મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે ભાજપ છોડ્યો, પિતાની બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે- પ્રેસ રિવ્યૂ
ગોવાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પિતાની પરંપરાગત પણજી બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે.
ઉત્પલે ભાજપ પાસેથી પણજી બેઠકની ટિકિટ માગી હતી, પરંતુ ભાજપે અતાંશિયો 'બાબુશ' મૉનસર્ટેને ટિકિટ આપી છે. આ સિવાય તેમનાં પત્ની તથા રાજ્યમાં મહેસૂલમંત્રી જેનિફર મૉનસર્ટેને પણ ટિકિટ આપી છે.

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના કહેવા પ્રમાણે, "ભાજપ માટે પર્રિકર પરિવાર અમારા માટે પરિવાર જેવો જ છે. ઉત્પલને વિકલ્પરૂપે બે અન્ય બેઠકની ઑફર કરવામાં આવી હતી. હાલના ધારાસભ્યને હઠાવવા યોગ્ય ન હોત."
2019માં પર્રિકરના અવસાન પછી મૉનસર્ટે ચૂંટાઈ આવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ભાજપ દ્વારા 40માંથી 34 બેઠક જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમાં પણજી બેઠક પર ઉત્પલનું નામ ન હતું. ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ પાર્ટી છોડી શકે છે.
લગભગ 25 વર્ષ સુધી પર્રિકરે પણજી બેઠકનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. ગોવામાં ભાજપનો પાયો નાખવામાં પર્રિકરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે ત્રણ વખત મુખ્ય મંત્રીપદ સંભાળ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ શરૂ?
'ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે ગુરુવારે પાર્ટીના 40 હજાર કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ વાતને ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાચૂંટણીની તૈયારીની શરૂઆત સ્વરૂપે જોવામાં આવી રહી છે.
કોવિડ પ્રોટોકોલના કારણે 579 સ્થળો પર કાર્યકર્તાઓના સમૂહોને વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, CR Patil/fb
પાટીલે કહ્યું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકર્તાઓ સાથે 25 જાન્યુઆરીના રોજ વર્ચ્યુઅલ મિટિંગમાં વાર્તાલાપ કરશે."
"આ દરમિયાન તેઓ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓને સલાહ આપશે. નમો ઍપ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પસંદ કરાયેલા કાર્યકર્તાઓને વાર્તાલાપમાં જોડાવાની લિંક મળશે."
ભાજપે સમગ્ર ગુજરાતને 579 બ્લૉકમાં વિભાજિત કર્યું છે. જે પૈકી તમામમાં 50થી 100 કાર્યકર્તાઓને હાજર રહેવા આમંત્રિત કરાશે.
નોંધનીય છે કે રાજ્યમાં આગામી ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે.
આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાતમાં ચૂંટણીમાં માહોલ જામવાની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

સુરતમાં ટેક્સટાઇલ મિલમાં ફાટી નીકળેલી આગમાં ત્રણ મજૂરોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Dharmesh Amin
સુરતમાં બારડોલી ખાતે ટેક્સટાઇલ ડાઇંગ ઍન્ડ પ્રિન્ટિંગ મિલમાં ગુરુવારે લાગેલી આગમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
'NDTVના અહેવાલ અનુસાર' ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી દસ લોકોને બચાવી લેવાયા હતા.
આગમાં મૃત્યુ પામેલા ત્રણ લોકો સુથારીકામ માટે આવ્યા હતા. મૃતદેહો પ્રથમ માળે મળ્યા હોવાનું બારડોલીના ચીફ ફાયર ઑફિસર પી. બી. ગઢવીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે ગુરુવારે વહેલી સવારે 3.30 વાગ્યે મિલમાં આગ ફાટી નીકળી હતી જે 12 વાગ્યા પછી કાબૂમાં લેવાઈ હતી.
ચીફ ફાયર ઑફિસર ગઢવીએ આગળ જણાવ્યું હતું કે આ આગની 'મોટી' ઘટના હતી. તેના કારણે ફાયર-બ્રિગેડનાં 15 વાહનો તથા બારડોલી, સુરત, સચિન, વ્યારા, ગણદેવી, નવસારી, બિલિમોરા અને બે ખાનગી એકમોના 100 ફાયરમૅનને આગ કાબૂમાં લેવા બોલાવાયાં હતાં.

T-20 વિશ્વ કપ 2022ની જાહેરાત થઈ, ભારતની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ વર્ષે ઑક્ટોબર માસમાં યોજાનાર T-20 વિશ્વકપ માટે ICCએ પોતાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
22 ઑક્ટોબરથી તેની શરૂઆત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની મૅચથી થશે.
બીજી તરફ 23 ઑક્ટોબરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે હશે. આ મેદાન પર એશિયાની બે ટીમ વચ્ચે પ્રથમ વખત સ્પર્ધા યોજાશે.
T-20 વિશ્વકપનું આઠમું સંસ્કરણ આમ તો 16 ઑક્ટોબરે શરૂ થશે પરંતુ 21 ઑક્ટોબર સુધી માત્ર ક્વૉલિફાયર મૅચો જ યોજાશે. આ વિશ્વકપ ઑસ્ટ્રેલિયાનાં સાત ક્રિકેટ ગાઉન્ડ પર રમાશે અને 13 નવેમ્બરના રોજ ફાઇનલ MCGમાં થશે.
ઑસ્ટ્રેલિયામાં પ્રથમ વખત યોજાઈ રહેલા પુરુષ T-20 વર્લ્ડકપ દરમિયાન કુલ 16 ટીમો 45 મૅચો રમશે.
ભારતને ગ્રૂપ-2માં રાખવામાં આવ્યું છે જ્યાં તે પાકિસ્તાન સિવાય, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ક્વૉલિફાયર ગ્રૂપ બીના વિજેતા અને ક્વૉલિફાયર ગ્રૂપ એના રનર અપ સાથે મૅચ રમશે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























