'લૉકડાઉન અંગે બુધવારે ઉદ્ધવ ઠાકરે જાહેરાત કરશે' મહારાષ્ટ્રના મંત્રી રાજેશ ટોપેએ કહ્યું - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

મહારાષ્ટ્રના તમામ મંત્રીઓએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લૉકડાઉન લાદવા અપીલ કરી છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે લૉકડાઉન અંગે બુધવારે રાત્રે આઠ વાગ્યા જાહેરાત કરશે.

ટોપેએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું, "અમે મુખ્ય મંત્રીને મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન લાદવા વિનંતી કરી છે."

"તમામ મંત્રીઓની આ જ વિનંતી હતી, હવે નિર્ણય તેમનો હશે."

રાહુલ ગાંધી કોરોના સંક્રમિત, હળવાં લક્ષણો બાદ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત થયા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તેમને હળવાં લક્ષણો હતાં, જ્યારબાદ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું, "જે લોકો હાલના સમયમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ સુરક્ષા પ્રોટોકોલનું અનુસરણ કરે અને સુરક્ષિત રહે."

મહત્ત્વનું છે કે ગઈકાલે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો જ્યારબાદ તેમને AIIMSમાં દાખલ કરાયા હતા.

ગુજરાતમાં લૉકડાઉન અંગે ડેપ્યુટી CM નીતિન પટેલે શું કહ્યું?

સોમવારે ગુજરાતમાં કોરોનાના 11 હજાર કરતાં વધુ કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન રાજ્યમાં સતત વધી રહેલા સંક્રમણને પગલે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ રાજ્યવ્યાપી લૉકડાઉન લાદી દેવાશે, તેવી વાતો વહેતી થઈ હતી.

જેની પાછળ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીમાં કરેલી લૉકડાઉનની જાહેરાતને જવાબદાર મનાઈ રહી હતી.

જોકે ફરી એક વાર રાજ્યવ્યાપી લૉકડાઉનની તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકતાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે રાજ્યમાં ફરી લૉકડાઉન નહીં લદાય, એવો ઇશારો કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના અહેવાલ અનુસાર તેમણે રાજ્યમાં લૉકડાઉન લદાશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં મીડિયાકર્મીઓને કહ્યું હતું કે, "એ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે લૉકડાઉન સંક્રમણની ચેઇન તોડવામાં સંપૂર્ણપણે સફળ રહેશે."

તેમણે આ વાતચીતમાં આગળ કહ્યું હતું, "રાજ્યનાં 20 શહેરોમાં પહેલાંથી જ નાઇટ કર્ફ્યુ અમલમાં છે. ઘણાં શહેરો અને ગામો સ્વૈચ્છિક લૉકડાઉન પાળી રહ્યાં છે."

"નિષ્ણાતો સાથેની અમારી ચર્ચામાંથી જાણવા મળ્યું છે કે જો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે અને તમામ નિયમોનું પાલન કરે તો લૉકડાઉનની કોઈ જરૂર નથી."

ગુજરાત : રેમડેસિવિરની કાળાબજારીના આરોપમાં ફાર્મા કંપનીના અધિકારીની ધરપકડ

સ્ક્રોલ ડોટ ઇનના એક અહેવાલ પ્રમાણે વલસાડ પોલીસે 15 એપ્રિલના રોજ કોરોનાની માંદગીમાં દર્દીઓ માટે અતિ મહત્ત્વની ગણાતી દવા રેમડેસિવિરની કાળાબજારીના આરોપમાં બ્રૂક ફાર્માના ટેકનિકલ ડિરેક્ટર અને તેમના એક સાથીદારની ધરપકડ કરી હતી.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શનિવારે આ જ કંપનીના ડિરેક્ટર રાજેશ ડોકાણિયાની મુંબઈ પોલીસ દ્વારા કરાઈ રહેલી પૂછપરછમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પડ્યા હોવાની વાત જાહેર થઈ હતી.

મહારાષ્ટ્ર પોલીસે ડોકાણિયાની ધરપકડ કરી હતી. તેમના પર રેમડેસિવિર દવાના 60 હજાર ડોઝ ઍૅર કાર્ગો થકી વિદેશ મોકલવાનો આરોપ હતો.

નોંધનીય છે કે હાલ દેશમાં સર્જાયેલી અછતને પગલે આ દવાની નિકાસ પર પ્રતિબંધ છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આ ઇન્જેક્શન મેળવવા માટે ખાનગી હૉસ્પિટલોની બહાર લાંબી-લાંબી લાઇનોમાં લોકો સબડતા જોવા મળ્યા હતા.

અહેવાલ પ્રમાણે વલસાડના વાપી ટાઉનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "આ મામલામાં બ્રૂક ફાર્મા કંપનીના ટેકનિકલ ડિરેક્ટર મનીષ સિંઘ અને વરુણ કુંદરા નામના તેમના એક સાથીદારની ધરપકડ કરાઈ છે."

"પોલીસે છટકું ગોઠવીને મોંઘા ભાવે વેચાતી રેમડેસિવિર દવાના ઇન્જેક્શનોની કાળાબજારી અટકાવી હતી."

રાજસ્થાનના મંત્રીનો આરોપ : ગુજરાતને વધુ પ્રમાણમાં અપાઈ રહ્યો છે ઓક્સિજનનો જથ્થો

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે રાજસ્થાનના સ્વાસ્થ્યમંત્રી રઘુ શર્માએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, "બંને રાજ્યોમાં કોરોનાની સમાન પરિસ્થિતિ હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 1200 મેટ્રિક ટન, જ્યારે રાજસ્થાનને 124 મેટ્રિક ટન ઓક્સિજન જ અપાયો."

તેમણે આગળ કહ્યું કે "ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં કોરોનાના એકસમાન કેસો છે. જો અમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો અમે અમારા લોકોના જીવ કઈ રીતે બચાવીશું?"

તેમણે ઓક્સિજન અંગે રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થા અંગે વાત કરતાં કહ્યું, "સરકારે આગામી દિવસોમાં ઓક્સિજનના 1500 કન્ડેન્સર મેળવવા માટેનો ઑર્ડર આપી દીધો છે. જે ત્રણ હજાર દર્દીઓને કામ લાગશે."

જોકે, તેમણે રાજ્યને હજુ વધારે જથ્થામાં ઓક્સિજનની જરૂરિયાત હોવાની વાત પર ભાર મૂક્યો હતો.

ગુજરાતમાં RT-PCR ટેસ્ટના ભાવ ઘટાડાયા

એક તરફ ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. તેની સામે રાજ્ય સરકારના મહામારીની રોકથામ માટેના પ્રયત્નોનાં પરિણામ ન મળી રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજ્ય સરકારે કોરોનાના પ્રસારને કાબૂમાં લેવા માટેના પોતાના પ્રયત્નોની કડીમાં વધુ એક નિર્ણયનો ઉમેરો કર્યો છે.

આ નિર્ણય છે રાજ્યમાં કોરોનાના અસરકારક ટેસ્ટ ગણાતા એવા RT-PCR ટેસ્ટની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો.

ધ હિંદુ બિઝનેસલાઇન ડોટકૉમના અહેવાલ પ્રમાણે રાજ્ય સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે હવેથી રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમિતોને શોધવા માટે મદદરૂપ RT-PCR ટેસ્ટ માટે લૅબોરેટરીને 700 રૂપિયા જ ચૂકવવાના રહેશે.

જ્યારે ઘરે આવીને નમૂનો લઈ જવાની સેવા મેળવવા માટે આ ટેસ્ટનો ભાવ 900 રૂપિયા નક્કી કરાયો છે. આ નિયમ 20 એપ્રિલથી અમલમાં આવશે.

નોંધનીય છે કે અગાઉ આ ટેસ્ટ માટે 1500 રૂપિયા ચૂકવવા પડતા હતા. જ્યારે એ અગાઉ આ ટેસ્ટ કરાવવા માટે સામાન્ય વ્યક્તિએ 2500 રૂપિયા ચૂકવવા પડતા હતા.

માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કોરોના વાઇરસની બીજી લહેરને પગલે વધી રહેલા કેસોને જોતાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પણ RT-PCR ટેસ્ટની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દેવાયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો