કામરેજના ભાજપ ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ 'રેમડેસિવિર ઇન્જેક્શન' આપવાના વિવાદ પર શું કહ્યું?

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
કોઈ પણ લાયકાત વગર કોવિડ-19ના દર્દીને કથિતપણે ઇન્જેકશન આપનારા કામરેજ વિધાનસભાના ભાજપના ધારસભ્ય વી. ડી. ઝાલાવાડિયાએ વિવાદ થયા પછી કહ્યું છે કે 'હવે આવું ફરી નહીં થાય, તેનું તેઓ ધ્યાન રાખશે.'
ઝાલાવાડિયાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ કોવિડ સેન્ટરમાં એક બૉટલમાં ઇન્જેકશન મારતા દેખાઈ રહ્યા હતા
આ વીડિયો સામે આવ્યા બાદ તેમની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા પણ થઈ હતી.
વિવાદ બાદ તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને કહ્યું છે કે 'આવું બીજી વખત નહીં થાય તે વાતનું તેઓ ધ્યાન રાખશે.'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વીડિયોમાં તેઓ એક કોવિડ સેન્ટરમાં એક બાટલામાં ઇન્જેક્શન મારતા દેખાઈ રહ્યા હતા, એવું મનાઈ રહ્યું છે કે તે ઇન્જેકશન રેમડેસિવિરનું હતું.
આ ઘટના બાદ લોકો એવા પ્રશ્નો પૂછી રહ્યા હતા કે તેઓ ડૉક્ટર ન હોવા છતાં દર્દીને ઇન્જેકશન કેવી રીતે આપી શકે.
આ અંગે તેમનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક કર્યો હતો.
બીબીસી ગુજરાતીએ તેમની પાસેથી લોકોનાં મનમાં ઊઠી રહેલા પ્રશ્નોના જવાબ માગ્યા હતા. વાંચો આ વાતચીતના ખાસ અંશ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લાયકાત ન હોવા છતાં કેવી રીતે આપ્યું ઇન્જેક્શન?

ઇમેજ સ્રોત, UGC
આ વાઇરલ થયેલા વીડિયો અંગે જ્યારે અમે તેમના મત વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે, "રેમડેસિવિર ઇન્જેક્શનનાં પાઉડર અને લિક્વિડના મિશ્રણને સાથે ભેળવવાનું હોય છે. "
"તબીબોની હાજરીમાં તેમના માર્ગદર્શનમાં હું કામ કરી રહ્યો હતો. હું તો બસ મદદ કરી રહ્યો હતો."
જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને પુછ્યું કે તમે કોઈ દર્દીને ઇન્જેક્શન આપવાની લાયકાત ન ધરાવતા હોવા છતાં, આવું કેવી રીતે કરી શકો?
તો આ પ્રશ્નનો જવાબ વાળતાં તેમણે કહ્યું હતું કે, "હું દર્દીને ઇન્જેક્શન આપી રહ્યો હતો, એ બિલકુલ ખોટી વાત છે. મેં પહેલાં કહ્યું એમ હું પાઉડર અને લિક્વિડ એક સાથે ભેળવી રહ્યો હતો અને ઇન્જેક્શનને દવાની એવી બૉટલમાં નાખી રહ્યો હતો, જે કોઈ દર્દીને આપવામાં નહોતી આવી રહી."
જ્યારે બીબીસી ગુજરાતીએ પુછ્યું કે શું એ બૉટલ કોઈ દર્દીને આપવામાં આવી છે ખરી?
આ પ્રશ્નના જવાબમાં ઝાલાવાડિયા જણાવે છે કે તઓ આ પ્રક્રિયા તબીબોની હાજરીમાં કરી રહ્યા હતા. તેમજ તેમના કોઈ વિરોધીએ લોકો વચ્ચે ખોટો સંદેશ જાય તે હેતુથી આ વીડિયો ફરતો કર્યો છે.

'બદનામ કરવાનું કાવતરું'

ઇમેજ સ્રોત, UGC
તેમને આ વીડિયો કોણે બનાવ્યો એ અંગે પુછાતાં ધારાસભ્ય ઝાલાવાડિયાએ કહ્યું કે, "એ રૂમમાં ઘણા લોકો હાજર હતા. તેથી કોનું નામ આપવું?"
"પરંતુ એટલું તો ચોક્કસ છે કે લોકોમાં ખોટો સંદેશો ફેલાય અને લોકો વચ્ચે મને બદનામ કરવાના આશયથી આ વીડિયો ફરતો કરવામાં આવ્યો છે."
તેઓ પોતાની કોવિડ-19 સેન્ટરમાં હાજરી અંગેનું કારણ જણાવતાં કહે છે કે, "અમે પાછલા 45 દિવસથી કામરેજ અને વરાછાના મતદારો માટે સુરત મહાનગરપાલિકા સાથે મળીને કોવિડ સેન્ટર ચલાવીએ છીએ."
તેમના જણાવ્યા મુજબ તેઓ આ સેન્ટરમાં સેવા આપવા માટે ગયા હતા. તેમની સાથે અન્ય ઘણા કાર્યકરો પણ સેવા આપતાં હોવાનું તેઓ જણાવે છે.
ઝાલાવાડિયા દાવો કરે છે કે, તેમણે શરૂ કરેલા કોવિડ-19 સેન્ટરમાં અત્યાર સુધી 211 જેટલા લોકો સાજા થઈને પોતાના સ્વજનો પાસે જઈ ચુક્યા છે. તેમજ આ સેન્ટરના સંચાલન માટે કોઈ પણ દાન લેવામાં આવતું નથી. સંપૂર્ણ સેવાભાવથી આ કાર્ય કરવામાં આવે છે.
તેઓ કહે છે કે હવે અમે આગળ પણ લોકોની મદદ કરવાનું ચાલુ રાખીશું. જોકે તેઓ કહે છે તેમણે પાર્ટીના સિનિયર નેતાઓને બાંહધરી આપી છે કે હવેથી આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























