સુરતના એ.કે. રોડ પર આવેલી કાપડ મિલમાં આગ, 24 લોકોને બચાવાયા, ફાયરકર્મી બેભાન

આગ

ઇમેજ સ્રોત, DHARMESH AMIN

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સુરતના એ.કે. વિસ્તારમાં આવેલી લબ્ધિ કાપડ મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે.

આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને બચાવવાની કામગીરી ફાયરબ્રિગેડે કરી હતી. જેમાં 24 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી.

અને 15થી વધારે વ્યક્તિઓને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

બીબીસીના સહયોગી ધર્મેશ અમિનને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયે કહ્યું હતું કે "મિલમાં લાગેલી આગની ઘટનામાં 24 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિનું હાલ સુધી મૃત્યુ થયું નથી. આ બચાવ કામગીરીમાં એક ફાયરકર્મી બેહોશ પણ થયા હતા."

આગ

ઇમેજ સ્રોત, DHARMESH AMIN

હાલ તો ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે.

હાલમાં આગને કાબૂમાં લીધી છે અને મિલમાં રહેલો તમામ કાપડનો સામાન બળી ગયો છે.

line

ગુજરાતી રંગકર્મી અરવિંદ જોષીનું નિધન

અરવિંદ જોષી

ઇમેજ સ્રોત, Twitter

ગુજરાતી થિયેટર ઍક્ટર અને ડિરેક્ટર અરવિંદ જોષીનું શુક્રવારે સવારે મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં અવસાન થયું છે.

અરવિંદ જોષી બોલીવૂડના જાણીતા ઍક્ટર શરમન જોશીના પિતા હતા.

અરવિંદ જોષીએ ફિલ્મ કરતાં વધારે કામ ગુજરાતી થિયેટરમાં કર્યું છે. તેમણે શોલે અને ઇત્તેફાક અને અપમાન કી આગ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બોલીવૂડ એક્ટર પરેશ રાવલે ટ્વીટ કર્યું હતું કે, જાણીતા એક્ટર અરવિંદ જોષીના ગુજરી જવાથી ઇન્ડિયન થિયેટરને ઘણું નુકસાન ગયું છે, હું જ્યારે તેમના પરફોર્મન્સ વિશે વિચારું છું ત્યારે ઉચ્ચ દરજ્જાના, વર્સેટાઇલ કલાકાર, કુશળ નટ જેવા શબ્દો મને ધ્યાનમાં આવે છે. શરમન જોષી અને તેમના પરિવારને દુ:ખમાં સહાનુભૂતિ વ્યક્ત કરું છું.

line

ભારત કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020માં 86મા ક્રમે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારત કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2020માં ગત વર્ષનું 80મું સ્થાન ગુમાવી 86મા ક્રમે પહોંચ્યું છે એમ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.

નોંધનીય છે કે આ ઇન્ડેક્સ પ્રમાણે ભારતનો સ્કોર 40 પૉઇન્ટ રહ્યો હતો. જે ગત વર્ષે 41 પૉઇન્ટ રહેવા પામ્યો હતો.

નિષ્ણાતો અને ધંધાદારી લોકોના અભિપ્રાય મુજબ દર વર્ષે ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ દ્વારા 180 દેશોના જાહેર ક્ષેત્રમાં કરપ્શનના લેવલના આધારે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. જેમાં દરેક દેશને 100 પૉઇન્ટમાંથી તે દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને આધારે પૉઇન્ટ આપવામાં આવે છે. જેમાં શૂન્ય એટલે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર સૂચવે છે જ્યારે 100 પૉઇન્ટ બિલકુલ ભ્રષ્ટાચાર ન હોવાની સ્થિતિ સૂચવે છે.

આ ઇન્ડેક્સ પ્રમાણે ડેનમાર્ક અને ન્યૂઝીલૅન્ડ જાહેર ક્ષેત્રમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતા દેશો તરીકે સામે આવ્યા છે. બંને દેશોનો સ્કોર 88 પૉઇન્ટ રહ્યો હતો. જ્યારે ફિનલૅન્ડ, સિંગાપોર, સ્વીડન અને સ્વીટઝર્લૅન્ડ 85 પૉઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા.

અગાઉંનાં વર્ષોની જેમ જ વિશ્વના બે તૃતિયાંશ કરતાં વધુ દેશો 50નો સ્કોર 50 કરતાં ઓછો રહ્યો હતો, જ્યારે વૈશ્વિક સરેરાશ 43 રહેવા પામી હતી.

line

15 વર્ષથી ગેરકાયદેસર રહેતા અફઘાનીની ગુજરાત ATS દ્વારા ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) દ્વારા ગુરુવારે 15 વર્ષથી અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં રહેતા અફઘાની વ્યક્તિ, સરદારખાન પઠાણની ધરપકડ કરાઈ હતી. અહેવાલ અનુસાર આરોપીએ પોતાની ઓળખના પુરાવા ઊભા કરવા માટે નકલી આધાર કાર્ડ, પાનકાર્ડ, મતદાર કાર્ડ અને રૅશનકાર્ડ પણ બનાવડાવ્યાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ATSના એસ. પી. ઇમ્તિયાઝ શેખે કહ્યું કે તેમણે આરોપીની ફોરેનર્સ ઍક્ટ અને પાસપોર્ટ ઍક્ટ અંતર્ગત ધરપકડ કરી છે.

તેમણે વધુ વાત કરતાં કહ્યું કે, “અમને આરોપી પાસેથી બે ભારતીય પાસપોર્ટ, ઇસ્લામિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના સિક્કાવાળા ડૉક્યુમેન્ટની કૉપી અને પાકિસ્તાની ઓળખનો પુરાવો મળ્યો છે. અમે તેમને ધરપકડ પહેલાં કોરોનાની તપાસ માટે મોકલી આપ્યા છે.”

ATSના સૂત્રો અનુસાર તેમણે બાતમી અનુસાર મિર્ઝાપુર વિસ્તારમાં શ્રેયસ પ્લાઝામાં તપાસ કરી જ્યાં તેમને આરોપી મળી આવ્યા હતા.

એસ. પી. શેખે જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે અફઘાનિસ્તાનના હોવાની અને પાછલાં 15 વર્ષથી અમદાવાદમાં રહેતા હોવાની વાત કબૂલી છે.

line

AAP ગુજરાત સહિત છ રાજ્યોમાં ચૂંટણી લડશે

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

ગુરુવારે આમ આદમી પાર્ટી (આપ) તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આવનારાં બે વર્ષોમાં છ રાજ્યોમાં ચૂંટણીમેદાનમાં ઝંપલાવશે. આપ દ્વારા ભવિષ્યમાં જે રાજ્યોમાં ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ છે, તેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને હિમાચલ પ્રદેશ સામેલ છે.

જાગરણ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આપના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની નવમી કાઉન્સિલ મિટિંગમાં જાહેરાત કરી કે, “આમ આદમી પાર્ટી આગામી બે વર્ષોમાં છ રાજ્યોમાં ચૂંટણી લડશે.”

કેજરીવાલે આગળ કહ્યું કે, “બીજા પક્ષો પાસે કોઈ વિઝન નથી તેથી તેઓ ભૂતકાળની વાતો કરે છે. આપ એકમાત્ર પક્ષ છે જે ભવિષ્ય વિશે વાત કરે છે. અને જેની પાસે 21મી અને 22મી સદીનું વિઝન છે.”

આ સાથે જ તેમણે પોતાના પક્ષના કાર્યકર્તાઓને પક્ષની ગ્રાસરૂટ લેવલે પકડ મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી. જેથી પક્ષમાં ‘આપ’ એ મોટી રાજકીય શક્તિ તરીકે ઊભરી આવી શકે.

line

રેપ કેસમાં જામીન મેળવવા માટે આશારામની અરજી

આશારામ

ઇમેજ સ્રોત, Getty Images

ગુરુવારે આશારામે રેપ કેસમાં પોતાનાં બીમાર પત્નીની સારસંભાળ રાખવા માટે 30 દિવસના કામચલાઉ જામીન મેળવવા માટે ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં અરજી કરી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ગાંધીનગરમાં એડિશનલ સેશન્સ જજ એસ. એન. સોલંકી સમક્ષ આ અરજી દાખલ કરાઈ હતી.

કોર્ટ દ્વારા આ અરજીની સુનાવણી 30 તારીખે કરવામાં આવશે.

નોંધનીય છે કે વર્ષ 2013થી જેલમાં બંધ 79 વર્ષીય આશારામ ગુજરાતના પાટનગરમાં રેપ કેસમાં સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ફેસ કરી રહ્યા છે.

હાલ તેઓ જુદા જુદા રેપ કેસોના આરોપમાં રાજસ્થાનની જેલમાં બંધ છે.

આ અરજીમાં આશારામના પક્ષે કહેવાયું છે કે તેમનાં પત્ની લક્ષ્મીદેવી ગંભીરપણે બીમાર છે અને તેમની બાયપાસ સર્જરી કરાવવાની હોઈ તેમની સારસંભાળ માટે 30 દિવસના જામીન આપવામાં આવે.

અરજી પ્રમાણે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલના ડૉક્ટરોએ આશારામનાં પત્નીને બાયપાસ સર્જરી કરાવવા માટે સલાહ આપવામાં આવી છે.

અરજી અનુસાર આશારામ સર્જરી દરમિયાન અને તે પછી પોતાનાં પત્ની પાસે રહે એ જરૂરી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો