ગુજરાતમાં આલ્ફા, ડેલ્ટા બાદ હવે 'કપ્પા' વૅરિયન્ટ મળી આવ્યો TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાંથી કોરોના વાઇરસના 'કપ્પા' વૅરિયન્ટના કેસ મળી આવ્યા છે.

'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ રાજ્યના આરોગ્ય વિભાગે શનિવારે કહ્યું કે પહેલી વખત ગુજરાતમાં કોરોના વાઇરસના 'કપ્પા' વૅરિયન્ટના પાંચ કેસ મળી આવ્યા છે.

જામનગરમાં ત્રણ, ગોધરામાં બે અને મહેસાણામાં આ વૅરિયન્ટનો એક કેસ મળી આવ્યો છે.

આરોગ્ય વિભાગે કહ્યું કે માર્ચ અને જૂનની વચ્ચે કોરોનાથી સંક્રમિત થયેલા આ દર્દીઓના નમૂનાના જિનોમ સિક્વન્સિંગમાં જોવા મળ્યું કે તેઓ નવા વૅરિયન્ટથી સંક્રમિત થયા હતા.

આઈસીએમઆર અનુસાર, કપ્પા વૅરિયન્ટને 'વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ' તરીકે વર્ગીકૃત કરાયો છે, તે 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન' નથી.

આરોગ્ય વિભાગે આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધી કાઢ્યા છે.

તેવું જણાવાયું છે, "સંપર્કમાં આવેલી કોઈ પણ વ્યક્તિમાં અત્યાર સુધી કોવિડ-19નાં લક્ષણ જોવાં મળ્યાં નથી. આરોગ્ય વિભાગે જે વિસ્તારમાંથી કેસ મળી આવ્યા છે ત્યાં પણ સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે."

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 8,24,683 કેસ નોંધાયા છે, જેમાંથી 8,14,265 સાજા થઈ ગયા છે.

હાલમાં રાજ્યમાં કોરોના વાઇરસના 342 સક્રિય કેસ છે.

અમદાવાદમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટ, નવનાં મૃત્યુ

એનડીટીવી ડોટકોમના એક અહેવાલ અનુસાર અમદાવાદ શહેરની બહારના વિસ્તારમાં એલપીજી સિલિન્ડરમાંથી ગૅસ લીક થવાના કારણે વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલાં ચાર બાળકો અને અન્ય પાંચ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

20 જુલાઈની રાતે આ ઘટના ઘટી હતી અને ગત દિવસોમાં આઠ પીડિતોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે નવમા પીડિતે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા.

પીડિતો મધ્ય પ્રદેશના હતા અને અમદાવાદમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.

લદ્દાખમાં ભારતે 15 હજાર સૈનિકો તહેનાત કર્યા

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં 15,000થી વધારે સૈનિકોને તહેનાત કર્યા છે. આ સૈનિકો જમ્મુ-કાશ્મીરમાં સેનાના 'આતંકવાદવિરોધી એકમ'નો ભાગ છે.

સૂત્રોએ ઇન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું કે, "ચીનનો સામનો કરવા માટે કેટલાક મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી જૂથના 15 હજાર સૈનિકો લદ્દાખ સેક્ટરમાં મોકલવામાં આવ્યા હતા."

તેમણે કહ્યું કે આ સૈનિક લદ્દાખ સેક્ટરમાં ઘણા સમયથી તહેનાત છે અને પીપલ્સ લિબરેશન આર્મીના ભવિષ્યનાં કોઈ પણ પગલાંનો અસરકારક રીતે સામનો કરવા માટે લેહની 14 કૉર્પ્સની મદદ કરશે.

ગત વર્ષે પૂર્વ લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જે બાદ ભારતે અહીં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

એક ડિવિઝનના બદલે લદ્દાખ સેક્ટરમાં હવે વધારાના એકમ સાથેની બે સંપૂર્ણ ડિવિઝન તહેનાત કરાયાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો