ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી પહોંચેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળ્યાં

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઉત્તર પ્રદેશના લખીમપુર પહોંચેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળ્યાં હતાં.

તેમણે પીડિત પરિવાર સાથે બેસીને વાતો કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં પીડિતોના ઘરની બહાર ભીડ પણ જામી હતી.

તેમની સાથે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્ય મંત્રી ચરણજિત ચન્ની, કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા પણ સાથે હતા.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચાર કૉંગ્રેસી નેતાઓ સાથે લખનૌ ઍરપૉર્ટથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા અને સીતાપુર પહોંચીને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

પ્રિયંકા ગાંધી લખીમપુર જવા ઇચ્છતાં હતાં પણ પોલીસતંત્રે તેમને સીતાપુરમાં જ રોકી રાખ્યાં હતાં.

રાહુલ ગાંધી આજે લખનૌ પહોંચ્યા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે યુપી પોલીસ તેમને ઍરપૉર્ટની બહાર નીકળવા નહોતી દેતી.

ઍરપૉર્ટથી રાહુલ ગાંધી પોતાની ગાડીઓમાં લખીમપુર જશે કે ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓમાં એના પર વિવાદ થયો હતો.

જોકે, પોલીસતંત્ર સાથેના વિવાદનો અંત આવતાં રાહુલ ગાંધી અને તેમના સાથીઓ પોતાની ગાડીઓમાં સવાર થઈને નીકળી ગયા હતા.

રાહુલ સાથે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ અને પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્ની તથા કૉંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા પણ હતા.

લખીમપુરમાં ઘટેલી હિંસાની ઘટના બાદ ત્યાં કોઈ પણ રાજકારણીના જવા પર રાજ્યસરકારે પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા ત્રણ અન્યોને જવાની મંજૂરી અપાઈ છે.

અખિલેશ યાદવ (સપા) તથા સતીશચંદ્ર મિશ્ર (બસપા) નજરકેદ છે, જ્યારે કૉંગ્રેસનાં પ્રિયંકા ગાંધી ગત બે દિવસથી અટકમાં છે.

દરમિયાન બુધવારે સવારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તથા સંસદસભ્ય રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી જવાની જાહેરાત કરી હતી.

ઘટનાસ્થળે જતા પહેલાં રાહુલ ગાંધીએ પત્રકારપરિષદને સંબોધી હતી.

બીજી બાજુ, ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે લખીમપુર ખીરીના ઘટનાક્રમ માટે જે કોઈ જવાબદાર હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

'ખેડૂતો ઉપર આક્રમણ'

રાહુલ ગાંધીએ કહ્યું, "છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ખેડૂતો ઉપર આક્રમણ થઈ રહ્યું છે. ખેડૂતોને જીપ નીચે કચડવામાં આવી રહ્યા છે, તેમની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના ગૃહમંત્રી વિશે વાત થઈ રહી છે, તેમના દીકરા વિશે વાત થઈ રહી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી."

રાહુલ ગાંધીએ ઉમેર્યું, "ખેડૂતો ઉપર સતત હુમલા થઈ રહ્યા છે, આ પહેલાં તેમની જમીન ઝૂંટવી લેવામાં આવી. ત્રણ કાયદા લાગુ કરવામાં આવ્યા છે, આથી ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. સરકારને ખેડૂતોની શક્તિનો અંદાજ નથી."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું :

રાહુલ ગાંધીએ કહ્યું કે "ગઈ કાલે મોદી લખનૌમાં હતા પણ તેઓ લખીમપુર ખીરી ના જઈ શક્યા. પોસ્ટમૉર્ટમ યોગ્ય રીતે નથી કરાઈ રહ્યું અને આ વિચારેલી રણનીતિ હેઠળ જો કોઈ કંઈ કહી રહ્યું છે તો એને બંધ કરી દેવામાં આવે છે."

રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી જવાની પોતાની યોજના અંગે ખુલાસો કરતાં કહ્યું કે, "144ની કલમ લાગુ છે એટલે પાંચ કરતાં વધુ લોકો જઈ ન શકે. એટલે અમે માત્ર ત્રણ જવા માગીએ છીએ. આ સંદર્ભે અમે વહીવટી તંત્રને પત્ર પણ લખ્યો છે."

રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે અન્ય પક્ષના નેતાઓને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ માત્ર તેમની પાર્ટીના નેતાઓને જ અટકાવવામાં આવી રહ્યા છે. હાથરસ દુષ્કર્મકાંડનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું :

"ઉત્તર પ્રદેશમાં ક્રિમિનલ કંઈ પણ કરી શકે છે. મર્ડર કરનારા, રેપ કરનારા બહાર ફરે છે તથા પીડિત જેલમાં સબડે છે અને પછી મૃત્યુ પામે છે."

'પ્રિયંકાનો નહીં, ખેડૂતોનો મુદ્દો'

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ લખીમપુર ખીરી જઈને પીડિતોના પરિવારને મળવા માગે છે. ત્યાંની પરિસ્થિતિને જોવા માગે છે તથા ધરાતલ પરની વાસ્તવિકતાને જાણવા માગે છે.

પ્રિયંકા ગાંધી અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ અટકમાં છે, તે વાત ખરી, પરંતુ આ ખેડૂતોનો મુદ્દો છે અને વિપક્ષનું કામ દબાણ લાવવાનું હોય છે.

પ્રિયંકા ગાંધી દ્વારા પોલીસ ઉપર મૂકવામાં આવેલા આરોપો અંગે પ્રતિક્રિયા આપતા રાહુલે કહ્યું, "અમને મારી નાખો, દાટી દો, અમારી સાથે ખરાબ વર્તન કરો, તેનાથી કોઈ ફેર નથી પડતો. એ અમારી તાલીમ છે. આ મુદ્દો ખેડૂતોનો છે તથા તેમની વાત કરતા રહીશું."

રાહુલે કહ્યું, "અમારું કામ દબાણ લાવવાનું છે. હાથરસમાં અમે દબાણ વધાર્યું હતું, ત્યારે કાર્યવાહી થઈ હતી. જો અમે હાથરસ ગયા ન હોત તો ગુનેગાર બચી નીકળ્યા હોત. સરકાર અમને આ મુદ્દાથી દૂર રાખવા માગે છે, જેથી કરીને તેમની ઉપર દબાણ ન આવે."

મીડિયા પર નિશાન સાધતાં રાહુલે કહ્યું કે દબાણ લાવવાનું કામ મીડિયાનું હોવું જોઈએ, પરંતુ મીડિયા પોતાનું કામ નથી કરતું અને ભૂલી ગયું છે. મીડિયાની સાથે ભારતની દરેક સંસ્થા ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે ભારતમાં અગાઉ લોકશાહી હતી, પરંતુ હવે સરમુખત્યારશાહી છે.

તેમણે કહ્યું : "આ સરમુખત્યારશાહી એટલા માટે છે કેમ કે મોટા પાયે ચોરી થઈ રહી છે. દરેક સ્તર ઉપર ચોરી થઈ રહી છે. પહેલાં ભારતમાં લોકશાહી હતી, હવે સરમુખત્યારશાહી છે. રાજનેતા યુપી નથી જઈ શકતા."

'રાજા હોય કે રંક, કાર્યવાહી થશે'

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સિદ્ધાર્થસિંહના કહેવા પ્રમાણે, લખીમપુર ખીરીના મામલે રાજા હોય કે રંક દરેકની સામે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું :

"ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સત્યને બહાર લાવવા માટે પ્રતિબદ્ધ છે. જે કોઈ દોષિત હશે, ચાહે રાજા હોય કે રંક તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે."

રાહુલ તથા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર નિશાન સાધતાં સિંહે કહ્યું :

"વિપક્ષ આ સંવેનશીલ મુદ્દે નકારાત્મક વલણ દાખવ્યું છે. તેમના માટે આ ફોટો ખેંચાવવા માટેની તક છે અને એજ તેમનો હેતુ પણ છે."

પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરી જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને સીતાપુરમાં અટકાવી દેવામાં આવ્યાં હતાં અને ગેસ્ટહાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યાં હતાં.

યુપી સરકારનું કહેવું છે કે જે કોઈને પીડિતોના પરિવારને મળવું હોય તેમને આગામી દિવસોમાં મળવા દેવામાં આવશે. અત્યારે તપાસપ્રક્રિયામાં અવરોધ ઊભો ન થાય, તે માટે તેમને અટકાવવામાં આવી રહ્યા છે અને કોઈને માહોલને ખરાબ કરવા દેવામાં નહીં આવે.

પોસ્ટમૉર્ટમમાં ખોટું થયું હોવાના આરોપોને સિંહે નકારી કાઢ્યા છે. એક પરિવારે આશંકા વ્યક્ત કરી હતી તો ચાર સભ્યોની કમિટી પાસે ફરીથી પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યું હતું.

જોકે બાદમાં બુધવારે યુપીના ગૃહ વિભાગે રાહુલ ગાંધી, કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત ત્રણ અન્ય નેતાઓને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી દીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો