંગ્રેસે ગાંધીચીંધ્યા માર્ગે સત્યાગ્રહ હાથ ધર્યો હતો. લોકોમાં પણ ચલાનની રકમ સામે ભારે આક્રોશ ઊભો થયો હતો. એ અરસામાં જ વિધાનસભાની છ બેઠક પર ચૂંટણી યોજાઈ રહી હતી.
લોકાક્રોશ જોતાં રાજ્ય સરકારે તેનો અમલ 'હંગામી ધોરણે' કોરાણે મૂકી દીધો હતો અને શહેરી તથા નગરવિસ્તારને બાકાત રાખીને 'માત્ર હાઈવે' પર તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.
પાછળ બેઠેલાં મહિલાઓ તથા બાળકોને પણ તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
જાન્યુઆરી-2020માં ગુજરાત હાઈકોર્ટમાં હેલમેટના કાયદાની અમલવારી વિશે એક જાહેરહિતની અરજીની દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરવામાં આવી, ત્યારે તત્કાલીન વિજય રૂપાણી સરકારે સોગંદનામા પર જણાવ્યું કે હેલમેટના કાયદાનો અમલ કરવામાં આવશે અને કોઈ છૂટ આપવામાં આવી નથી.
એ પહેલાં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી, તત્કાલીન નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા માર્ગ અને પરિવહનમંત્રી આર. સી. ફળદુએ આ મુદ્દે વિરોધાભાસી નિવેદન આપ્યાં હતાં.
વર્ષ 2006માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે હાઈકોર્ટ દ્વારા ટુ-વ્હીલરચાલક તથા તેની પાછળ બેસનારાને માટે હેલમેટને ફરજિયાત બનાવ્યું હતું. જોકે તેનો અસરકારક અમલ થઈ શક્યો ન હતો.
એક અહેવાલ અનુસાર, વર્ષે 2018માં હેલમેટ વિના ટુ-વ્હીલર ચલાવતા 43,600 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ મોતનો આંકડો 2017ના વર્ષ કરતાં 21 ટકા વધારે હતો. 2017માં હેલમેટ વિના અકસ્માતમાં 35,975 લોકોનાં મોત થયાં હતાં.
આ સમયગાળામાં મોટરસાઇકલની પાછળ હેલમેટ વિના બેઠેલા 15,360 લોકો મૃત્યુ પામ્યા હતા. તો ગુજરાતમાં હેલમેટ વિના ટુ-વ્હિલર ડ્રાઇવ કરી રહેલા 958 લોકો ગયા વર્ષે અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























