ભાવનગર : 'ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અને સૌથી મોટી મૂર્તિ પણ હૉસ્પિટલમાં બેડની કમી' - સોશિયલ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક દૃશ્ય ઊભું કરે છે, ત્યારે ગુરૂવારે સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચા છવાયેલી રહી હતી.

રાજકીયપક્ષો અને રાજનેતાઓએ ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિ વિશે વીડિયો કે માહિતીને સોશિયલ મીડિયા ઉપર મૂકીને ચિંતા પ્રગટ કરી હતી.

અત્રે એ નોંધનીય આ વીડિયો અને માહિતી જે-તે રાજકીયપક્ષ કે વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે. બીબીસી સ્વતંત્ર રીતે તેની ખરાઈ નથી કરતું.

ગુજરાત સરકારનું કહેવું છે કે 'વ્યક્તિગત કિસ્સા' ઉપર જાહેરમાં પ્રતિભાવ નહીં આપે અને યોગ્યસ્તરે યોગ્યવ્યક્તિ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવશે તો દરેક કિસ્સામાં જરૂરી પગલાં લેવામાં આવશે.

ગુરુવારે સાંજની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કોરોનાના ચાર હજાર 21 નવા કેસ નોંધાયા છે, જ્યારે માત્ર 2197 દરદીને જ રજા આપવામાં આવી હતી. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 92.44 ટકા ઉપર આવી ગયો છે.

ગુજરાતના 20 શહેરોમાં સાંજે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે.

ઑલ ઇન્ડિયા તૃણમુલ કૉંગ્રેસે એક વીડિયો ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે તે ભાવનગરની સિવિલ હૉસ્પિટલમાં દરદીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તો પણ તેઓ જમીન પર સબડી રહ્યા હતા.

ટ્વીટમાં પાર્ટીએ લખ્યું, 'બીજી બાજુ વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી બંગાળને સપનાં વેચવામાં વ્યસ્ત છે. જો આ સ્વર્ણિમ ગુજરાત હોય તો અમને માફ કરી દો. અમને સોનાર બાંગ્લા નથી જોઈતું.'

બંગાળમાં શનિવારે ચોથા તબક્કાનું મતદાન યોજાશે. અહીં ટીએમસી, ભાજપ અને ડાબેરી-કૉંગ્રેસ ગઠબંધન વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.

રાજ્યસભામાં શિવસેનાનાં સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ગુજરાતમાં આરોગ્યક્ષેત્રની આવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે ત્યાં કેન્દ્રીય ટીમ મોકલવાની જરૂર નથી જણાતી?

ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના વીડિયો ટ્વીટને રિ-ટ્વીટ કરવાની સાથે ચતુર્વેદીએ આ વાત લખી હતી. આ સિવાય ગોહિલે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો, જે તેમણે ટ્વીટ કર્યો હતો.

પત્રમાં ગોહિલે માગ કરી છે કે કોરોનાની સારવારમાં અસંવેદનશીલતા કે લાપરવાહીના જે કિસ્સા બહાર આવી રહ્યા છે, તેને રાજકારણ ગણવાના બદલે સકારાત્મકતાથી લેવામાં આવે. પોતાના પત્રમાં તેમણે મોરબી અને ભાવનગરના કિસ્સા પણ ટાંક્યા હતા.

ગોહિલના કહેવા પ્રમાણે, 'કોરોનાની સારવારમાં લાપરવાહી થઈ રહી હોવાની તેમને રજૂઆતો મળી છે અને બેડ ઉપલબ્ધ ન હોવાની તેમણે જાતમાહિતી પણ મેળવી છે.'

શક્તિસિંહે દરેક જિલ્લામાં કોરોના મુદ્દે લોકોને હાલાકી પડતી હોય તો સીધી જ રજૂઆત કરી શકે તે માટે અધિકારીની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ તથા નરેન્દ્ર મોદીએ જેટલી મહેનત કરી, એટલી મહેનત કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે કરી હોત તો આજે આ સ્થિતિ ઊભી ન થઈ હોત. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે મોદીજી કોરોના મુદ્દે પહેલી પત્રકારપરિષદ ક્યારે ભરશે.

કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે લખ્યું કે, ગુજરાત પાસે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે પણ હૉસ્પિટલમાં પથારી કમી છે. ગુજરાત પાસે વિશ્વની સૌથી મોટી મૂર્તિ છે પણ હૉસ્પિટલમાં વૅન્ટિલેટરની કમી છે. વિશ્વની સૌથી મોટી ઉપલબ્ધિ ગુજરાત પાસે છે જેનો મને ગર્વ છે પણ જરૂરિયાતની ચીજ ન હોવાનું સૌથી મોટું દુ:ખ છે.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા અભિજિત સકપાલે ટ્વિટર ઉપર લખ્યું, "ગુજરાતમાં સાડા છ કરોડ લોકોની વસતિ છે, છતાં તેને વૅક્સિનના 80 લાખ ડોઝ મળ્યા. મહારાષ્ટ્રની વસતિ લગભગ બમણી છે, છતાં તેને માત્ર 85 લાખ ડોઝ જ મળ્યા. મહારાષ્ટ્રમાં સત્તા મેળવવામાં ભાજપ નિષ્ફળ રહ્યું એટલે આવા બેવડા ધોરણ અપનાવવામાં આવી રહ્યા છે."

જોકે, ભાજપ સરકાર રસીમાં રાજકારણનો આરોપ નકારે છે.

'કૉંગ્રેસના આરોપો પાયાવિહોણાં' - નીતિન પટેલ

ગુરૂવારે ગુજરાતના આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે 'સેંકડો લોકો દરરોજ વૉટ્સઍપ કે અન્ય માધ્યમથી ફૉરવર્ડ કરતા હોય ત્યારે તેની ખરાઈ કરવાનો સમય ન હોય તેના ઉપર ધ્યાન નહીં આપે.'

તેમણે 'યોગ્ય માધ્યમથી યોગ્ય રજૂઆત' આવે તો તેની ઉપર ધ્યાન આપવાની વાત પણ કહી હતી.

આ પહેલાં બુધવારે નીતિન પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસ કોરોના મુદ્દે રાજકારણ કરી રહી છે.

ગુજરાતના નાયબમુખ્ય મંત્રી અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે બુધવારે ગાંધીનગરમાં પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ગુજરાતમાં કોરોનાસંબંધિત કામગીરી વિશે માહિતી આપી હતી. સરકારે લીધેલાં પગલાં અંગે પટેલે કહ્યું :

"કોરોનાની મહામારી સામે આરોગ્ય વિભાગના હજારો કર્મચારીઓ જંગ લડી રહ્યા છે, ત્યારે કૉંગ્રેસે સરકાર તથા જનતાની પડખે ઊભા રહેવું જોઈએ, એના બદલે રાજકારણ રમી રહી છે."

"દેશમાં સૌથી વધુ વૅક્સિનેશનનું કામ ગુજરાતમાં થયું છે. 80 લાખ 70 હજાર કરતાં વધુ લોકોને રસી અપાઈ ગઈ છે."

20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુના નિર્ણયનો બચાવ કરતા પટેલે કહ્યું હતું કે રોજમદાર અને રોજનું રોજ રળીને ખાનારાઓને ધ્યાને રાખીને બિનજરૂરી રીતે લોકો એકઠાં ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

પટેલે કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ તથા અર્જુન મોઢવાડિયાના સરકાર ઉપરના આરોપોને 'મનઘડંત' અને 'માહિતી વગરના' ઠેરવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો